વિશ્ર્વ મહિલા દિન વિશેષ આજની નારી વધુ આત્મનિર્ભર બને…
નયનાબેન પેઢડિયા (મેયર – રાજકોટ)
મૂળ શિક્ષિકા એવાં નયનાબેન પેઢડિયા અનેક સેવાપ્રવૃતિ સાથે સંકળાયેલાં અને એમનાં અનેક સામાજિક પ્રદાન પછી આજે એ રાજકોટના મેયર છે. નયનાબહેન
કહે છે :
“મહિલાને કુદરતે અનોખી કોઠાસૂજ આપી છે અને આજના સમયની જરૂરિયાત એ છે કે, મહિલા સ્વાવલંબી બને. સરકાર પણ મહિલાઓ આગળ આવે -એમને પ્રોત્સાહન મળતું રહે એ માટે કેટલાં ય પગલાં ભર્યા છે. આજે દરેક ક્ષેત્રમાં નારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. એ શિક્ષણ મેળવે પણ સાથોસાથ એમણે ઘરની જવાબદારી પણ નિભાવવી જોઈએ… આજે મહિલા ઘર ને બહાર એમ બંને જવાબદારી નિભાવે છે અને એમાં હવે ઘરના અન્ય સભ્યો પણ એમને સાથ આપતા થઈ ગયા છે. પુરુષ માનસિકતામાં જોઈએ એટલો બદલાવ નથી આવ્યો… એમનો અહમ અમુક સંજોગોમાં ઘવાય પણ છે. હા, થોડો ફરક તો જરૂર પડ્યો છે. સંપૂર્ણ પરિવર્તન આવતાં વાર તો લાગશે.
મહિલાએ વધુ ભણવું પડશે-વધુ શિક્ષિત બનવું પડશે …
-અલ્પના ત્રિવેદી (સામાજિક-શૈક્ષણિક અગ્રણી)
રાજકોટમાં ‘મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ’ના નેજા હેઠળ ૨૯ શિક્ષણ સંસ્થા ચાલે છે અને એમાં ૧૬,૦૦૦થી વધુ વિદ્યાર્થી છે. આ સંસ્થાના ટ્રસ્ટી છે અલ્પનાબહેન. એ ઉપરાંત ગાંધી અને સરદારની સંસ્થાઓમાં પણન એ ટ્રસ્ટી છે. એ કહે છે :
મેં ૨૭ વર્ષની ઉમેરે ટ્રસ્ટનું કામકાજ સંભાળ્યું હતું. મારા પિતાએ મારા ઉછેરમાં દીકરા કે દીકરી એવો ભેદભાવ રાખ્યો નહોતો. હું પણ લડાયક મિજાજની. હું દીકરીઓને સતત કહેતી રહું છે કે, એ શિક્ષિત બને-વધુ ભણે અને આત્મનિર્ભર પણ બને. શિક્ષણ વધ્યું એમ આજની નારી સ્વતંત્ર બની છે. પોતાના નિર્ણય પોતે લેતી થઈ છે. જો કે, હું સ્ત્રી – પુરુષ સમાનતા મુદે વિચારતી નથી. ઈશ્ર્વરે સ્ત્રીને ખાસ શક્તિ આપી છે. આજે ઘણા બધા ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી છે. સ્ત્રીની એક વિશેષ ભૂમિકા છે એમ પુરુષની પણ ભૂમિકા છે. એ બન્ને વચ્ચે ટકરાવ ન હોવો જોઈએ- બન્નેનાં ઉત્કર્ષ માટે બન્ને વચ્ચે સમજૂતી હા, પુરુષ માનસિકતામાં થોડો બદલાવ આવ્યો છે પણ પરિવર્તન આવતા વાર લાગે છે, પણ એ આવશે જરૂર…
મહિલા તો જન્મજાત શક્તિશાળી છે..!
-નીલાંબરી દવે (કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
હોમ સાયન્સના અધ્યાપક. ૧૯૯૮થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક અને બીજીવાર કાર્યકારી કુલપતિ તરીકે કાર્યરત. એ કહે છે:
મહિલા માત્ર જન્મજાત શક્તિશાળી છે. ઈશ્ર્વરે એને વિશેષ શક્તિઓ આપી છે. એ મલ્ટિટાસ્કિંગ કરી શકે છે-એક સાથે કામગીરી પૂરતી કુશળતા સાથે બજાવી શકે છે. પુરુષમાં એવી શક્તિ નથી. જો કે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો કેટલીક સમસ્યા છે. હવે મહિલાએ ઘર અને બહાર બંને મોરચે લડવાનું છે, પણ મહિલા
વિપરીત સ્થિતિ-સંજોગોમાં પણ લડી શકે છે. અભણ
મહિલા પણ એના પતિની ગેરહાજરીમાં પરિવારને આગળ લઈ જઇ શકે છે.
મારા પરિવારની વાત કરું તો મારા પરદાદી -દાદી અને મારી માતા એ બધાં કામ કરતાં રહ્યાં ને ઘરમાં બધાનો ટેકો મળતો રહ્યો. ટેક્નોલોજીએ પણ સ્ત્રીનું કામ થોડું આસાન બનાવ્યું છે. આજે દીકરી શિક્ષિત થયા બાદ પોતાની પસંદગી મુજબ જીવન જીવે છે, જીવનસાથીની પસંદગી કરે છે. આ એવો બદલાવ છે, જેમાં નારીનો અવાજ વધુ બુલંદી સાથે હવે સાંભળાય છે. એ સરસ્વતી બની શકે છે ને અવળાં સંજોગો સામે ટક્કર લેવા એ ચંડી પણ બની શકે છે..! બીજે છેડે હર્ષની એ વાત છે કે આજના યુગના તકાજા મુજબ પુરુષની માનસિકતામાં પણ બદલાવ આવી રહ્યો છે…. ’ (મુંબઈ સમાચાર’ ગુજરાત બ્યૂરો)