શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
સિનેમા માટેની લોકચાહના નવી વાત નથી. લોકો માટે સિનેમા અતિ પ્રિય વસ્તુ એ માટે પણ ખરી કે એ વિવિધ પ્રકારના વિષયોની દુનિયા એમની સમક્ષ રજૂ કરે. રમત પણ એક એવો જ વિષય છે કે જેના પર વિશ્વભરની અનેક ભાષામાં અનેકવિધ માધ્યમ કે ફોર્મેટની ફિલ્મ્સ બનતી હોય છે. અમુકમાં મુખ્ય વિષય તરીકે તો અમુકમાં બીજી કોઈ રીતે હાજરી થકી રમત ક્ષેત્ર સિનેમામાં દેખાતું રહે છે. બાયોપિક જોનરમાં પણ આપણે જોયું છે કે ભારતીય અને વિશ્ર્વ સિનેમામાં રમતવીરોની સંઘર્ષમય જિંદગી પર અદ્ભુત ફિલ્મ્સ બનતી રહે છે. અને એ જ કારણસર સિનેમા સમાજનું દર્પણ કહેવાય છે. સમાજની કેટલીય વાસ્તવિકતા કે વ્યક્તિત્વની જાણ ફિલ્મ્સ થકી થતી હોય છે. રમતવીરોની પ્રેરણાદાયક જિંદગી વિશે સિનેમા થકી વધુ જાણવા મળતું હોય છે.
આમ રમત અને સિનેમાનું જોડાણ તો છે જ, સિનેમામાં જેમ રમતની વાત આવે એ જ રીતે રમતના વિશ્વમાં સિનેમાની હાજરી હોય ખરી? હા હોય! રમત સાથે જોડાયેલા એક આયોજનમાં સિનેમાનું બહુ જ મજેદાર જોડાણ થયું હોય
તેવી એક ઘટના થોડા દિવસો અગાઉ જ બની,જેને આખા વિશ્ર્વે નિહાળી. એ ઘટના એટલે પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ની ક્લોઝિંગ સેરેમની!
હોલિવૂડના ટોચના અભિનેતા ટોમ ક્રુઝનો લાઈવ સ્ટંટ આખા વિશ્વે ઓલિમ્પિક્સના આખરી દિવસે જોયો. ખેલ જગતમાં અને એ પણ વૈશ્વિક સ્તરે યોજાતી રમતની ટોચની સ્પર્ધામાં સિનેમાને લગતી આ ઘટના સીમાચિહ્ન ગણાય. સુપરસ્ટાર ટોમ ક્રુઝની ફિલ્મ ફ્રેન્ચાઈઝ ‘મિશન: ઇમ્પોસિબલ’ અને બીજી ફિલ્મ્સના એક્શન સ્ટંટ્સ માટે પ્રચલિત ઇમેજને ઓલિમ્પિક્સ સાથે બહુ જ રસપ્રદ રીતે જોડવામાં આવ્યા ત્યારે એ ઘટનામાં આખરે બન્યું શું હતું? તો એ ઘટના એટલે ટોમ ક્રુઝ દ્વારા ક્લોઝિંગ સેરેમનીમાં ૨૦૨૪ના ઓલિમ્પિક્સ ફ્લેગનું ૨૦૨૮ના ઓલિમ્પિક્સ માટેનું સ્થળાંતર. આ ઘટના સિનેમા અને રમત એમ બે મહત્ત્વના ક્ષેત્રને જોડતી એટલા માટે પણ કહેવાય કેમ કે વિશ્ર્વના ટોચના અભિનેતા અને વિશ્વની ટોચની રમત સ્પર્ધા બંનેનું આમાં મિશ્રણ છે.
અહી એક તો ઓલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમની અને તેમાં પણ પોતાના ખતરનાક સ્ટંટ જાતે કરવા માટે જાણીતો અભિનેતા ટોમ ક્રુઝ ફિલ્મ માટે માત્ર ક્રૂ મેમ્બર્સ જ નહીં, દુનિયા આખી જુએ અને એ પણ જ્યારે લાઈવ સ્ટંટ કરતો હોય ત્યારે એ ઘટના અનોખી જ ગણાય.
ટોમ ક્રુઝે ક્લોઝિંગ સેરેમનીના સ્થળ પર ખૂબ જ્ ઊંચી હાઈટ પરથી હાર્નેસ કેબલની મદદથી કૂદકો માર્યો. જમીન પર આવ્યા પછી એ નજીકના એથલિટ્સને મળ્યો અને પછી ઓલિમ્પિક્સનો ફ્લેગ પોતાના હાથમાં લીધો. એ પછી બાકીનો સ્ટંટ પૂરો કરતા સામે રહેલી એક બાઈકમાં એણે ફ્લેગ ખોસ્યો પછી બાઈક ચલાવીને ૨૦૨૮ની ઓલિમ્પિક્સની મંઝિલ તરફ રવાના થઈ ગયો. ટોમ ક્રુઝની ઉંમર પણ આ ઘટના માટે આકર્ષણનું કેન્દ્ર કહેવાય. ૬૨ વર્ષની ઉંમરે પણ મૂવીઝ માટે અને આવી ઇવેન્ટમાં પોતાની જિંદગી જોખમમાં મૂકીને લોકોના મનોરંજન માટે સ્ટંટ્સ કરવા એ નાનીસૂની વાત નથી. ટોમ ક્રુઝે જોકે હંમેશાં કહ્યું છે તેમ લોકોને મનોરંજન મળી રહે એ જ તેનો ઉદ્દેશ્ય હોય છે. અને મનોરંજન દેવની કૃપા હોય તો જ આવી ઘટના શક્ય બને.
એક રીતે જોઈએ તો ટોમ ક્રુઝ પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ની ક્લોઝિંગ સેરેમનીમાં લોકપ્રિય ફ્રેન્ચાઇઝ ‘મિશન: મ્પોસિબલ’ના ઈથન હન્ટના પાત્રમાં જ હતો. એક તો એ જ ફ્રેન્ચાઈઝમાં તેણે સૌથી વધુ આવા સ્ટંટ્સ કર્યા છે અને બીજું આ સ્ટંટ વખતે પણ ‘મિશન: ઇમ્પોસિબલ’ની જ અતિ પ્રચલિત મ્યુઝિક થીમ ઇલેક્ટ્રિક ગિટારમાં બેકગ્રાઉન્ડમાં ગૂંજતી હતી.
મેદાન પર એ સ્ટંટ કરીને બાઈકમાં બેસીને ટોમ ક્રુઝ ત્યાંથી નીકળ્યો અને પેરિસના એફિલ ટાવર પાસેથી પસાર થયો હતો. જો કે એ એક પ્રિ-રેકોર્ડેડ વીડિયો હતો જે દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એ પછી ૨૦૨૮ ઓલિમ્પિક્સની મંજિલ તરફ ટોમ ક્રુઝ પેલા ફ્લેગને કઈ રીતે લઇ ગયો? એફિલ ટાવર પછી ટોમ ક્રુઝ સીધો પહોંચ્યો પ્લેન દ્વારા લોસ એન્જેલસ. જોકે ત્યાંનો સ્ટંટ અને આખી ઘટના એકદમ સાચી ખરી, પણ લોકોને એ જ સમયે તેની મજા માણવા મળી રહે એ માટે તેને પણ આગોતરી રેકોર્ડેડ કરી રાખવામાં આવી હતી.
લોસ એન્જેલસમાં અતિ જાણીતી હોલિવૂડની સાઇન પર એક પ્લેનમાંથી ટોમ ક્રુઝે ઓલિમ્પિક્સ ફ્લેગ સાથે સ્કાય ડાઈવિંગ કર્યું. ત્યાં હોલીવૂડના બે ‘ઓ’ની ઉપર બીજા ત્રણ વર્તુળ બનાવીને એને ઓલિમ્પિક્સનો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. જ્યારે જ્યારે વિશ્ર્વની જાણીતી જગ્યાઓએ સિનેમાને લગતી કે એ સિવાયની ઘટનાઓ બને ત્યારે લોકો માટે એ આકર્ષનું કેન્દ્ર બનતી હોય છે, જેમ કે દુબઈના બુર્જ ખલીફા પર અનેક વખત મૂવી પોસ્ટર, ટ્રેલર કે અન્ય વિશેષ દિવસોને લગતી કંઈક ઝલક દેખાડાય તો એ સમાચારનું કેન્દ્ર બની જતી હોય છે. અહીં તો હોલીવૂડની સાઇન મતલબ કે સિનેમાને લગતા એક પોપ્યુલર સિમ્બોલ પર વિશ્ર્વની ટોચની ખેલ સ્પર્ધાનો સિમ્બોલ બનાવવામાં આવ્યો એ અનોખો નજારો હતો. એ સાથે સત્તાવાર રીતે હોલિવૂડની એ સાઇન પાસે જઈને શૂટિંગ કરવાની પરવાનગી મેળવનાર ટોમ ક્રુઝ પ્રથમ અભિનેતા બન્યો.
ચાર વર્ષના ગાળામાં યોજાતી બે ઓલિમ્પિક્સ વચ્ચે સત્તાવાર રીતે ફ્લેગ સોંપવાની ઘટના તો બનતી જ હોય છે. પણ આ વખતે એ ઘટનાને એક મનોરંજક સ્વરૂપ આપીને તેને વધુ યાદગાર બનાવી દેવામાં આવી. રમતની બે ઇવેન્ટ વચ્ચેના આ ગાળાને એક સિનેમેટિક સંબંધથી જોડીને ૨૦૨૮ની રાહ જોવાના એક હેતુ સાથે ઓલિમ્પિક્સની પણ એકતા અને જોડાણની ભાવનાને વધુ સમર્થન મળ્યું. અને આ રીતે મિશન: ઈમ્પોસિબલ’ ફ્રેન્ચાઇઝ, ઈથન હન્ટ, ટોમ ક્રુઝ, સિનેમા, હોલીવૂડ અને ઓલિમ્પિક્સ આ બધાના મિશ્રણથી આખી દુનિયાએ ખેલ અને સિનેમાને લગતા એક અનેરો સંગમ માણ્યો.
લાસ્ટ શોટ
‘મિશન: ઇમ્પોસિબલ’ ફ્રેન્ચાઈઝની આગામી ફિલ્મ ‘મિશન: ઇમ્પોસિબલ – ડેથ રેકનિંગ પાર્ટ ટુ’ મે ૨૦૨૫માં રિલીઝ થવાની છે!