મેટિની

લતા: સૂર ગાથા

ફિલ્મનામા -નરેશ શાહ

સુમન કલ્યાણપુર, લતા મંગેશકર, સંગીતકાર મદનમોહનજી,

(ગયા અંકથી ચાલુ)
મને કાયમ એવું લાગ્યું છે કે આત્મકથા લખવા માટે ઈમાનદારીનું હોવું અનિવાર્ય છે. તમારે ઈમાનદાર બનવું પડે અને એ રીતે ઈમાનદારીથી તમે લખો તો મોટાભાગનાને એનું ખરાબ લાગશે. તમારા જીવનમાં આવેલી તમામ વ્યક્તિની ગલત બાતેં પણ
દુનિયાની સામે આવી જશે, જેના કારણે એ લોકોને નીચાજોણું થાય… તેથી જ મને
લાગે છે કે જીવનમાં જે કડવા ઘૂંટ પીધાં છે તેને આપણી ભીતર જ રાખવા જોઈએ.

એ વાતોથી અન્ય લોકોને શું નિસ્બત હોય શકે ? વ્યક્તિગત સ્તર પર વાત કરીને, અન્યોને તેમના સ્થાન પર કષ્ટ પહોંચાડવું, એ સારી વાત નથી. આત્મકથાનો વિચાર પણ અન્યોને કષ્ટ કે દુ:ખ આપવામાંથી (આડક્તરી રીતે) જન્મે છે તેથી જ મને લાગે છે કે આત્મકથા ન લખવી, એ જ બહેતર વિચાર છે

વહેલી સવારના વાતાવરણને સૌથી વધુ પસંદ કરતાં લતા મંગેશકર આત્મકથા વિષ્ો આવા ઈમાનદાર વિચાર ધરાવતા હતા તો તેમના સંગીતકારો સાથેના ખટરાગ અને કટ્ટર હરિફ (અમિતાભ – વિનોદ ખન્નાની જેમ) મનાતી સુમન કલ્યાણપુર બારામાં પણ યતીન મિશ્ર તીખા સવાલ પૂછી લે છે. શંકર-જયકિશનની જોડીના શંકર ગાયિકા શારદાનો આગ્રહ રાખતાં તો સચિન દેવ બર્મન અને જયદેવજી પણ લતાજી સામે રિસાયા હતા. સી. રામચંદ્ર લતાજીથી એટલે ખફા રહેતા કે તેમને લાગતું કે લતા, શંકર-જયકિશન (એસ. જે. તરીકે ઓળખાતી આ બેલડી માટે લતાજી કહેતાં : સિલ્વર જ્યૂબિલી) અને નૌશાદને વધુ મહત્વ આપી રહી છે… કોઈની ઈમેજને ઘસરકો ન થાય તેમ લતાજીએ આપેલા સુદીર્ઘ ઉતરના આ અંશ (વિગતવાર માટે પુસ્તક વાંચવું) વાંચો : એક માત્ર મદનમોહનજી એવા સંગીતકાર હતા, જેમણે ક્યારેય મારો સાથ ન છોડયો. પ્રથમ ગીતથી કારકિર્દીના અંત સુધી એ સંબંધ અકબંધ રહ્યો… હા, હું પણ માણસ છું, હું પણ પરેશાન થતી હોઉં છું… પણ મને લાગે છે કે જીવનમાં એવી કેટલીય વાતો બને છે, જેના પર તમારો કાબુ નથી રહેતો… હું માત્ર એટલું કહીશ કે (ઝઘડા, ગલતફહેમીના નિવારણ) પછી મેં બર્મનદાદા અને જયદેવજી માટે પણ પુષ્કળ ગાયન કાર્ય ર્ક્યું છે

  • અને સુમન કલ્યાણપુરને લગતાં લાગલગાટ ત્રણ પ્રશ્ર્નોના ઉત્તરમાં લતાજી કહે છે : ઘણાખરાંને એવું લાગતું હતું કે એ (સુમન કલ્યાણપુર) મારી જેમ જ ગીતો ગાવાનો પ્રયાસ કરતી હતી, પણ એ મને ક્યારેય ખતરા સમાન નથી લાગી… હા, તેના કેટલાંય ગીતોમાં એવું જ લાગતું કે જાણે લતા જ ગાઈ રહી છે. વહ લડકી બહોત અચ્છી થી. મતલબ કે એમાં કોઈ શંકા નથી એ સૂરીલી ગાયિકા અને ભલી સ્ત્રી હતી… જો કે તેનું સંગીત (અવાજ) એટલે દબાઈ ગયું કારણકે તેનો અવાજ મારા જેવો જ લાગતો હતો કોપી તો કોપી જ છે… હું પણ જો નૂરજહાં કે અમીરબાઈ કર્ણાટકીની જેમ ગાતી રહેત તો એ બધું ન ગાઈ શક્ત, જે મેં ખુદના (ઓરિજીનલ) અવાજમાં ગાયું

મહારથીઓ સાથે સવાલો કરીને તેમના આંતરિક મનોવિશ્ર્વ અને અનુભવોને ઉઘાડવાની સૌથી વધુ સફળતા નસરીન મુન્ની કબીરના નામે દર્જ છે. તેમણે લતા મંગેશકર, મણી રત્નમ, ગુલઝાર, જાવેદ અખ્તર સહીત અનેક મહાન દિગ્ગજો સાથે નિરાંતથી વાતો કરીને પુસ્તકના સ્વરૂપમાં આપણને આપી છે પણ યતિન મિશ્ર લતા: સુર-ગાથા થકી આપણને બે કારણોસર વધુ સ્પર્શે છે. એક, સવાલો પૂછવાનું તેમનું ઔચિત્ય અને બે, જવાબ આપવામાં લતાજીની સરળતા. યતીન મિશ્ર એવા અનેક સવાલો લતાજીને પૂછે છે, જેમાં આ લેખક જેવા કાનસુરાને ઓછા ટપ્પાં પડે પણ લતાજીના ગીતોની જેમ તમામ રેન્જ-ઊંમરના ચાહકો-ભાવકોને રસ પડે અને જિજ્ઞાસાનો દિવડો વધુ ભડકે, એવી વાતોનો અણમોલ ખજાનો લતા : સુર-ગાથા ખોલી આપે છે આપણી સમક્ષ્ા. લતાજીને હાઈપીચવાળા ગીત ગાવામાં તકલીફ પડતી હતી અને આવા ગીત સૌથી વધુ શંકર-જયકિશન બનાવતાં હતા. જેમાં સૌથી વધુ પડકારનો સામનો કરવો પડયો હોય એવું લતાજીનું ક્યું ગીત હોઈ શકે ? આવો સહજ સવાલ આપણને ય થાય. જંગલી ફિલ્મનું એક ગીત રફીજીએ ગાયેલું: અહેસાન તેરા હોગા મુઝ પર. શમ્મીકપુર પર એ પિકચરાઈઝ થયું પણ ત્યારે જ બધાને લાગ્યું કે આ ગીત હિરોઈન પર પણ હોવું જોઈએ. પાછળથી આવેલો વિચાર હતો અને સમય ઓછો હતો. રફીના અવાજનું ગીત વગાડીને સાયરાબાનુની મૂવમેન્ટ સાથે ગીત શૂટ કરી નાખવામાં આવ્યું. એ પછી (શંકર) જયકિશને લતાજીને કહ્યું કે, હવે તમે સાયરાબાનોની લીપ મૂવમેન્ટ પરદાં પર જોઈને અહેસાન તેરા હોગા મુજ પર રેકોર્ડીંગ કરી આપો. લતાજી કહે છે કે, આ મને બહુ અટપટું લાગ્યું. રફીજીએ હાઈ લેવલ પર ગાયેલું.

સાયરાજીએ એ રીતે જ તેના હોંઠ ફફડાવેલાં. હવે મારે એ જ લીપ મૂવમેન્ટ જોઈને એ ગીત ગાવાનું હતું. ફિર વહી હૂઆ કી મુઝે ઈસ ગાને કો બહુત ચિલ્લાકર ગાના પડા ઔર વહ મૈંને ગાયા ભી પાકિઝા જેવા અપવાદને બાદ કરતાં મુજરા કે કલબ સોંગ કે ડબલ મિનિંગ ધરાવતાં કે તેવા સંકેત આપતા ગીતો સુદ્ઘાં નહીં ગાનારાં લતાદીદીની કિશોરકુમાર-મહેમુદની પડોશન ફિલ્મ ફેવરિટ હતી તો એવી જ યાદીમાં ત્રણ અદાકારોના નામ પણ આવે : મહેમુદ, દિલીપકુમાર અને અમિતાભ બચ્ચન. અંગત રીતે અમને કોઈ પૂછે તો કહેવાના કે ફેવરિટ દશ પુસ્તકોમાં લતા : સૂર-ગાથા અમેય મૂકી છે કારણકે એના થકી સાક્ષ્ાાત લતાદીદી લાયબે્રરીમાં બિરાજમાન હોય એવો અહેસાસ સતત ધબક્તો રહે છે.

હજુ થોડું કહેવાનું છે, નેકસ્ટ વીક

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો