મેટિની

મોહ

ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી

સવારે આંખો ખુલી એની સાથે પહેલો વિચાર તો પ્રભાનો જ આવ્યો. નાગેશને અંદરથી તીણો લીસોટો પસાર થઈ ગયો – ન સમજી શકાય એવો… પ્રભા…

નાગેશે બાજુની પથારી તરફ જોયું. બાજુની પથારી સાફ-સુથરી – સળ વિનાની ચાદર અને… એ પથારીમાં પ્રભા સૂતી. આજે અત્યારે પથારી ખાલી છે – પ્રભા વિનાની…

નાગેશથી ઊંડો નિ:સાસો લેવાઈ ગયો. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અચાનક આ બધું શું બની ગયું? જીવનની એકલતા ભરવા માટે કરેલા આ પ્રયત્નનું આવું વરવું – ભયાનક પરિણામ ભોગવવું પડશે?

આંખો ચોળીને નાગેશે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. પલંગ પરથી નીચે ઊતરવા જતા હતા ત્યાં ફોન.. કૌશિકનો.
‘ગુડ મૉર્નિંગ – બોલ… કૌશિક…!’

‘તારી મૉર્નિંગમાં કાંય ગુડ જેવું બચ્યું છે કે – પછી – એમ જ – એની – વે. ઊઠી ગયો?

‘અહીં રાતે સૂતું જ કોણ છે? મોડી રાત સુધી જાગતો રહ્યો. પાછલી રાતે આંખો ઘેરાઈ હશે – બસ, હવે ઊઠી ગયો…’
‘આખીય રાત પ્રભાના વિચારો કર્યા લાગે છે…’

‘હા – બસ… યાર… એમ જ -’
‘લાગે છે કે તું હજુ તારા મોહભંગમાંથી બહાર નથી આવ્યો લાગતો. એની-વે – ફરગેટ ઈટ – હવે જે કંઈ બની ગયું છે એના આઘાતમાંથી બહાર આવ – જો, ગઈકાલે આપણે નક્કી કર્યું હતું તેમ – યોગેશ, લગભગ સાડાદસની આજુબાજુ તારે ત્યાં આવી જશે. પોલીસ સ્ટેશને પણ તારી સાથે આવશે – કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના મેં કહ્યું હતું તેમ – ફરિયાદ નોંધાવી દેજે – ઓ.કે.?’
‘પણ યાર – મેં તને કહ્યું ને કે – આ બધું કરવાનું મને-
‘ફરી એજ વાત? કમાલ છે યાર તું – ફરિયાદ તો નોંધાવવી જ પડશે ને – આ બનાવ ગંભીર છે નાગેશ, છેતરપિંડી થઈ છે તારી સાથે – જો, હવે ઢીલો ન પડતો – હું આજે ફ્રી નથી – મારી બે મેટર હાઈ કોર્ટમાં છે – યોગેશ વીલ હેલ્પ યુ – તને મૂકીને એ હાઈ કોર્ટ આવી જશે…!

‘પણ…’
‘હવે – પણ ને બણ… મને ખબર છે જીવનમાં તું કોઈ દિવસ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચડ્યો નથી – અરે પોલીસ સ્ટેશન તરફ પણ જોયું નહીં હોય… ને છેક આ ઉંમરે… એની-વે- તારા કબાટ – લોકરના ખાનાને હાથ નથી અડકાડ્યો ને?

‘ના – ના – ક્યાંય પણ અડક્યો નથી – પણ –
નાગેશ બેડરૂમના ખુલ્લા કબાટ અને ખેંચાઈ આવેલા લોકરના ખાનાને જોઈ રહ્યા… આ બધાં પર આંગળાની છાપ… પ્રભા –
‘વળી ક્યાં ખોવાઈ ગયો?’

‘તને જે લાગતું હોય તે – પણ કૌશિક, મને પ્રભામાં પૂરો વિશ્ર્વાસ છે. એ આવું હીન કૃત્ય ન કરે… મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે…’
‘ઓહો! પ્રોફેસર સાહેબ, હવે મોહભંગમાંથી બહાર આવો – હવે કાયદેસરની કાર્યવાહી થશે પછી જ બધી ખબર પડશે – બસ – તો પછી તને મળું છું – ઢીલો ન થતો – જોરમાં રહેજે – ઓ.કે? ફોન મૂકું છું…’
નાગેશ બંધ થયેલા ફોનને જોઈ રહ્યા.

શું કરવું એ સૂઝતું ન હતું.

અચાનક ધ્યાન ગયું કોઈ ડોરબેલ વગાડી રહ્યું હતું – જોરથી.

નાગેશ થડકી ગયા – ડોર ખોલવા દોડ્યા.

ડોર ખોલ્યું તો નર્મદા – કામ કરવા આવતાં બહેન – નાગેશ ડઘાઈને નર્મદાને જોઈ રહ્યા. નર્મદા પણ ડરી ગઈ.

નાગેશે ઝડપથી પાછા ફરીને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. પછી કહ્યું – ‘નર્મદા, આજે સફાઈનું કામ રહેવા દે – પણ પહેલાં મારી ચા બનાવી દે પછી તું જજે -’
નાગેશે જોયું – નર્મદાની આંખો પ્રભાને શોધતી હતી – પણ એ કશું પૂછી શકતી ન હતી.


નાગેશ તૈયાર થઈને સોફા પર બેસી ગયા.

સામે ખુલ્લું બારણું. બારણાંની બહાર આંગણું. આંગણાંની બહાર દેખાતી લોકોની અવરજવર. સવારે શાકવાળા બુમ પાડતા અને શાક લેવા પ્રભા દોડતી… પ્રભા…
બસ અત્યારે સાડાનવ થયા છે. કૌશિક કહેતો હતો કે – યોગેશ – દસ – સાડાદસની વચ્ચે આવી જશે….

નાગેશ વૉલ કલૉકમાં ડોલતા લોલકને જોઈ રહ્યા – સમય.. કેટલો ઝડપી અને વિચિત્ર – કહી પણ કલ્પના ન કરી હોય એવો વિચિત્ર… આવું બધું તો કદી સપનામાં પણ વિચાર્યું ન હોય. કેવો સરસ સમય હતો. સરસ મઝાનું સરળ જીવન પસાર થઈ રહ્યું હતું. પત્ની – સુરભિ – પુત્રી દિવાક્ષી. સુરભિ માધ્યમિક શાળામાં શિક્ષિકા – નાગેશ પ્રાધ્યાપક – પ્રાધ્યાપકની સેવામાંથી હમણાં જ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી પણ એમને એક રિસર્ચ પ્રોજેક્ટ મળ્યો હતો. એટલે સતત વાંચન અને લેખનનું અને સેમિનારનું કામ ચાલતું. પુત્રી દિવાક્ષી – લગ્ન કરીને સિંગાપુર ચાલી ગયેલી. દિવાક્ષીનો પતિ અક્ષત. સિંગાપુરમાં સારી કંપનીમાં સારી પોસ્ટ ઉપર હતો. દિવાક્ષીને ત્યાં સિંગાપુર – નાગેશ અને સુરભિ બે-ત્રણ વાર બસ વેકેશનમાં જઈ આવેલા દિવાક્ષી અને અક્ષત પણ અનુકૂળતાએ અહીં આવી જતાં.

ત્યાં અચાનક એક દુ:ખદ ઘટના બની હતી. સ્કૂલના પગથિયાં ઉતાવળે ઊતરતાં સુરભિ પડી ગયાં. એમને બ્રેઈન-હેમરેજ થયું. હૉસ્પિટલ પહોંચતા જ છેલ્લો શ્ર્વાસ લીધો. અણધારી બનેલી આ ઘટનાથી નાગેશ ડઘાઈ ગયા હતા. દિવાક્ષી અને અક્ષત સિંગાપુરથી આવી ગયા હતા. નાગેશના જીવનમાં અણધાર્યો ન સમજી શકાય એવો શૂન્યાવકાશ પથરાઈ ગયો. દિવાક્ષી અને અક્ષતે સાથે સિંગાપુર રહેવા આવવા આગ્રહ કરેલો પણ નાગેશ ન માન્યા. એમના નાનપણના મિત્ર કૌશિક અને કૌશિકના પરિવાર સાથે દિવસો વીતતા જતા હતા. નાગેશ પોતાના કામમાં ધીરે ધીરે મન પરોવીને જીવનની ઘટમાળમાં પડી ગયા. સમય અને વરસો બહુ ઝડપથી પસાર થતાં હતાં. ત્યાં એક ઘટના બની હતી. નાગેશને એક સેમિનારમાં પેપર રીડિંગ માટે દિલ્હી જવાનું થયું. દરેક રાજ્યમાંથી નિવૃત્ત પ્રાધ્યાપકોને નિમંત્રણ હતું – એમાં ગુજરાતમાંથી નાગેશ શુક્લ – અને પ્રભા સરૈયાને નિમંત્રણ હતું – નાગેશ, પ્રભાને એ સેમિનારમાં પહેલી જ વખત મળ્યા હતા. પરિચય થયા પછી બન્ને ધીરે ધીરે નજીક આવી ગયાં હતાં – પછી –


નાગેશ ચમક્યા.
બારણાં વચ્ચે કોઈ ઊભું હોય એવો આભાસ થયો.
કોણ? યોગેશ… યોગેશ હશે?
ના. ભ્રમ થયો. કોઈ નથી. યોગેશ પણ નથી.
ઘડિયાળમાં સમય – પોણા દસ – ના. કોઈ નથી –
ભ્રમમાં એવું થયું કે જાણે પ્રભા…


દિલ્હીથી આવી ગયા પછી ઘણા દિવસો વીતી ગયા. નાગેશ અને પ્રભાનું યુનિવર્સિટી કેમ્પસમાં મળવાનું થતું. ત્યાં એક દિવસ કૌશિકે પૂછ્યું – ‘શું વાત છે નાગેશ? તું જ્યારથી દિલ્હીથી પાછો ફર્યો છે ત્યારથી કંઈક ગુમસૂમ – ખોવાયેલો રહે છે – દિલ્હીમાં કોઈ ભેટી ગયું છે – ખૂનખાર…?! પ્રોફેસર બોલો… બોલો… યાર…! કંઈ ખબર તો પડે!
નાગેશ કૌશિક સામે જોઈ રહ્યા.

શું કહું – કૌશિક? તું તો જાણે છે – હું સુરભિને આજે પણ ભૂલી શકતો નથી. મારું જીવન કેવું વેરવિખેર થઈ ગયું છે – એ તો તું જાણે છે – હું મારા કામમાં હોઉં કે – તારી સાથે – તારા પરિવાર સાથે ત્યાં સુધી જીવન – જીવન જેવું લાગે છે – અર્થસભર – પછી હું એકલો પડું છું ત્યારે મારે પીડા અસહ્ય બને છે – દિવાક્ષી પાસે જવાની પણ ઈચ્છા થયા કરે છે – પણ એ તો કેટલી દૂર છે…’
‘એટલે – એટલે – તું શું કહેવા માગે છે? હું કંઈ પણ સમજી શકતો નથી.’

‘તું તો જાણે છે કે મારા સુરભિ સાથેના લગ્ન – પ્રેમલગ્ન હતાં. બધાના વિરોધ વચ્ચે – તારી દરમિયાનગીરીથી લગ્ન થયાં હતાં. પણ હવે – આ…’
‘હવે આ… એટલે?’

‘અરે! યાર, કૌશિક, તું તો કોર્ટમાં આરોપીના પાંજરામાં ઊભો હોઉં – એમ મારી ઊલટતપાસ કરે છે – મને મૂંઝવ નહીં – હું કહું છું – બધું જ – બસ – વકીલ સાહેબ…’
કૌશિક હસ્યા. ‘કંઈ નહીં બોલ – મારા પ્રોફેસર તારું લેક્ચર સાંભળવું મને બહુ જ ગમશે…’

નાગેશે ઊંડો શ્ર્વાસ લીધો – ધીમે ધીમે પ્રભા સાથેના સંબંધની વાત વિગતે કહી.

કૌશિક ગંભીર થઈને મૌન બની ગયા – પછી કહ્યું – ‘ઓહો! એટલે આ તારો જૂનો – પુરાણો રોગ. સ્ત્રી-મોહ – સ્ત્રી આકર્ષણ – પ્રોફેસર… આ તમારી વય છે? આવી બધી વાતો માટે? કેટલી ગંભીર બાબત છે
ખબર છે? પ્રભા ડિવોર્સી છે. એનો છૂટાછેડાનો કેસ ચાલે છે. ચુકાદો મુલતવી છે –
અને – તું…!

‘પણ કૌશિક, પ્રભા અત્યારે તદ્દન સ્વતંત્ર રહે છે. એ એમના માતા-પિતા પાસે જઈને રહી શકી હોત – અને એ પણ મને -’
‘જો – પ્રોફેસર… આ બધું આંટીઘૂંટીવાળું છે. તું આ તારો મોહ પાછો ખેંચી લે. ફસાઈ જઈશ તો કદી બહાર નહીં નીકળી શકે અને સમાજમાં બદનામ થશે – એ વળી જુદું – આ ખેલ ખતરનાક છે નાગેશ…’

‘હું આ બધું જાણું છું એટલે તો – સતત વિચાર્યા કરું છું – કોઈ માર્ગ મળતો નથી. હવે અમે લોકો એ સ્થિતિમાં મુકાઈ ગયાં છીએ કે – અમને બન્નેને એકબીજા વિના ચાલી શકે તેમ નથી.’
‘ઓહ! તો આ વાત છેક ત્યાં સુધી પહોંચી ગઈ છે?’

‘હા. એ પણ એવું જ ઈચ્છે છે – જે હું…’
‘પ્રોફેસર, શાંત થઈ જાય. ઉશ્કેરાટમાં કોઈ ઉતાવળું પગલું ન ભરતો – અને હા – પ્રભા સાથે મારી મુલાકાત શક્ય એટલી વહેલી કરાવજે – પછી કંઈક આપણે આ બાબતમાં વિચારશું…’
પછી પ્રભા સાથે મુલાકાત યોજાઈ.

નાગેશ કરતાં પ્રભા વિશેષ મક્કમ હતી. એ પોતાનું સર્વસ્વ છોડીને નાગેશ રહેવા તૈયાર અને તત્પર હતી. એ તો નાગેશ સાથે લગ્નની વાતો કરી રહી હતી.
કૌશિકે કહ્યું: ‘તમારા આ કિસ્સામાં લગ્ન તો શક્ય જ નથી. પણ મૈત્રી કરાર કરીને સાથે રહી શકો – પતિ-પત્નીની જેમ – છૂટાછેડાનો કેસ ચાલે છે. કોર્ટના આદેશ કે ચુકાદા મુજબ એની શરતો મુજબ – સમાધાન થાય તો પ્રભાએ પતિ પાસે જવું પડે – અને તને છોડી દેવો પડે – બોલો – તમારે શું કરવું છે?

નાગેશે પ્રભા તરફ જોયું.

પ્રભાએ નાગેશ તરફ જોયું.

છેવટે મૈત્રી કરાર થયા. સાથે રહેવા લાગ્યા. પતિ-પત્નીની જેમ –
પછી –
પ્રભાને પૂર્વ પતિથી છૂટાછેડા પણ મળી ગયા હતા – મૈત્રી કરાર પછી દિવસો પણ સરસ જઈ રહ્યા હતા. વચ્ચે દિવાક્ષી અને અક્ષત પણ આવી ગયાં. એ લોકોને પપ્પાના અંગત જીવનમાં કંઈ કહેવા જેવું ન લાગ્યું. અને વ્યવસ્થા તરીકે પણ પપ્પાનું બધું સચવાઈ જાય છે એવો સંતોષ લઈને પાછા ફર્યા હતાં…
ત્યાં ગઈકાલે આ ઘટના –


સાડાદસ થવા આવ્યા. હજુ યોગેશ દેખાયો નહીં. ઘડિયાળના કાંટા સ્થિર થઈ ગયા હોય એવી પ્રતીતિ થઈ – સમય સ્થિર થઈને થંભી જતો હશે? પ્રભા પણ આવી જ વિચિત્ર વાતો કરતી – પ્રભા… નાગેશને યાદ આવવા લાગ્યું. હમણાં કેટલાક સમયથી પ્રભા ચિંતામાં હોય એવું લાગતું હતું – છૂટાછેડા મળી ગયા પછી જેટલી એ ખુશ હતી એટલી હમણાં ઘણા સમયથી ચિંતામાં રહેતી હતી. કોઈ ફોન આવતો. એ ગભરાઈ જતી, બહાર જઈને ઊંચા અવાજમાં વાત કરતી. કોઈક વાતનું દબાણ પ્રભા પર હતું – પણ નાગેશ કશું પૂછતા નહીં – હશે. પ્રભાને કહેવું હશે તો કહેશે. પણ ગઈકાલે પ્રભા – સખત ચિંતામાં હતી. સાથે યુનિવર્સિટી જવાનું હતું – પણ એ સાથે નહોતી આવી – કહેતી હતી કે – એમનું પેપર તૈયાર થયું નથી. મોડી સાંજે નાગેશ ઘેર આવ્યા ત્યારે ઘર ખુલ્લું – પ્રભા ગેરહાજર – બેડરૂમનો કબાટ – લોકર ખુલ્લાં – એમાં સુરભિનાં ઘરેણાં – રોકડ – બધું જ ગુમ – અને એ કબાટની ચાવી પ્રભા પાસે રહેતી હતી. તો – પ્રભા – એ – ના. એ એવું ન જ કરે – તો પછી –
નાગેશ મૂઢની જેમ બેસી રહ્યા.

યોગેશ સાથે પોલીસ સ્ટેશન જવાનું છે. ફરિયાદ નોંધાવવા કે – પ્રભા સરૈયા-
નાગેશ ઝબકી ગયા.

યોગેશ આવી ગયો હતો – નાગેશને ઢંઢોળતો હતો.
‘ચા…લો… કાકા, તૈયાર છો ને?’

‘અરે! હા – તું આવી ગયો?’ નાગેશે આંખો ચોળી. યોગેશ ઊભો હતો એની પાછળ ખુલ્લું બારણું – બારણાં વચ્ચે આકાર દેખાયો – છાયા જેવો આકાર – ધીરે ધીરે નાગેશ તરફ આગળ વધતો આકાર – પ્રભા… પ્રભા જેવો આકાર – ના પ્રભા જેવો આકાર નહીં. પ્રભા – પોતે – વિખરાયેલા વાળ – રડતો ચહેરો – હાથમાં થેલો – અને…
નાગેશ ઊભા થઈ ગયા.

નાગેશથી બોલાઈ ગયું – ‘પ્રભા…!’
યોગેશ ચમકીને પાછળ જોયું – પ્રભાને જોઈને એ લગભગ ડરી જ ગયો. પપ્પા – કૌશિકભાઈને ફોન જોડવા લાગ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button