મેટિની

ત્રણ પેઢીની નાયિકા સાથે લતાદીદીનો નાતો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એક ગાયિકાએ ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે પાર્શ્ર્વગાયન કર્યું હોય એવો વિરલ કિસ્સો મરાઠી – બંગાળી પરિવાર સાથે નાતો ધરાવે છે.

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) શોભના સમર્થ, નૂતન અને કાજોલ

આજે નવ ફેબ્રુઆરી….
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કપૂર પરિવાર જેવો જ બહોળો પરિવાર ધરાવનાર સમર્થ – મુખરજી પરિવારના મોભી અને મરાઠી – હિન્દી ફિલ્મોની અભિનેત્રી શોભના સમર્થની ૨૫મી પુણ્યતિથિ. ત્રણ દિવસ પહેલા સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરની બીજી પુણ્યતિથિ હતી. એ નિમિત્તે લતા દીદી અને સમર્થ – મુખરજી પરિવાર વચ્ચેના એક અનન્ય નાતા વિશે ‘મુંબઈ સમાચાર’ના વાચકોને માહિતગાર કરવાનો આ પ્રયાસ છે, જેમાં સંગીત ક્ષેત્રની બહુ ઓછી જાણીતી વાતો રજૂ કરવામાં આવી છે.

શોભના સમર્થની ફિલ્મોની યાદી બહુ લાંબી નથી, પણ વિજય ભટ્ટની ‘રામ રાજ્ય’ (૧૯૪૩)ના સીતાના રોલથી તેમને ભવ્ય લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત, એમણે બે દીકરીના ફિલ્મ પદાર્પણ માટે પ્રોડ્યુસર – ડિરેક્ટરનો રોલ પણ અદા કર્યો હતો. ‘હમારી બેટી’ અને ‘છબીલી’ ફિલ્મથી દર્શકો નૂતન અને તનુજાથી પરિચિત થયા હતા. નૂતનનાં લગ્ન પંજાબી પરિવારમાં થયા હતા, જ્યારે તનુજા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નાતો ધરાવતા મુખરજી પરિવારની વહુ રાણી બની હતી. તનુજાની પુત્રી કાજોલએ પણ ફિલ્મોમાં કુશળ અભિનેત્રી તરીકે નામના મેળવી છે.. સમર્થ – મુખરજી પરિવારની ત્રણ પેઢી સાથે લતા મંગેશકરનું નામ અનન્ય રીતે જોડાયું છે. દીદીએ આ ત્રણેય પેઢીની અભિનેત્રી માટે ફિલ્મમાં પાર્શ્ર્વગાયન કર્યું છે. પ્રસ્તુત છે એની રસપ્રદ વિગતો….
શોભના સમર્થની હિન્દી ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ થયો ૧૯૩૫ની ‘નિગાહ – એ – નફરત’થી. મુખ્યત્વે પૌરાણિક ચિત્રપટમાં નજરે પડેલાં શોભનાજી- લતાજીનો પ્રથમ મેળાપ થયો ‘નરસિંહ અવતાર’ (૧૯૪૯)માં. એમાં લતાદીદીનાં બે સોલો સોન્ગ હતાં, જેનું ફિલ્માંકન શોભનાજી પર થયું હતું. એ બે ગીત હતા ‘ચરણ તુમ્હારે ફૂલ હમારે’ અને ‘હરિ કો બિસરાઓના.’ વસંત દેસાઈના સ્વરાંકનમાં તૈયાર થયેલી આ બંને રચના અતિ સામાન્ય છે અને માહિતી સિવાય એનું કોઈ યોગદાન નથી.

એક ઈન્ટરવ્યૂમાં લતાદીદીએ સમર્થ પરિવારની અભિનેત્રીઓ માટે કરેલા પાર્શ્ર્વગાયન વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. ત્રણ પેઢીના કલાકાર માટે પડદા પર ગાવું એ એક અનોખો વિક્રમ હોઈ શકે છે એ વાત સાથે દીદી સહમત થયાં હતાં. ‘કોઈએ ત્રણ પેઢીની અભિનેત્રી માટે પાર્શ્ર્વગાયન કર્યું હોય એ મારા ધ્યાનમાં તો નથી,’ લતાજીએ જણાવ્યું હતું.

‘શોભનાજી માટે તો મેં બે- ચાર ગીત જ ગાયા છે, પણ એમની મોટી દીકરી નૂતનના મોટાભાગના ગીતમાં મારું જ પ્લેબેક છે. એ પોતે ગાયિકા હતી એટલે મારા ગીતોને પડદા પર અત્યંત ચોકસાઈથી રજૂ કરી શકતી હતી. ગીતનું ફિલ્માંકન થઈ રહ્યું હોય ત્યારે મોટાભાગની અભિનેત્રીઓ હોઠ ફફડાવતી, જ્યારે મારું પ્લેબેક હોય ત્યારે નૂતન તો રીતસરની ગીત ગાઈને શૂટિંગ કરતી હતી.’

જાવેદ અખ્તરે દીદીના ૮૦માં જન્મદિન અવસરે લીધેલા એ ઈન્ટરવ્યૂમાં પણ લતાજીએ એમનાં ગીતને પડદા પર સર્વશ્રેષ્ઠ ન્યાય આપનારી અભિનેત્રી તરીકે નૂતનનો ઉલ્લેખ કરી ફિલ્મ ‘સીમા’ના ‘મનમોહના બડે જૂઠે’નું ઉદાહરણ આપ્યું હતું. ગીતની બધી બારીકીઓ નૂતન પડદા પર સાકાર કરવામાં સફળ રહી હતી એવું દીદીનું કહેવું હતું. ગીત યુટ્યુબ પર ઉપલબ્ધ છે અને જોશો – સાંભળશો તો દીદી શું કહેવા માગતા હતા એ સમજાઈ જશે.

નૂતન – દીદીની જુગલબંધીએ અનેક યાદગાર ગીત આપ્યા છે તેમ નાની બહેન તનુજા હિરોઈન તરીકે પ્રથમવાર નજરે પડી ‘હમારી યાદ આયેગી’ (૧૯૬૧)માં. એ જ વર્ષે આવેલી ‘મેમદીદી’માં તનુજા પર ફિલ્માવાયેલું લતા મંગેશકરનુંગીત ‘રાતોં કો જબ નીંદ ઉડ જાએ, ઘડી ઘડી યાદ કોઈ આએ’ એ સમયે લોકપ્રિય થયું હતું. જો કે તનુજા પર ફિલ્માવાયેલાં છુટાછવાયા સોલો સોંગ (આપ મુજે અચ્છે લગને લગે – જીને કી રાહ)ની સરખામણીમાં યુગલ ગીત વધારે છે. આર ડી બર્મન કમ્પોઝ કરેલું ‘ઓ મેરે પ્યાર આજા’ (ભૂત બંગલા – મેહમૂદ સાથે ડ્યુએટ), ‘હાથી મેરે સાથી’નું’ દિલબર જાની ચલી હવા મસ્તાની (કિશોરદા સાથે) જેવા જૂજ યાદગાર ઉદાહરણ છે. અલબત્ત, લતાજીના કહેવા અનુસાર એમણે તનુજા માટે બંગાળી ફિલ્મમાં પણ કેટલાક યાદગાર સોલો સોંગ ગાયાં હતાં.
નૂતન – કાજોલ પછીની પેઢીમાં નૂતનનો દીકરો મોહનિશ બહલ, એની પત્ની એકતા તેમજ તનુજાની બે પુત્રી કાજોલ અને તનિષાનો સમાવેશ છે. મોહનિશની પત્ની એકતાએ કેટલીક ફિલ્મોમાં હિરોઈનના રોલ કર્યા હતા. એકતા માટે પણ લતાદીદીએ પ્લેબેક કર્યું હોવાના ઉદાહરણ છે. જો કે, એ ગીત હિટ નહોતાં થયાં.

જો કે, આદિત્ય ચોપડાની અવિસ્મરણીય ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલ પર ચિત્રાંકન કરવામાં આવેલું એકલ ગીત ‘મેરે ખ્વાબો મેં જો આયે’ આજે પણ લોકો હોશે હોશે સાંભળે છે. દીદીને કાજોલના પરફોર્મન્સમાં માસી નૂતનની ઝલક નજરે પડી હતી.

બે પેઢીનું કનેક્શન
ત્રણ પેઢી માટે પાર્શ્ર્વગાયન તો અનન્ય ઘટના છે જ, લતા મંગેશકરે બે પેઢી માટે પોતાનો સ્વર આપ્યો હોવાના ઉદાહરણ સુધ્ધાં છે. ત્રણ ઉદાહરણ તરત સાંભરી આવે છે: માલા સિંહા અને એમની પુત્રી પ્રતિભા સિન્હા, બબિતા અને એમની બે પુત્રી કરિશ્મા અને કરિના તેમજ ડિમ્પલ કાપડિયા અને પુત્રી ટ્વિંકલ ખન્ના. બબિતાની પહેલી ફિલ્મ હતી ‘દસ લાખ’. જોકે, ફિલ્મમાં એકેય ગીત લતાજીનું નહોતું. ત્યારબાદ આવી રાજેશ ખન્ના સાથેની ‘રાઝ’ (૧૯૬૭) જેમાં લતાદીદીના અવાજમાં સ્વરબદ્ધ થયેલું ‘અકેલે હૈં ચલે આઓ’ બબિતા – રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘ફર્ઝ’નું’ દેખો દેખો જી સોચો જી કુછ સમજો જી’ પણ લતા મંગેશકરે જ ગાયું છે, જેનું ચિત્રીકરણ હતું બબિતા – જીતેન્દ્ર પર. આ ઉપરાંત ‘કબ તક હુઝૂર રૂઠે રહોગે’ (ઔલાદ) અને ‘શીશી ભરી ગુલાબ કી’ (જીત)માં બબિતા – દીદીની જોડી છે.

કરિશ્મા કપૂરની કારકિર્દી ૧૯૯૦ના દાયકામાં શરૂ થઈ અને આશ્ર્ચર્યની વાત એ છે કે એની પહેલી ૧૪ ફિલ્મમાં એક પણ ગીત લતા મંગેશકરનું નથી. ‘ઝુબેદા’માં દીદીએ કરિશ્માને અને ‘મુજસે દોસ્તી કરોગે’માં કરિનાને પ્લેબેક આપ્યું હતું. માલા સિંહા માટે તો લતા મંગેશકરે અનેક સુપરહિટ અને અવિસ્મરણીય ગીત ગાયા છે. માલા સિન્હાની પુત્રી પ્રતિભા સિંહાની પહેલી જ ફિલ્મ ‘મેહબૂબ મેરે મેહબૂબ’માં લતાજીએ એક ગીત ગાયું હતું. ‘બોબી’થી લઈ ‘લેકિન’ જેવી વિવિધ ફિલ્મોમાં ડિમ્પલ કાપડિયા પર ફિલ્માવાયેલા ગીતમાં દીદીનું પ્લેબેક છે, જ્યારે ટ્વિંકલ ખન્નાની ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં લતાજીનું એક સોલો ગીત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button