મેટિની

સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, સરસ તો માત્ર આંખ સુધી પહોંચે જ્યારે સરળ હૃદય સુધી…

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

૨૦૨૩ નું વર્ષ પૂરું થયું અને ૨૦૨૪ નું વર્ષ શરુ પણ થઇ ગયું. નવા વર્ષનો આ પહેલો લેખ. દરેક વાચકોને આપણી ગરવી ગુજરાતી ભાષામાં નવું વર્ષ મુબારક.
તુષારભાઈને જણાવ્યા વગર રીહર્સલ બંધ કરી દીધા.કલાકારોને કહ્યું કે બે દિવસ પછી ફોન કરી, ફરી રીહર્સલ ક્યારે શરુ કરીએ છીએ એની જાણ કરીશું. ખોટું બોલી મેં જાણે મારા અહમને પોષી લીધો. મનમાં ખોટું કરવાનો ખંચકાટ તો હતો, અને એ હોય જ જયારે જુનું નાટક નવા નામે રજુ કરવાનો આખો તખ્તો તૈયાર થઇ ગયો હોય ! રાત્રે મને ઊંઘ પણ ન આવી. ઘણાને ઘોંઘાટમા ઊંઘ નથી આવતી અને કોઈકને કોઈનું મૌન સુવા નથી દેતું. મારી હાલત એવી જ હતી. રીહર્સલ બંધ કરવાનું મૌન મને સુવા નહોતું દેતું.
‘બૈરી મારી બાપ રે બાપ’ ચંદ્રવદન ભટ્ટ સાથે સફળ નાટક કર્યું. પછી ‘ભાગ્ય રેખા’ ની સરિયામ નિષ્ફળતા પણ એમની સાથે જ જોઈ. એમના ફોન એકાંતરે આવ્યા કરતાં. લગભગ ભાવના ભટ્ટ જ ફોન કરતી.મારો એક જ જવાબ રહેતો કે સારી સ્ક્રીપ્ટ હાથમાં આવતા તરત તમને જણાવું છું.’ વાસ્તવમાં મારી એ બાબત તપાસ તો ચાલુ જ હતી. મારી વાત ભટ્ટ સાહેબ સાથે સીધી અને સરળ ભાષામાં જ થતી.સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, સરસ તો માત્ર આંખો સુધી પહોંચે જયારે સરળ હૃદય સુધી. મારી વિચારધારા હંમેશા ભટ્ટ સાહેબના હૃદય સુધી પહોંચવાની રહેતી. કોણ જાણે કેમ કે મેં આજે રીહર્સલ બંધ કર્યા છે’ એ વાત એમના સુધી કેમ પહોંચી ગઈ.. બીજે દિવસે જ એમનો મને ફોન આવ્યો…
ભટ્ટ સાહેબ: કોણ, દાદુ?
હું: હા. ભટ્ટ સાહેબ..(ફોન પર એમનો અવાજ હું ઓળખાતો થઇ ગયેલો.)
ભટ્ટ સાહેબ: શું ચાલે છે આજ-કાલ !
હું: બસ! સ્ક્રીપ્ટ સારી મળી જાય એની શોધમાં છું.
ભટ્ટ સાહેબ: જો દીકરા. મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી..
હું: હું કઈ સમજ્યો નહિ…
ભટ્ટ સાહેબ: મારાથી કેટલું છુપાવીશ?
હું: એટલે?
ભટ્ટ સાહેબ: મને ખબર છે કે તે બંધ પડેલા નાટકને રીવાઈવ કરવા રીહર્સલ શરુ કરેલા અને ગઈ કાલે બંધ કરી દીધા છે ?
હું: તમને ખબર પડી જ ગઈ છે તો મારો જવાબ છે હા’. હકીકતમાં રીવાઈવલમાં મારું મન માનતું નહોતું.
ભટ્ટ સાહેબ: બધા નાટક ‘ભાગ્ય રેખા’ ન બને. મને તારી બધી વાતની ખબર પડતી હોય છે. ખબરઅંતરનો અર્થ છે કે અંતર’ ભલે ગમે તેટલું હોય પણ ખબર’ રાખવી એ જ સાચી લાગણી. મને તારા માટેની લાગણીએ જ આ ખબર પહોંચાડી કે તે રીહર્સલ બંધ કર્યા છે.
હું: હા,બંધ કર્યા છે અને એના નિર્માતાને મેં જાણ સુધ્ધા નથી કરી. એ પારડી રહે છે એ વાતનો મેં લાભ…કહો કે ગેરલાભ લીધો છે, કારણ કે એની ઇચ્છા તો આ વિષય ફરી રજુ કરવાની છે..
ભટ્ટ સાહેબ; તો એમાં તને શું પ્રોબ્લેમ? જયારે ખુદ નિર્માતાને સમજાવ્યા છતાં એ આ જ વિષય ઉપર જુગાર રમવા તૈયાર હોય ત્યારે.!
હું: મને. મારા કારણે,જાણવા છતાં, સમજાવ્યા છતાં નિર્માતા પૈસા ગુમાવે એ ગમતું નથી.
ભટ્ટ સાહેબ: એમને આશા હશે, વિશ્વાસ હશે આ સબ્જેક્ટ પર. બેટા, કિરણ સુરજનું હોય કે આશાનું જયારે નીકળે છે ત્યારે બધા અંધકાર દુર કરી દે છે. સંભવ છે એમની આશા ફળે પણ ખરી.
હું: તો તો છાનું છમકલું’ રજુ કર્યું ત્યારે ફળી ગઈ હોત. ફેઈલ થયેલો વિષય ફરી પાસ કઈ રીતે પ્રેક્ષકો કરવાના!
ભટ્ટ સાહેબ: ….તો એ નાટક હું કરું?
(હું એકદમ શાંત અને મૌન થઇ ગયો. ત્યાં ભટ્ટ સાહેબે બોલવાનું શરૂ કર્યું.)
ડીરેક્ટ તું જ કરજે. માત્ર મારું ફીનાન્સ અને મારું રંગફોરમ’ નું બેનર રહેશે.
બે ઘડી હું હવે રીવાઈવલ માટે ઉત્સાહમા આવી ગયો. થીયેટરોની તારીખોની લમણાઝીકને રંગફોરમ ’બેનર ઉગારી લે એ હવે શક્ય હતું.
હું: થેંક યુ…ભટ્ટ સાહેબ. સૈધાંતિક રીતે મારે તુષારભાઈને પૂછવું તો પડે કારણકે નાટકના ભજવણીનાં રાઈટ્સ રાજેન્દ્ર શુકલે તુષારભાઈને આપેલ છે.
ભટ્ટ સાહેબ: આપણે ક્યા બારોબાર આપણા નામે શરુ કરી દેવું છે?તું એમને પૂછી જો…પછી ન માને તો
એમની મરજી. એમને ભાગીદારીમાં કરવું હોય તો એ પણ મારી તૈયારી છે.
હું: એ તમારી સારપ છે. મને બે દિવસનો સમય આપો, હું જરૂર ફોન કરી તમને જણાવું છું.
મેં ફોન મુક્યો. મને થયું દુનિયા કેટલી નાની છે. હજી મેં અને રાજેન્દ્રએ નક્કી કર્યું અને વાત ભટ્ટ સાહેબ સુધી પહોંચી ગઈ! મેં તરત ફોન કરી આખી વાત રાજેન્દ્રને કરી. રાજેન્દ્ર તો આમ પણ તુષારભાઈની રીવાઈવલની વાતને વળગી જ રહ્યો હતો, પોતાના પહેલા લખાયેલ નાટકના સેન્ટીમેન્ટસ જે હતા. એણે તરત કહ્યું, આ તો બહુ સારું. તું તુષારભાઈને ફોન કરી વાત તો કરી જો.. બહુ બહુ તો નાં પાડશે, બીજું શું થવાનું છે?
મને રાજેન્દ્ર પાસેથી આવા જ જવાબની અપેક્ષા હતી.
મને સમજાતું નહોતું કે સરિયામ નિષ્ફળ નીવડેલ નાટક ફરી પ્રેક્ષકો કઈ રીતે સ્વીકારે? એક સારી વાત મને સમજાતી હતી કે સફળતા એક દિવસમાં નથી મળતી, પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે.રાજેન્દ્ર અને તુષારભાઈએ આ વાત જાણે નક્કી જ કરી લીધી હશે.જેમને નાટકની કથાવસ્તુ પણ ખબર નથી એવા રંગભૂમિના ભીષ્મપિતામહ તુલ્ય પણ આ નાટક કરવાની જાણે મનમાં ગાંઠ વાળી લીધી હતી.
મેં તુષારભાઈને ફોન કર્યો.થીયેટરના પ્રોબ્લેમનું આ બેસ્ટ સોલ્યુશન છે એ પણ સમજાવ્યું.સામે તુષારભાઈની દલીલ હતી કે એટલે હું આ નાટકમાંથી બહાર? જો ફીનાન્સ ભટ્ટ સાહેબ કરે તો એ દ્રષ્ટીએ એમની દલીલ સાચી હતી. મેં બીજો મમરો પાર્ટનરશીપનો મુકતા કહ્યું કે એવું હોય તો બંને ભાગીદારીમાં આ પ્રોજેક્ટ કરો. આપણો થીયેટરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય. તો મને કડક શબ્દોમાં તુષારભાઈએ કહ્યું, સોરી દાદુ ! ભાગીદારી મને માફક નથી આવતી. એ મને ક્યારેય સદતી જ નથી.ઉ

જિંદગીનું ગીત કઈક એવું ગાવું છે, છેલ્લા શ્ર્વાસે વન્સ-મોર લઈને જાવું છે.
ડબલ રિચાર્જ

સાંતાકલોઝ કાયમ પુરુષ જ કેમ હોય છે?
કારણ કે કોઈ સ્ત્રી દર વર્ષે એકનો એક ડ્રેસ પહેરે જ નહિ ને!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા