મેટિની

ઈન્ટરવલ કે બાદ ક્યા આને વાલા હૈ, ભાઈ?!

૨૦૨૪ની બાકીના છ મહિનાના આશાસ્પદ મનોરંજનની એક ઝલક

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

આ વર્ષની શરૂઆતમાં ‘મનોરંજનની માલગાડી – ટ્રેલર ઓફ ૨૦૨૪’ લેખમાં આપણે પહેલા છ મહિનાની ભારતીય અને અમેરિકન ફિલ્મ્સ કે વેબ સિરીઝ વિશે સંક્ષિપ્તમાં વાત કરી હતી.
હવે આ વર્ષનો સેક્ધડ હાફ શરૂ થવા જઈ રહ્યો છે. યસ્સ, આપણે જોતજોતામાં ઈન્ટરવલ સુધી પહોંચી પણ ગયા. આપણને મનગમતી ફિલ્મ્સ અને સિરીઝની મજા માણવામાં ફર્સ્ટ હાફ પૂરો પણ થઈ ગયો અને મનોરંજન દેવની કૃપાથી દર વર્ષના આપણા રિવાજ મુજબ આ વર્ષે પણ બાકીના છ મહિનામાં રિલીઝ થનારાં શીર્ષકોમાંથી સૌથી આકર્ષક અને મહત્ત્વકાંક્ષી જણાય તેની વાત કરવાનો સમય આવી ગયો છે.
-તો વહાલા સિનેપ્રેમીઓ, ચાલો જોઈએ સિનેમા જગતમાં આફ્ટર ઈન્ટરવલ આપણા માટે શું-શું રાખ્યું છે એ? લેટ્સ ચેક આઉટ!

ડેસ્પીકેબલ મી ૪ (૫ જુલાઈ)
‘ડેસ્પીકેબલ મી ૪’ એટલે આ સિરીઝની ચોથી ફિલ્મ. ૨૦૧૦માં આવેલા પ્રથમ ભાગ પછી બે પ્રિક્વલ ફિલ્મ્સ સહિત આમ તો આ ફ્રેન્ચાઈઝની આ છઠ્ઠી ફિલ્મ ગણાય. બોક્સ ઓફિસ પર અતિ સફળ એવી આ અમેરિકન ફિલ્મ સિરીઝ એનિમેટેડ કોમેડી જોનરની છે. ખાસ તો બાળકોની ફેવરિટ આ ફિલ્મ આ ભાગમાં પણ બાળકો સહિત સૌને કેવી મજા કરાવે છે તે થોડા જ દિવસોમાં ખબર પડી જશે.
ડિરેક્ટર: ક્રિસ રેનૌડ
કાસ્ટ: સ્ટીવ કારેલ, ક્રિસ્ટન વિગ, પિયર કોફીન

મિર્ઝાપુર (૫ જુલાઈ)
ભારતના સ્ટ્રીમિંગ જગતના સૌથી લોકપ્રિય શોઝમાંના એક ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝન દર્શકોને લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે ગણતરીના દિવસોમાં જ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર અને ખાસ તો અગાઉની સિઝન્સમાં મળેલા મનોરંજનના જોરે દર્શકોમાં ખૂબ હાઇપ આ વખતે પણ ઊભો થયો છે. ક્રાઇમ અને ગુંડાગીરીના શોઝની કતાર પાછળ ‘મિર્ઝાપુર’નો મોટો ફાળો છે. એમ તો મિમ્સની દુનિયામાં પણ તેનો ફાળો મોટો જ છે.
ડિરેક્ટર: ગુરમીત સિંઘ- આનંદ ઐયર
કાસ્ટ: પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્ર્વેતા ત્રિપાઠી શર્મા

ઔરોં મેં કહાં દમ થા (૫ જુલાઈ)
દિગ્દર્શક નીરજ પાંડે લવ સ્ટોરી પર ફિલ્મ બનાવે એ જરા નવીન વાત ગણાય. અને એટલે જ સ્ટારકાસ્ટ અને ટ્રેલર પરથી જણાઈ આવતી વાર્તા ઉપરાંત આ ફિલ્મ પાસેથી આશા જાગવાનું એ પણ એક કારણ છે. રોમેન્ટિક થ્રિલર જોનરની આ ફિલ્મમાં બે પાત્રોની અલગ-અલગ સમયના પ્રેમ અને ઘટનાઓની વાત છે. ૨૩ વર્ષના લાંબા સમયગાળામાં એમની પ્રેમ કહાણીમાં શું-શું બને છે એ જોવું રોમાંચક રહેશે!
ડિરેક્ટર: નીરજ પાંડે
કાસ્ટ: અજય દેવગણ, તબુ, શાંતનુ મહેશ્ર્વરી, સઈ માંજરેકર

કિલ (૫ જુલાઈ)
ગયા વર્ષે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખણાયેલી આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મ માનવામાં આવી રહી છે. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે એક ઇન્ડિયન આર્મી કમાન્ડો એક રાતે ટ્રેનમાં પોતાની પ્રેમિકા સાથે મુસાફરી કરી રહ્યો છે, પણ ટ્રેનને ગુંડાઓ માથે લે છે અને કમાન્ડોની પ્રેમિકાને પણ પજવે છે. ના છૂટકે કમાન્ડો એ બદમાશો સાથે લડે છે અને હિંસા એક અલગ જ સ્તરે પહોંચી જાય છે.
ડિરેક્ટર: નિખિલ નાગેશ ભટ
કાસ્ટ: લક્ષ્ય, રાઘવ જુયલ, આશિષ વિદ્યાર્થી

મેક્સીન (૫ જુલાઈ)
અમેરિકામાં ઘણી બની ચૂકેલી સ્લેશર જોનરની ફિલ્મ્સમાં આ ફ્રેન્ચાઈઝ પણ સામેલ છે. સ્લેશર મતલબ કે કોઈ વ્યક્તિ કે ગ્રુપ દ્વારા મુખ્યત્વે વેરાન જગ્યામાં ફરવા નીકળેલી કોઈ બીજા ગ્રુપની વ્યક્તિઓને અણધારી રીતે બેરહમીથી એક પછી એક મારી નાખવામાં આવે એ. આ સ્લેશર હોરર ફિલ્મ ’XXX’ ફ્રેન્ચાઈઝનો ત્રીજો ભાગ છે. ખૂબ જ સફળ થયેલી આ લો બજેટ શ્રેણીનો આ ભાગ પણ ટ્રેલર પરથી મહત્ત્વકાંક્ષી જણાઈ રહ્યો છે.
ડિરેક્ટર: ટી વેસ્ટ
કાસ્ટ: મિયા ગોથ, એલિઝાબેથ ડેબિકી, મિશેલ મોનેગન

ડેડપુલ એન્ડ વુલ્વરીન
(૨૬ જુલાઈ)

ફક્ત છ નહીં, આખા વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ તરીકે કદાચ ‘ડેડપુલ એન્ડ વુલ્વરીન’નું નામ લેવામાં આવે તો એ અતિશયોક્તિ નહીં ગણાય. માર્વેલ સિનેમેટિક યુનિવર્સ પોતાના કોમિક્સ અને ફિલ્મ્સના બે પ્રખ્યાત પાત્રોને પહેલી વખત એક સાથે મુખ્ય ભૂમિકામાં લાવી રહ્યું છે. આ સુપરહીરો ફિલ્મ પાસેથી એમસીયુને ખૂબ બધી અપેક્ષા છે. અવનવી માર્કેટિંગ તરકીબોથી દર્શકોમાં ગજબનો ઉત્સાહ વધારવામાં તો એ સફળ રહ્યા છે, ફિલ્મ પણ સફળ રહે છે કે નહીં એ તો સમય જ કહેશે.
ડિરેક્ટર: શોન લેવી
કાસ્ટ: રાયન રેનોલ્ડ્સ, હ્યુ જેકમેન, એમ્મા કોરિન

ટ્રેપ (૨ ઓગસ્ટ)
ભારતીય મૂળના અમેરિકન દિગ્દર્શક એમ. નાઈટ શ્યામલન એટલે આ ફિલ્મ પાછળની ઉત્સુકતાનું સૌથી મોટું કારણ. સાયકોલોજીકલ, સસ્પેન્સ કે હોરર થ્રિલર માટે જાણીતા શ્યામલનની ‘ટ્રેપ’ પણ થ્રિલર જોનરની જ ફિલ્મ છે. એક કોન્સર્ટ ઇવેન્ટમાં એક સિરિયલ કિલરને પકડવા માટે પોલીસ એક યોજના બનાવે
છે, પછી કિલર શું કરે છે એવી ફિલ્મની કહાણી જણાય છે.
ડિરેક્ટર: એમ. નાઈટ શ્યામલન
કાસ્ટ: જોશ હાટનેટ, એરિયલ ડોનોહ્યુ, સાલેકા શ્યામલન

સ્ત્રી ૨ (૧૫ ઓગસ્ટ)
‘સ્ત્રી’, ‘ભેડીયા’ અને હમણાં જ રિલીઝ થયેલી સફળ ફિલ્મ મુંજા’ના હોરર કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ એટલે ‘સ્ત્રી’ ‘૨’. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેનું મજેદાર ટિઝર રિલીઝ થઈ ગયું છે. ‘સ્ત્રી’ની સફળતા પછી આ જોનરમાં લોકોને વધુ રસ પડ્યો છે. અને એ જ કારણે ‘સ્ત્રી ૨’ પાસેથી પણ સિનેરસિકોને ઘણી જ અપેક્ષા છે.
ડિરેક્ટર: અમર કૌશિક
કાસ્ટ: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી

વુલ્ફ્સ (૨૦ સપ્ટેમ્બર)
અમેરિકામાં એક પ્રચલિત ટર્મ છે- ફિક્સર. મતલબ કે કોઈના માટે ક્રાઇમને લગતું ખાસ ‘અસાઈન્મેન્ટ’ પૂરું કરી દેવાનું. આ જ વિષય પરની આ ફિલ્મમાં અકસ્માતે એક જ કામ માટે એક રાતે બે પાવરફુલ ફિક્સર્સનો ભેટો થઈ જાય છે. એ પછી ટ્રેલર પરના અંદાજથી આ ફિલ્મમાં દર્શકો માટે એક્શન અને કોમેડીની ભરમાર છે.
ડિરેક્ટર: જોન વોટ્સ
કાસ્ટ: જ્યોર્જ ક્લુની, બ્રાડ પીટ, ઓસ્ટીન અબ્રામ્સ

સ્કાયફોર્સ (૨ ઓક્ટોબર)
ઇન્ડિયા – પાકિસ્તાન વચ્ચેના ૧૯૬૫ના યુદ્ધ વખતની હવાઈ લડત પર આધારિત આ ફિલ્મ પણ ખાસ્સો રસ જગાવી રહી
છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં ભારતના જાંબાઝ સૈનિકોની એરસ્ટ્રાઇકની ઘટનાઓને આવરી લેવામાં આવી છે. ફિલ્મની જાહેરાતથી જ અક્ષય કુમારની આ ફિલ્મ પ્રત્યે એના ફેન્સને ઘણી આશા છે. ડિરેક્ટર: સંદીપ કેવલાની, અભિષેક, અનિલ કપૂર કાસ્ટ: અક્ષય કુમાર, નિમ્રત કૌર, સારા અલી ખાન છ મહિનાના મનોરંજનના ખજાનાની વાત એક લેખમાં તો ટૂંકી જ પડે ને ? તો બાકીના શીર્ષકોની ઝલક પૂરી કરીશું આવતા

લાસ્ટ શોટ
‘વુલ્ફ્સ’ની કાસ્ટમાં ભારતીય મૂળના પેરેન્ટ્સ ધરાવતી અભિનેત્રી પૂર્ણા જગન્નાથન પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button