મેટિની

કેટરિના કૈફ કુશળ નહીં, સફળ ખરી

‘ટાઈગર ૩’ની હિરોઈન અભિનય કૌશલમાં ઊંચું સ્થાન નથી ધરાવતી, પણ બોક્સઓફિસ પર્ફોર્મન્સમાં તેનું સ્થાન ઘણું મજબૂત છે

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

રશ્મિકા મંદાના પછી કેટરિના કૈફ એઆઈ ટેક્નોલોજીના ડીપફેક વીડિયોની શિકાર બની. જોકે, રશ્મિકાની વ્યથા મીડિયામાં વ્યક્ત થઈ એ હદે કે એ તીવ્રતાથી કેટરિના કૈફની નારાજગી ન જાણવા – સાંભળવા મળી, કારણ કે અભિનેત્રી ‘ટાઈગર ૩’ને બોક્સઓફિસ પર મળેલી સફળતા એન્જોય કરી રહી હતી. ૨૦૦૩માં પહેલી ફિલ્મ ‘બૂમ’ સુપરફ્લોપ તેમજ ‘ડાન્સ કરતા નથી આવડતું અને એક્ટિંગ શું કહેવાય એ ખબર જ નથી’ જેવા લેબલ લાગ્યા પછી કેટરિના માટે ઈન્ડસ્ટ્રીમાં કપરા ચઢાણ હતા. જોકે, એ હાંફી ન ગઈ. હિંમત હાર્યા વિના મહેનત કરતી રહી અને આજે ૨૦ વર્ષ પછી હકીકત એ છે કે ધડાધડ ફિલ્મો સાઈન કરવાની માનસિકતામાંથી એ બહાર નીકળી ગઈ છે. પસંદગીનો માપદંડ રાખી ફિલ્મ સાઈન કરે છે. ડાન્સ કરતા નથી આવડતું લેબલ ક્યારનું ફાડી નાખ્યું છે. (માત્ર નાચ-ગાના માટે પસંદ અમથી તો નહીં જ થઈ હોય). અભિનયમાં ફાંફાં એ મેણાંટોણાંમાંથી પણ બહાર નીકળી ગઈ છે. અંગત જીવનમાં સલમાન સાથેની અફવા, રણબીર કપૂર સાથે બ્રેક અપ પછી હવે વિકી કૌશલ સાથે ‘હેપ્પીલી મેરિડ’ ઝોનમાં ખુશખુશાલ રહેતી કેટરિનાને બે દાયકા પછી સંતોષનો ઓડકાર જરૂર આવતો હશે. ‘ટાઈગર ૩’માં ટાઈગર (સલમાન ખાન) સાથે ઝોયા (કેટરિનાનું કેરેક્ટર) પણ દર્શકોને પસંદ પડી છે. યશરાજની ત્રણેય ‘ટાઈગર’ ફિલ્મ્સને દર્શકોએ આવકારી છે. સલમાન ખાન અને અક્ષય કુમારની હિરોઈન તરીકે ઓળખ મેળવનારી કેટરિના કુશળ અભિનેત્રી નથી ગણાતી, પણ સફળ જરૂર ગણાય છે. બોક્સઓફિસ પર સારો વકરો કર્યો હોય એવી એની ફિલ્મોની ટકાવારી પણ સારી છે. ફિલ્મ બિઝનેસના અભ્યાસુઓએ અભિનેત્રી વિશે આપેલી એક રસપ્રદ જાણકારી અનુસાર ‘બૂમ’થી ‘ટાઈગર ૩’ સુધીના ૨૦ વર્ષમાં કેટરિના કૈફની ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શનમાં ૩૦૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. અચરજ થાય એવી વાત તો એ છે કે વધુ ટેલન્ટેડ અને વધુ વ્યસ્ત દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને આ બાબતે પાછળ રાખવામાં કેટરિના સફળ રહી છે. ફિલ્મના ક્ધટેન્ટ કરતા એના બોક્સઓફિસ કલેક્શનની વધુ ચર્ચા થાય છે એવા આજના દોરમાં કેટરિના કૈફની આ અનોખી સિદ્ધિને પોંખ્યા વિના તો ચાલે જ નહીં ને!

મોડલિંગમાં નિરાશા, પહેલી ફિલ્મની ઘોર નિષ્ફળતા અને આવડત સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન જેવી પ્રારંભિક અવસ્થામાં કેટરિના હતાશ ન થઈ. શીખતી ગઈ, મહેનત કરતી રહી અને ડેવિડ ધવનની ‘મૈંને પ્યાર ક્યું કિયા’માં પહેલી વાર સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો. ત્યારબાદ ધીરે ધીરે સફળતા બારણે ટકોરા મારતી થઈ ગઈ. એની કેટલીક હિટ ફિલ્મોમાં ‘મૈંને પ્યાર ક્યું કિયા’ ઉપરાંત ‘નમસ્તે લંડન’, ‘અપને’, ‘વેલકમ’, ‘પાર્ટનર’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’, ‘ન્યૂ યોર્ક’, ‘રાજનીતિ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘એક થા ટાઈગર’, ‘ધૂમ ૩’, ‘બેન્ગ બેન્ગ’, ‘ભારત’, ‘સૂર્યવંશી’ અને ‘ટાઈગર ૩’નો સમાવેશ છે. અને હા, સ્પાય યુનિવર્સની ‘ટાઈગર ઝિંદા હૈ’ બોક્સઓફિસ કલેક્શનમાં કેટરિના કૈફની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ ગણાય છે. શૂન્યથી ૩૦૦૦ કરોડના કુલ કલેક્શનની બે દાયકાની યાત્રામાં અભિનેત્રીને નામે ૧૦૦ કરોડની, ૨૦૦ કરોડની અને ૩૦૦ કરોડની ફિલ્મ બોલે છે જે એક સિદ્ધિ જરૂર કહેવાય. કેટરિનાની સો કરોડની પહેલી ફિલ્મ હતી ‘એક થા ટાઈગર’ (૨૦૧૨). યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ પહેલી ફિલ્મનો ડિરેક્ટર હતો કબીર ખાન. ફિલ્મ રસિકોએ વધાવી લીધેલી આ ફિલ્મને ભારતના કલેક્શનમાં ૨૦૦ કરોડથી સહેજ માટે છેટું રહી ગયું હતું. આ સફળતા મળી એ પહેલા પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ (૨૦૧૦) અને ઝોયા અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ (૨૦૧૧) ૧૦૦ કરોડનો આંકડો પાર કરતા કરતા રહી ગઈ હતી. ‘ધૂમ ૩’ (૨૦૧૩) ૨૦૦ કરોડનો વકરો કરી શકનારી કેટરિનાની પહેલી ફિલ્મ સાબિત થઈ હતી. ચાર વર્ષ પછી ‘ટાઈગર ઝિંદા હૈ’ (૨૦૧૭) સાથે અભિનેત્રી માટે યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું અને ફિલ્મ ૩૦૦ કરોડનું કલેક્શન પાર કરવામાં સફળ રહી. આજકાલ વિશ્ર્વ આખાના વકરાના આંકડા આપવાનો રિવાજ ચાલે છે, પણ કેટરિનાના કલેક્શનના આંકડા તો ભારતમાં થયેલા વકરાના જ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની વાત કરીએ તો પહેલા ૧૦ દિવસના અંતે ‘ટાઈગર ૩’નું કલેક્શન ૨૫૦ કરોડના ઊંબરે પહોંચ્યું છે. જોકે એ ૩૦૦ કરોડ સુધી પહોંચી શકે એવા આસાર દેખાતા નથી.

નબળી અભિનેત્રી હોવાનું લેબલ ઘણા વર્ષો સુધી કેટરિના કૈફને ચીપકેલું રહ્યું. ફિલ્મોના મોટાભાગના અભ્યાસુઓ આ દલીલ સાથે સહમત સુધ્ધાં થશે. આ પરિસ્થિતિમાં યશરાજ દ્વારા નિર્મિત આઠ ફિલ્મમાં અભિનેત્રીની પસંદગી-હાજરી વિચાર કરતા મૂકી દે છે. રાની મુખરજીને (૧૩ ફિલ્મ) બાદ કરતા બીજી કોઈ એક્ટ્રેસ યશરાજ બેનરની પાંચથી વધુ ફિલ્મમાં નજરે નથી પડી. ચોપડા પરિવારે કેટરિનાની તરફદારી કરી હશે એવી દલીલ તો એમનો દુશ્મન પણ નહીં સ્વીકારે. એક્ટ્રેસની કોઈ એવી વાત જરૂર હશે જે ફિલ્મ માટે પ્લસ પોઇન્ટ સાબિત થતી હશે. આ સંદર્ભે કેટરિનાનું ગ્લેમર તેમજ એનો ખૂબસૂરત અને માસૂમ ચહેરો દર્શકોને પસંદ પડ્યો છે એવી કરવામાં આવતી દલીલમાં વજૂદ જરૂર છે. ૨૦૦૯ (ન્યૂ યોર્ક)થી ૨૦૧૪ (બેન્ગ બેન્ગ) દરમિયાન મળેલી સારી સફળતા અભિનેત્રીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. મુખ્યત્વે અક્ષય કુમાર અને સલમાન ખાનની હિરોઈન તરીકે જાણીતી થયેલી કેટરિનાએ અક્ષય સાથે સાત ફિલ્મ કરી છે જેમાં ‘હમ કો દીવાના કર ગયે’, ‘નમસ્તે લંડન’, ‘વેલકમ’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘દે દના દન’, ‘તીસમારખાં’ અને ‘સૂર્યવંશી’નો સમાવેશ થાય છે. પાંચ ફિલ્મને ફાંકડી સફળતા. ‘દે દના દન’ એવરેજ અને માત્ર ‘હમ કો દીવાના કર ગયે’ નિષ્ફળ. સલમાન ખાન સાથે કેટરિનાએ સાત ફિલ્મ કરી છે. પહેલી હતી ‘મૈંને પ્યાર ક્યું કિયા’. ત્યારબાદ ‘પાર્ટનર’, ‘હેલો’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ભારત’ અને ‘ટાઈગર ૩’. ‘હેલો’ (બંને મહેમાન કલાકાર જેવા હતા)ને બાદ કરતાં બધી ફિલ્મો હિટથી સુપરહિટ. સફળતાની ટકાવારી ૧૦૦ ટકા. આમ કેટરિનાની કરિયર ઘણી દમદાર રહી છે, પણ ક્યારેય એની ગણના પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, કાજોલ કે અનુષ્કા શર્માની હરોળની અભિનેત્રી તરીકે નથી થઈ એ હકીકત છે. હવેના દોરમાં અભિનેત્રી એ સ્થાન પર પહોંચવા ઉત્સુક હશે જ. વેઇટ એન્ડ વોચ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…