જોકર
ટૂંકી વાર્તા – અજય ઓઝા
‘હેય.. આજે તો સન્ડે, કોના જોકરનો વારો છે ?’ ગર્લ્સ હોસ્ટેલના રૂમની બાલ્કની ખોલતાવેંત જ જીનલ મોટેથી બોલી ઊઠી.
હમણાં જ જાગેલી તેની બધી રૂમપાર્ટનર્સ પણ બાલ્કની તરફ આવી પહોંચી. રિયા પોતાનો મોબાઈલ ઉછાળતા ઉછાળતા સૌની વચ્ચે દોડી આવી. ‘ચિયર..અપ ગર્લ્સ, ઇટ્સ માય ટર્ન !’
‘વાઉ..!!?’ બધી એક સાથે છળી જ પડી.
‘યા બેબી, આજે મારા જોકરનો વારો છે !’ રિયાએ કહ્યું, ‘બોલો સખીઓ, કેવું નાટક કરાવશું મારા જોકર પાસે ?’
‘પહેલા એને ગાર્ડનમાં બોલાવ તો ખરી, પછી નક્કી કરીએ.’ જીનલ બોલી ને બધી બહેનપણીઓએ તેમાં સૂર પુરાવ્યો.
‘ઓકે..ઓક્ક્કે.. લેટ મી કોલ હિમ. યસ્સ, કોલ શું કામ એક મેસેજમાં જ હાજર થયો સમજો.’ કહેતા જ રિયાએ એમ મેસેજ લખ્યો, ‘હાય માય લવ, હું ગાર્ડનમાં છું, તું આવી જા ને ડિયર !’ -ને સેન્ડ કરી દીધો. અને પછી બધા બાલ્કની સામેના ગાર્ડન તરફ સંતાઈને તમાશો જોવા માટે ભારે ઉત્તેજનાથી ગોઠવાય ગયા. ગર્લ્સરૂમની એમની બાલ્કની ગાર્ડન તરફ એવી રીતે પડતી હતી કે આખાયે ગાર્ડનના ખૂણે ખૂણા પર નજર રાખી શકાય ને તો પણ ગાર્ડનમાંથી એમને કોઇ જોઇ પણ ન શકે !
હોસ્ટેલ ગર્લ્સનો આમ તો આ રાબેતા મુજબનો હોલિડે જ કહેવાય. રજાના આવા દિવસે બધી છોકરીઓ કંઈ ને કંઈ મનોરંજન શોધી લેતી હોય. આ છોકરીઓ માટે પોતપોતાના બોયફ્રેન્ડને જુદી જુદી તરકીબો વડે ‘બકરો’ બનાવી આનંદ લેવાનું કોઠે પડી ગયેલું, ને કોઇ પોતાના બોયફ્રેન્ડને હોસ્ટેલનું સરનામું તો આપે જ નહિ એટલે બીજાં કોઇ જોખમો તો રહે જ નહિ ! હોલી ડે ખતમ એટલે બોયફ્રેન્ડ અને સિમકાર્ડ બધું જ બદલાવી નાખવાનું !
સાચે જ ગણતરીની મિનિટોમાં એક યુવાન ફુવારા પાસે આવતો જોયો ને બધી છોકરીઓ એકબીજાને તાળી દેવા લાગી, ‘વાહ રિયા, યૂ ગેટ હિમ, પહેલો માઈલસ્ટોન પાર, ગૂડ !’ સલોનીએ રૂમની દીવાલ પર લગાવેલ જોકર્સ સ્કોરબોર્ડ પર રિયાના ખાનામાં એક બોનસ પાઈન્ટ લખ્યો !
રિયાના ચહેરા પર વિજયી સ્મિત બેઠું, ‘તો બોલો ફ્રેન્ડસ હવે નેક્સટ સ્ટેપ ?’
‘એમ કર રિયા, એને ફોન કર.’ સલોનીએ કહ્યું.
બધાના રમતિયાળ ચહેરા પર સહમતી જોઇ એટલે રિયાએ તરત જ એની વાત પર અમલ કર્યો અને ફોન કાને લગાવ્યો, ‘હાય જાન !’
જીનલ અને સલોની હળવેથી બોલી પડ્યા, ‘એય સ્પીકર કર સ્પીકર.. ઑન કર !’
રિયાએ ફોન વચ્ચે મૂકી સ્પીકર ઑન કર્યું, સામેથી તેનો બોયફ્રેન્ડ બોલ્યો, ‘હાય રિયા, હું આવી ગયો, તું ક્યાં ?’ એ આમતેમ ડાફોળિયા મારતો હતો. એ જોઇ બધી છોકરીઓ હસતી હતી.
‘હું ! હું તો.. સંતાઇ છું, તારા દિલમાં.’ રિયાએ જવાબ આપ્યો ને ફરી અંદરોઅંદર હાથતાળીઓ પણ દેવાઇ.
પેલો ગાર્ડનમાં એકલો શરમાઇ રહ્યો.
જીનલે નવું સૂચન કર્યું, ‘એને કહે કે પેલા ઝાડ પર ચઢી બતાવે.’
સલોની કહે એને ગાર્ડન ફરતે ચક્કર લગાવરાવ.
રિયાએ ઈશારાથી સમજાવ્યું કે બેય કરાવું જો, ને પછી ફોનમાં બોલી, ‘જાન, તું મને શોધવા ગાર્ડનનું એક ચક્કર પણ ન લગાવી શકે ડિયર ?’
‘અરે હોય કાંઈ ? જો હમણાં જ તને શોધી બતાવું.. ઊભી રહેજે હોં..’ કહેતો પેલો આમતેમ ચક્કર લગાવવા લાગ્યો. સલોનીએ વળી પેલા સ્કોરબોર્ડમાં એક પોઈન્ટ ઊમેરતા ધીમા અવાજે કહ્યું, ‘કેવો કહ્યાગરો છે, રિયા તને વધુ એક પોઇન્ટ મળી ગયો હો.’
રિયા હળવેથી બોલી, ‘ચૂપ રહે, આગે આગે દેખ હોતા હે ક્યા!’
બાલ્કનીમાંથી તમાશો જોવાની મજા માણતા રિયાએ ફોનમાં પેલાને કહ્યું, ‘તું મને શોધી ન શકે તો પછી બસ, ભૂલી જજે મને!’
ચક્કર મારી થાકેલો પેલો હાંફતો હાંફતો બોલ્યો, ‘અરે ક્યાં છે તું ડિયર ? આખો બગીચો ફરી વળ્યો, તું આવી તો છે કે ?’
‘હા, હા હું આવી જ છું. બધે જોયું તે બરાબર ? ઝાડ પર પણ જોયું ?’ રિયા બોલી.
‘ઓત્તારી.. ઝાડ પર ? બકા તું ત્યાં છુપાઈ છો ? હમણા પકડી પાડું જો.’ યુવાન બેબકળો થઈ ઝાડ પર ચઢવા કોશિશ કરે છે ને એકાદ ડાળ સુધી પહોંચતાં જ શૂઝ સ્લીપ જતા નીચે જોરદાર રીતે પટકાય છે.
બાલ્કની પર ફરી હાથતાળીઓ દેવાય છે, સ્કોરબોર્ડ પર વધુ એક પોઈન્ટ ઉમેરાય છે, બધી છોકરીઓનું અટ્ટહાસ્ય ગર્લ્સ હોસ્ટેલના એ રૂમમાં ફરી વળે છે. સન્ડે પૂરો.
બીજે રવિવારે, સલોનીએ સામેથી જ સૌને જગાડી જાહેર કર્યું,, ‘આજે મારા જોકરની પરેડ લેવાની છે હો. ચાલો બધા તૈયાર થઈ જાવ.’
જીનલ અને રિયા સહિતની બધી બહેનપણીઓ બાલ્કનીમાં સંતાઈને રાબેતા મુજબ ગોઠવાઈ ગઈ. સલોનીએ સ્પીકર ઑન કરીને જ ફોન ઘુમાવ્યો તો સામેથી એક યુવકનો અવાજ આવ્યો, ‘ગુડ મોર્નિંગ યાર, તને જ યાદ કરતો હતો. ચાલ આજે મલ્ટીપ્લેક્ષમાં મૂવી જોવાનો પ્લાન બનાવીશું?’
સલોની તરત જ બોલી, ‘વ્હાય નોટ ? પણ અત્યારે હું ગાર્ડનામાં બોર થાઉં છું, તું આવી જા ને!’
સ્યોર.. સ્યોર.., હમણાં જ આવું છું, જસ્ટ વેઈટ !’ યુવક બોલ્યો.
સલોનીએ કહ્યું ‘ફોન ચાલુ રાખજે, હું બોર થઈ ગઈ છું બહુ.’
‘ઓકે.. ઓકે.., આવું છું.’
સખીઓએ હાથતાળી દીધી. ગાર્ડનમાં પેલા યુવકનો પ્રવેશ થતાં જ સ્કોરબોર્ડ જીવંત બન્યું. શું શું કરાવવું તેના પ્લાન ઈશારાઓમાં જ બનવા માંડ્યાં.
‘હું તો આવી પહોંચ્યોં, તું ક્યાં ?’ પેલો બોલ્યો.
‘થોડીવાર ત્યાં જ રહે, મારી સાથે મારી બહેનપણીઓ છે એને રવાના કરી દઉં!’ સલોનીએ જવાબ આપ્યો ને તરત જ એનો સંકેત મળવાથી બે-ત્રણ બહેનપણીઓ ગાર્ડનમાં જવા નીકળી ગઈ.
‘ઓકે યાર.. પણ જલદી હો..!’ યુવક બોલ્યો. ને ફોન કપાય ગયો.
પ્લાન મુજબ પેલી ગાર્ડનમાં ગયેલી યુવતીઓ અલગ પડી ગઈ, જે એમાંની એક યુવક પાસે પહોંચી તો એને યુવકે પૂછ્યું ‘તમે સલોનીને જોઈ?’
યુવતી કહે, ‘સલોનીને ? હા, ફુવારાના પેલા છેડે બેઠી હતી, હમણાં જોઈ.’
યુવક દોડ્યો જે બીજી તરફ પહોંચ્યો, ત્યાં વળી એક બીજી ફ્રેન્ડ ઊભી રહી ગયેલી.
‘કોણ ? સલોની ને ? હમણાં જ અમે અહીં બેઠાં હતાં. સામે કૂલર પર પાણી માટે ગઈ છે, ત્યાં જ હશે.’
બાલ્કની પર ખિખિયાટા વધતા રહ્યા:. સલોનીએ ફોન બંધ કર્યો ને સૌ આગળનો તમાશો જોવા લાગ્યા. કૂલર પાસે વળી ત્રીજી ફ્રેન્ડ તૈયાર જ હતી, એણે કહ્યું ‘સલોનીને બહું તરસ લાગી હતી તો અમે અહીં પાણી માટે આવ્યાં પણ કૂલર તો બંધ છે, સલોનીને ચક્કર આવતા હતા તો મેં એને સામે બેન્ચ પર બેસાડી છે. એનું બી.પી. ડાઉન હોય એવું લાગે છે.’
યવક અકળાયો ને દૂરને બેન્ચ તરફ દોડવા જતો હતો ત્યાં પેલીએ અટકાવીએ કહ્યું, ‘તમે આમ જ જશો ? એ ક્યારની પાણી માટે તરસે છે, એક પાણીની બોટલ લઈને પેલી બેન્ચ પર જલ્દી આવો ને!’
‘ઓ..યસ, એમ જ.. એમ જ..’ બોલતો યુવક ગાર્ડનની બહાર પાણી માટે ભાગ્યો.
થોડી મિનિટો પછી, ગાર્ડનની બેન્ચ આસપાસ પાણીની બોટલ અને મોબાઇલ સાથે આમતેમ દોડતા અકળાયેલા યુવકને જોઇ, ગર્લ્સ હોસ્ટેલની એ બાલ્કનીમાં ફરી ખડખડાટ હાસ્ય અને હાથતાળીઓનું સામ્રાજ્ય ફેલાયું, ને ફરી એકવાર સ્કોરબોર્ડ હરકતમાં આવી જ ગયું!
પછીના એક રવિવારે જીનલના જોકરનો વારો આવ્યો. આ વખતે પણ એ લોકોએ પ્લાન વિચારી રાખેલો. આખો રમતિયાળ ગાર્ડન વહેલો જાગી ગયો, હોસ્ટેલે આળસ મરડી, બાલ્કનીમાં ઊભરો આવ્યો, સ્કોરબોર્ડ હિલોળે ચડવા થનગન્યું, ને સ્પીકરફોન ઓન થયો, ‘ડાર્લિંગ કેમ આજે તારો ફોન આવ્યો નહિ ? રોજ તો તારું મૉર્નિંગ બહુ વહેલું ગુડ થઈ જતું હોય છે ?’ જીનલ બોલી.
સામેથી ત્રીજા જોકરનો થોથવાતો જવાબ આવ્યો, ‘યા.. પણ આજે થો.. યૂ જો.. સન્ડે ખરો ને, એટલે જરા..’
‘હું અહીં હેરાન થતી હોઉં ને તું સન્ડે ઍન્જોય કરે છે ? તને મારી જરાય ફિકર જ નથી!
નાકનું ટીચકું ચઢાવી જીનલ એવી સ્ટાઇલમાં બોલી કે બાકીની છોકરીઓ માંડ માંડ હસવું ખાળી શકી.
‘તું હેરાન ? કેમ ? શું થયું ? બોલ.. મને વાત કર.’ અપેક્ષા મુજબ યુવક વ્યાકુળ થયો.’
‘હેલો.. મારા ફોનમાં તારો અવાજ બરાબર નથી સંભળાતો ને આમાં તારા મેસેજ પણ સરખા નથી ઊતરતા. હહ..’ જીનલે છણકો કર્યો.
‘હું તને કહું જ છું ને, જો આ વખતે તને નવો સ્માર્ટફોન ગિફ્ટ કરીશ.. ઓકે ? પણ હેરાન કેમ થાય છે એ તો કહે ?’ યુવક જરા મોળો પડ્યો.
બધી છોકરીઓએ અંગૂઠો ઊંચો કર્યો ને એ અભિવાદન ઝીલતી જીનલ મહેનતપૂર્વક અવાજ કરતા બોલી, ‘કાલે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ.’
‘બસ ? આટલી જ વાત ? એ પણ નવી અપાવી દઈશ, હેપ્પી?’
‘ના, મારે એ ઘડિયાળ જોઈએ, મારી ફેવરિટ હતી, એમાં મારો ટાઈમ હંમેશાં હેપ્પી હેપ્પી રહે છે!’ જીનલે ફરી બનાવટી છણકો કર્યો.
‘તો ? જરા શોધખોળ કરી જો ને ! હું હેલ્પ કરું ? ક્યાં ખોવાઈ?’
‘અબ ઊંટ આયા પહાડ કે નીચે’ હળવેથી બોલતી એક છોકરી સ્કોરબોર્ડ પર લખવા ગઈ. એને ચુપ રહેવાનો સૌએ ઈશારો કર્યો.
જીનલ બોલી, ‘મેં બહુ શોધી, પણ જડતી નથી. તું લાવી આપ જે.. પ્લી.ઈ..ઝ ?’ જીનલે એવી રીતે આંખ પટપટાવી કે બધી યુવતીઓ મનમાં પોકારી ઊડી.. આફરીન આફરીન!
યુવક પણ ઓગળ્યો, ‘હા, તો એમ બોલ ને, હમણાં જ ગાર્ડનમાં જઇ તારી ઘડિયાળ શોધી લાવું છું, ને સાંજે મળીએ ત્યારે તારી સામે હાજર કરું છું.. ખુશ?’
‘હા…, અને, નવો સ્માર્ટફોન પણ લાવીશ ને ? જોજે પાછો, નહિ મળે તો પનિશમેન્ટ પાક્કું?’ જીનલનો મલકાતો અવાજ કોઈ પણ ને ડગમગાવી દે એવો હતો.
‘હા. ચોક્કસ.. પ્રોમિસ.’ યુવકે વિચાર્યું કે જ્યારે વગર વિચાર્યે ઓગણીસ પ્રોમિસ આપ્યા હોય ત્યારે વીસમું આપવામાં હું વિચારવું?
ફોન બંધ થયો. છોકરીઓ ખિલખિલ થવા લાગી. કેટલીક વાર પછી એ યુવક ગાર્ડનમાં ઘડિયાળ શોધતો દેખાયો. બધા સંતાઈને તેને જોવા લાગ્યા.
ખાસ્સી એવી વાર પછી કશુંય હાથ ન લાગતા એ જીનલને ફોન કરે છે, ‘જાનુ અહીં તો તારી ઘડિયાળ મળતી નથી, તું કહે તેવી તને નવી લાવી આપું.’
જીનલે સ્પષ્ટ અવાજમાં કહ્યું ’નેવ્વર, મારે એ ઘડિયાળ જોવે. જો તું એ શોધી ન શક્તો હો તો મારે બીજા કોઈની મદદ લેવી પડશે, કહું બીજા કોઈને ? .. પેલો રાકેશ મને કેટલાયે દિવસથી ફોલો કરે જ છે.’
દુખતી રગ દબાય ત્યારે કેવા હાલ થાય એ અનુભવતો પેલો બોલ્યો, ‘અરે અરે, એમ નહિ. હું છું ને, હમણાં શોધી લાવું.’ કહેતો એ ફરી ગાર્ડન ફેંદવા લાગ્યો.
છોકરીઓએ જીનલને કહ્યું કે બધી જ ડસ્ટબીન ફેંદાવ એટલે જીનલે એમ કરવા સૂચન આપી. પેલાએ ખૂણે ખૂણાની કચરાપેટી ફંફોસી પણ ઘડિયાળ ખોવાઈ હોય તો મળે ને! આખરે લઘરવઘર હાલ હવાલ થયા પછી હારી ને એણે ફોન કરી જીનલને કહ્યુ: ‘પનિશમેન્ટ ફટકારી દે મને ઘડિયાળ મળી નથી.’
છોકરીઓના ચહેરા વધુ ઘમંડી બન્યા. જીનલે પનિશમેન્ટ સુણાવ્યું, ‘ફુવારા નીચે પાણીમાં પલળતા પલળતા સાંજ સુધી શીર્ષાસન કરવાનું!’
‘અરે ? આવું કેમ કરું ? કંઈક હળવું કર.’ યુવક કરગર્યો.
રિયા અને સલોનીને હાથતાળી દેતા જીનલ વધુ મક્કમ થઇ બોલી ‘મંજૂર ન હોય તો રહેવા દે રાકેશના ત્રણ મિસકોલ આવી ગયા છે. તું જઈ શકે છે.’
‘ન.ના.ના, એમ ક્યાં કહું છું.. પણ..’ એ વધુ થોથવાયો.
સ્કોરબોર્ડ સામે ગર્વથી જોતા જીનલ બોલી, ‘હા કે ના ? જસ્ટ આન્સ મી રાઈટ નાઉ.. તને મંજૂર ન હોય તો ના કહી દે.’ પછી જરા થઈ શકે એટલા કોમળ અને નમ્ર અવાજે ઉમેર્યું, કઈ જબરજસ્તી થોડી છે ?’
અલ્ટીમેટમથી પેલો વધુ ગભરાયો, ‘અ..ઓક્કે..ઓક્કે.. આઈ વિલ ટ્રાય.. કરું છું.’ એ ફુવારા પાસે થઈ એ શીર્ષાસનની મુદ્રામાં ગોઠવાયો.
અટ્ટહાસ્યના ફુવારા સાથે વધુ એક બોનસ પોઈન્ટ જીનલના સ્કોરબોર્ડમાં ઉમેરાયો. વધારે એક બીજાને હાથતાળી આપી.
સલોની કહે છે, ‘બસ, બહુ થયું, ચાલો હવે ડાહ્યા થઈ જાવ, કોલેજ જવાનું છે, બી રેડી.’
જીનલ ચમકી, ‘અલી આજે તો સન્ડે છે.. શું તું પણ ફીરકી લેવાનું ચાલુ કરે છે ?’
‘અરે હા, યાદ આવ્યું. સન્ડે છે પણ આપણે ઍન્ટી રેગિંગ ઍફિડેવિટ સબમીટ કરવાનું છે. ગઈ કાલે લાસ્ટ ડેટ આપણે ચૂકી ગયા છીએ, મેડમે આજે બોલાવ્યા છે.’ રિયાએ ચોખવટ કરી.
બધા ફટાફટ તૈયાર થઈને નીકળી ગયા. ગાર્ડનમાં ફુવારો ચાલુ હતો. બાલ્કનીમાંથી આવતા સૂસવાટા મારતા પવનની સામે શરમથી ઝૂકી જઈને સ્કોરબોર્ડના પાટિયાએ પણ શીર્ષાસન કરી લીધું!