જેટલા વિચાર ઓછા કરો તેટલા વધુ આનંદમાં રહો!

અરવિંદ વેકરિયા
‘ધૂપછાંવ’: અમૃત પટેલ, અરવિંદ વેકરીયા, બીજલ રાજડા, વિપુલ શાહ અને શોભા પ્રધાન ભવન્સનો 15 ઑગસ્ટનો ‘હરણફાળ’નો શો ઘણો સારો ગયો. નિર્માતા આમ તો કમાતા હતા, આ શોમાં પણ સારું કમાયા. રમેશ જમીનદાર સાથેની નૈતિક લડત ફળી. જોકે હવે એમના વિશે વિચારવાનું છોડી દીધું. એક સમય એ આવ્યો, નાની ઉંમરે મોટા સાથે ‘પંગો’ લેવો પડ્યો, એ સંસ્કારની દૃષ્ટિએ ખૂંચ્યું, પણ જમાનો ખાઈ બેઠેલા આવા વડીલો કેમ અસત્યનો ટેકો લઈ જાતને બચાવવાની કોશિશ કરતા હશે એ અકળ જ રહ્યું. આમ છતાં એ કિસ્સામાં સત્યની જીત એ મને મારા સંસ્કારની જીત લાગી. એ પછી એ બનાવ યાદ કરવાનો ટાળ્યો. જેટલા ઓછા વિચાર કરો તેટલા વધુ આનંદમાં રહો! પ્રયત્નો ભૂલવાના કરતો, પણ ક્યારેક અચાનક આળસ મરડીને બેઠા થઈ જતા. કહે છે ને કે કોઈને પોતાના બનાવવામાં સમય નથી લાગતો, પણ એની યાદ ભુલાવવામાં ક્યારેક જિંદગી પણ વીતી જાય. મારો પ્રયત્ન તરત મગજને બીજા વિચારમાં પરોવી દેવા કરતો. આમ પણ, એ વખતનું કામ તો પતી ગયું અને બીજાં ઘણાં કામ તો ચાલ્યાં જ કરતાં હતાં ને!
‘હરણફાળ’ની સેન્ચ્યુરી પણ વીતી ગઈ. હવે રાત્રે શો પતાવી નાલાસોપારા પહોંચવું અને શો માટે ત્યાંથી નીકળવું જરા વસમું લાગતું હતું. તન્મયની સ્કૂલનો પણ પ્રોબ્લેમ થતો હતો. એનો અનુભવ ટ્રેનની કઠણાઈને કારણે નાટકના પહેલા શોમાં જ થઈ ગયો. પ્રભુકૃપા કે શો રદ કરતાં પહેલાં હું અને તન્મય પહોંચી ગયા. બાકી શોનો સમય ધાર્યા કરતાં વધારે પસાર થઈ ગયો હોત તો ‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’ થઈ હોત. સમય આમ પણ કમાલ હોય છે, બધાને રાહ જોવડાવે છે, પણ પોતે કોઈની રાહ નથી જોતો. પહેલાં હું કાંદિવલી રહેતો હતો. પછી સંકડાશને કારણે નાલાસોપારા ભલે શીફ્ટ થયો, પણ કાંદિવલી બા-બાપુજી તો હતાં જ. એમના ખબર હું અઠવાડિયે પૂછી આવતો.
એક રાત્રે વિચાર કર્યો કે એક-રૂમ-રસોડામાં થોડું વધારી એક નાનું રસોડું અને વધુ એક રૂમ થઈ જાય તો કાંદિવલી આવી જવાય.‘ઘરસભા’ ભરી આ નિર્ણય લીધો. નાલાસોપરાની જગ્યા કાઢી કાંદિવલી પરત આવી ગયા. હવે ત્યાં રૂમ વધારવાનો હતો. પૈસા તો નાલાસોપારાની જગ્યાના હાથમાં હતા. હવે આર્કિટેક્ટ શોધવામાં કમાલ થઈ. મેં ‘ચિનગારી’ નાટક કરેલું. એમાં સુનીલ દેસાઈ કરીને નાટકનો ઉત્સાહી કલાકાર હતો. એણે પોતાની જ્ઞાતિ માટે મને એક એકાંકી નાટક કરવાનું કહ્યું. આમ પણ મને નવા કલાકારો પ્રત્યે વધુ લગાવ. સુનીલનું આખું ગ્રુપ મલાડ-ઇસ્ટના ચાર રસ્તાનું હતું. અમરો, દિલીપ ભાટિયા.. વગેરે. રિહર્સલમાં એક વધુ કલાકાર પણ મળ્યો. એ લેખક પણ હતો. એનું નામ હતું, ઈમ્તિયાઝ પટેલ. આજે તો નાટ્ય-રસિકોને એ નામ મોઢે હશે. એના નિધન પછી આજે પણ હજુ એનાં નાટકો ચાલતાં રહે છે. ત્યારે એ કલાકાર જ બનવા માગતો હતો. એનું એકાંકી જોઈ મેં એને કહેલું કે આજે રંગભૂમિ ઉપર લેખકોની ખોટ વર્તાય છે તો બની શકે તો લેખનકાર્ય ઉપર ‘ફોકસ’ કર અને એણે માન્યું.
એ એકાંકી તો થયું, પણ એને કારણે એના ઘરે જવું-આવવું થતું રહ્યું. નવરાશ હોય તો એના ઘરે પહોંચી જતો. નિરાંત અને નવરાશમાં ફરક છે, એક મનથી અને બીજી ક્ષણથી. મૂળ મને ઈમ્તિયાઝના અબ્બા સાથે ખૂબ બનતું. ઈમ્તિયાઝ મ્હાડાનાં મકાનો, કોઈને એક માળ વધારવો હોય તો એની પહોંચથી એ કરી આપતો અને એ જ એનું કામ હતું. એનો એક મિત્ર હતો, જગદીશ. એ આર્કિટેક્ટ હતો. ઈમ્તિયાઝ એને લઈ મારા ઘરે આવ્યો. વાજબી ભાવે મારું ‘રિનોવેશન’ કરાવી આપ્યું. દોસ્તીની શરૂઆત તો થઈ હતી જે આ અનુભવે ગાઢ બની.
એ સમયે સિરિયલના એક નિર્માતા હતા, ડોલર પટેલ. એમણે ‘ધૂપછાંવ’, ‘કેવડાના ડંખ’ વગેરે ડી.ડી. ઉપર રજૂ કરેલી. (એ સમયે બીજી ચેનલો નહોતી) મને બંનેમાં સારો રોલ આપેલ. અચાનક એને નાટક બનાવવાની ‘ચળ’ ઊપડી. ડોલર સાથે પણ ટ્યુનિંગ સારું થઈ ગયેલું એટલે મને નાટક શોધવાનું કહ્યું. શરત એટલી કે નાટક ‘બોલ્ડ’ બનાવવું અને મારે ડિરેક્ટ કરવાનું. એ વખતે દ્વિ- અર્થી સંવાદોસભર નાટકો ખૂબ ચાલતાં. મેં વાત ઈમ્તિયાઝ પટેલને કરી. મારું મન ‘બોલ્ડ’ વિષય ઉપર નાટક બનવવા માનતું નહોતું. ડોલરે સરસ વાત કરી, ‘કામ તો કામ જ હોય છે દાદુ, નાટક કરવું તારું કામ છે પછી કોઈ પણ આવે ચેલેન્જ સમજીને સ્વીકારવું જોઈએ. બોલ્ડ હોય તો શું થયું? ગુલાબના છોડમાં કાંટા છે એનો કકળાટ ન કર, કાંટાળા છોડમાં ગુલાબ છે તેનો ઉત્સવ કરવાનો હોય!’
હવે ઈમ્તિયાઝ પટેલને જ્યારે નાટક માટે ફરી વાત કરી તો એણે કહ્યું, ‘દોસ્ત, મેં પહેલું નાટક જે લખી રાખ્યું છે એ ‘બોલ્ડ’ જ છે. સમય હોય ત્યારે પઠન કરી લઈએ. પહેલું નાટક લખ્યું છે એટલે તારા પ્રમાણે સુધારા-વધારા તો કરવા જ પડશે. તારા હિસાબે પરફેક્ટ તો નહી જ હોય.’ મેં મારો સંકોચ કહ્યો, ‘વાત મધરાત પછીની’ બોલ્ડનેસ અને એને મળેલી સફળતાની વાત એની સાથે શેયર કરી. એણે ‘સફળતા’ને તરત પોતાની વાતમાં પકડી લીધી. મને કહે, ‘જોયું ને? મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ પરાજય તો નહી જ આવે’
મેં કહ્યું કે, ‘હું તારી વાત સ્વીકારીને નાટક તો કરીશ.. તું મને સ્ક્રિપ્ટ આપ. હું વાંચીશ. અક્ષર બરાબર નહી ઉકેલી શકું તો તું વાંચી આપજે. ખોટું નહીં લગાડતો, પણ ઘણીવાર હું મૂળરાજ રાજડાના અક્ષરો વાંચી નહોતો શકતો. ‘વાત મધરાત પછીની’ સફળતા મળી પણ દોસ્ત, મેળવવા કે ગુમાવવા કરતાં જાળવી રાખવું મારે માટે અત્યારે મહત્ત્વનું છે.’ મારા મિત્રે મને પૂછ્યું : ‘સાચો શબ્દ ‘નર્ક’ છે કે ‘નરક’? મેં જવાબ આપ્યો: ‘તારે જવાથી મતલબ છે કે જોડણીથી?’