મેટિની

કાશ્મીરના ટેરરિઝમનો ‘તનાવ’

ફિલ્મનામા -નરેશ શાહ

કાશ્મીર, ૨૦૧૭. પાકી શંકાના આધારે એન્ટિ ટેરરિઝમ સ્કવોડની સ્પેશિયલ ટીમ દૂઆ-સલામ કરતાં ચાલ્યા જતાં પ્રોફેસરને આંતરીને ઈન્વેસ્ટિગેશન માટે લઈ જાય છે અને ઉચ્ચ ઓફિસરની મેચ્યોર્ડ પૂછપરછમાં પ્રોફેસર માત્ર એટલું કહે છે કે, ઉંમર રિયાઝ ઉર્ફે પેન્થર હજુ જીવે છે… સ્પેશિયલ સ્કવોડ માટે તો જાણે બોમ્બ ફૂટયો, કારણ કે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે તો ઉંમર રિયાઝ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોય છે.

‘પેન્થર’ તરીકે ઓળખાતો ઉંમર રિયાઝ કાશ્મીર માટે જિહાદ ચલાવતો બંદો છે અને સ્પેશિયલ સ્કવોડના જ ઓફિસર કબીર ફારૂકીની ગોળીનું એ નિશાન બન્યો હોય છે, ભૂતકાળમાં. આતંકવાદને કંટ્રોલ કરવા માટે કામ કરતાં સંસ્થાનો અને સરકાર પણ એ ઈન્ફર્મેશનથી ચોંકી જાય છે કે ઉંમર રિયાઝ જીવે છે… તરત જ એટીએસની કામગીરી છોડી ચૂકેલાં કબીર ફારૂકીનો સંપર્ક કરવામાં આવે છે અને એને ‘ઓપરેશન-પેન્થર’માં સામેલ કરવામાં આવે છે…

આ તરફ, ઓફિસર કબીર ફારૂકીનું દ્રઢપણે માનવું છે કે (જો) ઉંમર રિયાઝ જીવતો છે (તો)એ ચોક્કસ એના નાના ભાઈના નિકાહમાં ઉપસ્થિત થશે અને નિકાહ પ્રસંગે એટેક કરવા માટે એટીએસની ટીમ રૂપરેખા તૈયાર કરીને (નિકાહમાં) સામેલ થઈ જાય છે, પણ… ખૂબ જ અલગ મૂડમિજાજની ફિલ્મો આપનારા તરીકે જાણીતા દિગ્દર્શક સુધીર મિશ્રા (યે સાલી જિંદગી, ખોયા ખોયા ચાંદ, ચમેલી, ઈસ રાત કી સુબહ નહીં) અને સચીન ક્રિશ્નએ ડિરેક્ટ કરેલી ‘તનાવ’ વેબસિરીઝની પ્રથમ પંદર મિનિટની આ કથા છે. સ્વાભાવિક છે કે ‘તનાવ’ની પહેલી સિઝનના છ એપિસોડ એકદમ તણાવગ્રસ્ત જ બનવાના છે અને બન્યાં પણ છે, કારણ કે એ ખૂબ વખણાયેલી ઈઝરાયેલી ટીવી સિરીઝ ‘ફૌદા’ની એશિયન રીમેક છે એટલે કે ‘ફૌદા’માં પેલેસ્ટાઈન છે, એ ‘તનાવ’માં કાશ્મીર છે.

‘ફૌદા’ની ઓરિજિનલ કહાણીને આપણા અધીર ભટ્ટ અને ગગનસિંહ સેઠીએ અત્યંત ખૂબસૂરતીથી ભારતીય વાતાવરણમાં ઢાળી છે એટલે ‘મની હાઈસ્ટ’ પાછળ ઘેલાં થઈ ગયેલાં ચાહકોએ ‘ફૌદા’ ન જોઈ હોય તો ‘તનાવ’ એમને જરૂરથી ઉત્તેજીત કરશે. દરઅસલ, ‘ફૌદા’ એક અરેબિક શબ્દ છે, જેનો અર્થ થાય છે: કેઓસ- અવ્યવસ્થા- અરાજકતા… દરેક દેશની સિસ્ટમમાં કે સિસ્ટમને કારણે કે સિસ્ટમ સામે એક પ્રકારનો અભાવ- અજંપો ને આક્રોશ લબકારાં લેતો હોય છે અને એ અરાજકતા ફેલાવવામાં નિમિત્ત પણ બનતો હોય છે.

‘ફૌદા’ અને ‘તનાવ’ તેની વાત કરે છે. ‘ફૌદા’ની તો ચાર સીઝન બની ચૂકી છે અને તેણે આંતરરાષ્ટ્રીય પ્રશંસા પણ મેળવી છે. ભારતના પ્રોડકશન હાઉસ ‘એપલોઝ એન્ટરટેન્મેન્ટે’ તેના ઓફિશિયલ રાઈટ્સ લઈને ‘તનાવ’ વેબસિરીઝ બનાવી છે. પ્રથમ સીઝનના અંતમાં જ આપણને નેકસ્ટ સીઝનના સિનોપ્સીસ દેખાડવામાં આવેલા અને ‘તનાવ’ની બીજી સીઝન હમણાં જ ‘સોની લિવ’ના ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે.

રહી વાત ‘તનાવ’ની બન્ને સિઝનની. આ સીઝનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેનું મોટા ભાગનું શૂટિંગ કાશ્મીરમાં જ થયું છે. કાશ્મીરી બજારમાં થતું ફાયરિંગ, કિડનેપિંગ, ભાગાદોડી જોવામાં ખરેખર એક નવો જ રોમાંચ મળે છે. વેબસિરીઝનું ક્નટેન્ટ તો પાવરફૂલ છે જ, પણ રજત કપૂર, અરબાઝ ખાન, માનવ વીજ, ઝરીના વહાબ જેવા જાણીતા એકટર્સના પરફોર્મન્સીસ પણ કાબિલે દાદ છે.

ખાસ ઉલ્લેખ કબીર ફારૂકીનું પાત્ર ભજવતાં માનવ વીજ અને કાશ્મીરી અભિનેતા સુમિત કૌલનો કરવો પડે. સુમિત કૌલે ‘તનાવ’માં ઉમર રિયાઝ પેન્થર’ના પાત્રમાં કમાલ કરી છે તો માનવ વીજ (લાલસિંહ ચઢા, સમ્રાટ પૃથ્વીરાજ, ભારત, અંધાધૂંધ) સ્પેશિયલ સ્કવોડનો ધૂંધવાયેલાં ઓફિસર તરીકે પરફેક્ટ છે.

આ લખનારને તો માનવ વીજની સ્ક્રીન પ્રેઝન્સ સતત અનુરાગ કશ્યપની યાદ અપાવતાં રહ્યા હતા , પણ અંગત માન્યતાઓને છોડી દઈએ તો ‘તનાવ’ના મોટાભાગના પરફેક્ટ કાસ્ટિંગ માટે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાના કામને બિરદાવવું પડે. પરફેક્ટ કાસ્ટિંગ, સયંમિત એક્ટિંગ, કાશ્મીરનું લોકલ અને ઓરિજિનલી સ્ટ્રોંગ (ફૌદાની) કહાણી… ‘તનાવ’ને એક ઉત્તમ વેબસિરીઝ બનાવે છે. તમે ગેંગવોર અને મારધાડવાળી વેબસિરીઝને પસંદ કરતા હો તો ‘તનાવ’ વેબસિરીઝ સાર્થક એન્ટરટેન્મેન્ટ છે એમાં કોઈ શંકા રાખશો નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button