અખિયોં કે ઝરોખોં સે મળીએ… હેમલતાને!
‘બેબી લતા’નું બિરુદ પામનારાં હેમલતાજી પર લતા મંગેશકરને અપાર પ્રેમ હતો!

ફિલ્મનામા -નરેશ શાહ
સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે ગાયિકા હેમલતાએ અનેક યાદગાર ગીતો આપ્યા સ્મૃતિને તાજી કરવા માટે જ હેમલતાજીએ ગાયેલાં આ ગીતોને જરા તાજાં કરી લો તું જો મેરે સૂરસેં, સૂર મીલા લે.. જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના… તું ઈસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ… અને અખિયોં કે ઝરોખોં સે..નાં તમામ ગીત તેમ જ ‘બાલિકા વધૂ’નું ઓ’લું કાન પ્રસિદ્ધ ગીત:
બડે અચ્છે લગતે હૈ, યે ધરતી, યે નદિયા, યે રૈના ઔર તુમ! અત્યારે એકોતેર વરસની ઉંમરે મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતાં હેમલતાએ એમની કેરિયરમાં એકસો દશથી વધુ હિન્દી ફિલ્મો માટે ગાયું હતું. નોંધવા જેવી વાત એ છે કે 1995 પછી હેમલતાજીએ ગાયું હોય તેવી એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, છતાં એય મુદ્દા નીચે લાઈન દોરવી રહી કે દૃષ્ટિહીન સંગીતકાર-ગીતકાર રવિન્દ્ર જૈનની મોટા ભાગની લોકપ્રિય ફિલ્મો (ચોર મચાયે શોર, ફકિરા, ગીત ગાતા ચલ, દો જાસૂસ, તપસ્યા, દુલ્હન વહી જો પીયા મન ભાએ, અખિયોં કે…, પતિ-પત્ની ઔર વો, સુનયના વગેરે)માં મુખ્ય સ્વર હેમલતાજીનો જ રહ્યો છે.
સંગીતકાર રવિન્દ્ર જૈન અને હેમલતાજી વચ્ચે ગજબનાક ટયૂનિંગ હતું. એ રવિન્દ્ર જૈનને મોટાભાઈ જેવો આદર આપતાં (અને એટલે અમુક ફિલ્મી ગોસીપથી એક સમયે બહુ ડિસ્ટર્બ પણ થઈ ગયાં હતાં!) રવિન્દ્ર જૈન સાથે હેમલતાજીના બોન્ડિંગનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, ખુદ હેમલતાજીના પિતા જયચંદ ભટ્ટે મોતિયાની સારવાર પછી અકસ્માતે બન્ને આંખોની દૃષ્ટિ ગુમાવી દેવી પડી હતી. આ હેમલતાજી થોડી ઈન્ટરેસ્ટિંગ અને અ-જાણી પણ જાણી લેવા જેવી વાતો પેશ કરીએ છીએ.
માત્ર સાત વરસની ઉંમરે હેમલતાજીએ કલકતાના રણજિત સ્ટેડિયમમાં સ્ટેજ પરથી પફૉર્ર્મ કર્યું ત્યારે એમની આગળ-પાછળ ગાનારા ગાયકોમાં હેંમતકુમાર, લતા મંગેશકર, ઉષા મંગેશકર અને સંધ્યા મુખર્જી હતાં છતાં ‘બેબી લતા’ના નામે સ્ટેજ પર બોલાવાયેલા હેમલતાએ પ્રથમ બાંગ્લા ગીત ગાયું તો વન્સ મોરનો એવો પડઘો પડ્યો કે લાગલગાટ અગિયાર બંગાળી અને એક હિન્દી ગીત એમણે પબ્લિક ડિમાન્ડ પર ગાવાં પડ્યાં! હિન્દી ગીત હતું: જ્યોતિ કલશ છલકે હેમલતાજીના પિતા જયચંદ ભટ્ટ સ્વયં શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા અને ગુરુ હતા. હેમલતા એમનું પ્રથમ સંતાન. એ પછી ત્રણ પુત્ર: વિનોદ, રાજેશ અને ગોપાલ. વિનોદ અને રાજેશ સંગીતના ક્ષેત્રમાં જ આવ્યા, પણ ખાસ કશું ઉકાળી શક્યા નહીં. વ્યસનોએ બન્ને ભાઈઓને આગળ વધવા દીધા નહીં અને માતા અંબિકા-પિતા જયચંદ ભટ્ટની જેમ ત્રણેય ભાઈએ પણ એક પછી એક દુનિયામાંથી વિદાય લઈ લીધી. પોતાના પરિવારના એકમાત્ર વારસદાર હેમલતાજી બન્યાં.
આ પણ વાંચો…લતાજીને ઘરમાંથી ઠપકો કેમ મળ્યો?
‘બેબી લતા’ તરીકે ખ્યાતિ પામેલી પુત્રી હેમલતાને લઈને પિતા જયચંદ ભટ્ટ મુંબઈ આવ્યા ત્યારે એક ગજબનાક ઘટના બની. કવ્વાલ અઝીઝ નાઝાએ એમને (પિતા-પુત્રીને) નૌશાદને મળવા મોકલ્યાં. એ સમયે સંગીતકાર નૌશાદ હિન્દી સંગીત-જગતના સુપરસ્ટાર ગણાતા. હેમલતાજીને સાંભળ્યાં પછી નૌશાદજી અત્યંત પ્રભાવિત થયા અને હેમલતાજી સાથે પાંચ વરસ માટેનો એકસકલુઝિવ કરાર કર્યો. હેમલતાજીએ પાંચ વરસ માટે માત્ર નૌશાદજી માટે જ ગાવાનું હતું. આમ જુઓ તો ‘યશરાજ ફિલ્મ્સ’વાળા નવોદિત કલાકારની સાથે કૉન્ટ્રાક્ટ કરે એવી આ વાત થઈ. નવોદિત માટે ગોળનું ગાડું મળ્યા જેવું ગણાય, પણ પાંચ વરસના કરારની વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વહેતી થઈ એ સાથે જયચંદજીને સલાહ મળી કે, (કરાર કરીને) તમે દીકરી હેમલતાની કેરિયરને બ્રેક મારી દીધી છે. પાંચ વરસમાં નૌશાદ ત્રણ ફિલ્મોમાં મ્યુઝિક આપે તો વધીને હેમલતાના ભાગે ચાર પાંચ ગીત આવે, પણ… હેમલતા કરારને કારણે બીજા સંગીતકાર માટે ગાઈ શકશે નહીં! આખરે જયચંદજીએ નૌશાદજી અને હેમલતા વચ્ચે થયેલો કરાર રદ કર્યો અને હેમલતાજી માટે સ્ટ્રગલ શરૂ થઈ.
આ પણ વાંચો…અઘોરીઓ સાથે પાંચ દિવસ -પ્રકરણ -13
કોઈની ભલામણથી જયચંદજી પુત્રી હેમલતાને લઈને સંગીતકાર ઉષા ખન્નાને મળવા ગયાં. ઉષા ખન્નાએ ઘરમાં જ હેમલતાજીને સાંભળીને બીજે દિવસે સ્ટૂડિયો પર બોલાવ્યાં. જયચંદજીએ માન્યું કે સ્ટુડિયો પર હેમલતાના વૉઈસનો ટેસ્ટ લેવામાં આવશે, પણ ઉષાજીએ તો બીજી દિવસે પોતાની ફિલ્મ ‘એક ફૂલ, એક ભૂલ’ માટેનું ગીત હેમલતા પાસે રેકોર્ડ કરાવ્યું. પ્રથમ ટેકમાં જ રેકોર્ડિંગ થઈ ગયું. આખા સ્ટુડિયોમાં તેની ચર્ચા ચાલતી હતી ત્યાં (બપોરની શિફટ માટે આવનારા) કલ્યાણજી-આણંદજીએ મેસેજ મોકલ્યો કે હેમલતાને કહેજો સ્ટુડિયો પર જ રહે… અને કલ્યાણજી-આણંદજીએ એ જ બપોરે ‘વિશ્ર્વાસ’ ફિલ્મનું યુગલ ગીત મુકેશ અને હેમલતાજીના અવાજમાં રેકોર્ડ કર્યું.
સુપરહિટ નીવડેલું એ ગીત હતું: લે ચલ, લે ચલ મેરે જીવનસાથી લે ચલ મુજે ઉસ દુનિયા મેં પ્યાર હી પ્યાર હૈ જહાં!