જમન -પ્રકરણ: 1
અચાનક જમનની વાંસળીનો સૂર બંધ થઇ ગયો. ગાયો બેસૂરું ભાંભરવા લાગી. પવન થંભી ગયો. જમને જોયું કે બધી ગાયો એક જ દિશામાં બેબાકળી બનીને દોડી રહી હતી.

અનિલ રાવલ
રાતભર શાંત પડી રહેલી શેરીઓની ધૂળ ઉડાવતી ગાયો ચરવા માટે સીમ ભણી પ્રયાણ કરી રહી હતી. મીઠું ભાંભરતી, માથાં ધૂણાવતી, આંખો નચાવતી અને ઝુમતી નમણી ગાયોની રવાનીમાં ગમાણની કેદમાંથી મુક્તિનો આનંદ રણકતો હતો અને એના ગળે બાંધેલી રણકતી, ખનકતી ઘંટડીઓનો રણકો ગાયોની ફરવાની, ચરવાની, વાગોળવાની આઝાદી સાથે તાલ મિલાવતી હતી. એમાં અલગ તરી આવતો ‘તો ગાયોના ધણની પાછળ ઢસડાતો આવતો ઘૂઘરાનો અવાજ. શેરીથી પાદર અને પાદરથી સીમનો રસ્તો સારી રીતે પીછાણતી ગાયોને દોરી જતો ઘૂઘરાનો આ વિચિત્ર અવાજ ખોબા જેવડા ગામની દરેક ડેલીનો પરિચત હતો. આ અવાજ ગાયો ચરાવવા લઇ જતા ગામના બહેરા-મૂંગા જમનની કેડે બાંધેલા ઘૂઘરાનો હતો. જમન જનમથી બહેરો-મૂંગો. ભગવાને કયા જનમની સજા આપી હશે કે એ અપંગ પેદા થયો. એના સંસારમાં બસ એક મા હતી જે આંધળી હતી. ગરીબ વિધવા નર્મદાએ ધીમે ધીમે બેય આંખોની દ્રષ્ટી ગૂમાવી દીધી. મા અંધ અને પુત્ર મૂંગો-બહેરો. બેઉ વચ્ચેનો સંવાદ હતો એકમાત્ર ઘૂઘરાનો અવાજ. મા અને દીકરો બેઉ નાનકડા ગામમાં સમાઇ ગયાં હતાં. જમન ઘરે ઘરે જઇને લોટ માગી આવે. ઘૂઘરાનો અવાજ સાંભળીને ડેલીઓ ઉઘડે, સીધુસામાન મળે અને મા દીકરાનું ગુજરાન ચાલે. માના ગયા પછી એ રહ્યોસહ્યો સંવાદ પણ ગયો. જોકે માતાની વિદાય પછી ગૌમાતા સાથેનો એનો બાળપણનો સંગાથ અને સંવાદ જળવાઇ રહ્યો હતો. જમન ગામની ગાયો ચરાવવા લઇ જવાનું કામ કરીને ગામવાળાઓના ઉપકારનો બદલો આ રીતે વાળી દેતો. પણ ભગવાને જમનને કંઇક અલગ રીતે સજા કરવાનું નક્કી કર્યું હોય એમ એને પંગુતા આપીને મોકલ્યો હતો. જમન મૂંગો-બહેરો તો હતો જ…એને બેઉ પગે ખોડ હતી. અને એ પંગુતા પણ વિચિત્ર હતી. એણે પગની આંટી મારીને ચાલવું પડે. પહેલાં જમણો પગ ડાબી બાજુ પડે..પછી ડાબો પગ જમણી બાજુ પડે અને પડી ન જવાય એટલે હાથમાં જાડી લાકડી રાખવી પડે. બસ આમ જ જમનનું ડગુમગુ જીવન ચાલે.
ગામના પાદરની સ્વચ્છ હવા શ્વાસમાં ભરીને ગાયોનું રુમઝુમ કરતું ધણ સીમમાં પ્રવેશ્યું. જમને રોજના નિયમ મુજબ એક ઘટાદાર ઝાડની નીચે બેસીને વાંસળી કાઢીને સૂર રેલાવ્યા. ગાયોના કાન સરવા થયા. ઝુમતી ગાયો આમતેમ ટહેલવા લાગી, કેટલીક ચરવા લાગી તો કેટલીક કૃષ્ણની બંસરી સાંભળીને રાધા એક ચિત્તે, ધ્યાનમગ્ન બનીને ઊભી રહી જતી એમ જમનની સામે ઊભી રહી ગઇ. જમન કે ગાયો માટે આ નવું નહતું. જમન બહેરો મૂંગો હતો, પણ વાંસળી એવી સૂરીલી વગાડતો કે વનવગડાનાં વૃક્ષો, ડાળીઓ તો ઠીક આડેધડ ઊગી નીકળેલા ઝાડીઝાખળાં અને બાવળિયા પણ ડોલવા લાગતા. કુદરતે એની પાસેથી બધું છીનવીને આ એક કળા આપી હતી. કદાચ જમન એટલે જ ખરા દિલથી વાંસળી વગાડીને ઇશ્વર પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરતો. અચાનક જમનની વાંસળીનો સૂર બંધ થઇ ગયો. ગાયો બેસૂરું ભાંભરવા લાગી. પવન થંભી ગયો. જમને જોયું કે બધી ગાયો એક જ દિશામાં બેબાકળી બનીને દોડી રહી હતી.
બધી ગાયો મૂર્છા ખાઇને પડી ગયેલી એક ગાયની ફરતે ભાંભરવા લાગી. જમન ઝડપથી લાકડીના ટેકે ઊભો થયો અને આંટી મારતા પગે દોડ્યો. એના ઘૂંઘરુના અવાજ સિવાય આખો વગડો શાંત હતો. નિરંતર હાંફી રહેલી ગાયના ધબકારા જાણવા એના શરીર પર હાથ ફેરવ્યો. ધીમે ધીમે શ્વાસે જમનની હથેળીનો સ્પર્શ છોડી દીધો. જે ગાય થોડીવાર પહેલાં વાંસળીના સૂર પર ઝૂમતી હતી એ અચાનક અચેતન દેહ બની ગયો. ગાયોનું ધણ પાછું ફર્યું. કોઇ આપ્તજનને વળાવીને ડાઘુઓનું જૂથ પાછું ફરતું હોય એમ. જમને ઘૂંઘરુ બાંધેલો કમરપટ્ટો ઉતારીને બગલથેલામાં નાખી દીધો. નીચા મોંએ ચાલતી ગાયોની ચાલ ધીમી હતી, ઘંટડીઓનો રણકો ગૂમ હતો. જમને પાદરમાં સામે મળેલા લોકોને હાથના ઇશારે શું થયું એની જાણ કરી. એ રઘુની ગાય હતી. રોકકળ કરતો રઘલો ગામવાળાઓની સાથે જઇને ગાડામાં ગાયના મૃતદેહને લઇ આવ્યો. રઘુની ડેલીની બહાર રડી રડીને રાતી થઇ ગયેલી આંખો સાથે બેઠેલા જમનને રઘુ, એની વહુ રંભા અને એની માનો આક્રંદ સંભળાતો નહતો, પણ મોં પરની વ્યથા સમજાતી હતી. સમાચાર મળતા જ ઢોરનું ચામડું ચીરનારો જીવલો ચમાર આવી પહોંચ્યો. રઘુની વહુ રંભાએ વિદાય આપવા ધ્રૂજતા હાથે ગાયના કપાળે ચાંદલો કર્યો. પછેડી ઓઢાડી. રઘુની માએ છાતી કૂટવાનું શરૂ કર્યું અને રઘુ જમનની બાજુમાં ઓટલા પર બસી ગયો. જોતજોતામાં આખું ગામ ભેગું થઇ ગયું. ચરવા ગયેલી ગાય સીમમાં મરી હોય એવી ગામની આ પહેલી ઘટના હતી. ગામવાળાઓને એ વાતનો આઘાત લાગ્યો હતો કે ગાયનું મોત થયું કઇ રીતે ?
કોઇ ઢોર મરી જાય એટલે જીવલો એને ઢસડીને લઇ જતો. તૈયાર ઊભેલો જીવલો હાથમાંનું દોરડું સરખું કરતા બોલ્યો: ‘ઇને ગાડેથી હેઠે ઉતારો એટલે ઢહડીને લઇ ઝાઉં.’ ‘ના. એને ઢહેડતો નૈ.’ રંભા એટલું માંડ બબડી….એની રડતી આંખોએ ગાડામાં જ વિદા કરવાનો ઇશારો કર્યો. ગાડાવાળાના હળવા ડચકારે બળદોએ પગ ઉપાડ્યા. ગાડું ચાલ્યું કે રંભાએ ‘મારી કમલી, મારી દીકરી’ કહીને પોક મૂકી. જમન હળવે પગે અને ભારે હૈયે ગાડાની પાછળ ચાલી રહ્યો હતો.
(ક્રમશ:)