મેટિની

…કે દિલ અભી ભરા નહીં

હેમા શાસ્ત્રી

દેવ આનંદની ફિલ્મ કારકિર્દી વિશે વાત માંડીએ ત્યારે એમની ફિલ્મના ગીત – સંગીત વિશે વાત કર્યા વિના ચાલે નહીં. દેવસાહેબનાં યાદગાર-મજેદાર ગીતો અઢળક છે. એમાંથી વીણવા એ ગુલાબના બગીચામાંથી ગુલાબ પસંદ કરવા જેવું અઘરું કામ છે. આખો બગીચો જ લઈ લેવાનું મન થાય એવા નાયાબ ગીત દેવસાબના ઉદ્યાનમાં છે. અહીં એવાં ગીતોની નાનકડી યાદી આપી છે જે તેના ગીત-સંગીત સિવાયના કોઈ વિશિષ્ટ તત્ત્વ માટે જાણીતા છે.

રીમઝીમ કે તરાને લેકે આયી બરસાત-કાલા બાઝાર (૧૯૬૦): શૈલેન્દ્ર લિખિત અને એ ડી બર્મને સ્વરબદ્ધ કરેલા આ યુગલ ગીતને કંઠ આપ્યો છે મોહમ્મદ રફી-ગીતા દત્તે. વરસાદી ગીતોમાં આ સોન્ગ અલાયદું સ્થાન ધરાવે છે અને હિન્દી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જેમાં યુગલ ગીત બેકગ્રાઉન્ડમાં છે. મતલબ કે દેવ આનંદ કે વહિદા રહેમાન પડદા પર ગીત ગાતા નજરે નથી પડતાં. ગીત બેકગ્રાઉન્ડમાં પિક્ચરાઇઝ કરવાનો આગ્રહ બર્મનદાનો હતો. તેમને અને ગીતનું ચિત્રીકરણ કરનારા વિજય આનંદને સલામ મારવી પડે કે રોમેન્ટિક અંદાજના ગીતને મર્યાદા (હીરો-હિરોઈનના ડાન્સ નહીં, કોઈ રોમેન્ટિક સ્થળ નહીં, ગંભીર ચહેરા વગેરે) હોવા છતાં કેવું યાદગાર બનાવી દીધું.

જાએં તો જાએં કહાં – ટેક્સી ડ્રાઈવર (૧૯૫૪): દેવસાબની કારકિર્દીની પ્રારંભના કેટલાક ગીત તલત મેહમૂદે ગાયા છે જેમાં સૌથી લોકપ્રિય ગીત ‘ટેક્સી ડ્રાઈવર’નું છે. આમ તો દેવ આનંદનો આગ્રહ કિશોર કુમાર માટે જ રહેતો પણ દર્દ નીતરતા આ ગીતને કિશોરદા કેવો ન્યાય આપશે એ વિશે કદાચ બર્મનદાના મનમાં શંકા હશે એટલે અને તલતસાબની આવા ગીત ગાવામાં હથોટી હોવાથી મેળ બેસી ગયો. ‘પતિતા’માં તો શંકર જયકિશને દેવસાબ પરનું રોમેન્ટિક યુગલ ગીત ‘યાદ કિયા દિલને કહાં હો તુમ’ હેમંત કુમાર પાસે અને બે ગીત ‘અંધે જહાં કે અંધે રાસ્તે’ અને ‘હૈ સબસે મધુર વો ગીત’ તલત સાબ પાસે ગવરાવ્યા છે. એમાંય ‘અંધે જહાં કે’ ગીત જુઓ તો દિલીપ કુમારનું જ ગીત લાગે.

તેરે મેરે સપને અબ એક રંગ હૈ – ગાઈડ (૧૯૬૫): અદભુત પ્રેમ ગીત જેના અક્ષર અક્ષરમાં, દરેક સૂરમાં, નાયક – નાયિકાના અભિનયમાં, કેમેરા મૂવમેન્ટમાં અને આસપાસના વાતાવરણમાં કેવળ રોમેન્સ, રોમેન્સ અને રોમેન્સ જ નીતરે છે. પ્રેમની માસૂમિયતનો અનુભવ કરાવતું ૪ મિનિટ ૧૦ સેક્ધડનું ગીત માત્ર ત્રણ શોટમાં ફિલ્માવવામાં આવ્યું છે એ એની ખાસિયત છે. વિજય આનંદના બેમિસાલ પિક્ચરાઇઝેશનને દેવ આનંદ અને વહિદા રહેમાને લાજવાબ ન્યાય આપ્યો છે. પ્રેમની અલગ જ પરાકાષ્ઠાનો અનુભવ આ ગીતમાં થાય છે.

અભી ના જાઓ છોડકર – હમ દોનો: (૧૯૬૧): શાહરુખ ખાનને એક વાર પૂછવામાં આવ્યું કે હિન્દી ફિલ્મોનું સર્વોત્તમ રોમેન્ટિક ગીત કયું? પળવારમાં કિંગ ખાને જવાબ આપ્યો કે ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.’ બે પ્રેમી-લવ બર્ડ્સ મળે ત્યારે ઘડિયાળ-સમય વિલનનું કામ કરે. ‘મોડી પહોંચી તો ઘરે મા ખીજાશે અને વહેલી નીકળી તો પ્રેમી પજવશે’ એ દ્વંદ્વ યુદ્ધ સાધના પડદા પર સાકાર કરે છે અને સમયની સાડીબારી નહીં રાખતા દેવ આનંદ ‘અભી તો કુછ કહા નહીં, અભી તો કુછ સુના નહીં’માં અતૃપ્ત ભાવને કેવો રમતિયાળ બનાવી દે છે. સિગારેટ ન પિતા હોવા છતાં લાઈટર રાખવાનું અનેક લોકોને મન થયું હશે.

દિલ કા ભંવર કરે પુકાર-તેરે ઘર કે સામને (૧૯૬૩): દેવ આનંદ-નૂતનના આ રોમેન્ટિક યુગલ ગીતના અમુક ભાગનું પિક્ચરાઈઝેશન દિલ્હીના કુતુબ મિનારમાં કરવામાં આવ્યું હતું. રોમેન્ટિક સોન્ગ માટે કુતુબ મિનાર બકવાસ જગ્યા કહેવાય, પણ ડિરેક્ટર વિજય આનંદની કલ્પના અને દેવ – નૂતનની લાજવાબ અદાને કારણે સમગ્ર ગીતના ભાવ કાનમાં ગૂંજ્યા કરે અને આંખમાં બંનેના ચહેરા રમ્યા કરે છે. કેમેરા મૂવમેન્ટમાં પડતી અગવડને કારણે ગીતના મોટા હિસ્સાનું ફિલ્માંકન કુતુબ મિનારની પ્રતિકૃતિ મેહબૂબ સ્ટુડિયોમાં ઊભી કરી કરવામાં આવ્યું હતું. જોકે, ગીત જોતી વખતે એનો ખ્યાલ નથી આવતો.

ચલ રી સજની અબ ક્યા સોચે-બમ્બઈ કા બાબુ (૧૯૬૦): દિલીપ કુમાર કે રાજ કપૂરનાં ગીતો માટે જેમ કિશોર કુમારની કલ્પના ન થઈ શકે એમ દેવ આનંદનાં ગીતો માટે મુકેશનો વિચાર ન આવે. આ ગીત એમાં અપવાદ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં આવતું આ ગીત બેકગ્રાઉન્ડમાં છે. મતલબ કે દેવસાબ પડદા પર ગીત નથી ગાઈ રહ્યા. જોકે, એક વાત સ્વીકારવી રહી કે વ્યવહારિક સ્વરૂપે બહેનને વિદાય આપી રહેલો નાયક હકીકતમાં તો પ્રેમિકાના લગ્ન કરાવી રહ્યો છે. મુકેશજીના સ્વરમાં વ્યક્ત થતી અસહ્ય પીડાને દેવસાબે અત્યંત પ્રભાવીપણે રજૂ કરી છે. ખાંખાંખોળાં કરતા જાણવા મળે છે કે ૫૦૦થી વધુ ગીત ફિલ્મોમાં રજૂ કરનારા દેવ સાબ માટે મુકેશે ગણીને ચાર ગીતમાં પ્લેબેક આપ્યું છે. બાકીના ત્રણ ગીતમાંથી બે તો દેવ આનંદને પણ હયાતી દરમિયાન યાદ નહીં રહ્યા હોય. એક છે ‘બહે કભી ના નૈન સે નીર’ (વિદ્યા-૧૯૪૮). આ ગીત જોશો તો સાયગલ સાહેબના જમાનામાં નાયક એક જગ્યાએ ઊભો રહી ગીત ગાઈ નાખતો એ પ્રકારનું છે. અને હા, યંગ દેવ આનંદ ઝભ્ભો પહેરેલા કેવા લાગે? બીજું છે ‘વિદ્યા’નું જ ‘લાયી ખુશી કી દુનિયા’ મુકેશ-સુરૈયાનું યુગલગીત છે. ત્રીજું ગીત છે ‘યે દુનિયા હૈ યહાં દિલ કો લગાના કિસકો આતા હૈ’ (શાયર-૧૯૪૯) જેમાં ફરી સ્થિર ભાવ ધારણ કરેલા દેવસાબને જોઈ રીતસરની અકળામણ થાય. અલબત્ત આ ત્રણેય તેમની કારકિર્દીની પ્રારંભના ગીત છે.

ગાતા રહે મેરા દિલ – ગાઈડ (૧૯૬૫): દેવસાબની ‘ગાઈડ’નાં ગીતોની યાદી પર નજર ફેરવશો તો નવાઈ લાગશે કે કિશોર કુમારનું એક જ ગીત છે. એ સમયે મધુબાલાની તબિયત ખૂબ નાજુક હોવાથી કિશોરદા એની દેખરેખમાં વધુ હાજર રહેતા હતા. દેવસાબ અને એસડી બર્મને એક ગીત તો ગા એવો અતિ આગ્રહ કરતા કિશોરદા આ યુગલ ગીત ગાવા તૈયાર થયા અને આખી ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી આ ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.

ધોતી, કુર્તા ઔર દેવ આનંદ

મથાળું વાંચીને જો તમે ચોંકી ગયા હો અને હસી પડ્યા હો તો એ સ્વાભાવિક છે. ‘અર્બન મેન’-શહેરી છાંટ ધરાવતા યુવાનની ભૂમિકા અનેક ફિલ્મોમાં કામ કરનારા દેવ આનંદ માટે તો ગ્રામ્ય પરિવેશને નવ ગજના નમસ્કાર હતા. જોકે, લેખક – ગીતકાર – દિગ્દર્શક પી. એલ. સંતોષીના કહેવાથી પુણેની પ્રભાત ફિલ્મ કંપનીમાં લાઈફમાં પહેલીવાર સ્ક્રીન ટેસ્ટ આપવા ગયેલા દેવ આનંદ માટે એક અનોખો અનુભવ રાહ જોઈને બેઠો હતો. મેકઅપ થઈ ગયા પછી એક માણસ સ્ક્રીન ટેસ્ટમાં પહેરવાનો પોષાક લઈને આવ્યો. એ ડ્રેસ જોઈ દેવ આનંદથી ખડખડાટ હસી પડાયું, કારણ કે ધોતિયું અને કુર્તો પહેરવાના હતા. વાત એમ હતી કે દેવ આનંદના રોમેરોમમાં શહેરી વ્યક્તિત્વ છલકાતું હતું અને ગામમાં રહ્યા ત્યારે સુધ્ધાં ક્યારેય ધોતિયું પહેર્યું નહોતું, ક્યારેય હાથમાં પણ નહોતું પકડ્યું. પેન્ટ – શર્ટ જ પહેરવેશ હતો. જોકે, આ ફિલ્મ સ્ટુડિયો હતો અને ભૂમિકા અનુસાર ધોતી – કુર્તો પહેરવા પડે. વાત આટલેથી ન અટકી. તેમના કપાળે તિલક કરવામાં આવ્યું અને દિગ્દર્શક પી. એલ. સંતોષીએ દેવ આનંદને ડાયલોગ બોલવા કહ્યું અને દેવ આનંદનો સ્ક્રીન ટેસ્ટ થઈ ગયો. દિગ્દર્શક શોટથી ખુશ હતા અને એ શોટ લેનાર કેમેરામેને સંતોષીના કાનમાં હળવેથી કહ્યું કે ‘એની આંખોમાં ગજબનો જાદુ છે અને એના સ્માઈલ પર લોકો ફિદા થઈ જશે.’ સંતોષી સાહેબે પણ ડોકું ધુણાવ્યું અને કેમેરામેને સાફ શબ્દોમાં કહી દીધું કે ‘સાહેબ, આને લઈ લો’. વાત પૂરી. મહિનાના ૧૦૦-૧૫૦ રૂપિયાના પગારે નોકરી કરનારા દેવ આનંદે મહિનાના ૪૦૦ રૂપિયાના પગારે કોન્ટ્રેક્ટ પર કારકિર્દીની પહેલી ફિલ્મ સાઈન કરી ‘હમ એક હૈં’. આ ફિલ્મથી નવા અભિનેતાની નોંધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લીધી અને દેવ આનંદને સૌથી મોટો લાભ એ થયો કે ફિલ્મના એક યુવાન કોરિયોગ્રાફર સાથે ઓચિંતી મુલાકાત થઈ. આ મુલાકાતનું રૂપાંતર એક આજીવન ફ્રેન્ડશિપમાં થયું. એ કોરિયોગ્રાફર બીજું કોઈ નહીં, પણ પછી એક સારા અભિનેતા અને ઉત્કૃષ્ટ દિગ્દર્શક તરીકે નામના મેળવનાર ગુરુ દત્ત હતા. શૂટિંગ દરમિયાન બંને જીગરી મિત્રો બની ગયા અને એ સમયે જ એક નિર્ધાર કરવામાં આવ્યો કે જો દેવ આનંદ નિર્માતા બનશે તો ગુરુ દત્તને ફિલ્મ ડિરેક્ટ કરવાની તક આપશે અને જો ગુરુ દત્ત દિગ્દર્શક બનશે તો હીરો તરીકે દેવ આનંદને સાઈન કરશે. આ ‘કરાર’ ૧૯૪૬માં થયો અને પાંચ વર્ષ પછી ૧૯૫૧માં દેવ આનંદની નવકેતન ફિલ્મ્સ હેઠળ રિલીઝ થયેલી ફિલ્મ ‘બાઝી’ના દિગ્દર્શક હતા ગુરુ દત્ત.

બ્લેક સૂટ પર બૅન

૧૯૭૦ના દાયકામાં રાજેશ ખન્ના પાછળ છોકરીઓ કેવી દીવાની હતી એના અઢળક કિસ્સા તમે વાંચ્યા – સાંભળ્યા હશે. જોકે, ૧૯૫૦-૬૦ના દાયકામાં એવરગ્રીન દેવ આનંદના હેન્ડસમ લૂકની પણ ક્ધયાઓ દીવાની હતી. સેવન્ટીઝની યંગ ગર્લ્સ રાજેશ ખન્નાને લોહીથી ‘આઈ લવ યુ’ લખતી તો ફિફટીઝમાં ક્ધયાઓ દેવ સાબના દર્શનની દીવાની હતી.

એક અહેવાલ મુજબ એવરગ્રીન કલાકારની ‘કાલા પાની’ (૧૯૫૮) રિલીઝ થઈ ત્યારે બ્લેક કોટમાં ફાંકડા દેખાતા દેવ સાબની પાછળ ઘેલી થયેલી એક યુવતીને જ્યારે અહેસાસ થયો કે પોતે દેવ આનંદના દિલના બગીચાનું ફૂલ નહીં બની શકે ત્યારે તેણે આપઘાત કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. દેવ આનંદ બ્લેક સૂટમાં દેખાય તો એમના દર્શન કરવા ક્ધયાઓ બાલ્કનીમાંથી કૂદવા તૈયાર થઈ જતી એમ કહેવાય છે. ‘મેન ઈન બ્લેક’ એ હોલિવૂડની ઈજારાશાહી છે એવું માનતા લોકોએ આ વાતની નોંધ લેવી જોઈએ. ચંદ મિનિટોની બાદ કરતાં આખી ‘કાલા પાની’માં દેવ સાબ મેન ઈન બ્લેક છે અને ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં’ પંક્તિ ત્યારે ઠેર ઠેર ગૂંજી હશે. કહે છે કે દેવસાબના બ્લેક ડ્રેસનો એવો જાદુ છવાયો કે થોડા સમય માટે ‘પ્લીઝ બ્લેક સુટ પહેરી બહાર નહીં નીકળતા’ એમ તેમને બે હાથ જોડી કહેવામાં આવ્યું હતું. જોકે, દેવસાબે તેમની આત્મકથામાં આનું વર્ણન એક ઘડી કાઢવામાં આવેલી કથા તરીકે કર્યું છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button