ચલો સજના, જહાં તક ઘટા ચલે
હેપ્પી બર્થ ડે ધરમ પ્રાજી અને શર્મિલા ટાગોર. બંને હિન્દી ફિલ્મોની યાદગાર જોડી તરીકે સ્મરણપટ પર અંકિત નહીં હોય, પણ તેમણે સાથે ભજવેલા પાત્રો ઊંડી છાપ છોડી ગયા છે
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મના જે કેટલાક મજેદાર રસાયણ છે એમાંનું એક છે હીરો – હિરોઈનની જોડી. હિટ ફિલ્મની ફોર્મ્યુલાને દોહરાવવામાં આવે એ રીતે દર્શકોને પસંદ પડેલી જોડીને પણ ફરી ચમકાવવાની ઘેલછા ફિલ્મ મેકરોમાં અગાઉ વધુ જોવા મળતી. દિલીપ કુમાર – વૈજ્યંતીમાલા, રાજ કપૂર – નરગિસ, અનિલ કપૂર – શ્રીદેવી, શાહરુખ – કાજોલ વગેરે વગેરે હિન્દી ફિલ્મોની યાદગાર જોડી તરીકે પંકાઈ છે. એક મિનિટ, અહીં ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું નામ પણ હોવું જ જોઈએ એવી દલીલ ‘મુંબઈ સમાચાર’નો જાગૃત વાચક કરશે જ અને એ દલીલ છે પણ સાચી. જોકે, હિન્દી ફિલ્મોના રસપ્રદ ઈતિહાસ પર નજર નાખતા ધર્મેન્દ્ર – શર્મિલા ટાગોરની જોડી પણ સારી જામી હતી એ જાણવા મળે છે. ધરમજીની ઓળખ હી મેનની અને શર્મિલાજી ડિમ્પલ (ખંજન) ગર્લ. આજે ૮ ડિસેમ્બર. બંને કલાકારની વરસગાંઠ, પણ વચ્ચે ૯ વર્ષનું અંતર. આજે ધરમજીએ ૮૮ વર્ષ પૂરા કર્યા અને શર્મિલાજીએ ૭૯. ધરમજી – હેમાજી ૪૦થી વધુ ફિલ્મોમાં સાથે ચમક્યા છે. સરખામણીમાં ધરમજી – શર્મિલાજીએ ચોથા ભાગની ફિલ્મો પણ સાથે નથી કરી. જોકે, જે દસેક ફિલ્મ સાથે તેમના નામ સંકળાયાં હતાં એમાંથી કેટલાંક પાત્રો, કેટલાકનું ગીત – સંગીત અવિસ્મરણીય બન્યા છે. બંનેને જન્મદિવસની શુભેચ્છા અને તેમનું સ્વાસ્થ્ય સારુ રહે એવી મનોકામના. એક નજર જોડીની ફિલ્મો પર.
અનુપમા (૧૯૬૬): ધર્મેન્દ્ર – શર્મિલા ટાગોર પહેલીવાર હીરો – હિરોઈન તરીકે સાથે નજરે પડ્યા. હૃષીકેશ મુખરજી દિગ્દર્શિત આ ફિલ્મની વાર્તા ઉમા (શર્મિલા ટાગોર)ના પાત્ર ફરતે આકાર લે છે. એક એવી દીકરીની વાર્તા છે જેના જન્મ સાથે જ માતાનું મૃત્યુ થાય છે અને પિતા ધિક્કારે છે. સત્યજિત રાયની ફિલ્મો કરી હિન્દીમાં ‘કશ્મીર કી કલી’ નામની રોમેન્ટિક ફિલ્મથી શરૂઆત કરનારા શર્મિલાજીની આ ત્રીજી હિન્દી ફિલ્મ હતી. એમના અભિનયનું કૌશલ આ ફિલ્મમાં ઊડીને આંખે વળગે છે. ધરમજીએ લેખક – શિક્ષકનો રોલ કર્યો છે જે તેમની હી મેનની ઈમેજથી સાવ વિપરીત હતો. આ ફિલ્મથી ધર્મેન્દ્ર – શર્મિલા જોડી દર્શકોને પ્રિય થઈ ગઈ. ગીત – સંગીત કૈફી આઝમી – હેમંત કુમારના હતા. ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘ધીરે ધીરે મચલ અય દિલ – એ – બેકરાર’ શર્મિલાજી પર નથી ફિલ્માવાયું, પણ ‘કુછ દિલને કહા’ ગીતમાં શર્મિલાજીની માસૂમિયત આંખમાં વસી જાય એવી છે. ધરમજી પર પિક્ચરાઇઝ થયેલું ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ ખાસ્સું લોકપ્રિય થયું હતું.
દેવર (૧૯૬૬): ૫૭ વર્ષ પહેલા આવેલી મોહન સેહગલ દિગ્દર્શિત આ ફિલ્મની વાર્તામાં નાવીન્ય એ હતું કે બાળપણમાં સ્નેહ થયા પછી વિખૂટા પડેલા બે જણ ભાભી – દિયર તરીકે આમને સામને આવે છે અને ભાભીને છેક છેલ્લે સુધી જાણ જ નથી થતી કે ‘યે મેરા બિછડા હુઆ યાર હૈ’. ધર્મેન્દ્ર – શર્મિલાની આ બીજી ફિલ્મ હતી અને બંનેએ લાજવાબ અભિનય કર્યો છે. કોમેડિયન તરીકે નામના મેળવનારા દેવેન વર્મા નેગેટિવ રોલમાં પ્રભાવ પાડવામાં સફળ રહ્યા છે. ફિલ્મના ગીત આનંદ બક્ષીએ લખ્યા હતા અને સંગીતકાર હતા રોશન. મુકેશજીએ ગાયેલું ‘બહારોં ને મેરા ચમન લૂટકર’ ખૂબ વખણાયું હતું. દસકા પછી આનંદ બક્ષીએ રોશનજીના સુપુત્ર રાજેશ રોશન માટે ’જુલી’ (૧૯૭૫)માં ગીત લખ્યા હતા. ‘જુલી’ માટે રાજેશ રોશનને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
મેરે હમદમ મેરે દોસ્ત (૧૯૬૮): હ્રષિદાની ‘અનાડી’ ફિલ્મની વાર્તા સાથે થોડું સામ્ય ધરાવતી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી કરતો યુવાન છે. એક દિવસ ખૂબસૂરત શર્મિલા ટાગોરને પેઈન્ટિંગ માટે પોઝ આપતી જોઈ એ ગરીબ હશે એમ માની એને ટીપ આપે છે. જોકે, થોડા દિવસ પછી ખબર પડે છે કે શર્મિલા તો ગર્ભશ્રીમંત પરિવારની ક્ધયા છે. વાર્તા અણધાર્યા વળાંક લેતી આગળ વધે છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સામાન્ય નફો કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. જોકે, ફિલ્મના સાત ગીતમાંથી ત્રણ ગીત સુપરહિટ થયા હતા જે અનેક સંગીત રસિયાઓને આજે પણ સ્મરણમાં હશે. એ ગીત છે ‘ચલો સજના જહાં તક ઘટા ચલે’ (લતા મંગેશકર), ‘હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા’ અને ‘ન જા કહીં અબ ન જા’ (બંને મોહમ્મદ રફી).
સત્યકામ (૧૯૬૯): હૃષીકેશ મુખરજીની તેમજ ધર્મેન્દ્રની સર્વશ્રેષ્ઠ ફિલ્મ વિશે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ‘ઓડિયન્સે ફ્લોપ કરેલી ફિલ્મ.’ સત્યની મશાલ હાથમાં રાખી આગળ વધી રહેલા નાયક સાથે દર્શક નાતો ન બાંધી શક્યા. સુંદર કથા, લાજવાબ દિગ્દર્શન, અદભુત સંવાદ, ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર અને સંજીવ કુમારનો બેમિસાલ અભિનય, સંવેદનાથી છલકાતા સંવાદ જેવું સંયોજન પણ ફિલ્મને તારી ન શક્યું એનાથી મોટો અફસોસ શું હોઈ શકે? રાજિન્દર સિંહ બેદીના સંવાદના બે ઉદાહરણ જાણીએ: ગરીબાઈથી પીડિત શર્મિલા ટાગોર કહે છે કે ‘સોને કે ઝેવર બનાને કે લિયે થોડી ખોટ તો મિલાની પડતી હૈ’ (સોનાના સુંદર આભૂષણ બનાવવા એમાં થોડી અશુદ્ધિ ઉમેરવી પડે છે ને). બેદી સાહેબની કલમ કેવી ધારદાર હતી એનું ઉદાહરણ આ બીજો સંવાદ છે: ‘યહ આદમી (સત્યપ્રિય – ધર્મેન્દ્ર) બહોત હી બદમાશ ઔર પાજી હૈ. રિશ્વત વગૈરા નહીં ખાતા’ (આ માણસ બહુ હરામી છે. લાંચ નથી લેતો). ધરમજીનો ભાવુક ચહેરો અને શર્મિલાજીનો ગ્લેમરના પડછાયા વિનાનો દેખાવ ભુલાય નહીં એવા છે.
યકીન (૧૯૬૯): ‘વોર’, ‘પઠાન’ અને ‘ટાઈગર ૩’ની સફળતાને પગલે હિન્દી ફિલ્મોમાં સ્પાય યુનિવર્સ ફિલ્મો માટે ઉત્સુકતા વધી રહી છે. જોકે, ૧૯૬૦ના દાયકામાં એ સમયે જાસૂસ કથા તરીકે ઓળખાતી ફિલ્મો બની હતી જે સ્પાય ફિલ્મ્સનું જ એક સ્વરૂપ હતી. બ્રિજ સદાના દિગ્દર્શિત (વિક્ટોરિયા નંબર ૨૦૩ યાદ છે?) ‘યકીન’ જાસૂસ ફિલ્મ હતી અને તેને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી. ધરમજીનો ડબલ રોલ હતો – હીરો અને વિલન. હીરો રાજેશ વૈજ્ઞાનિક છે અને તેને રીટા (શર્મિલા ટાગોર) સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મની મજેદાર વાત એ છે કે એના સંવાદ જાવેદ અખ્તર અને દેવેન વર્માએ મળીને લખ્યા છે, ફિલ્મનું એડિટિંગ હૃષીકેશ મુખરજીએ કર્યું છે. લતા મંગેશકર તેમજ મોહમ્મદ રફીના સ્વરમાં અલગ અલગ સ્વરબદ્ધ થયેલું ‘ગર તુમ ભૂલા ના દોગે, સપને યે સચ હી હોંગે’ ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.
ચુપકે ચુપકે (૧૯૭૫): હૃષીકેશ મુખરજી દિગ્દર્શિત ફિલ્મ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની યાદગાર કોમેડી ફિલ્મમાંની એક ગણાય છે. ફિલ્મના ત્રણ કલાકાર ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ‘શોલે’માં પણ સાથે હતા. ફિલ્મની બીજી હિરોઈન વિશે રસપ્રદ બાબત એ છે કે
હ્રષિદા ધરમજીની હિરોઈન તરીકે આશા પારેખને લેવા ઉત્સુક હતા. તેમણે આશાજીને મૌખિક વચન પણ આપી દીધું હતું. જોકે, એ સમયે ધરમજીનો સુપરસ્ટાર જેવો દબદબો હતો અને તેમણે હિરોઈન તરીકે શર્મિલાજીને જ લેવા દિગ્દર્શકને આજીજી અને આગ્રહ કર્યા. ધર્મેન્દ્ર સામે હ્રષિદાએ નમતું જોખ્યું અને આશાજીના ફાળે નિરાશા આવી અને શર્મિલાજી સિલેક્ટ થઈ ગયા. બોટનીના વિદ્યાર્થીની શર્મિલા અને ડ્રાઈવર – કમ – બોટનીના પ્રોફેસર ધર્મેન્દ્રની જોડી પડદા પર જામી. હ્રષિદા ફરી ગયાં એ વાતનું આશા પારેખને બહુ લાગી આવ્યું હતું અને તેમણે ક્યારેય દિગ્દર્શકને માફ નહીં કર્યા. ગંભીર પાત્રો પ્રભાવીપણે કરનારી જોડી કોમેડીમાં પણ ખીલી ઊઠી.
અન્ય ફિલ્મો: બર્થ ડે એક્ટર્સની શાનદાર સિકસર જેવી ફિલ્મો વિશે
જાણ્યા પછી હવે તેમના ભુલાઈ ગયેલા કે ભૂલી જવા જેવા ચિત્રપટનો અછડતો ઉલ્લેખ કરી લઈએ. ૧૯૭૫માં ‘એક મહેલ હો સપનો કા’ જોડીની ભૂલી જવા જેવી ફિલ્મ છે. કાબેલ દિગ્દર્શક દેવેન્દ્ર ગોયલ અને ગીત -સંગીત સાહિર – રોશનના હોવા છતાં ફિલ્મ તરત ભુલાઈ ગઈ. ‘સની’ (૧૯૮૪)ના હીરો – હિરોઈન સની દેઓલ – અમૃતા સિંહ હતા, પણ ધરમજી – શર્મિલાની જોડી પણ એમાં હતી. જોકે, ફિલ્મ શરૂ થયા પછી થોડી જ વારમાં ધરમજીનું પાત્ર અવસાન પામે છે. ત્યારબાદ શર્મિલા ટાગોર અને વહિદા રેહમાનનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. બિમલ રોય ’ચૈતાલી’ નામની ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા, પણ એ શરૂ થાય એ પહેલા જ તેમનું અવસાન થયું. બિમલદાના સહાયક હ્રષિદાએ ધર્મેન્દ્ર – શર્મિલા સાથે ફિલ્મ બનાવવાની ઘોષણા કરી, પણ પછી શું થયું ખબર નહીં, શર્મિલા ટાગોરના સ્થાને સાયરા બાનો આવી ગયાં. ગુલઝારએ ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર (પારો) અને હેમા માલિની (ચંદ્રમુખી) ને લઈને ‘દેવદાસ’ બનાવવાની ઘોષણા કરી હતી, પણ કમનસીબે વાત મુહૂર્તથી આગળ વધી જ નહીં.