મેટિની

બહેન હોય તો નંદા જેવી

સંખ્યાબંધ હિટ ફિલ્મો, ટોચના હીરોની હિરોઈન અને ટોપકલાસ દિગ્દર્શકો સાથે કામ કર્યું હોવા છતાં કુશળ અભિનેત્રી હિરોઈન કરતાં હીરોની બહેન તરીકે વધુ સ્વીકાર્ય લાગી

હેન્રી શાસ્ત્રી

બહેનના રોલમાં (ડાબે) અને હિરોઈન

પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ફરાક પહેરવાની ઉંમરે ૧૪ – ૧૫ વર્ષની મરાઠી મુલગી સાડી પહેરીને મેરેજ માણવા આવી હતી. એ પ્રસંગે છોકરીના કાકા અને જાણીતા ફિલ્મમેકર વી. શાંતારામ પણ ઉપસ્થિત હતા. કિશોર વયની ક્ધયાનું સૌંદર્ય ફિલ્મમેકરની આંખોમાં વસી ગયું. તરત એની મોટી બહેન પાસે ગયા અને કહેવા લાગ્યા કે ‘આ ખૂબસૂરત છોકરી મારી આગામી ફિલ્મની હિરોઈન છે.’ જોકે, મોટી બહેને વિનમ્રતાથી કાકાને ના પાડી અને કહ્યું કે એ હજી બહુ નાની છે અને હિન્દી ફિલ્મોની ટિપિકલ હિરોઈન તરીકે નહીં શોભે.’ શાંતારામને કદાચ આ પ્રતિક્રિયા અપેક્ષિત હતી અને એટલે તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના કહ્યું કે ‘હા, હું જાણું છું, પણ હું ભાઈ – બહેનના સંબંધ પર ફિલ્મ બનાવી રહ્યો છું અને આ છોકરી બહેનના રોલ માટે એકદમ ફિટ છે.’ એ ફિલ્મ હતી ‘તૂફાન ઔર દિયા’ અને કિશોરાવસ્થામાં એ સમયના અગ્રણી ફિલ્મમેકર વી. શાંતારામની પ્રોડક્શન કંપની રાજકમલ કલામંદિરના ચિત્રપટમાં ઝળકનાર અભિનેત્રી નંદા કર્ણાટકી. ૨૫ માર્ચે અભિનેત્રીની ૧૦મી પુણ્યતિથિ છે એ નિમિત્તે ટોચના હીરો અને ટોચના દિગ્દર્શકો સાથે કામ કરવા છતાં ક્યારેય ટોચની અભિનેત્રી નહીં ગણાયેલી નંદાની કારકિર્દીને સમજવાનો પ્રયાસ કરીએ.

શરમાળ સ્મિત અને ચહેરા પર માસૂમિયતનું સામ્રાજ્ય જેવી પ્રાથમિક ઓળખ ધરાવનારી બેબી નંદાનો જન્મ કોલ્હાપુરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ઘરોબો ધરાવતા પરિવારમાં થયો હતો. બાળકીના પિતાશ્રી માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકી) એમના સમયના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક હતા. જોકે, ફિલ્મો કરતા તેમની વિશિષ્ટ પેહચાન એ છે કે તેમણે સૌપ્રથમ ‘મંગળાગૌરી’ ફિલ્મ દ્વારા લતા મંગેશકરનો પરિચય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરાવ્યો. ‘ફિલ્મ હી કર્મ હૈ, ફિલ્મ હી ધર્મ હૈ’ એ રટણમાં વિશ્વાસ ધરાવતા માસ્ટર વિનાયકે પાંચ વર્ષની બેબી નંદાને ખુલ્લા મેદાનમાં રમવા મોકલવાને બદલે સ્ટુડિયોની ચાર દીવાલ વચ્ચે કેમેરા સામે ઊભી કરી ‘મંદિર’ નામની ફિલ્મમાં બાળ કલાકાર બનાવી દીધી. જોકે, આ પિક્ચર પૂરું થાય એ પહેલા જ માસ્ટર વિનાયક સ્વર્ગ સિધાવી ગયા. ભાઈ ભાંડુઓમાં નંદા સૌથી વયસ્ક હોવાથી ઘર ચલાવવાની જવાબદારી એના શિરે આવી પડી અને એ માટે જાણીતું કામ હતું ફિલ્મમાં અભિનય કરવાનું. નેશનલ એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘શેવાગ્યાચ્યા શેંગા’ માટે તેને ઘણી શાબાસી મળી. ત્યારબાદ કાકા વી. શાંતારામએ ‘તૂફાન ઔર દિયા’માં બહેનના રોલમાં ચમકાવી અને બહેન હો તો નંદા જૈસી એવો ગણગણાટ ફિલ્મમેકરોમાં શરૂ થઈ ગયો. ત્યારબાદ ‘ભાભી’, ‘છોટી બહન’, ‘કાલા બાઝાર’ વગેરે ફિલ્મોમાં નંદા હીરોની પ્યારી બહેનના ચોકઠામાં ફિટ થઈ ગઈ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેબલ લાગતા વાર નથી લાગતી, વાર લાગે છે એ ઉખાડી ફેંકતા. કારકિર્દીના પ્રારંભમાં જ હીરોની બહેન બની ગયેલી નંદાની હિરોઈન તરીકે બોલબાલા વધી ‘જબ જબ ફૂલ ખિલે’ ફિલ્મથી એવી માન્યતા છે. જોકે, નંદાએ સ્ટીરિયો ટાઇપ સિસ્ટરના રોલના બંધનમાંથી મુક્ત કરાવવાનો શ્રેય દેવ આનંદને આપ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં નંદાએ જણાવ્યું હતું કે ‘મને હિરોઈન તરીકે તક સૌથી પહેલા દેવ આનંદએ આપી હતી. તેમની ફિલ્મ ‘કાલા બાઝાર’માં મેં તેમની બહેનનો રોલ કર્યો હતો અને મારા અભિનયથી તેઓ એટલા ખુશ થયા હતા કે નવકેતનની આગામી ફિલ્મ ‘હમ દોનો’ (૧૯૬૧)માં મને હિરોઈન બનાવી દીધી. ફિલ્મને સારી સફળતા મળી અને હું લોકપ્રિય હિરોઈન બની ગઈ.’

૧૯૬૦નો દાયકો અભિનેત્રી નંદાની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. એ સમયના ટોપના લગભગ દરેક એક્ટરની (દેવ આનંદ, સુનીલ દત્ત, મનોજ કુમાર, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, શશી કપૂર, સંજય ખાન, રાજેશ ખન્ના, જીતેન્દ્ર) હિરોઈન બની, ઘણી સફળ ફિલ્મો આપી અને એના સમયના દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દિગ્દર્શકો સાથે કામ કરી ઉત્કૃષ્ટ અભિનય કરવા છતાં નંદાની ગણતરી ક્યારેય ગ્રેટ હિરોઈન તરીકે ન થઈ એ હકીકત છે. આનું મુખ્ય કારણ કદાચ એ હતું કે એના ચહેરા પર ગજબનું ભોળપણ હતું, નરી નિર્દોષતા હતી. એક એવો ચહેરો જે હિરોઈન કરતાં હીરોની બહેન તરીકે વધુ સ્વીકાર્ય લાગતો હતો. એક ઇન્ટરવ્યૂમાં નંદાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ‘અમારા સમયમાં હિરોઈનો પર એક સિક્કો લાગી જતો હતો, એક છાપ પડી જતી હતી. વહિદા રેહમાનને સહન કરતા એવાં પાત્રો મળતાં જેને નૃત્ય કરતા સારું આવડતું હોય. માલા સિન્હાને ફાળે ગ્લેમરસ ભૂમિકા આવતી જ્યારે નિર્દોષ – ભોળી ભામિની જેવા પાત્ર મને ઓફર કરવામાં આવતા હતા. અભિનયનું કૌવત દેખાડવાની તક મળી એ ‘ઉસને કહા થા’, ‘ચાર દીવારી’ તેમજ ‘આજ ઔર કલ’ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી નહોતી શકી.’ નંદાએ પોતાની ઈમેજથી સાવ વિપરીત પુરુષને આકર્ષી પોતાની જાળમાં ફસાવતી યુવતીનો રોલ રાજેશ ખન્ના સામે ‘ઇત્તેફાક’માં કર્યો પણ ખરો. જોકે, મોટાભાગના પ્રેક્ષકોને એ નંદા પસંદ નહોતી પડી. એની કારકિર્દીની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે જ્યારે એના નામનું વજન પડતું હતું ત્યારે ૧૯૬૦થી ૧૯૬૫ દરમિયાન તે નૂતન પછી સેક્ધડ ચોઈસ હતી. ત્યારબાદ વહિદા રેહમાન અને સાધના પછી જ તેને ગણતરીમાં લેવામાં આવતી હતી. ૧૯૭૦ના દાયકામાં એનું આકર્ષણ ઓસરવા લાગ્યું હતું અને ૧૯૮૦ના દાયકામાં તેણે બે નોંધપાત્ર ફિલ્મ કરી રાજ કપૂરની ‘પ્રેમ રોગ’ અને દિલીપ કુમાર સાથે ‘મઝદૂર’ અને ‘આહિસ્તા આહિસ્તા’માં પદ્મિની કોલ્હાપુરેની માતાનો રોલ કર્યો. ત્યારબાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધું હતું.

શશી કપૂરનો પુત્ર નંદાને પગે લાગ્યો
શશી કપૂર – જેનિફર કેન્ડલનો જ્યેષ્ઠ પુત્ર કુણાલ કપૂર કુણાલ કપૂર ફિલ્મી વાતાવરણમાં ઉછર્યો હોવાથી ચિત્રપટ પ્રત્યે ન આકર્ષાય તો જ નવાઈ લાગે એવું હતું. ઈન્ડો અમેરિકન ફિલ્મ ‘સિદ્ધાર્થ’માં નાનકડા રોલ મારફત ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનારા કુણાલ કપૂરએ શ્યામ બેનેગલ સાથે ‘જુનૂન’માં કામ કર્યું હતું. જોકે, કુણાલની પ્રથમ વ્યવસાયિક ફિલ્મ હતી ઈસ્માઈલ શ્રોફ દિગ્દર્શિત ‘આહિસ્તા આહિસ્તા’. ફિલ્મમાં શશી કપૂર અને નંદા પણ હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો નંદાનું શશી કપૂરની કારકિર્દીમાં શું સ્થાન હતું એના વિશે ઘણું કહી જાય છે. શૂટિંગ દરમિયાન જ્યારે કુણાલ કપૂરનો ભેટો પહેલી વાર નંદા સાથે થયો ત્યારે કુણાલનાં મમ્મી જેનિફર કેન્ડલ પણ હાજર હતાં. જેનિફર પુત્રને નંદા પાસે લઈ ગયા અને તેમને પગે લાગવા જણાવી કહ્યું કે ‘આ એ મહિલા છે જેણે તારા પિતાશ્રીની કારકિર્દી ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.’ વાત એમ હતી કે યશ ચોપડાની ‘ધર્મપુત્ર’થી હીરો બની ગયેલા શશી કપૂરની કારકિર્દી હાલકડોલક અવસ્થામાં હતી. એક જોરદાર હિટની તલાશ હતી. એ સમયે ‘જબ જબ ફૂલ ખિલે’ નામની ફિલ્મમાં શશી કપૂરને હીરો તરીકે સાઈન કરવામાં આવ્યા હતા. જોકે, કોઈ હિરોઈન ફ્લોપ હીરો સાથે કામ કરવા તૈયાર નહોતી. એ સમયે નંદાનો સિતારો ચમકતો હતો અને તેણે કામ કરવા તૈયારી બતાવી હતી. ‘જબ જબ ફૂલ ખિલે’ હિટ ગઈ અને શશી કપૂરની હાલકડોલક નૌકા મોટી સ્ટીમર બની ગઈ અને સડસડાટ દોડવા લાગી. આ ઋણ શશી કપૂર અને જેનિફર કેન્ડલ ક્યારેય નહોતા ભૂલ્યા. જોડીની આ પહેલી સફળતા પછી શશી કપૂર – નંદાની જોડી આઠ ફિલ્મમાં રૂપેરી પડદે નજરે પડી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker