મને માફ કરજે…
ટૂંકી વાર્તા -વિભૂત શાહ
(ગયા અંકથી ચાલુ)
હિરેને મૂંગા મૂંગા બંનેને પંપાળી સાંત્વના આપતો હતો, પછી એણે ઢીલ-ગળગળા અવાજે બંનેને સમજાવ્યાં, “મમ્મી, તમારા ભલા માટે જ કહે છે, આવા માંદગીનાં વાતાવરણમાં તમે અહીં બરાબર ભણી નહીં શકો… ને મમ્મીની ઈચ્છા પૂરી કરવી એ આપણાં બધાની ફરજ છે, તમે મારી ચિંતા ન કરશો. બોલતાં બોલતાં એને ડૂમો ભરાઈ આવ્યો, એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
જતાં જતાં સુમિતાએ હિરેનને આંખનો ઈશારો કરી બંનેને એની પાસે લાવવા કહ્યું, પછી એમને છાતી સરસાં ચાંપ્યા, વહાલથી ચુંબન કર્યું ને પછી હોઠ ફફડાવી ધીમા અવાજે આશીર્વાદ આપ્યા, “ખૂબ ભણજો, હોશિયાર થજો, આગળ વધજો…
એમના ગયા પછી સુમિતા ખૂબ રડી.
હિરેન એના પલંગ પાસે મૂગો મૂંગો બેસી રહ્યો હતો. કશુંક નવુંનકોર લૂગડું ફાટતું હોય એવો ઝરડ ઝરડ એના મનમાં ઘસરકો પડતો હતો. અંજન અને ગોપાના તાજા લીલાછમ ઝાકળભર્યા-ઉમંગભર્યા માસૂમ મુલાયમ ચહેરા એની આંખ સામે તરવરતા હતા… ઘરમાં ઊડાઊડ કરતાં ચકલાંનો માળો વિંખાઈ ગયો.
ફેમિલી ડૉક્ટર સોનપાલ અવાર-નવાર આવતા રહેતા હતા. સુમિતાને બીજો કશો ચેપ ન લાગે અને બેક્ટેરિયા કે જીવ-જતું ના થાય એટલે એન્ટિસેપ્ટિક પ્રવાહી પલંગ પર અને બાજુ છંટાવતા હતા. ડૉ. સોનપાલની સૂચનાથી હિરેન સુમિતાના હાથ-પગ આછા ગરમ પાણીથી ઝારતો હતો અને પછી એનું આખું શરીર ચોખ્ખું કરતો હતો. ચાઠાં કે ચકામા ના પડે એટલે આખા બરડા પર ટેલ્કમ પાઉડર છાંટતો હતો. બેડ-પેનમાંથી ક્યારેક દુર્ગંધ આવતી હતી એટલે ડૉ. સોનપાલ પફર્યુમ પણ છટાવતા હતા.
એ ઓફસે જાય ત્યારે સુમિતાની દેખરેખ રાખવા અને બેડ-પેન સાફ કરવા એક બાઈ પણ રાખી હતી, પણ પછી તો એ કંટાળીને જતી રહી, એટલે હિરેન ઓફિસેથી વચ્ચે વચ્ચે ઘેર આવી બધું સાફ-સૂફ કરી જતો.
સુમિતાની સ્થિતિ દિવસે દિવસે વધારે બગડતી જતી હતી. એના ચહેરા પર હવે ફેફર, સોજા દેખાતા હતા, બોલતી વખતે ઘણી વારા મોંઢામાં અને નાકમાં ફીણ આવતાં હતાં. એની આંખો પણ ઘણી વાર લાલચોળ થઈ જતી હતી ત્યારે હિરેન રૂની પૂણીઓ દૂધમાં બોળી એનાં પોચાં શીતળ પેલ એની આંખો પર મૂકતો હતો. એના હોઠ સૂકા અને ફિંક્કા પડી જતા હતા ત્યારે ગ્લુકોઝ નાખી લીંબુનું પાણી એનાં મોંમાં મૂકતો હતો. દિવસમાં દસથી બાર વાર એને કશોક ને કશોક પ્રવાહી ખોરાક આપતો, ત્યારે એ મોં કટાણું કરી બેળે બેળે ગળે ઉતારતી હતી. એને ઘણી પીડા થતી હોય એમ એ ઊંચી ગઈ હોય એવી રીતે આંખો મીંચીને પડી રહેતી ને ક્યારેક અચાનક કશુંક બબડતી હતી.
એનું આખું શરીર પીળું પડી ગયું હતું. એના જૂઠા પડી ગયેલા શરીરને પણ કદાચ સારું લાગે એટલે હિરેન એને પોચા હળવે હાથે પંપાળતો હતો. એ વખતે સુમિતાના ફિક્કા ચહેરા પર મંદ મલકાટ ફરકી જતો હતો અને જ્યારે એનો ચહેરો ચોખ્ખો કરી હિરેન એના કપાળ પર નાનકડી લાલ બિંદી લગાવતો ત્યારે તે અચૂક આંખો ખોલી એની સામે માયાળુ દયામણી નજરે જોઈ રહેતી… ઘણી વાર સવારે એ બબડતી… આ દુનિયામાં મને જ આવું કેમ થયું! મેં શા પાપ… હિરેન રાતના અંધારામાં જાગતો સૂતો હોય ત્યારે એના મનમાં પણ આ જ શબ્દો પડઘાયા કરતા… આ દુનિયામાં મને જ આવું કેમ થયું!’
હિરેન આખા બેડ-રૂમની ફરસ પર ઘસી ઘસીને ફિનાઈલના પોતાં કરતો તોય ક્યાંથી ને ક્યાંથી માખીઓ આવીને સુમિતાના મોંઢા પર બણબણ્યા કરતી ને એના ચહેરા પર આવીને બેસી જતી.
સુમિતા એને ઉડાડી શકતી નહીં એટલે બેચેનીથી અકળાઈને કમકમી ઉઠતી. વિહ્વળ થઈ જતી અને માખીઓ ઉડાડવા એનો કમજોર ચહેરો આમતેમ પછાડતી.
હિરેને એક-બે વાર આ જોયું એટલે એને પણ સુમિતાની દશા જોઈ કમકમાં આવી ગયા. એ તરત જ સવારે બજારમાં જઈ મોટી મચ્છરદાની લઈ આવ્યો અને સુમિતાના પલંગની આજુબાજુ બાંધવા લાગ્યો. સુમિતા એની પાંપણો ઉઘાડ-બંધ કરી એ જોતી હતી. એણે આંખોનો ઈશારો કરી હિરેનને એની પાસે બોલાવ્યો. મચ્છરદાની બાંધવાની પડતી મૂકી હિરેન એની પાસે બેસી એના કાન સરવા કરી એની તરફ નીચે ઝૂક્યો.
સુમિતાએ સવારે જ ટેબલેટ્સ લીધી હોવાથી એનાથી થોડું થોડું બોલાતું હતું. એણે એના હોઠ ફફડાવી ધીમેથી કહ્યું, “તમે મને બહુ સાચવો છો, મારો બહુ ખ્યાલ રાખો છો, મેં તમને બહુ પજવ્યા છે, હેરાન કર્યા છે, પણ હવે… હવે મારે મારા આ નકામા દેહનો ત્યાગ કરવો છે, આ મંદવાડ-ગંદવાડ, આ દોજખ-નરકમાંથી છૂટી જવું છે, હવે મારાથી નથી જીરવાતું, મારો જીવ ડહોળાય છે, મારા આ યાતનાભર્યા જીવનોન અંત, નિકાલ લાવી દો. બોલતાં બોલતાં એને ડચૂરો બાઝયો.
હિરેન સ્તબ્ધ-દિગ્મૂઢ થઈ ગયો.
- ત્યાં તો એ ફરી પાછી ગળગળા અવાજે બોલી, “મારું માન રાખો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો, મારે માથે વહાલથી હાથ ફેરવી મને કાયમ માટે સૂવડાવી દો, મારો વેદનામાં તરફડતો જીવ શાંત કરી દો. બોલતાં બોલતાં એનો શ્ર્વાસ રૂંધાઈ ગયો.
આ સાંભળી હિરેન ધ્રુજી ઊઠયો. એ એકદમ ખિન્ન થઈ ગયો. સુમિતાના માથે હાથ થપથપાવી એ ઢીલા નરમ અવાજે બોલ્યો, “સુમિ, તું આમ હતાશ ના થઈ જા, ધીરજ રાખ, ધરપત રાખ, મન કઠણ કરી મારે ખાતર દુ:ખ સહન કરી લે… તારો ચહેરો જોઉં છું ત્યારે મને શાંતિ થાય છે.
- ત્યાં તો સુમિતા રડતા સાદે બોલી ઊઠી, “હિર, હવે તમે મારી આ માયા-પાશનો ફાંસલો તોડી નાખો, મારા આ જુઠા પડી ગયેલા શરીરમાં, મારા આ ઘસાઈ ગયેલા શરીરમાં મારો જીવ પરાણે લટકી રહ્યો છે, મારા જીવતરની દોરી ખેંચી લો હિરેન, તમે તમારો વિચાર ના કરો, મારો વિચાર કરો. મને અસહ્ય વેદના થાય છે… ઝબૂક ઝબૂક થતો મારો આ દીવો હળવી ફૂંક મારી ઓલવી નાખો, મારામાં કશી લાગણી, કશું ચેતન જેવું રહ્યું નથી, મારા પર દયા કરો, વેદનાના આ નરકમાંથી મારો છુટકારો કરો, હવે હું તમારે શરણે છું, હું પોતે મારી મેળે આત્મહત્યા નથી કરી શકતી એટલે લાચાર છું…
એટલે હિરેન મારે બદલે તમે તમારા હાથ મારા ગળાની આસપાસ વીંટાળી મારો શ્ર્વાસ રૂંધી નાખો… મારા પર મરણ-પછેડી ઓઢાડી દો… હિરેન… હિરેન…
હિરેન મૂઢ થઈને મૂંઝાઈને બેસી રહ્યો હતો. એ થરથર ધ્રૂજતો હતો. – પણ સુમિતા જિદે, મમતે ચડી હતી. રોજ સવારે જેવી ટેબલેટ્સ લે એટલે પછી રૂંધતા શ્ર્વાસે બબડતી હતી… એકનું એક જ રટણ કર્યા કરતી હતી… “મને પારાવાર પીડા થાય છે, હિરેન, હું મારો પાલવ પાથરીને તમને આજીજી કરું છું, મારી મરણચીસ સંભાળો, હું વેદનામાં સબડું છું, રિબાઉં છું, મારે એમાંથી છુટકારો, મોતનું સુખ જોઈએ છે, તમને પાપ નહીં લાગે… પુણ્ય મળશે…
એક દિવસ સવારે ફેમિલી ડૉક્ટર સોનપાલ આવ્યા ત્યારે એમને પણ એણે એ જ કહ્યા કર્યું, “હવે મારા આ વેદનાભર્યા જીવતરનો કશો અર્થ નથી, મને જેટલું જીવાડશો એટલું વધારે હું આ યાતનાભર્યા નરકમાં સબડીશ, મને છેવટે મોતનું દયા-દાન કરો, મારા પર રહેમ કરો, તમને મારી દશા જોઈ દયા નથી આવતી? ક્યાં સુધી આમ રિબાવશો! હવે મારે શાંતિથી, સુખેથી મરવું છે… મને સુખેથી મરવાનો હક નથી?
સુમિતાનો આ મોત માટેનો તલસાટ-પછડાટ હિરેનથી જોવાતો નહોતો. એ વેદનાભરી નજરે ડૉ. સોનપાલની સામે જોઈ રહ્યો.
- પછી ડ્રોઈંગ-રૂમમાં એણે ડૉ. સોનપાલને કહ્યું, “તમને શું લાગે છે? આપણે શું કરવું જોઈએ? ડૉ. સોનપાલે સહેજ નારાજ થઈને જવાબ આપ્યો, “તમારે આવો અજુગતો પ્રશ્ર્ન મને ના પૂછવો જોઈએ. કોઈ પણ ડૉક્ટર ગમે તેવા સંજોગોમાં એના દર્દીને મારી નથી નાખતો. મારો ધર્મ તમારી પત્નીને જીવાડવાનો છે, મારી નાખવાનો નહીં. ને પછી સહેજ અટકીને આગળ બોલ્યા, ‘મિ. દેસાઈ, મારી એક વાત પણ સાંભળી લો, તમે ગમે તે રીતે દર્દીને મારી નાખો, તોય એ બીજાને ખબર પડ્યા વગર રહે નહીં, ઉપરથી એ માનવહત્યાનો ગુનો બને છે અને ડૉક્ટર તરીકે અમને એ તરત જ ખબર પણ પડી જાય અને અમે એ વાત છુપાવી શકીએ નહીં.
ડૉ. સોનપાલ શું કહેવા માગતા હતા એ સમજી ગયો. કશું બોલ્યો નહીં. એનું મન આંધળું થઈ ગયું હતું. -ત્યાં તો બીજા દિવસે સવારે સુમિતાએ એના ભાંગ્યા-તૂટ્યા પણ દૃઢ શબ્દોમાં વિચિત્ર માગણી કરી… ‘હિરેન, મને છેવટે કોઈ વકીલ રોકી આપો, આ વેદનાભર્યા જીવનમાંથી છુટકારો મેળવવા કોર્ટ મને જરૂરથી મરવાનો હક આપશે.’
- પાછી રોજ એની એ જિદ, એની એ હઠ.
છેવટે હિરેન એક મોટા વકીલ નાણાંવટીને ઘરે બોલાવી લાવ્યો. સુમિતાની દશા જોઈ એમણે કહ્યું, “આવો કેસ હજુ સુધી આપણે ત્યાં બન્યો નથી, મને આશા નથી, પણ આપણે હાઈકોર્ટમાં પ્રયત્ન કરી જોઈએ, પણ પછી એમણે કહ્યું હતું અમે કોર્ટે સુમિતાનો મરવાનો હક માન્ય રાખ્યો નહીં. એ સાંભળીને એ હોઠ દબાવીને મૂંગી મૂંગી કણસતી પડી રહી.
દર્દભરી રાત ઉપર રાત પસાર થતી હતી. હવે સુમિતા ટેબલેટ્સ લીધા પછી પણ ખાસ કશું બોલતી નહોતી. ક્યારેક પાંપણો ઉઘાડ-બંધ કરી વેદનાભરી નજરે હિરેનને જોઈ લેતી. હવે એનું શરીર બોદું, બરડ અને દોદરું થઈ ગયું હતું. ધમણ ચાલતી હોય એમ એનો શ્ર્વાસ પણ જોશભેર ચાલતો હતો. આંખમાં ચીકણા પિયા વળતા હતા. નાક અને હોઠમાં વધારે ફીણ ભરાતાં હતાં. એક દિવસ અચાનક એ પરાણે બબડી… “મારા માથાના કકડા થાય છે, સાટકા વાગે છે… પછી એ શ્ર્વાસ લેવા માટે તરફડિયાં મારવા લાગી, પણ ધીમે ધીમે એની પાંપણો ઊંચી કરી બેબસ બેબાકળી નજરે હિરેનની સામે જોયું. પછી હોઠ ફફડીને બંધ થઈ ગયા… જાણે હિરેનને કહેતી હતી… “ધત્ત, તમે મારું કહ્યું ના કર્યું ને! મારી છેલ્લી ઈચ્છા…
એ રાતે હિરેન ક્યાંય સુધી એની પાસે બેસી રહ્યો. સુમિતાનો શ્ર્વાસ હવે રૂંધાતો હતો એનો ચહેરો વેદનાથી તરફડાતો હતો, એ તરફડતી હતી, ડચકાં ખાતી હતી, હિરેન લાચાર દયામણું મોં કરી એને જોઈ રહ્યો હતો, એ રડું રડું થઈ રહ્યો હતો, પછી અચાનક એ ઊભો થયો, રસોડામાં ગયો ને દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ-સાકરનું પાણી ભેગું કરી પછી સુમિતાની પાસે આવી ચમચી વડે એના મોંમાં મૂક્યું, પણ એ પરપોટા થઈ પાછું બહાર આવ્યું.
- છેવટે એ શાંત થઈ ગઈ. એની આંખો મીંચાઈ ગઈ. એનો દીવો ઓલવાઈ ગયો. એના જીવતરની દોરી તૂટી ગઈ. એના જીવતરની દોરી તૂટી ગઈ. એનો છૂટકારો થયો. બરાબર આસો સુદી માણેક-ઠારી ઠંડી પૂનમે જ રિબાઈ રિબાઈને એના વેદનાભર્યા જીવનનો અંત આવ્યો. અગ્નિ-સંસ્કાર વખતે સ્મશાનમાં એની ચિતાની ભડ ભડ બળતી જ્વાળાઓમાં હિરેનને એની મરણચીસો સંભળાતી હતી. ઘેર આવીને બેડ-રૂમમાં ક્યાંય સુધી એ ખાલી પલંગની સામે જોઈ રહ્યો, પછી ધીમેથી બબડ્યો… ‘સુમિતા, મને માફ કરજે, મેં તને મારી ના નાખી…’