મેટિની

સુખી તો જાતે જ થવું પડે, દુ:ખી તો ગમે તે કરી જાય!

અરવિંદ વેકરિયા

અભય શાહ.
એક મિત્ર તરીકે અને સલાહકાર તરીકે હું આ નામ ‘અભય શાહ’નો ઉલ્લેખ મારા લેખમાં કરતો રહ્યો છું. એમની પુણ્ય-તિથિ
૩૦ જૂનના – ૨૪ ના રોજ ગઈ. એમને યાદ કરી- એમને આદરાંજલિ રિસેપ્સન કાઉન્ટર પરથી સવારના છ વાગ્યામાં ઇન્ટરકોમ આવ્યો કે, ‘કોઈ નલીન દવે આપને મળવા આવ્યા છે. મોકલું?’
હું હાંફળોફાંફળો બેઠો થઇ ગયો. તુષારભાઈ આરામથી નસકોરાં બોલાવતાં સૂતા હતા. મેં ઘડિયાળ જોઈ, સવારનાં ૬.૧૦ થઈ હતી. પહેલા તો રિસેપ્સનિસ્ટે કહું, કોઈ નલીન દવે આપને મળવા આવ્યા છે..’ આ ‘કોઈ’ શું કામ? ફિલ્મોમાં આટલું જાણીતું

નામ, એ એમને ઓળખતો નહિ હોય?. બીજો વિચાર એ આવ્યો કે નલીનભાઈએ મને ખૂણામાં બોલાવીને કહ્યું હતું કે દાદુ, વાંધો ન હોય તો હું સવારે હોટલ પર આવું? જરા મારા ડાયલોગ્સ લઈ લો…વાંધો ન હોય તો સવારે એક-બે કલાક ! મેં તો એમની લગનની પ્રશંસા કરી પ્રેમથી હા’ પાડી દીધી હતી. પણ સવારે એટલે…આટલાં વહેલાં? મને થયું કે એમને કેટલો વિશ્ર્વાસ હશે મારાં પર? વિશ્ર્વાસ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે, કારણ કે તેના વગર તો ન પ્રેમ શક્ય છે, ન પ્રાર્થના. મેં મારી જાતને ઢંઢોળી અને કાઉન્ટર પર કહ્યું, ‘હાહા મોકલો અને સાથે બે કપ ચા પણ મોકલજો.’

    થોડી વારમાં બેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો. સામે જ ‘ગુડ મોર્નિંગ’ કહેતાં નલીન દવે.. મને ભેટ્યાં. આ ભેટવામાં કોઈ દેખાડો નહોતો, લાગણી હતી. મેં ઘણાં ફિલ્મી અદાકારો સાથે ભેટ’ કરી છે પણ એ માત્ર દેખાડવા પૂરતી લાગેલી. ખેર, નલીન દવે વધુ બોલે એ પહેલાં મેં કહ્યું,’ તમે જરા બેસો,હું બ્રશ પતાવી લઉં’ હું વોશરૂમમાં ગયો. નલીનભાઈ  એમની સ્ક્રિપ્ટ  સાથે લઈને આવ્યાં હતા. મને કહે,’ બહુ વહેલો નથી આવ્યો ને?’ એમને શું જવાબ આપવો એ મને સુઝ્યું નહિ. મેં માત્ર મોઢા પર હળવું સ્મિત કર્યુ.

      ‘મારો ભાઈ છે, ચેસ રમવામાં ચેમ્પિયન છે. ગુજરાત અને ગુજરાત બહાર ઘણાં એવોર્ડસ મેળવી

ચુક્યો છે. એને એક જગ્યાએ સવારે વહેલું જવાનું હતું. મારી વાઈફ અને દીકરો ઘરે નથી એટલે મને થયું…’

     મેં એમની વાત વચ્ચેથી કાપતા કહ્યું, ‘અરે ! નલીનભાઈ કશો વાંધો નહિ ચાલો,  આપણે કામે લાગીએ.’   એ મને કહે વાંચવું નથી બધા ડાયલોગ્સ મોઢે કરીને આવ્યો છું, ‘તમે માત્ર મને કરેક્ટ કરજો.’ 

     મેં પૂછયું :  ‘તો અહીં છ વાગે પહોંચવા તમારે બહુ વહેલું ઊઠવું પડ્યું હશે નહિ?’ એ

હસ્યા અને મને કહે,’ હું સાડાત્રણ-ચાર વાગે ઊઠી નાહીને મારા પૂજાપાઠ કરું છું, લગભગ એક કલાક.. પછી ચાલવા નીકળી પડું છું,સહેજ જાડો છું ને? આજે ચાલવા જવાને બદલે ચાલતો ચાલતો અહીં આવ્યો. આટલા વહેલા આવવાથી તમને તકલીફ તો પડી હશે, નહિ?’

મેં કહ્યું : એવી કોઈ વાત નથી. અમુક દિવસોમાં ઘણું કામ પૂરું કરવાનું હોય. નવી જગ્યા હોય એટલે આંખ મળતાં વાર લાગે પરિણામે ઊંઘ આવતા વાર લાગે. ગઈ કાલે રાતના બે વાગ્યા. આ જુઓ, નિર્માતા, ઘસઘસાટ ઊંઘે છે ને ! નિર્માતાને ચાલે પણ દિગ્દર્શકને તો જવાબદારીનો ટોપલો હેરાન કરતો હોય. સોરી ! દાદુ આજનો દિવસ જ. કાલથી તમે કહેશો એ રીતે જ મળીશું એમણે કહ્યું.
એમણે સંવાદો બોલવાનું શરૂ કર્યું. હું દિગ્દર્શક તરીકે થોડા સૂચન કરતો ગયો. પછી મેં એમને સમજાવ્યું કે સંવાદો ગોખવાને બદલે મનમાં ઉતારો. સંવાદનું હાર્દ સમજો, પછી તમારે ગોખવાની જરૂર નહિ પડે.

એ મારી સામે જોઈ રહ્યાં. મેં કહ્યું, ઘણાં કલાકારોને શંકા રહે છે કે ઓ.હો..હો.. આટલાં બધા સંવાદો યાદ કેમ રહેશે? અને રહેશે તો પણ બરાબર બોલાશે કે નહી? બસ, હાર્દ સમજી શ્રદ્ધાથી વાંચો તો જરા પણ વાંધો ન આવે. શંકાનાં જન્મ-મરણ હોય, શ્રદ્ધાનાં નહિ. અને તમે તો અનુભવી છો. ત્યાં ધ્યાન રાખવા છતાં અમારાં આછા ગણગણાટને લીધે તુષારભાઈ જાગી ગયા. ‘જાગીને હાય..હેલ્લો..’ કર્યું.

સંવાદોમાં નલીનભાઈની બહુ ભૂલો ન થઈ. પાત્ર માટેની થોડી સલાહ મેં આપી. અમદાવાદના ‘બકા’ એટલે

વાતોનાં વડા પીરસવા માંડ્યા. દોઢેક કલાક ‘સેસન’ ચાલી પછી એ નીકળ્યા પછ તુષારભાઈ બોલ્યા, કમાલ છે. નાટકના અભરખાં કલાકારોને હોય પણ આટલાં બધાં કે સવારના છ વાગ્યામાં આવી ગયાં? હું હસ્યો. મેં કહ્યું : આપણે સકારાત્મક જ લેવું. ઠીક છે, નીંદર જરા બગડી પણ મનમાં એની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ બાગબાગ થઈ ગયા. નલીનભાઈ છે જ ફક્કડ માણસ. તમે જોયું નહિ ! એમણે મંત્ર પચાવી લીધો છે કે સુખી જાતે જ થવું પડે. દુ:ખી ગમે તે કરી જાય. મસ્તમૌલા બનીને જીવો..’

અમે બંને પછી અખબાર વાંચવા બેઠા. મને જાહેરાતમાં છપાયેલ યુવતીઓના ફોટા જોઈ કોલગર્લનાં પાત્રની યાદ આવતી. મેં છાપું બાજુ પર મુક્યું. સાલું, આખો હાથી અભયભાઈએ કાઢી નાખ્યો, કોલગર્લનું પૂછડું જ બાકી રાખ્યું.

 પછી અભયભાઈ આવ્યા. ફરી અમે ‘ડાયરો’ શરૂ કર્યો. કિશોર કુમારનાં શો એ વખતે એમણે શરૂ કર્યા હતા અને ધૂમ ચાલતાં. કિશોર કુમાર ઉપર એ સમયે ઇન્કમટેક્સની રેઇડ પડેલી. સરકારને પૈસા ચૂકવવા એમને શો કરવાની રજા આપેલી. એની કમાણીમાંથી એ ટેક્ષની રકમ ચુકવતા. આવું અભયભાઈએ અમને કહ્યું. મેં કિશોરજી વિષે પૈસા બાબત ઘણું સાંભળેલું. પૂરા પૈસા ન આવે તો રેકોર્ડિંગ સ્ટુડિયો પર જતાં પણ ગીત રેકોર્ડ કર્યા વગર પાછા ફરી જતા. જો કે આ માત્ર સાંભળેલું, સાચું ખોટું તો રામ જાણે. મેં આ  વિશે  પૂછ્યું તો અભયભાઈ એ નાનકડી વાર્તા કરી . મને કહે,  કિશોરજી મનના બહુ સારા. અમુક નિર્માતાઓએ ખરાબ અનુભવ કરાવેલો એટલે એ ચેતતા ચાલતા. બીજું મૂળ કારણ એમનો ‘ધૂની’ સ્વભાવ. બધા શો હાઉસ ફૂલ જતા. પછી મને પણ તારીખો માટે હેરાન કરવાનું શરૂ કરેલું.હું મૂળ અમદાવાદી. મેં પણ તરકીબ શોધી કાઢી. મારે ન જોઈતી હોય એ તારીખ હું એમની પાસે માગું. સમજ, મારે કોઈ મહિનાની ૧૮ કે ૨૦ મી તારીખ જોઈતી હોય તો હું ૨૨ કે ૨૪ માગું. એ તરત કહે  નહિ શાહ સા’બ વો તો તારીખ નહિ હૈ, અગર ૧૮-૨૦ મેં કોઈ હો તો બોલો’ આમ મારે જોઈતી તારીખ મને મળી જતી. એ વખતે શો દીઠ મારી પાસે એડવાન્સ ૩૦૦૦૦/-  રૂપિયા લેતા. એક વાર પૈસા લઈને હું પહોંચ્યો.

મારી પાસે ૨૯૦૦૦/- રૂપિયા હતા. મને થયું કે ૧૦૦૦ ઓછા છે પણ રેગ્યુલર શો કરું છું એટલે વાંધો નહિ આવે. પણ એ અડી ગયા : પૈસા તો પૂરા તીસ ચાહિયે ‘હું નિરાશ થઈને ઊભો થવા જતો હતો ત્યાં મને બેસાડ્યો મેં આતા હું.’ કહી પોતે અંદર ગયા અને ૧૦૦૦ રૂપિયા લઈને આવ્યા અને આપીને કહે. ‘યે લો આંર અબ ૩૦૦૦૦ દો.’ મેં આપ્યા. આપકી તારીખ બૂક હો ગઈ, ‘ખુશ?’ આવા હતા કિશોર કુમાર. બિરલા માતુશ્રીનો શો સાંજે ૭.૩૦ નો હોય પણ એ બપોરે ૧૨ વાગે પહોંચી જતા.

વાજિંત્રોનાં એક એક તાર મેળવતા, કોઈ બેસૂરું ન રહે. વાતો કરવાવાળા કરતાં હશે પણ મેં તો એના કપરા સમયમાં પણ વટથી અને સિદ્ધાંત પર જીવતા જોયા છે. બાકી હકારાત્મક વ્યક્તિ પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, જયારે નકારાત્મક વ્યક્તિ પાસે સમાધાનમાં પણ સમસ્યા હોય છે. ચાલો . ‘હવે નાસ્તો મંગાવો’ અમદાવાદી અભયભાઈએ કહ્યું ને એ સાથે કિશોર પુરાણનું સમાપન કર્યું.


શ્ર્વાસોનાં સરવાળાએ જિંદગીના હિસાબ કરી નાખ્યા,
‘શેષ’ લાગણી પડી રહી ને દાખલા બે-હિસાબ કરી નાખ્યા.


મોજા કાયમ ધોઈને પહેરવા. કામયાબી કદમ ચૂમવા આવે ત્યારે બેભાન ન થઇ જાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?