મેટિની

જિંદગીના દિવસો વધારવા હોય તો વિચારોના કલાક ઘટાડી નાખવા…

અરવિંદ વેકરિયા

ની:સ્વાર્થભાવથી પ્રવૃત્તિ કરવાવાળાની કિંમત જગત ભલે કરે કે નાં કરે, પરંતુ અદ્રશ્ય શક્તિ તેની કિંમત ચુકવવામાં ક્યારેય ભૂલ નથી કરતી. આ વાતની પ્રતીતિ મને ‘છાનું છમકલું’ રિવાઈવ કરવાની તુષારભાઈની જીદે કરાવી દીધી. જે ઓછા શોમાં નાટક બંધ થઈ ગયેલું એ જ નાટક ‘ફરી વાત મધરાત પછીની’ ના નામે રજૂ કરીને તુષારભાઈ અને ભટ્ટસાહેબને કલદાર કમાતા કરી દીધા સાથે મને પણ કલદાર સાથે કીર્તિ પણ અપાવી. એ ‘જીદ’ સામે હું ઝૂક્યો ન હોત તો જબરજસ્ત ‘હીટ’ થી હું વંચિત રહી ગયો હોત.

ખેર! હવે નવી અને અમદાવાદના કલાકારોની ટીમ સાથે આ જ નાટક ગુજરાતમાં રજૂ કરવાની ચટપટી તુષારભાઈને ઊપડી હતી. મેં મારી રીતે એમને સમજાવ્યા કે ‘અહીં આ નાટક સરસ ચાલી રહ્યું છે તો શા માટે વધુ ઉધામા કરવા છે.? ’ …પણ રાજા-
વાજા ને વાંદરા, ત્રણે’ય સરખા એમ લોકો અમસ્તા તો નહિ કહેતા હોય ને?.

મેં કહ્યું કે અનુભવી ભટ્ટસાહેબે પણ પોતાનો
અભિપ્રાય આપી દીધો અને ખુદ અમદાવાદમાં રજૂ કરવાના તુષારભાઈના નિર્ણય સામે એમણે પણ ‘ધંધાકીય’ સાથે જોડાવાનો નનૈયો ભણી દીધો. મેં કહ્યું કે, ‘એમના અભિપ્રાય વિષે જરા વિચારી જોજો. ..’ તુષારભાઈ મને કહે, ‘બસ, મારા મનમાં ભૂત કહો તો ભૂત, ભરાયું છે અને હવે હું ધૂણવાનો’. બાકી અભિપ્રાય? હું વેપારી માણસ છું અને દ્રઢપણે માનું છું કે બીજાના અભિપ્રાય પર જિંદગી જીવવી એ સ્વાસ્થ્ય માટે વ્યસન કરતાં પણ વધારે હાનિકારક છે. મારી પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો.

એમના અમદાવાદનાં પ્રોજેક્ટ માટે અહીં ચાલતા નાટકને કોઈ હાનિ પહોંચવાની નહોતી. મેં ત્યાંના મિત્રોની એ વિશે સલાહ પણ લીધી. અમદાવાદના કનુ નાયક, ધનજી સોલંકી અને અભય શાહ (ત્રણે’ય આજે હયાત નથી.) એમણે પોતાનાથી બનતી મદદ કરવાની બાંયધરી પણ મને મૌખિક આપી દીધી…

તુષારભાઈ નિર્માતા સાથે મિત્ર પણ બની ગયા હતા. મારાં પર જવાબદારી નાખી પરોક્ષ રીતે એ મને મહાત્ત્વ આપી રહ્યાં છે એ હું સમજતો હતો. જવાબદારી એ ઘરમાં રાખેલ કુંડાના છોડ જેવી, મોટા થવાનો અધિકાર નહિ પણ લીલાછમ તો કાયમ રહેવું જ પડે…

આમ આ વાતમાં હું પણ એમની સાથે જોતરાયો. નક્કી એવું થયું કે ‘વાત મધરાત પછીની’ નાટકનો રવિવારે શો મુંબઈમાં પતાવી રાતની ટ્રેનમાં અમદાવાદ જવું. હોટલમાં રહી, ત્યાંના મિત્રોમાંથી અભય શાહને મળવું. એ સફળ નિર્માતા અને આયોજક પણ હતા. ટીમ એમના સહયોગથી તૈયાર કરી સ્ક્રિપ્ટ બધાને આપી પાછા મુંબઈ આવી જવું. પછી અમદાવાદ ફરી જઈ સોમ થી શનિ મારે નાટક સેટ કરી આપવું. ત્યાંના સેટિન્ગ્સ ‘સાયોનારા’- ભાનુભાઈને સેટ બનાવવાનું પણ કહી દેવું.મેં એમની સાથે હા એ હા કરી ને વધુ વિચારવાનું મૂકી દીધું.


ઝાડ ક્યાં પંખીને ડાળ ભાડે આપે છે, એ તો ટહુકાની નિરંતર આશ રાખે છે,

જન્મ આપી ઈશ્ર્વર ક્યા માનવ-ભક્તિ માગે છે, એ તો માનવ માનવ થઈને રહે એવી આશ રાખે છે.

મારાં લેખમા રંગભૂમિના ભીષ્મપિતામહ ચંદ્રવદન ભટ્ટનો ઉલ્લેખ આવે છે, જેમની પુણ્યતિથી તા: ૧૫-૫-૨૪નાં હતી તો થયું એમની થોડી વણકહી વાતો કરી લઉં…

માનનીય શ્રી ચંદ્રવદન ભટ્ટ-ભટ્ટ સાહેબ એટલે સર્વસમર્થ અભિનેતા- દિગ્દર્શક-આયોજક- મેન્ટર-ટ્રેન્ડસેટર એન્ડ ’વોટ નોટ’ ..છતાં એક સાલસ, ઋજુ, સહૃદયી અને સંવેદનશીલ માણસ…..

તેઓ ખાસ્સી આગલી જનરેશનનાં હોઈ એમને ગોલ્ડન પીરીયડ જોવાનો મોકો નહોતો મળ્યો, પણ પાછલા દિવસોમાં ભટ્ટ સાહેબ મુંબઈ છોડી વડોદરા સેટલ થયેલા,

રેડીઓ-વડોદરા માટે (૧૯૯૫)મા એમના પર બનાવેલા કલાકેકનાં કાર્યક્રમ તે હીટ ગયેલો. મુંબઈમાં એમનો પહેલો જમ્પ અને ખાસ્સી સ્ટ્રગલ હિન્દી ફિલ્મોમાં ડીરેક્ટર કે આસી.ડીરેક્ટર તરીકે. લોકો નાટકમાંથી ફિલ્મોમાં જાય એ ફિલ્મોમાંથી નાટકમાં આવ્યા અને ગુજરાતી રંગભૂમિ માટે શું લાવ્યા….

સંગીત એ વખતે લાઈવ રહેતું, ઈફેક્ટસ પણ. ભટ્ટ સાહેબે આ બંને માટે નવી દિશાઓ ખોલી આપી. લોકો એડવાન્સમાં ટિકિટો લેતા થયા. પ્રવીણ જોશી, કાંતિ મડીયા, શૈલેશ દવે જેવા સમર્થ દિગ્દર્શકોને આગળ લાવનારા એ. સંજીવ કુમારની શરૂઆત પણ એમનાથી. વાસંદાનો છોકરો હાર્મોનિયમ સરસ વગાડતો એ જયકિશનને પણ એમણે શોધી કાઢ્યો, જેને પછી આપણે શંકર-જયકીશન તરીકે જાણીએ છીએ. જૈફ વયે એમણે નટસમ્રાટ’ (બહોત નાચ્યો ગોપાલ)ની સોલીલોકી ટુ બી ઓર નોટ ટુ બી’ ભજવી ત્યાં હાજર સૌની આંખ ભીંજવી નાખેલી…..
(પૂરક માહિતી: નિરંજન પંડ્યા- ઝરુખો.)

પત્ની: એરપોર્ટ જવાના કેટલા થશે?
ડ્રાઈવર: ૫૦૦ રૂપિયા..
પત્ની: મારા મિસ્ટર પણ સાથે આવશે તો કેટલા થશે?
ડ્રાઈવર: ..તો પણ ૫૦૦ જ થશે.
પત્ની: (પતિને) જોયું? મેં કીધું’તું ને તમને, તમારી કોઈ કિંમત જ નથી..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…