મેટિની

ઈરફાન ખાન : નાટકીય તત્ત્વ વચ્ચે લાવ્યા વગર પાત્રને સાકાર કરતો અદાકાર

ફિલ્મ ‘મકબૂલ’નાં દ્રશ્યો જોઈને મહેશ ભટ્ટને લાગ્યું કે, શંખનાદ થઈ ગયો છે… ઈરફાન ખાન…

ફિલ્મનામા -નરેશ શાહ

આપણી વાત ગતાંકથી આગળ વધારીએ…

જે ફિલ્મથી ઈરફાન ખાનની સૌથી પહેલી વખત દર્શકોએ નોંધ લીધેલી એ
‘હાંસિલ’માં પહેલાં ઈરફાન ખાન નહોતા. તિગ્માંશુ ધૂલિયાની પણ એ પ્રથમ ફિલ્મ. ઈરફાનવાળા રોલ માટે તિગ્માંશુએ પહેલાં મનોજ બાજપેયીનો સંપર્ક કરેલો પણ એણે ના પાડી : ‘સત્યા’ પછી આખી ઈન્ડસ્ટ્રીઝ મને વિલન બનાવવા માટે પાછળ પડી છે એટલે (જ) મારે આ રોલ નથી કરવો..!’

જો કે એ પછી ખુદ મનોજે જ ઉદાસ તિગ્માંશુ ધૂલિયાને ઈરફાનનું નામ સૂચવેલું, છતાં તિગ્માંશુ ‘હાંસિલ’માં મનોજને જ લેવા માંગતા હતા. ઈરફાનનું નામ સાંભળીને તિગ્માંશુએ કહેલું : ‘…પણ એના (ઈરફાનના) નામ પર મને પૈસા કોણ આપવાનું ?’

એ સમયે ઈરફાન ટીવી-આર્ટિસ્ટ તરીકે વધુ જાણીતા. ફિલ્મોમાં એ નજીવા રોલ કરતા હતા. જો કે અંતે તો ઈરફાન જ ‘હાંસિલ’ ફિલ્મના વિલન બન્યા. એ સાથે તિગ્માંશુ ધૂલિયા અને ઈરફાનની લાઈફ ડિઝાઈન થઈ ગઈ. તિગ્માંશુએ પછી તો ‘પાનસિંહ તોમર’નો યાદગાર રોલ પણ ઈરફાનને આપ્યો. હા, એ વાત અલગ છે કે બની ગયા પછી એ ફિલ્મ ઘણાં મહિનાઓ સુધી રિલીઝ વગર પડી રહી હતી.

આ ર૯ એપ્રિલે ઈરફાન ખાનની ચોથી પુણ્યતિથિ છે, એ નિમિત્તે મુઠ્ઠી ઊંચેરા એકટરને આપણે યાદ કરી રહ્યા છીએ પણ એમનું સ્મરણ બીજા જાયન્ટસના શબ્દોમાં જ કરવું છે. એમના સમકાલીન અને સાથે જ કરિયર શરૂ કરનારા મનોજ બાજપેયીની ‘મિસિંગ’ અને (ઈરફાનની) ‘બ્લેક મેલ’ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ હતી.

જો કે ઈરફાન ખાનની પહેલાં જ મનોજ વાજપેયીનો સિતારો ચમકી ગયો હતો. મનોજની ‘ઘાત’ ફિલ્મમાં ઈરફાને નાનકડું પાત્ર ભજવ્યું હતું. ઈરફાન વિશે મનોજ વાજપેયીએ કહ્યું છે કે, એ થોડીક પણ નાટકીયતાથી ભાગતો હતો. એ એકદમ સહજ અભિનય કરતો. આ સહજતા એની સૌથી મોટી ઉપલબ્ધિ. હું તો કહીશ કે અમારી પેઢીમાં મોતીલાલ અને બલરાજ સાહનીની અભિનય-શૈલીની પરંપરાને ઈરફાને પોતાની વિશેષતાઓ સાથે અપનાવી હતી. ખાસ કરીને બલરાજ સાહની અને ઈરફાનના અભિનયમાં અનેક સમાનતા હતી… ઈરફાનનો અભિનય એ સ્તરે પહોંચી ગયો હતો કે એને નાટકીય નખરાંઓની જરૂર જ પડતી નહોતી
નેચરલ એકટિંગ – સહજ અભિનય એ ઈરફાનનું સૌથી મોટું જમા પાસું રહ્યું. એણે કમર્શિયલ ફિલ્મો કરી ત્યારે પરાણે થોડી લાઉડ એકટિંગ કરવાનું કહેવું પડતું અને એ વાત ઈરફાનને માફક આવતી નહોતી….

મહેશ ભટ્ટને ઈરફાને ‘મકબુલ’ ફિલ્મના થોડાં દૃશયો બતાવ્યાં હતાં. એ જોઈને મહેશજીએ કહેલું: ‘મને લાગ્યું કે શંખનાદ થઈ ચૂક્યો છે. આ પ્રતિભાશાળી અભિનેતાની આગવી મેરેથોન શરૂ થઈ રહી છે..’ .

મહેશ ભટ્ટે આ વાત ર૦૦પમાં કરી હતી. સૌ પ્રથમ ઈરફાન ખાન ટીવીના નિર્માતા-નિર્દેશક રવિ રાય સાથે ખાસ મહેશ ભટ્ટને મળવા ગયા હતા. એ પછી મહેશ ‘ભટ્ટેક્સુર’ અને ‘ગુનાહ’ ફિલ્મમાં એને રોલ આપેલાં. ઈરફાનની ક્ષમતા જોયા પછી ‘રોગ’ નામની ફિલ્મમાં એમને મુખ્ય પાત્ર (હીરો)માં લીધા હતા. બેશક, ‘રોગ’ બહુ ચાલી નહોતી.

‘યે સાલી જિંદગી’ ફિલ્મમાં એમની સાથે કામ કરનારાં યશપાલ શર્મા (યશપાલ-મનીષા કોઈરાલા અને ઈરફાનની ‘તુલસી’ ફિલ્મ વિશે બહુ બધાને ખબર નથી. એ ફિલ્મ યુટયૂબ પર જોવા મળે છે, જેમાં ઈરફાને શરાબી પતિનું પાત્ર ભજવ્યું છે. કહે છે કે, ઈરફાનની એકટિંગની જે રેન્જ હતી એવી ભારતના એકેય એકટરમાં જોવા મળતી નથી. એમના પફોર્મન્સ અને એક્સપ્રેશનમાં ગજબની તાજગી રહેતી, એવું જ લાગે કે એ સ્પોન્ટેનીયસ -સહજ જ છે. ડાયલોગ યાદ રાખીને બોલવામાં આવ્યા હોય એવું ઈરફાનના અભિનયમાં કયારેય લાગતું જ નહીં. મહેશ ભટ્ટની ‘રોગ’ રિલીઝ થયા પછીની ર૦૦૬ની વાત છે. એ વખતે ‘બસ એક પલ’ નામની ફિલ્મ જ બનાવનારા પ્રોડયુસર શૈલેષ સિંહ (સિમરન- જજમેન્ટલ હૈ ક્યા- અલીગઢના નિર્માતા) પોતાની બીજી જ ફિલ્મ ‘દિલ કબડ્ડી’ માટે ઈરફાનને મળ્યા. ઈરફાન કામ કરવા તૈયાર થયા, પણ ઈરફાનનો રોલ રાહુલ બોઝને કરવો હતો.

હીરોઈન કોંકણા સેન શર્માને પણ હતું કે ઈરફાન એનો હીરો છે. એ વખતે ખરેખર મડાગાંઠ સર્જાઈ ત્યારે શૈલેષ્ા સિંહે ઈરફાન ખાનને વાત કરી. ઈરફાન તરત બીજું કેરેકટર ભજવવા તૈયાર થઈ ગયા, જેનું કામ ફિલ્મમાં માત્ર ત્રીસ ટકા જ હતું. આ વાતની જ્યારે રાહુલ બોઝને ખબર પડી ત્યારે એ તો ચમકી ગયા કે પોતે રિજક્ટ કરેલું પાત્ર ભજવવા ઈરફાન સહમત થયા હતા… ‘દિલ કબડ્ડી ’ રિલીઝ થઈ ત્યારે એ બોક્સ ઓફિસ પર ચાલી નહોતી પણ બધાએ એને ઈરફાન ખાનની જ ફિલ્મ ગણી હતી. આ જ શૈલેષ સિંહને સામે ચાલીને ઈરફાન ખાને ‘મદારી’ના નિર્માતા બનવાનું કહેલું, જયારે એ ફિલ્મના લેખક રિતેશ શાહ અને ડિરેકટર નિશિકાંત કામતને એમણે જ ફાઈનલ ર્ક્યા હતા.

એન્જેલિના જોલી (ધ માઈટી હાર્ટ) અને ટોમ હેન્ક્સ (ઈન્ફર્નો) સાથે કામ કરી ચૂકેલાં ઈરફાન ખાનને ટોમ હેન્ક્સે કહેલું કે, તારી પાસેથી ચોરી શકાય એ બધું જ હું ચોરી લેવા માંગુ છું….
અફસોસ કે અલ્લાહ અણધારી રીતે અને કસમયે ઈરફાન ખાનને આપણી પાસેથી ચોરી ગયા…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત