મેટિની

ઈઝરાયલી ફિલ્મો: ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

મધ્ય પૂર્વના દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે અને ફિલ્મ રસિક જનતા સ્વદેશી ચિત્રપટોની અવગણના કરી રહી છે

હેન્રી શાસ્ત્રી

૨૦૨૩ના ઓસ્કર એવોર્ડ માટે ઈઝરાયલે ‘સેવન બ્લેસિંગ્સ’ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે રજૂ કરી છે.

આપણા કરતાં એક વર્ષ મોડી આઝાદી મેળવનાર મધ્ય પૂર્વના ૧૮ દેશો પૈકી એક ઈઝરાયલ આજની તારીખમાં હમાસ આતંકીઓના હુમલાને કારણે જગત આખામાં ચર્ચાના ચોતરે ચડ્યું છે. અલબત્ત અહીં આપણે એની વાત રાજકીય પરિપ્રેક્ષ્યમાં નથી કરવી, પણ એની ફિલ્મોની, એની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક વાતો કરવી છે. ૧૯૪૮માં આઝાદ થયેલા અને આશરે એક કરોડની વસતી ધરાવતા દેશમાં ફિલ્મ નિર્માણની નિયમિત શરૂઆત ૧૯૬૪થી થઈ હતી. ઈઝરાયલી ફિલ્મોની અવસ્થા વિશે ત્યાંની ફિલ્મોના ઊંડા અભ્યાસુ એરિક ગોલ્ડમેને એક કિસ્સો ટાંક્યો છે જેના પરથી સ્વદેશી ફિલ્મો સાથે ઈઝરાયેલી લોકોનું વલણ ’ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી હોવાનું ચિત્ર ઊપસે છે. ગોલ્ડમેન લખે છે કે ‘મારા એક ઈઝરાયલી ફિલ્મમેકર મિત્રએ એક ફિલ્મ બનાવી હતી. એ જોવા હું તેલ અવીવ (ઈઝરાયલની રાજધાની)ગયો હતો. ડુપ્લેક્સ થિયેટરની બહાર ટિકિટ માટે લાંબી લાઈન હતી જ્યાં હું પણ ઊભો રહી ગયો. વારો આવે ત્યાં સુધી અન્ય ફિલ્મ રસિકો સાથે વાતોએ વળગ્યો. જોકે, થોડી વારમાં જ મને જાણ થઈ કે એ લોકો મારા ફ્રેન્ડની બીજા નંબરના થિયેટરમાં લાગેલી ઈઝરાયલી ફિલ્મની ટિકિટ લેવા નહોતા ઊભા. એ લોકો તો એક નંબરના થિયેટરમાં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘રેમ્બો’ જોવા લાઈન લગાડીને ઊભા હતા. એટલે હું બીજી લાઈનમાં ઊભો રહ્યો. ટિકિટ લઈ થિયેટરમાં ગયો તો ગણીને માત્ર ત્રણ પ્રેક્ષક હતા. ઈઝરાયલી ફિલ્મોની વૈશ્ર્વિક સ્તરે નોંધ લેવાઈ રહી હતી (૧૯૭૦ના અને એકવીસમી સદીના પહેલા દાયકામાં ચાર વખત બેસ્ટ ફોરેન લેંગ્વેજ માટે નોમિનેશન મળ્યું હતું) ત્યારે ઘરઆંગણે એની અવગણના થઈ રહી હતી. ૧૯૬૬માં ટીવીનું આગમન નહોતું થયું ત્યાં સુધી ટકાવારીના હિસાબે ફિલ્મ જોવા જતા ઈઝરાયલી લોકોની સંખ્યા ઘણી સારી હતી.

આજની તારીખમાં ફિલ્મ મેકિંગમાં રાજકીય હસ્તક્ષેપ ખાસ્સો વધી ગયો છે. હાલ રૂઢિવાદી અને ધાર્મિક એમ છ પક્ષની બનેલી સરકારના બેન્જામિન નેતન્યાહુ વડા પ્રધાન છે. ૧૯૮૨ના લેબેનોન વોર પર આધારિત Waltz With Bashir નામની ઓસ્કર અને બાફ્ટા નોમિનેટેડ ફિલ્મનું દિગ્દર્શન કરનાર અરી ફોલમેનનું કહેવું છે કે ‘અત્યારની સરકાર સાંસ્કૃતિક પ્રદાનનું મહત્ત્વ જ નથી સમજતી. સાંસ્કૃતિક ગતિવિધિઓએ તો સરકારનો પ્રચાર કરવો જોઈએ એવું એમનું માનવું છે. એક ઉદાહરણ આપી ફોલમેન જણાવે છે કે રાષ્ટ્રના લશ્કરી દળ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સની કોઈપણ સ્વરૂપમાં ટીકા કરતી ફિલ્મને આર્થિક સહાય નથી આપવામાં આવતી. એટલું જ નહીં જો આજની તારીખમાં Waltz With Bashir ફિલ્મ બને તો સરકાર એને આર્થિક પીઠબળ પૂરું ન પાડે એવી પૂરી સંભાવના છે. ટૂંકમાં ઈઝરાયલી સૈનિકનું પ્રતિબિંબ સરકારી દર્પણમાં દેખાય એ સ્વીકારી લેવાનું એવી આ વાત થઈ. પેલેસ્ટાઈન કે આરબ દેશ સાથે અથડામણના વિષયને રજૂ કરતી ફિલ્મોને પણ સરકારી ભંડોળ મળવાની સંભાવના શૂન્ય થઈ જાય. જોકે, ૨૫ વર્ષ પહેલા પરિસ્થિતિ ઘણી જુદી હતી. લશ્કરમાંથી રાજકારણમાં આવેલા એરિલ શેરોન વડા પ્રધાન (૨૦૦૧-૨૦૦૬) બન્યા એ પહેલા વિદેશી બાબતોના પ્રધાન હતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન એનો હિસ્સો હતું. ફિલ્મો માટે ભંડોળ ફાળવવાની સત્તા શેરોન પાસે હતી. ઈઝરાયલની ટીકા કરતી ફિલ્મોને આર્થિક મદદ કેમ આપો છો એવા સવાલના જવાબમાં શેરોને કહ્યું હતું કે ‘આપણે મુક્ત વિચારસરણી ધરાવતા દેશમાં રહીએ છીએ. અમારું (એટલે કે સરકારનું) માનવું છે કે પોતાની બાજુ- પોતાની કથા માંડવાનો અધિકાર સૌ કોઈને છે.’ ૨૫ વર્ષમાં ફિલ્મ પ્રત્યેના વલણમાં કેવું શીર્ષાસન થઈ ગયું છે, હેં ને!

ઈઝરાયલમાં નિર્માણ થતી ફિલ્મો ‘સિનેમા ઓફ ઈઝરાયલ’ તરીકે ઓળખાય છે. ૧૯૪૮માં દેશ આઝાદ થયો એ પછી બનેલી મોટાભાગની ફિલ્મો હિબ્રુ (યહૂદીઓની ભાષા)માં તૈયાર થઈ છે. અલબત્ત અરેબિક અને અંગ્રેજી ભાષામાં પણ ફિલ્મો બને છે ખરી. ૧૮ દેશના સમૂહ તરીકે ઓળખાતા મધ્ય પૂર્વના દેશો – મિડલ ઈસ્ટ ક્ધટ્રીઝમાં ઈઝરાયલનો સમાવેશ છે. ઓસ્કર એવોર્ડ્સમાં એક વિભાગ છે ‘બેસ્ટ ફોરેન ફિલ્મ.’ ૨૦૨૨ સુધીમાં ૧૩૪ દેશ દ્વારા ઓછામાં ઓછી એક ફિલ્મ આ વિભાગ માટે મોકલવામાં આવી છે. એમાંથી ૬૩ દેશ નામાંકન (નોમિનેશન) મેળવવામાં સફળ રહ્યા છે અને ૨૮ દેશને એવોર્ડ મળ્યો છે. આ યાદીમાં મધ્ય પૂર્વના દેશોમાં ઈઝરાયલ બેસ્ટ ફોરેન ફિલ્મના સૌથી વધુ નામાંકન (૧૦) સાથે પ્રથમ ક્રમે છે. બીજી રસપ્રદ વાત એ છે કે ૧૦ નામાંકન મળ્યા પછી સુધ્ધાં એક પણ એવોર્ડ નહીં મેળવી શકનાર ઈઝરાયલ એકમાત્ર દેશ છે. ૬૩માંથી માત્ર ત્રણ દેશ લાગલગાટ ત્રણ વર્ષ નામાંકન મેળવવામાં સફળ રહ્યા છે જેમાં એક ઈઝરાયલ છે. બાકીના બે છે ઈટલી અને ફ્રાન્સ. નોંધવાની વાત એ છે કે ૨૦૧૧માં ઈઝરાયલની Strangers No More ડોક્યુમેન્ટરીને શોર્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર એવોર્ડ એનાયત થયો હતો. ‘બેસ્ટ ફોરેન ફિલ્મ’ વિભાગમાં મોશે મીઝરાહી સૌથી સફળ ઈઝરાયેલી ડિરેક્ટર છે. ઈઝરાયલનું પ્રતિનિધિત્વ કર્યું હોય એવા બે પ્રસંગે તેમને ઓસ્કર નોમિનેશન મળ્યું છે. મજાની વાત એ છે કે મોશે મીઝરાહીની Madame Rosa ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો પણ એ વખતે તેમણે ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૮ પહેલા અને એ પછી કેટલાક વર્ષ ડોક્યુમેન્ટરી અને પ્રચારવાદી ફિલ્મો બનતી હતી જેનો હેતુ અન્ય જગ્યાએ સ્થળાંતર થયેલા લોકોને સ્વદેશ પાછા ફરવા આગ્રહનો અને વિદેશમાં તગડી કમાણી કરતા લોકો પાસેથી ડોનેશન મેળવવાનો પણ રહેતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button