મેટિની

જયા બચ્ચન વાચાળ અને સક્રિય સંસદસભ્ય

ફિલ્મના સેટ પર ખૂબ બોલબોલ કરતા અભિનેતાનું મોં સંસદમાં સિવાઈ જાય છે એવી ફરિયાદ ખોટી સાબિત કરનારા ઉદાહરણ જોવા મળ્યા છે

હેન્રી શાસ્ત્રી

ફિલ્મ સ્ટારોને રાજકારણમાં રોલ (વિવિધ પક્ષ દ્વારા લોકસભા – રાજ્યસભામાં ઉમેદવારી અથવા રાજ્યસભામાં નોમિનેશન) તો મળી જાય છે, પણ એ રોલ નિભાવવા માટે તારીખ ફાળવવામાં તેમને ફાંફા પડતા હોય છે. ફિલ્મમાં તૈયાર ભાણે જમવું – તૈયાર સ્ક્રિપ્ટ પર ડિરેક્ટરના કહેવા અનુસાર પાત્રોચિત અભિનય કરવો અને રાજકારણમાં જનતાના સેવક તરીકે પક્ષના ધોરણ અનુસાર કામ કરવું એમાં ઘણું અંતર છે. ફિલ્મની સ્ટોરીમાં અને વ્યવસાયમાં કાળાન્તરે રાજકારણ જોવા મળ્યું છે તો રાજકારણને ફિલ્મસ્ટારના ગ્લેમરનો ખપ પડતો રહ્યો છે.

ગયા સપ્તાહે ચૂંટણી લડનારા જે ફિલ્મ કલાકારોની આપણે વાત કરી એમાં ’વિરાર કા છોકરા’ ગોવિંદાનો ઉમેરો થયો છે, શત્રુઘ્ન સિંહાને ફરી ટિકિટ મળી છે જ્યારે ’ઢાઈ
કિલો કા હાથ’ સની દેઓલનું પત્તુ કપાઈ ગયું છે. ગયા સપ્તાહ પછી ફિલ્મકારણ – રાજકારણનો દોર આગળ વધારીએ.

૧૯૬૦ના દાયકામાં દારા સિંહ ફિલ્મોમાં પ્રવેશ્યા એમાં કુસ્તીબાજ તરીકેની તેમની લોકપ્રિયતા કામ કરી ગઈ હતી. ધૂળ – માટીના કુસ્તીના અખાડાની આવડતથી મળેલી લોકપ્રિયતા તેમને ઝાકઝમાળ ભર્યા ફિલ્મોના સેટ પર લઈ ગઈ તો ફિલ્મ દુનિયાની અને વિશેષ તો ’મહાભારત’ સિરિયલના હનુમાન દાદા સહિત કેટલાક ’બળવાન’ પાત્રોની લોકપ્રિયતા તેમને રાજકારણમાં ખેંચી લાવવામાં નિમિત્ત બની. આજની સરખામણીએ ચોથા ભાગની લોકપ્રિયતા માંડ હતી એ સમયમાં (૧૯૯૮માં) દારા સિંહ ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. બાવડાં જેટલા મજબૂત દિમાગ નથી હોતા કુસ્તીબાજોના એવું એક સમયે કહેવાતું હતું.

જોકે, શ્રી દારા સિંહે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નો જોતા તેમને આ વ્યાખ્યા લાગુ નથી પડતી એમ જરૂર કહી શકાય. રાજ્યસભાના ડેટાબેઝની માહિતી અનુસાર ૨૦૦૯માં જુલાઈ – ઓગસ્ટ મહિનામાં આયોજિત રાજ્યસભાના સત્રમાં દારા સિંહે ૧૯ સવાલ પૂછ્યા હોવાની નોંધ છે. કેફી દ્રવ્યોની દાણચોરી, કેન્સરના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો, મની લોન્ડરિંગ જેવા વિવિધ મુદ્દા તેમણે રાજ્યસભામાં ઉઠાવ્યા હોવાનું જાણવા મળે છે. આ બધામાં ઊડીને આંખે વળગે છે એક સવાલ જેમાં તેમણે છઠ્ઠા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકારના મહિલા કર્મચારીઓને ભર પગારે ’ચાઈલ્ડ કેર લીવ’ (બાળકની દેખભાળ માટે રજા) આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો કે નહીં એનો ખુલાસો માગ્યો હતો. એ સિવાય અન્ય પેટા પ્રશ્ર્ન પણ હતા જેનો જવાબ એ સમયે કોંગ્રેસના રાજ્ય કક્ષાના પ્રધાન શ્રી પૃથ્વીરાજ ચૌહાણે આપ્યો હતો.

આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અંગે પણ તેમણે સવાલ પૂછ્યા હોવાની જાણકારી ઉપલબ્ધ છે. પોતે શિક્ષણથી વંચિત રહ્યા હોવાથી એના અભાવની પીડા તેઓ જાણતા હતા. કુસ્તીના અખાડામાં તેમની શારીરિક તાકાત બોલતી જ્યારે રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે તેમની સંવેદનાનો પડઘો પડ્યો હતો.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવા એકલદોકલ અપવાદ અને મહેમાન કલાકાર જેવી હાજરીને બાદ કરતાં લગભગ દોઢેક દાયકાથી જયા બચ્ચન ફિલ્મોના સેટ કરતા રાજ્યસભામાં વધારે નજરે પડ્યા છે.

એક ખાસ નોંધવાની વાત એ છે કે જયાજી રાજ્યસભામાં ક્યારેય નોમિનેટેડ મેમ્બર તરીકે નહીં, બલ્કે ચૂંટાયેલા સભ્ય તરીકે ગયાં છે. પાંચેપાંચ વાર અને એ પણ એક જ પક્ષ (સમાજવાદી પાર્ટી)ના સભ્ય તરીકે. સૌપ્રથમ ૨૦૦૪થી ૨૦૦૬ અને ત્યારબાદ ૨૦૦૬થી ૨૦૧૨, ૨૦૧૨થી ૨૦૧૮, ૨૦૧૮થી ૨૦૨૪ અને તાજેતરમાં ફરી ચૂંટાઈ આવ્યા છે. ભારતીય જનતા પક્ષનો વાવટો લહેરાય છે એવા ઉત્તર પ્રદેશમાં રાજ્ય સભાના ૧૦ ઉમેદવાર માટે ૩૯૫ વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું જેમાં સૌથી વધુ મત જયાજીને મળ્યા જે તેમની લોકપ્રિયતાની શાખ પૂરે છે. કોઈ બાબત પસંદ ન પડે અથવા એની સાથે સહમત ન થાય ત્યારે પિત્તો ગુમાવવા માટે જાણીતાં જયા બચ્ચન અત્યંત સક્રિય રાજકારણી છે. લોકસભા – રાજ્યસભાની ગતિવિધિઓ જનતા સમક્ષ રજૂ કરતી પીઆરએસ સંસ્થાના અહેવાલ અનુસાર ૨૦૦૯થી ૨૦૨૪ દરમિયાન ઉપલા ગૃહ (રાજ્યસભા)માં જયાજીની હાજરી ૮૨ ટકા હતી જે રાષ્ટ્રીય સરસરી (૭૯%) કરતા વધારે હતી.

૨૦૦૯થી ૨૦૨૪ દરમિયાન રાજ્યસભામાં ૨૯૨ ચર્ચામાં તેઓ સહભાગી થયા હતા. એ સમયે રાષ્ટ્રીય સરાસરી ૨૦૦ હતી. આ દોઢ દાયકા દરમિયાન તેમણે ‘પ્રશ્ર્નકાળ’ દરમિયાન ૪૫૧ સવાલ પૂછ્યા હતા જે રાષ્ટ્રીય સરસરી (૬૬૭) કરતા ઓછા હતા. આ વર્ષે સમાપ્ત થયેલી રાજ્યસભાની ચાર વર્ષની મુદત દરમિયાન શ્રીમતી બચ્ચન મહિલાઓની સલામતી અને તેમના હક, રસ્તે રઝળતા બાળકો, પ્રદૂષણથી ખદબદતા શહેરો, દેશમાં ધર્મનું રાજકારણ, સરકારી હોદ્દો ધરાવતા લોકોના વિવાદાસ્પદ નિવેદનો, આત્મહત્યા અને માનસિક આરોગ્યની સમસ્યા સહિત વિવિધ વિષય પર બોલ્યા છે.
જોકે, પુત્રવધૂ ઐશ્વર્યા રાયને ‘પનામા પેપર્સ કેસ’ સંબંધે મોકલવામાં આવેલા સમન્સ અંગે પૂછવામાં આવતા તેમનો પિત્તો ગયો હોવાની નોંધ છે. જયા બચ્ચનના રાજકીય ઝુકાવની ટિપ્પણી આ કોલમમાં નથી કરવી, માત્ર એ વાત પર ધ્યાન દોરવું છે કે ચાર મુદત દરમિયાન તેઓ ખાસ્સા સક્રિય રહ્યાં. યુપીમાં સમાજવાદી પક્ષના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવવાની તેમની સફળતા માટે યાદવ પરિવાર સાથે તેમની નિકટતા, પક્ષની આંતરિક બાબતોમાં માથું ન મારવું તેમજ તેમનું સેલિબ્રેટી સ્ટેટસ જેવા કારણો જવાબદાર માનવામાં
આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચોપડો ખોલીને બેઠા હોઈએ ત્યારે જયા બચ્ચનની વાત કર્યા પછી રેખા ગણેશનની વાત કર્યા વિના ચાલે નહીં.

જોકે, જયા બચ્ચન એકદમ સક્રિય અને અત્યંત વાચાળ, જ્યારે રેખા નિર્જીવ, ભાગ્યે જ હાજર અને મોઢા પર મોટું તાળું. નથી કોઈ સવાલ પૂછ્યો કે નથી ચર્ચામાં સહભાગી થઈ. ૧૯૭૦ના દાયકામાં ‘ગરીબ નિર્માતના અમિતાભ’ (જે નિર્માતાને અમિતાભ બચ્ચનને સાઈન કરવા નહોતા પોસાતા એ મિથુનદાને સાઈન કરતા) તરીકે ખ્યાતિ મેળવનારા મિથુન ચક્રવર્તીને મમતા બેનર્જીએ રાજ્યસભમાં નોમિનેટ થયા હતા. રાજ્યસભાની પહેલી ઇનિંગ્સમાં સક્રિય રહ્યા અને હાલ ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયા છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button