મેટિની

ચાર દિવસ બાજના ન ઉડવાથી આકાશ કબૂતરોનું નથી થઇ જતું

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

નાટક ‘છાનું છમકલુંની જા.ખ. અને લેખક-મિત્ર, રાજેન્દ્ર શુકલ

“જયારે વિચાર, પ્રાર્થના અને ઈરાદા બધા જો પોઝિટિવ હશે તો બધું આપો આપ પોઝિટિવ થઇ જશે

આ ડાયલોગ્સ મારીને અમને કહી દીધું કે હું “છાનું છમકલું જ કરીશ. અમે બંને તુષારભાઈને ઘણું બધું સમજાવ્યું ફાયદા ગેરફાયદા પણ કહ્યા અમે બે જણા એના એકનો પ્રબળ વિચાર બદલી ન શક્યા. ચાર દિવસ બાજના ન ઉડાવાથી આકાશ કબૂતરોનું નથી થઇ જતું. હવે નિર્ણય અમારે લેવાનો હતો. લેખક તરીકે રાજેન્દ્ર શુક્લને ફોર્મલ રાઇટ્સ એક વર્ષ માટે તુષારભાઈને લખી આપેલા. જોકે કોઈ પક્ષે દાવો થાય એ સંબંધોને જોતા શક્ય ન હતું. હવે તો તુષારભાઈ અડગ બની ગયા હતા, શું કામ કોને ખબર! એમણે નક્કી કરી લીધું હતું કે ઝઝૂમતા નહિ આવડે તો ચાલશે પણ ઝઝૂમ્યા વગર હવે હું રહેવાનો નથી. હવે એમના મનને રિવાઇવલ માટે અટકાવવું શક્ય નહોતું. સાગરના મોતી શોધવા સહેલા છે, પણ માનવીના મન સમજવા અઘરા છે.

નવું નાટક સાંભળી એમણે એટલી ધરપત તો આપી હતી કે “છાનું છમકલું, પછીય કેટલું પણ ચાલે ત્યાર બાદનો એમનો પ્રોજેક્ટ અમે સંભળાવેલો વિષય જ હશે.

ત્યાં તુષારભાઈ ઊભા થયા અને ત્યાંથી જ કોઈને ફોન કર્યો. હું અને રાજેન્દ્ર તો વિચારે ચડી ગયા હતા ત્યાં તુષારભાઈ આવ્યા અને કહે “ચાલો, મારે નીકળવું પડશે જરા કામ આવી પડ્યું છે. ક્યારથી રિહર્સલ શરૂ કરીએ છીએ એ વાત આપણે કાલે ફોન પર કરીશું. એક વાર રિહર્સલ શરૂ થાય પછી હું પાછો પારડી જવા રવાના થઇ જઈશ. હા , વચ્ચે વચ્ચે આવતો રહીશ.

આટલું કહી તેઓ એમના આવી પડેલા કામ માટે ચાલતા થઇ ગયા. અમે શૂન્યમનસ્ક શું કામ આવી પડ્યું હશે.? એવો રૂટીન સવાલ પણ અમે એમને કરી ન શક્યા. આપણે તો દિલના સાફ હતા, પણ આ દિમાગવાળા એ હરાવી દીધા. રાજેન્દ્ર તરત બોલ્યો. મેં કહ્યું કે “હવે આપણે છાનું છમકલું નાટક ફરી તખ્તે રમતું કરવા માટે વિચારી તુષારભાઈ સાથે સંબધો જાળવી રાખવા પડશે. સમય જોઈને સંબંધ રાખે એના કરતાં સંબધ જોઈને સમય આપે એજ સાચો સંબધ. આપણે એજ અનુસરવું પડશે.

રાજેન્દ્ર થોડી વાર તો ચુપ રહ્યો પછી કહે “ખેર! જીવનના અમુક દાખલા એવા હોય છે કે જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે. હું સ્ક્રીપ્ટ પર ફરી કામ કરવા બેસી જઈશ.

“રિહર્સલ ક્યારથી શરૂ કરી શકીશું? કાલે તુષારભાઈને આપણે ફોન કરવાનો છે. મેં સવાલ કર્યો.

“મને એક વિચાર આવે છે. રાજેન્દ્રએ એના મનની વાત કહેવાની શરૂઆત કરી.
“આપણે રજુ કરેલું નાટક છાનું છમકલું, જે શીર્ષક આપણને શૈલેશ દવેએ આપેલું હવે તો એ નામ બદલવું જ પડશે બીજું, એ નાટક અણીશુદ્ધ સામાજિક કોમેડી રહસ્ય નાટક હતું. હવે એમાં થોડા ગલગલિયા ભર્યા સંવાદો ઉમેરીને નાટક એડલ્ટ બનાવી રજૂ કરી શકાય. “એડલ્ટ હું વિસ્મય પામી ગયો. “અરે ચમક નહિ. સેન્સર બોર્ડ લગભગ તો ‘એ’ સર્ટિફિકેટ તો આપતા જ નથી. છેલ્લે ગીધડા નાટકને ‘એ’ સર્ટિફિકેટ આપેલું બાકી તો અમુક બોલ્ડ વાક્યો કાપી નાખી તમને ભજવવા કહેતા હોય છે. રાજેન્દ્ર બોલ્યો. “એવું કરવું જરૂરી ખરું? મેં પ્રતિભાવ આપ્યો. “તું જ કહે! એમનું એમ છાનું છમકલું રજૂ કરીએ તો પહેલાની જેમ નિષ્ફળ ન જાય? આપણે બોલ્ડનેસ ઉમેરી રજૂ કરીએ તો કોઈ ગેરેંટી નહિ પણ કદાચ સફળ થાય. પ્રયત્ન કરી સફળ ન થવું એ નિષ્ફળતા નથી. એ તો સફળતા માટે અનિવાર્ય પ્રક્રિયાનો ભાગ છે.

મેં કહ્યું “તારી વાત સાચી છે દોસ્ત! પણ આ ગલગલીયા વાળી વાત…

“એ જ વાત બરાબર છે આજકાલ તો મરાઠી નાટકોમાં આવાં નાટકોનો રાફળો ફાટ્યો છે. આપણે આપણી વસ્તુમાં આ દ્વારા જ ફેરફાર કરી શકાય અને તુષારભાઈ તો બિઝનેસમેન છે. એની દુરંદેશી કઇંક તો હશે જ ને? નહિ તો આટલું સમજાવ્યા પછી પણ, આપણા પર પૂરો ભરોસો હોવા છતાં વાત ના સ્વીકારે એની પાછળ કઇંક તો કારણ હશે જ ને? જો આપણ ને સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરીએ ચકાસવાનો નહિ.

“વાહ! મેં કહ્યું.

“બસ આજ તો છે રહસ્ય! સરસ શબ્દ છે વાહ! જયારે તમે એ બોલો છો ત્યારે તમે તમારો અહંકાર જ નથી તોડતા પણ દિલ પણ જીતી લો છો.

“ઠીક છે અઠવાડિયા પછી આપણે રિહર્સલ શરૂ કરી શકીશું એટલે એ દરમિયાન એમને પારડી ચક્કર મારવા હોય તો મારી પણ આવે અને ‘બોલ્ડ’ નાટક બનાવાની વાત તું કરીશ કે હું ફોન કરું?

આપણે ત્યારે જ નક્કી કરેલું કે એમનું મન છાનું છમકલું નાટક પરથી હટાવીને, એમને સમજાવી પટાવીને આપણે વિચારેલા નાટક પર શિફ્ટ કરી શકીશું, પણ આપણને એમના તરફથી એ બાબતે કોઈ લિફ્ટ મળી નહિ. એટલે હવે આગળનું કામ તુંજ પતાવાજે. રાજેન્દ્રભાઈ એ પોતાના મન નો ઊભરો ઠાલવ્યો.

“ઠીક છે… હું કાલે એમને ફોન કરી વિગતે વાત જણાવી દઉ છું. એ પછી તને ફોન કરીશ.

“ચોક્કસ પણ ૧૧ વાગ્યા પછી. રાજન્દ્રએ કહ્યું અને અમે છૂટા પડ્યા.

રાતભર હું પડખા ઘસતો રહ્યો એક તો છાનું છમકલું જે થોડા શો બાદ બંધ થયેલું એ ફરી રજૂ કરવા માટે મારો માયલો તૈયાર ન્હોતો અને બીજું હતું નાટકને બોલ્ડ બનાવવું વિચાર તો હતો કે સંપૂર્ણ સામાજિક નાટક રજૂ કરનારો હું માત્ર પુખ્ત વયનાઓ માટે લખી નાટકની રજૂઆત કરીશ તો લોકો શું કહેશે પણ પછી બધું મન કહે એમ કરીશ કહીને નસીબ પર છોડી દીધું. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય તો?

ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી જો કે સારું થયું કે ખબર ન પડી બાકી ખબર પડી હોત તો નીંદરની ‘ખબર’ નીકળી ગઈ હોત.

સવારે જાગ્યો નિત્યક્રમ અને સેવા પતાવી. ભગવાનને મેં કહ્યું કે “તુષારભાઈને ફોન કરવાની હિંમત આપજે.

ભગવાન કાયમ કહે છે કે તું સૂતા પહેલા બધાને માફ કર, હું તને ઉઠતા પહેલા માફ કરીશ.

ભગવાનનો આ સારો વિચાર રાખી મેં તુષારભાઈને ફોન કરવા ક્રેડલ પરનું ચક્કરડું ઘુમાવ્યું…


જે નિભાવી ન શકું એ વાયદો નથી કરતો, હું વાતો પોતાની હદથી વધારે નથી કરતો
તમન્ના રાખું છું આસમાનને અડવાની, પણ બીજાને પાડવાનો ઈરાદો નથી કરતો.

ડબલ રિચાર્જ

પત્ની : સાંભળો છો હું મારા જૂના કપડા દાનમાં આપી દઉ. ભૂખ્યા, તરસ્યા કે ગરીબ હોય એને કામ લાગશે.
પતિ : તું ખાલી વિચાર કર કે તારી સાઈઝના કપડા જેને થઇ જાય એ થોડું ભૂખ્યું, તરસ્યું કે ગરીબ હોય?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો