મેટિની

સાહિત્ય વિરુદ્ધ સિનેમા: જુડવે જુડવે નૈના…

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

કચરાના એક ડબ્બા પાસે બે બકરી ચરી રહી હતી. કચરામાં ‘દેવદાસ’ ફિલ્મની રીલ હતી અને એક કિતાબ હતી. મજાની વાત એ છે કે જે કિતાબ હતી એની જ વાર્તા પરથી બનેલી પેલી ફિલ્મની રીલ ત્યાં પડી હતી. એક બકરીએ થોડીક ફિલ્મની રીલ ખાધી અને થોડાંક પુસ્તકનાં પાનાં ચાવ્યા. બંને ચાખ્યા પછી એણે બીજી બકરીને કહ્યું : ‘ચોપડી બહેતર હતી… ફિલ્મમાં એવી મજા નહોતી !’

સિનેમા અને સાહિત્ય બેઉ એક જ પ્રેમીની બે સૌતન. કોણ ચઢે? કોણ વધુ લોકપ્રિય? કોણ શ્રેષ્ઠ? એ ચર્ચા થતી રહી છે, વર્ષોથી. એક સિક્કાની બે બાજુ નથી, પણ બે બાજુવાળા એક સિક્કા જેવી વાત છે. વિદ્વાનો કહે છે પુસ્તકો શ્રેષ્ઠ છે- સિનેમાપ્રેમી કહે છે ફિલ્મોમાં જ મજા છે પણ હમણાં ‘છાવા’ ફિલ્મ જે બહુ ચર્ચામાં છે, તે પણ શિવાજી સાવંતની મરાઠી નોવેલ પર આધારિત છે.

તો શું ચડે? સાહિત્ય કે સિનેમા? અમે કહીએ છીએ કે એ ઓઈલ અને પાણીની સરખામણી જેવી બાલિશ વાત છે. સિનેમા ‘બીસ્ટ’ છે, સાહિત્ય ‘બ્યુટી’ છે. આ ‘બ્યુટી અને ‘બીસ્ટ’ વાળી નેવર એન્ડિંગ લવસ્ટોરી છે. બંને એકબીજાને પૂરક છે, પણ ખતરનાક શરતો સાથે ‘કન્ડિશન્સ એપ્લાય’ના લટકણિયા સાથે! હોલિવૂડના નિર્માતાઓ પણ આ જ વાત કહેતા હોય છે ફરક માત્ર દેશ-દુનિયા ને ભાષાનો છે.

માણસનો સો ગણો મોટો ચહેરો એના હાવભાવ ‘ક્લોઝ અપ’થી પડદા પર દેખાય છે. પુસ્તકમાં નહીં. પુસ્તકમાં તમારાં મન, વિચારને હલાવી કે સ્પર્શી જતી વાત હોય છે, પણ સંગીત, થ્રીલ, રોમાંચ નથી. છે તો… દૃશ્ય હોય છે, પણ સાઉન્ડ નહીં… જે વાત એક ‘શોટ’થી દેખાઈ શકે છે એ માટે લેખકે બે પાનાંનું વર્ણન કરવું પડે છે. સિનેમાને 1000-2000 લોકો એક સાથે માણે છે. બીજી તરફ, પુસ્તક માણસ એકલો વાંચે છે, પુસ્તકની વાર્તામાં લોકો પોતાની કલ્પનાઓથી વિચારે છે, જ્યારે સિનેમામાં બધું સામે તરત જ દેખાય છે. ફિલ્મ એ ભાગતી વાર્તાશૈલી છે. ત્યાં વિચારવાનો મોકો નથી મળતો. એક સેક્ધડમાં ચોવીસ ફ્રેમ દોડતી હોય તો જ ‘મૂવિંગ’ એટલે કે હાલતું ચાલતું ચિત્ર દેખાય. સિનેમા એક એવું પોપકલ્ચર છે, જેની લોલીપોપ દરેક સાહિત્યકાર ચૂસવા લલચાય છે અને પછી આખી જિંદગી મોંમાં કડવો સ્વાદ રહી જાય છે.

સાહિત્યકારોની હંમેશાં ફરિયાદ હોય છે કે સિનેમાવાળા બહુ ચાલુ હોય છે, લુચ્ચા હોય છે… અમારી મહાન રચનાને સમજતા નથી-, બગાડી મૂકે છે! વગેરે વગેરે..પણ શરદબાબુ, પ્રેમચંદ, મન્ટો, મેઘાણી, ઈસ્મત ચુગતાઈ, કમલેશ્વર, મધુ રાય, રાહી માસૂમ રઝા જેવા અનેક મહારથી લેખકો હિંદી ફિલ્મોમાં આવી ‘અમે નથી રમતાં જાવ’ કહીને હાથપગ ઘૂંટણ પર ઘા લઈને રિસાઈને જતા રહ્યા છે.

હિંદી સિનેમા એક જાયન્ટ કેસીનો કે જુગારખાનું છે, જ્યાં સાહિત્યના લેખકો હંમેશાં હારવા માટે જ જાય છે. હોલિવૂડમાંય વિખ્યાત હેમિંગ્વે હોય કે સ્ટીફન કિંગ જેવા બેસ્ટસેલર હોરર નવલકથાકાર હોય, પોતાની કિતાબ પરથી બનેલી ફિલ્મો જોવાની હિંમત નથી કરતા. બેસ્ટસેલર રાઇટર જેફ્રી આર્ચરે એક મુલાકાતમાં કહેલું : ‘લેખકો બે પ્રકારના હોય છે એક જે સારું સુંદર લખે છે એ ‘લેખક’ અને બીજો એટલે કે ‘સ્ટોરી ટેલર’ ‘કથાકાર’ રસ પડે એવી કથા કહો તે!’ છતાં પણ મોટા ભાગના સ્ટાર્સની સફેદ કફની પહેરેલા લેખકો આ બેઝિક ફરક સમજતા નથી.

સિનેમા પ્રચંડ ઓરકેસ્ટ્રા છે, જ્યાં સંગીત છે, શોર છે, ગુલ છે… સાહિત્ય એકાકી એકલું ગીત છે. સાહિત્ય એ શાશ્વત નદી છે, જે સદીઓથી વહે છે અને એમાં સિનેમા, રેડિયો, ટી.વી., ઇન્ટરનેટવાળા આવી ખોબે ખોબે પીવે છે ને ‘નદી’ને ગંદી કરીને જતા રહે છે. એ જ બજાર પાસે બંધુભાવની અપેક્ષા રાખવી એ રાખનારની મૂર્ખતા છે. સાહિત્ય હંમેશાં શુદ્ધ સર્જનની દ્રષ્ટિએ એક મુઠ્ઠી ઊંચું રહ્યું છે અને ફિલ્મો એની લોકપ્રિયતા કે પહોંચને કારણે ઉપર છે.

વળી લેખકોય કાંઈ દૂધના ધોયેલાં નથી હોતા. આખી જિંદગી ‘નિર્મોહ’ અને ‘લાગણી’ અને ‘સામ્યવાદ’ની વાતો લખી- બોલીને પછી ફિલ્મ નિર્માતાઓ પાસે બે પેગ વ્હીસ્કી અને બે-પાંચ લાખ રૂપિયા માટે સાવ ઝૂકી જાય છે. એ લોકો પૈસા કમાવા માટે લૂંટારાઓની અદાએ આવે છે અને પછી જખ્મી થઈને પાછા પોતાની કિતાબોની દુનિયામાં જતા રહે છે. લેખકની ટેલેન્ટ, એના સમ્માન કે એની ગરિમા પર કોઈ જ સવાલ નથી, પણ મોટે ભાગે લેખકો સિનેમાને અને એના ધંધાને સમજી નથી શકતા. સાહિત્યકાર કાફકા કહેતાં કે દરેક લેખકે બે હાથે કામ કરવાનું હોય છે. એક હાથે લખવાનું અને બીજા હાથે દુનિયાના પ્રહાર ઝિલવાના! પણ ફિલ્મી લેખકે દસ હાથેથી કામ કરવું પડે છે. એક હાથે લખવાનું બીજે હાથે નિર્માતા નિર્દેશક જોડે લખવાનું, ત્રીજે હાથે અભિનેતા જોડે, ચોથે હાથે સેન્સર બોર્ડ અને સરકાર જોડે, પાંચમે હાથે પ્રેક્ષકોના જૂતાં સાથે, છઠ્ઠે હાથે વાંઝણા વિવેચકો સામે … અને રેડિયો, ટી.વી., સિનેમા એ મીડિયા તો છે જ કતારમાં ઊભેલાં !

મીડિયા એક મોન્સ્ટર છે- રાક્ષસ, એને રોજ નવો નવો ચારો-ખોરાક જોઈએ છે. પુરાણો, લોકકથા, છાપાંની હેડલાઈન્સ, નવલકથાઓ, વાર્તાઓ એ બધું જ ચાવી જાય છે. સિનેમાને સાહિત્ય વિના નહીં ચાલે. સાહિત્યને કદાચ ચાલી જશે. સાહિત્ય એ નોળવેલ છે જેને ઘવાયેલો સાપ સૂંઘીને-ચાવીને પાછો તાજોમાજો થઈ જાય છે! કોઈએ સાચું જ કહ્યું છે : ‘સાહિત્ય એ લક્ઝરી છે, સિનેમા એ જરૂરિયાત!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button