મેટિની

જો ઉપરવાળાથી તમારા સંબંધ મજબૂત હશે તો જમીનવાળા તમારું કંઈ નહિ બગાડી શકે

અરવિંદ વેકરિયા

મને ‘છાનું છમકલું’ની પુન: રજૂઆત કરવાનું મનમાં દુ:ખ તો થતું હતું, પણ નિર્માતા તુષાર શાહની જીદ સામે મન મનાવ્યું કે સુખ અને દુ:ખમાં બહુ ફરક નથી. જેને મન સ્વીકારે એ સુખ અને જેને મન ન સ્વીકારે એ દુ:ખ. મારે માટે બીજો કોઈ પર્યાય પણ ક્યાં હતો ! નિર્માતા જાણીતા અને સંબંધ અફલાતૂન એટલે
એમની જીદ સામે ઝૂકી જ જવાનું હતું. માણસે બે વાતની ગણતરી કરવાનું છોડી દેવું જોઈએ, ખુદનું દુ:ખ અને બીજાનું સુખ. મેં અને રાજેન્દ્રએ એ જ નક્કી કરી લીધું હતું. આમ પણ રાજેન્દ્ર એક સામાજિક વિષયને ‘બોલ્ડ’ વિષયમાં ફેરવવાનો હતો, જે મારા ‘ટેસ્ટ’ની બહારનું હતું. પણ જ્યારે હવે રોટલાને બદલે
પિત્ઝા ખવાતા હોય ત્યારે પિત્ઝાનો એકાદ ટુકડો ચાખવો રહ્યો.

બીજા દિવસે મેં તુષારભાઈને ફોન કરીને જણાવી દીધું કે ‘રાજેન્દ્ર સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી વિષયને બોલ્ડ’ બનાવવાનો છે… તો તમને કોઈ વાંધો નથી ને ?’ ‘મૂળ કથાવસ્તુ એ જ રહેતી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી અને મને તો ૧૦૦% વિશ્ર્વાસ છે કે નાટક ચાલશે જ! આ મારી, એક વેપારીની વિચારધારા છે. નાટક ફ્લોપ જશે નહિ પણ જો ગયું તો પણ મને પૈસા ગુમાવવાનો જરા પણ અફસોસ નહિ રહે. તમે ઘરના છો એટલે તમારી મહેનત એળે કદાચ જાય તો વસવસો ન રાખતા. સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો, યાદ રાખજો મારી વાત કે ખરબચડા જોડે ઘસાવાથી જ લીસ્સું થવાય છે.

મેં ફરી એમને સમજાવવા પરોક્ષ રીતે દાણો દબાવી જોયો, પરંતુ ‘છાનું છમકલું’ જ કરવું છે એ એમની રટ જાહેર કરતાં રહ્યા.

ખેર ! એમને ફોન કર્યા પછી મેં રાજેન્દ્રને ફોન કરી આખી વાત જણાવી દીધી. રાજેન્દ્રએ ગલગલીયા ભર્યા સંવાદો નાટકની મૂળ સ્ક્રિપ્ટ સાથે સાંકળી લેવાનું શરૂ પણ કરી દીધું હતું. નાટક સાથે વણાય જાય એ માટે સારા અને થોડા ડબલ મિનિંગ જોક્સ એણે જયંત ગાંધી, જેમની એક ફેક્ટરી માહિમમાં હતી, એમની પાસેથી મેળવવાની શરૂઆત પણ કરી લીધી હતી. આ જયંત ગાંધીએ ભરત દાભોલકર સાથે… ‘બોટમ અપ્સ’ જેવા હિન્દી-ઈંગ્લિશ ઘણાં નાટકોનું નિર્માણ કરેલું. એમની એ વખતે જોક્સની બુકો પણ પ્રકાશિત થયેલી. ‘અડપલાં’, ‘ગલીપચી’ અને ‘કાંકરીચાળો’ વગેરે… જેનું ખૂબ વેચાણ પણ થયેલું.

ટૂંકમાં ‘છાનું છમકલું’ નાટકના રીવાઈવ કરવાનો આખો તખ્તો સેટ કરી નાખવામાં આવ્યો.

બે દિવસ પછી હું અને રાજેન્દ્ર શુકલ ફરી મળ્યા. કલાકારોની પસંદગી કરવા અમે બેઠા. કુમુદ બોલે, કિશોર દવે, રાજેશ મહેતા તો અવેલેબલ હતા. કિશોર ભટ્ટ આઈ.એન.ટી. નાં નાટક ‘હેરત’માં બીઝી હતા. કોલગર્લની ભૂમિકા કરતી નીલા પંડ્યા અમેરિકા જવાની તૈયારીમાં હતી એટલે એને કાસ્ટ કરવાનો સવાલ જ નહોતો.(હાલ પણ એ અમેરિકા સ્થાયી છે.) સંજીવ શાહ મરાઠી નાટકમાં અટવાયેલો.

આપણે બીજે શોધવા નથી નીકળવું. ‘નાટકમાં પૂરું ધ્યાન આપી શકાય એટલે જે નાટક હું ડિરેક્ટ કરતો હોઉં એમાં રોલ નથી કરતો. નહીં તો કિશોર ભટ્ટને ‘છાનું છમકલું’ નાટકમાં કાસ્ટ કરવાને બદલે એ વખતે મેં જ કરી લીધો હોત. રાજેન્દ્રની જીદ સામે મેં એ પાત્ર ભજવવાનું નક્કી કર્યું. કોલગર્લનાં પાત્ર માટે અમારા નિર્માણ-નિયામક ધનવંત શાહ, એક યુવતીને લઇ આવ્યા. એનું નામ હતું, રજની સાલિયન. એ બિન-ગુજરાતી હતી. આમ પણ કોલગર્લને ભાષા નડવાની નહોતી. વિચાર્યું, ગુજરાતી શીખવવાની કોશિશ કરીશું નહીં તો છેલ્લે હિન્દી પણ ચાલી જાય. રોલ બહુ મોટો હતો નહિ, માત્ર એક સીન હતો પણ અગત્યનો તો હતો. અમે એને મળી રોલ માટે ફાઈનલ કરી
લીધી. પછી તો એ, પહેલા મ્યુઝિક ઓપરેટર, પછી કલાકાર, અને છેલ્લે નિર્માતા તરીકે જાણીતા બનેલાં પરીન શાહ સાથે લગ્ન કર્યાં. ઘણાં વર્ષો પહેલાં રજનીનું નિધન થયું. રોલ ભલે કોલગર્લનો સ્વીકાર્યો પણ એ બિનગુજરાતી છોકરી સંપૂર્ણ સંસ્કારી હતી.. અને એ નાટક પછી અમારે ઘર જેવા સંબંધો પણ રહ્યા, ખેર !

બધા કલાકારો સાથે આ બાબત વાત થઇ. થોડા વિવાદો થયા, દલીલોની આપ-લે થઇ પણ છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું…

એક તો મારે ‘બોલ્ડનેસ’ સામે ચીઢ ઉપરથી કિશોર ભટ્ટ વાળી મુખ્ય ભૂમિકા ભજવવાનું મારે ભાગે આવ્યું, જરા એ કપરું તો હતું. મેં પરોક્ષ રીતે એનો વિરોધ કરેલો પણ અમુક લાગણીની બેડી મને જકડી રાખતી હતી. જે કહી દીધું એ શબ્દો હતા, જે ન કહી શક્યો એ લાગણી હતી અને જે કહેવું છે છતાં પણ ન કહી શક્યો એ મર્યાદા હતી.
“ભગવાન જે કરશે એ સારું જ કરશે. આ વાક્ય મને ગળથૂથીમાં પીવડાવવામાં આવ્યું છે. ક્યારેક વિચાર આવે કે મંદિર પ્રભુનો માનવાનું સ્થળ છે કે પછી આપણી માગણીની ઓફિસ? પણ પછી થતું કે જો ઉપરવાળાથી તમારા સંબંધ મજબૂત હશે તો જમીનવાળા તમારું કંઈ નહીં બગાડી શકે.

ટૂંકમાં ‘છાનું છમકલું’ના રીવાઈવલ માટે ‘લશ્કર’ તૈયાર થઇ ગયું. મેં તુષારભાઈને ફોન કર્યો. એમણે બે દિવસ પછી રિહર્સલ શરૂ કરવા માટે કહ્યું. મેં કહ્યું, ‘આપણે ચોક્કસ આ જ નાટક કરીએ છીએ. ‘છાનું છમકલું’ નામ તો બદલવું જ પડશે ને? એક વાર રાજેન્દ્ર બે સીન મઠારી લે અને આપણને આપે પછી જ શરૂ કરી શકાય ને?
તુષારભાઈ કહે, ‘તો એક કામ કરો. રાજેન્દ્રને કહો આવતા વીકમાં કોઈપણ હિસાબે બે સીન તો પૂરા કરી જ આપે. હું આજે જ રિહર્સલ માટે ફાર્બસ
હોલમાં પૈસા ભરાવી દઉં છું. કાલે પારડી જઈ આવું છું. આવતા અઠવાડિયે આવી જઈશ. વચ્ચે હું ફોન કરતો રહીશ અને તમને ક્યાંય અટક્યા છો એવું લાગે તો તમે ફોન કરજો.પારડીથી નીકળતા પહેલા હું ફોન કરીશ.
આ વાત કર્યા પછી આખી કોમેન્ટ્રી મેં ફોન પર રાજેન્દ્રને કહી સંભળાવી. રાજેન્દ્ર કહે, ‘વાંધો નહીં. હું બને એટલું જલદી લખવાની ટ્રાય કરું છું. રિહર્સલ શરૂ કરીએ એ પહેલા હું તારી સામે વાંચી પણ લઈશ. જેવા મારા બે સીન લખાય જાય કે હું તને ફોન કરી જણાવીશ કે આપણે ક્યારે મળવું.

‘લગ્ન’ની પૂરી તૈયારી થઇ ગઈ. લગ્નની વાડીની (રિહર્સલ હોલ) પણ નોંધણી થઇ ગઈ. જાનૈયા (કલાકારો) પણ નક્કી થઇ ગયા. હવે અઠવાડિયાં પછી ‘વેવાઈ’ (તુષારભાઈ) પધારે પછી ‘વિધિ’ (રિહર્સલ) શરૂ કરાશે.

આ બધું તો ગોઠવાય ગયું, પરંતુ થિયેટર માટેની મોટી ઉપાધિ તો ઊભી જ હતી. ‘છાનું છમકલું’ બંધ થયા પછી જે તારીખો હતી એ બધી કેન્સલ કરાવી દીધી. જે કેન્સલ ન થઇ એ અન્ય નિર્માતાને આપી દીધી. હવે રિહર્સલ અને નવા નામકરણ સાથે ‘છાનું છમકલું’ રીવાઈવ તો કરીશું પણ ‘વાડી’ (થિયેટર)નાં ઠેકાણા નહીં પડે તો ‘જાન’ લઈને જઈશું ક્યાં? એ મોટો સવાલ હતો.
‘મેં આ ટેન્શનની વાત રાજેન્દ્રને કરી. એ ભારે ‘લોઠકો’, એને એ બાબત કોઈ ચિંતા જ નહોતી. મને કહે, ‘એ તો થઇ રહેશે. આપણે બીજા નિર્માતાઓને અત્યારથી પૂછ્યા કરીશું. કોઈ ‘વાલીડો’ તો મળી જ આવશે. આપણે સહુનો સાથ રાખવો, પણ સાથમાં સ્વાર્થ ન રાખવો. તું ચિંતા ન કર. બધું થઇ રહેશે.’

એણે તો સરળતાથી કહી દીધું કે ‘બધું થઇ રહેશે’ પણ ‘કેમ થઇ રહેશે?’. કલાકારો તો રિહર્સલમાં જ પૂછ્યા કરશે કે ‘ક્યારે ઓપન કરવાનું છે?’ ત્યારે જવાબ શું આપીશું? ‘ધકેલ પંચા દોઢસો’ જેવું થશે.


સારા બનીને અમે જોયું છે, કારણ વગર બધું
ખોયું છે,

તમે નસીબની વાત કરો છો, મેં તો મારું હતું એને પણ જતા જોયું છે.

એક દારૂડિયો મર્યા પછી સ્વર્ગમાં ગયો. એને પૂરું સ્વર્ગ બતાવવામાં આવ્યું. એને બિચારાને વિશ્ર્વાસ જ બેસતો નહોતો. એણે યમરાજને પૂછ્યું કે ‘હું આટલો બધો દારૂ પીતો હતો. દારૂડિયો જ હતો. તો પણ મને સ્વર્ગમાં કેમ લાવ્યા?’ યમરાજે કહ્યું, ‘તું દારૂ પીતા-પીતા જેટલા દિવસ સિંગદાણા ખાઈને સૂઈ જતો હતો તે બધા દિવસો ઉપવાસમાં કાઉન્ટ થયા છે એટલે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button