લ્યો હવે જૉલી એલ.એલ.બી. ની ટ્રિક્વલ પણ આવી પહોંચશે
બૉલીવૂડ સ્ટાર અક્ષયકુમાર અને અરશદ વારસીએ પોતાની આગામી જૉલી એલ.એલ. બી. ૩ શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની શૂટિંગ માટે અજમેરની એક ડીઆરએમ ઓફિસમાં એક સ્પેશિયલ કોર્ટરૂમ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ બધા વચ્ચે જૉલી ૩ને લઈને એક બીજો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં તમને અસલી જોલી અને નકલી જોલી વચ્ચે કાયદાકીય દલીલ જોવા મળશે. બોલીવૂડની આ હિટ જોડી ફરી એક વખત દર્શકોનું મનોરંજન કરવા અને પેટ પકડીને હસાવવા માટે તૈયાર છે.
એક્ટર અક્ષય કુમાર અને અરશદ વારસીએ પોતાની આગામી ફિલ્મનો વીડિયો શેર કરીને ફિલ્મની સ્ટોરી શું હશે એની હિન્ટ પણ આપી છે. આ વખતે આ ફિલ્મની સ્ટોરી અસલી અને નકલી જોલીની કાનૂની જંગ પર આધારિત હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ૨૯મી એપ્રિલથી શૂટ શરૂ કરી દેવામાં આવ્યું અને અક્ષય કુમારે આજે એટલે કે બીજી મેના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જોલી એલએલબી-૩ની શૂટિંગની અપડેટની સાથે સાથે કાસ્ટના પહેલાં લૂકના ફોટા પણ વાઈરલ કર્યા હતા.
હાલમાં જ અરશદ વારસીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે અજમેર શરીફની દરગાહ પર દુઆ વાંચી રહ્યો હતો. આ વીડિયો બાદથી જ લોકોમાં ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૦૧૩માં જોલી એલએલબી-૧ અને ૨૦૧૭માં જોલી એલએલબી-ટુ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મના બંને પાર્ટ હિટ થયા બાદ જ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી. બંને ફિલ્મમાં અરશદ વારસી અને અક્ષય કુમારને વકીલના રોલમાં દેખાડવામાં આવ્યા હતા. હવે ત્રીજા ભાગમાં દર્શકો બંનેને એક સાથે જોઈ શકશે.
જોલી એલએલબી-૩ પહેલાં અરશદ વારસી અને અક્ષય કુમાર ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં એક સાથે જોવા મળ્યા હતા.
આ વર્ષના અંત સુધીમાં જોલી એલએલબી-થ્રી રિલીઝ થઈ શકે છે, પણ ઓફિશિયલી કોઈ રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી.