છોરિયાં છોરોં સે કમ હૈ કે?!
હીરોઈનની ફિલ્મો હીરોની ફિલ્મ કરતાં વધુ કમાણી કરવા લાગી છે એવી કબૂલાત ખુદ કરણ જોહરે જ કરી છે..

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
આલિયા ભટ્ટ, સાન્યા મલ્હોત્રા, શર્વરી વાઘ કરણ જોહર છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ બનાવવા કરતાં ફિલ્મો વિશે બોલવા બદલ વધુ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં એણે એક એવી વાત કરી છે, જેની નોંધ અનેક લોકોએ લીધી અને એ ચર્ચાનો મુદ્દો પણ છે. કરણનું કહેવું છે કે ફિલ્મ મેકરોએ હવે માત્ર પુરુષ પાત્ર ઉપરાંત સ્ત્રી પાત્રને પણ વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. કરણ જોહર આ દલીલના સમર્થનમાં એ વાત પર ધ્યાન દોરે છે કે થોડા સમયથી મહિલા પ્રધાન ફિલ્મ પુરુષ પ્રધાન ફિલ્મની સરખામણીમાં બોક્સ ઓફિસ પર વધુ સફળતા મેળવી રહી છે. આ ટ્રેન્ડને અવગણી ન શકાય. મતલબ કે સ્ત્રી લક્ષી ફિલ્મો વધુ બનાવવી જોઈએ. ‘આજ કી નારી સબ પે ભારી’ સ્લોગન અમસ્તું નથી બન્યું. ‘દંગલ’ ફિલ્મમાં આમિર ખાન સાક્ષી તન્વરનેકહે છે કે ‘આજકે બાદ ગીતા, બબીતા ના ઝાડુ પોંછા કરેગી ના ચુલ્હા ચૌકા કરેગી. આજ કે બાદ વો સિર્ફ પહેલવાની કરેગી’. આ વાત સાંભળી સાક્ષી તન્વર કહે છે કે ‘પહેલવાની તો સિર્ફ છોરે હી કરેં’. આમિર ખાન જવાબ આપે છે કે ‘હમારી છોરિયાં ઈન છોરોં સે કમ હૈ કે?! ’. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ આ ડાયલોગ બોલવાનો સમય આવી ગયો છે એમ કરણ જોહરનું માનવું છે.
પોતાની દલીલના સમર્થનમાં કરણ જોહરે ‘સ્ત્રી 2’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મોની બોક્સ ઓફિસ સફળતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. દલીલના સમર્થનમાં કરણ કહે છે કે ‘આલિયા ભટ્ટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ કરી એ મારા હિસાબે સિનેમાનો જયજયકાર હતો. એ પાત્રમાં આલિયા છવાઈ ગઈ અને ઘણા સ્ટાર પુરુષ એક્ટર કરતાં આલિયાની ફિલ્મની પ્રારંભિક કમાણી વધુ હતી. એક નારી સમગ્ર ફિલ્મ પોતાના ખભા પર ઉપાડી વટથી આગળ વધી શકે એ આ ફિલ્મ દ્વારા ફરી એક વાર સિદ્ધ થયું છે.’ મહેનતાણામાં બરાબરીના મુદ્દાની ચર્ચા થાય ત્યારે પોતાની ફિલ્મ વધુ નાણાં રળી લાવતી હોવાથી એમને હીરો કરતાં વધુ પૈસા મળવા જોઈએ એવી રજૂઆત કરવામાં આવે છે. જોકે, હમણાં હમણાં મહિલાલક્ષી ફિલ્મો તગડી શરૂઆત કરી રહી છે, જ્યારે પુરુષ પ્રધાન ફિલ્મો બોક્સ ઓફિસ પર કંગાળ સાબિત થઈ રહી છે.
અલબત્ત, મહિલાનો મહિમા ગાઈ રહેલો કરણ જોહર પોતે મહિલા પ્રધાન ફિલ્મો બનાવવા ઈચ્છા રાખતો હોય એવું લાગતું નથી. અત્યારે એ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ‘નાદાનિયાં’માં વ્યસ્ત છે જેમાં હીરોઈન છે શ્રીદેવીની બીજી પુત્રી ખુશી કપૂર. જ્હાન્વી પછી શ્રીદેવીની બીજી અનુજા પણ એક્ટિંગમાં કરિયર બનાવવા થનગની રહી છે. ગયા વર્ષે કરણે આલિયા સાથે બનાવેલી સ્ત્રી કેન્દ્રીફિલ્મ ‘જિગરા’ સુપરફ્લોપ સાબિત થઈ હતી. કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળ રહી એ મુદ્દાને કેન્દ્રમાં ન રાખીએ તો 2024ના વર્ષ દરમિયાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રી કેન્દ્રી ફિલ્મોનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો હોવાનું ચિત્ર ઉપસે છે. આ વર્ષમાં કેટલીક ફિલ્મો એવી છે, જેનો સંપૂર્ણ ભારઅભિનેત્રીના ખભા પર રહ્યો છે. સૌથી નોંધપાત્ર ફિલ્મ તો કિરણ રાવ દિગ્દર્શિત ‘લાપતા લેડીઝ’ જ ગણવી જોઈએ. કબૂલ કે સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશન મહત્ત્વના રોલમાં દમદાર લાગ્યા, પણ ફિલ્મના રિયલ સ્ટાર તો નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને છાયા કદમ જ હતાં. ગ્લેમરનો છાંટો પણ ન હોવા છતાં ત્રણેય અભિનેત્રી સિને રસિકોની નજરમાં વસી દિલમાં બિરાજમાન થઈ.
બીજા નંબરે કરીના કપૂર, તબુ અને કૃતિ સેનનની ‘ધ ક્રૂ’ આવે. ત્રણ મહિલાના અંગત જીવન અને કારકિર્દી પર ફોકસ કરતી ફિલ્મને પણ આવકાર મળ્યો હતો. આ બંને ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશનના આંકડા ‘સ્ત્રી’ કે ‘જવાન’ સામે પરચૂરણ જેવા લાગે, પણ વળતરની ટકાવારીની દ્રષ્ટિએ ‘હમ કિસીસે કમ નહીં’ જેવી સાબિત થઈ. ‘આર્ટિકલ 370’મા ંકેન્દ્ર સ્થાને રાજકીય મુદ્દો છે, પણ ફિલ્મમાં યામી ગૌતમ અસલી હીરો છે. ‘ફિર આયી હસીન દિલરુબા’માં પણ તાપસી પન્નુ કોમ્પ્લેક્સ રોલમાં પણ હીરોઈન કાઠું કાઢી શકે છે એ સિદ્ધ કરી શકી છે. ‘વેદા’માં શર્વરી વાઘને એક્શન પેક્ડ રોલમાં ચમકાવવાની હિંમત કરવામાં આવી છે. આ જ શર્વરી વાઘ આલિયા ભટ્ટ સાથે ‘યશરાજ’ની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’માં પણ જોવા મળશે.
ટૂંકમાં ગુજરાતીમાં જેને ‘ધડાધડીવાળી ફિલ્મો’ કહેવાય છે એ એક્શન ફિલ્મોમાં પણ સ્ત્રી રાજની શરૂઆત તો થઈ છે. યાદ કરો દારા સિંહની ‘ફૌલાદ’ કે પછી ‘રુસ્તમ – એ – હિંદ’ જેવી ફિલ્મો જેમાં હીરોઈન મુમતાઝ શોભાના ગાંઠિયાથી વિશેષ કશું નહોતી. હવે ચક્ર આખું ફરી ગયું છે. ‘બિન્ની એન્ડ ફેમિલી’ તેમજ ‘લવ, સિતારા’ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી ના શકી, પણ હીરોઈન જ હીરો હોય એવી ફિલ્મો બનાવવાની કોશિશ વધતી જાય છે એ હકીકત છે.2021માં આવેલી મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કિચન’ની હિન્દી રિમેક ‘મિસિસ’ આ મહિને જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. પિતૃ પ્રધાન સમાજમાં સ્ત્રી સાથે થતું ઓરમાયું વર્તન ફિલ્મની વાર્તામાં મુખ્ય તંતુ છે.
રસોડામાં ઘૂસી નાસ્તો – રસોઈ તૈયાર કરવા, પતિ જમે પછી જમવાનું, વાસણની સફાઈ અને સસરાને સવારે ટૂથબ્રશ આપવું જેવી પ્રવૃત્તિમાં અટવાઈ રહેતી સ્ત્રીમાં આજની નારીને પોતાનું પ્રતિબિંબ નહીં દેખાતું હોય, પણ અન્યાયથી કંટાળેલી શ્રીમતી આત્મ ગૌરવ માટે જે રીતે ઘર છોડી ચાલતી પકડે છે એમાં આજની નારીનો પડઘો જરૂર સંભળાયો હશે. ફિલ્મનો ભાર સાન્યા મલ્હોત્રાએ પોતાના ખભા પર સફળતાપૂર્વક ઉપાડ્યો છે. ફિલ્મ સાથે સાન્યાની અદાકારીની પણ પ્રશંસા થઈ છે. મહિલાને પ્રાધાન્ય આપતી આ ફિલ્મ વાસ્તવદર્શી કથા અને સાન્યાની એક્ટિંગને કારણે હિટ સાબિત થઈ છે. ‘પરમ સુંદરી’માં સિદ્ધાર્થ મલ્હોત્રા છે, પણ ફિલ્મને જ્હાન્વી કપૂરની ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે.
હિન્દી ફિલ્મોના ઊંડા અભ્યાસુ તરણ આદર્શનું કહેવું છે કે ‘મહિલા કેન્દ્રીય ફિલ્મો અગાઉ નહોતી બનતી એવું નથી. ‘મધર ઈન્ડિયા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અને ‘બંદિની’ એના ઉત્તમ ઉદાહરણ છે. જોકે, 1970 – 80ના દાયકામાં એક્શન ફિલ્મોનો મોટો ફાલ ઉતરવાનો શરૂ થયો ત્યારે હીરોઈન હાજરી પૂરતી ગ્લેમર અને ગીત – નૃત્યમાં અટવાઈ ગઈ હતી.’ એકવીસમી સદીમાં ‘કહાની’, ‘મેરી કોમ’, ‘રાઝી’ વગેરે પ્રયત્નો થયા અને એ કોશિશોને આવકાર પણ મળ્યો.
2024નું વર્ષ આ પ્રકારની ફિલ્મો માટે મહત્ત્વનું રહ્યું છે. ગાડી ગિયરમાં આવી છે, જોઈએ, આગળ કેવી સ્પીડ પકડે છે.