મેટિની

‘શ્યામ’ મળતો હોય તો સુદામા થવામાં પણ મજા છે

અરવિંદ વેકરિયા

જે ભાર સાથે હું રૂમમાં, એમની ઓફરને કારણે રાત્રિ-જમણ લેવા ગયો હતો. જમ્યા પછી કદાચ પેટ થોડું ભારે થયું હશે, પણ મનથી એકદમ હળવો ફૂલ થઈને, મારી રૂમમાં આવ્યો. સારું થયું કે કોરિયોગ્રાફર ચિનુ શિકારીએ મને સુભાષજી પાસે જવા પ્રોત્સાહિત કર્યો, અને એટલે હું ગયો. નહિ તો કોઈ બહાનું કાઢી બેઠો રહ્યો હોત તો એક આનંદી-અવસર ચુકી ગયો હોત. ચીનુભાઈએ કહ્યું એમ, ખરેખર! સુભાષજીનો સ્વભાવ મળતાવડો અને મજાકિયો હતો એની મને પ્રત્યક્ષ અનુભૂતિ થઇ. માણસને પોતાના બનાવી લેવાની કમાલની સૂઝ અને ક્ષમતા એમનામાં ભરી હતી. ખરેખર, કોઈને પરાજિત કરવું સરળ છે, પરંતુ કોઈને જીતી લેવું ખૂબ અઘરું છે. સુભાષજીએ મને એવો ઈમ્પ્રેસ કરી દીધો કે જાણે અઘરું કામ સરળ થઇ ગયું. મારો ડિરેક્ટર માટેનો છૂપો ‘ડર’ ઉડન… છું થઇ ગયો. પહેલી જ વાર એમની સાથે કામ કરવાની મનમાં હું જે ‘તાણ’ અનુભવતો હતો, એ આ એક-દોઢ કલાકની અમારી બેઠકમાં દૂર થઇ ગઈ. મનમાં થયું, હવે કાલનો ‘કોમેડી-સીન’ વધુ હળવાશ સાથે સુપેરે પાર પાડી શકીશ.
ચીનુભાઈએ રૂમનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. થોડી ચુપકીદી જાળવી મેં હળવે હાથે દરવાજો ખોલ્યો અને મારા પલંગ ઉપર લંબાવ્યું. હજુ વિચારોના તાણાવાણા ગોઠવતો હતો ત્યાં ચીનુભાઈનો અવાજ આવ્યો, “આવી ગયા અરવિંદભાઈ? મેં કહ્યું “બસ, હમણાં જ આવ્યો. સોરી, તમારી ઊંઘ બગાડી. મને કહે, “નારે ના! જરા પણ નહિ. નસકોરા શરૂ જ નથી થયા… જાગતો જ હતો. કાલે તમે તમારો સીન કરશો, મારે ગાર્ડનમાં એક ગીત પિક્ચરાઇઝ કરવાનું છે. જરા સ્ટેપ્સ બાબત વિચારે ચડી ગયો હતો.
“તમે સારું કર્યું કે મને સુભાષજી પાસે જવાની હિંમત આપી બાકી મારું મન તો ઢચુપચુ થતું હતું. મેં કહ્યું. એમણે પૂછ્યું, “કેવો લાગ્યો માણસ? મેં કહ્યું, “બહુ જ મજા આવી. શરૂઆત થોડી ધીમી રહી પણ તેઓ પછી એવી રીતે વાતો કરતાં રહ્યાં કે હું પણ ધીમેધીમે ‘ખૂલતો’ ગયો. સારું થયું કે મેં તમારું સાંભળ્યું અને તમારા પ્રોત્સાહને મને ત્યાં જવા પ્રેર્યો, નહિ તો હું એક ‘સંભારણું’ બની રહે એ તક ગુમાવી બેઠો હોત. એ માટે તમારો આભાર! મને કહે, “આભાર શેનો? શ્યામ મળતો હોય તો સુદામા થવામાં પણ મજા છે. ચાલો હવે સુવાનો પ્રયત્ન કરીએ, તમારે શૂટ મોડું શરૂ થશે, પણ મારે તો સવારથી જ કામે લાગી જવું પડશે. સાંજની સંધ્યા પ્રગટે એ પહેલા ડે-લાઈટમાં ગીત પૂરું કરી દેવું પડશે.
મેં “ગુડ-નાઈટ કહી સુવાનો પ્રયત્ન શરૂ કર્યો. હું સુઈ તો ગયો પણ ચીનુભાઈએ નસકોરાં બોલાવવાની વાત કરી હતી એનો ભય તો હતો જ. પછી એમણે નસકોરાં બોલાવ્યા હશે કે નહિ એ ખબર નથી, કારણ હું એક તો થોડું લઈને’ આવ્યો હતો અને બીજું મનથી હળવો થઇ ગયો હતો એટલે ઊંઘ તરત આવી ગઈ. સવારે રૂમમાં જરાતરા અવાજ શરૂ થયો. મેં આંખ ખોલી તો ચીનુભાઈ એમનો નિત્યક્રમ પતાવતા હતા. અવાજ ન થાય અને રખે ને થાય તો વધુ પડતો ન થાય એનું પુરતું ધ્યાન રાખતા હતા. મેં વિચાર્યું કે ચીનુભાઈ તૈયાર થઇ જાય પછી હું પથારી છોડું જેથી તેઓ વિના વિઘ્ને પોતાની નિત્યક્રિયા પતાવતા રહે. આજે તો ‘કોમેડી-સીન’ કરવાનો હતો. થતું હતું કે ‘મજા આવશે’ ગઈ કાલની સુભાષજી સાથે વિતાવેલી ક્ષણો. કહે છે ને કે આવતી કાલની પ્રગતિ અને સલામતીનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર હોય છે. પ્રવૃત્તિ શેની… યાદગાર ક્ષણો પર હોય છે.
ચીનુભાઈ તૈયાર થઇ ગયા એટલે “ગુડ-મોર્નિંગ કહેતા મેં પલંગ છોડ્યો. મેં સહજ પૂછ્યું, “હવે હું મારી તૈયારીમાં લાગુ? “અરે… હા ! સ્યોર… એમણે જવાબમાં કહ્યું. મેં કહ્યું કે “મારે નાહી-ધોઈને સેવા પતાવી તૈયાર થવું પડશે ત્યાં સુધીમાં મેક-અપ મેન અને ડ્રેસમેન આવી જશે.
“સેવા? શેની સેવા? એમણે કુતૂહલતા દેખાડી. મેં વિસ્મય સાથે કહ્યું, “કેમ? ભગવાનની… ભલે દીવા-અગરબત્તી ન થાય, હું સાઈ ચાલીસા અને ગણપતિનાં પાઠ તો કરી જ લઉં છું, એ પછી જ ચા-પાણી પીઉ છું. અને અહીં જ નહિ નાટકની ટૂરમાં પણ મારો આ ક્રમ ચાલુ જ હોય…
“વાહ, બહુ સરસ.. હું ઘરે નાની પૂજા કરું પણ બહાર નીકળું એટલે આ બધું સાથે ન ફેરવું. આપણી તો જિંદગી જ વણઝારા જેવી. આજે હાલોલ તો કાલે બીજે. “મારી તો આ ઘણા વર્ષોથી પડેલી સુ-ટેવ છે. પ્રભુ પાસે ફક્ત મારું જ નહિ પણ સૌનું ભલું થાય એવી પ્રાર્થના સાથે સેવા કરું છું. બસ! હકારાત્મકતા રહે એવી પ્રાર્થના સાથે. જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો પછી કુદરત એને ઘાસથી ભરી દે. એમ મગજમાં હકારાત્મક વિચાર ભરવામાં ન આવે તો નકારાત્મક વિચારો આપોઆપ પોતાની જગ્યા બનાવી લે… મારી આ સેવા, એવું ન થઇ જાય એની ઉર્જા પૂરી પાડે છે. મેં મારા વિચાર એમને કહ્યા.
ચીનુભાઈ સાંભળતા રહ્યાં. પછી મને કહે, ‘ચાલો તમે વ્યાસપીઠ પર બેસીને ઘણી સારી સારી વાતો કરી લીધી. હવે હું નીકળું. તમે આરામથી તૈયાર થાવ… બપોરે જમવામાં કદાચ મળીશું… એટલું કહી એમણે વિદાય લીધી. મને સમજાયું નહિ, મારી વાતો એમને ગમી કે ન ગમી? સેવાની વાત એમને પસંદ ન આવી કે શું? જે હોય તે, મારે શું કામ એની ચિંતામાં પડવું. જો કે આ મારું માનવું હતું કે એમને ગમ્યું કે નહિ… એમને કદાચ ગમ્યું પણ હોય. પણ બની શકે કે વાતને હળવી રીતે લઇ લીધી હોય. મારે એ વિચાર હવે તડકે મૂકી દેવો પડશે. જે ભવિષ્યનો ભય નથી રાખતા એ જ તો વર્તમાનનો મુક્ત આનંદ માણી શકે છે.
હું મારો નિત્યક્રમ પતાવવામાં પડ્યો. નાહિધોઈને સેવા કરવા બેઠો. બન્ને પાઠ કર્યા પછી ભગવાનના નામની પાંચ માળા પણ કરી. બધું વ્યવસ્થિત મૂકી હજુ ખુરસીમાં બેઠો ત્યાં ડ્રેસમેન આવ્યો, “સર! આ ડ્રેસ પહેરી લો. મેં એની સામે જ ડ્રેસ પહેરી લીધો. કે. કે. ટેલર્સના સીવેલા કપડાનાં ફીટીંગ બાબત તો કશું કહેવા જેવું હતું જ નહિ. ત્યાં તો મેક-અપ મેન પણ આવી ગયો. મને કહે, “હું દસેક મિનિટમાં આવી આપને તૈયાર કરું છું. તમે ૧૦.૩૦ સુધીમાં તૈયાર હોવા જોઈએ એવું સહાયકે કહ્યું છે.
ખબર નહિ, આ ફીલ્મલાઈન મને થોડી ગમવા લાગી હતી. જો કે મોટા સપના જોવા એ ઘેલછા હતી. ઘેલછા એટલા માટે કે નાટક માટેની મારી ‘ઘેલછા’ વધુ પ્રબળ હતી. સપના ભલે સુક્કા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું. કોઈ કામ મુશ્કેલ નથી ‘શરૂઆત’ આત્મ-વિશ્ર્વાસથી થવી જોઈએ.
ત્યાં મેક-અપ મેન આવ્યો. મને ‘રંગવા’ની એણે શરૂઆત કરી.


પ્રભાતે હતા જે ગુમાવ્યા છે સાંજે, સમય સાથે સપનાં જીવનથી સર્યા છે,
સમંદર ગણીને ઝુકાવ્યું’તું જેમાં, એ ખાબોચિયાં છીછરા નીકળ્યા છે.

-મીના ગોર મેવાડા.

ભીમો: ક્યાં છે ભાઈ? કેમ ક્યારનો ફોન નથી ઉપાડતો?
ભૂરો: (ધીમા અવાજે) લેકચર ચાલે છે…
ભીખો: હે! શું વિષય છે?
ભૂરો: ઘરમાં જ છું અને ‘હું’ જ વિષય છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…