અવગણના થાય તો આંખ આડા કાન કરી લેવા, કારણ કે…
અરવિંદ વેકરિયા
લગભગ એકાદ અઠવાડિયાથી અમદાવાદ રિહર્સલ શરૂ કરવાનું નક્કી કર્યું. રવિવારનો તેજપાલનો શો પણ અકડેઠઠ ગયો. હવે તો નાટક ૧૦૦ ની નજીક પણ આવતું જતું હતું. ભટ્ટસાહેબ સાથે ફોન પર વાત તો કરેલી, ફરી રૂબરૂ વાત પણ કરી.
કોલગર્લનો ગરમ કોલસા જેવો કોયડો પણ કહ્યો. મને કહે, દાદુ, કોલગર્લનો એક જ સીન છે. ગ્લેમર સિવાય કોઈ અદભુત એકટિંગનાં ઓજસ પાથરે એવી તો કોઈની જરૂર મને લાગતી નથી. તું રિહર્સલ શરૂ કરી દે. નાટક સેટ થાય ત્યાં સુધીમાં મળી જાય કે એને ‘ફીટ’ કરી દેજે. શક્ય છે મુંબઈમાંથી જ મળી જાય. એક્ટિંગમાં બે-આની નબળી ભલે હોય, થોડી દેખાવડી હોય એટલે ભયો ભયો. હવે આ ‘કોલગર્લ’નું બધાને પૂછવાનું બંધ કરી દે. એકલા ઊભા રહેવાનું સાહસ રાખો, દુનિયા જ્ઞાન આપશે, પણ સાથ ભાગ્યે જ આપશે. માટે મારી સલાહ છે કે મળેલા મુખ્ય કલાકારો સાથે મંડી પડ’ મને થોડી હિંમત આવી. નક્કી એવું કર્યું કે સોમવારે રાત્રે નીકળીએ. મંગળથી બુધવાર સુધી રિહર્સલ કરી નાટક સેટ કરી લઈએ. (થિયેટર ન હોવાથી રવિવારે મુંબઈ શો નહોતો એટલે રવિવાર પણ કામ આવી જાય અને બધા કલાકારો હાજર પણ રહે,) તુષારભાઈએ વાત મધરાત પછીની’ અમદાવાદ માટે કરવાનો નિર્ણય લઇ જ લીધો હતો અને એ બાબત આગળ પણ વધી ગયા હતા એટલે બીજો છૂટકો નહોતો. હવે તો યા હોમ કરીને પડો…બને એટલી મહેનત કરી નાટકને મુંબઈ જેટલી લોકપ્રિયતા મળે એમ મચી પડવાનું હતું, બાકી હરી ઇચ્છા! દુનિયા માત્ર પરિણામને સલામ કરે છે, સંઘર્ષને નહિ. વિચાર કરતાં જણાયું કે
અમદાવાદમાંથી જે કલાકારો પસંદ કરેલા એ બધા સરળ જ લાગતા હતાં, બાકી સીધા રસ્તા અને સીધા લોકો બહુ મુશ્કેલીથી મળે છે. એ માટે અભય શાહની ગુડવીલ અને એમની મહેનત સાથે મારા પ્રત્યેની લાગણી, અગત્યના જમા પાસા હતા. જો કે, એક મુશ્કેલી ત્યાં ગયા પછી પ્રગટ થઇ. અમે અમારો આખો શિડ્યુલ ફોન પર અભયભાઈને જણાવ્યો. ત્યારે અભયભાઈએ કહ્યું કે અમુક કલાકારો નોકરી કરે છે એટલે સાંજે જ આવી શકશે. મારે તો આઠ-નવ દિવસમાં આખું નાટક સેટ કરવાનું હતું. પાછો કોલગર્લનો પ્રોબ્લેમ તો ઊભો જ હતો. આમ પણ મારામાં થોડી પાકટતા આવી ગઈ હતી… હવે તો નક્કી જ કરેલું કે અવગણના થાય તો આંખ
આડા કાન કરવા, એવું કયું ઘર છે જ્યાં લોહીઉકાળા નથી થતા? મારા તરફથી હું પૂરી મહેનત કરીશ એ નક્કી.
બીજું, અમદાવાદના અમુક કલાકારોને નાની-મોટી સિરિયલોમાં જોયા હતા. એથી વિશેષ કોઈ નિકટતા તો નહોતી. મારે આ બધા સાથે નિકટનો સંબંધ કેળવવાનો હતો. અને તો જ ‘ટીમવર્ક’ બહાર આવે. અંતરના સંબંધો હોય તો સંબંધોમાં ક્યારેય અંતર આવતું નથી, બસ! આ વિચાર મનમાં રાખી મારે કામ કરવાનું હતું.
મંગળવારે સવારે હું અને તુષારભાઈ અમદાવાદ પહોંચી ગયા. ફ્રેશ થઇ હજી શું કરવું એ વિચારીએ ત્યાં અભયભાઈનો ફોન આવી ગયો. મેં બધા કલાકારોને સાંજે પાંચ વાગે આવવાનું કહી દીધું છે. પ્રેમાબાઈ હોલમાં રિહર્સલ રાખ્યું છે. હું ચારેક વાગે હોટલ પર પહોંચું છું, પછી રિહર્સલ માટે નીકળશું.’
દરમિયાન હું અને તુષારભાઈ સેટિંગ્સ માટે ભાનુભાઈની ઓફિસ સાયોનારામાં જવા નીકળી ગયા. અહીં સેટ મુંબઈ કરતાં ઘણો સસ્તો પડે. ભાનુભાઈ ગજબના ‘કારીગર’, એકવાર તમે મુંબઈનાં સેટને પણ ભૂલી જાવ એવા સેટ બનાવે. અમે ત્યાં પહોંચ્યા.
ભાનુભાઈને ભેટીને મળ્યા. એ માણસ જ એવો… જે એમને ઓળખાતા હશે એ મારી વાત સાથે સંમત થશે. મુંબઈના નાટક માટે સેટ બનાવવો એને એ હંમેશાં અવસર ગણતાં. પૈસા બાબત ભાવતાલ એમને ફાવતો નહિ. હા, એકવાર એ ખર્ચ માટે ‘મગ’નું નામ ‘મરી’ પાડી દે, પછી એ રકમ સાંભળી તમને પણ ભાવતાલ કરવાનો વિચાર ન આવે. ભાનુભાઈ કહેતા : ‘દાદુ, અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે. તું મારી પાસે સેટ બનાવે કે પછી કે. બી.ડ્રેસવાલા પાસે (આ બીજું નામ.. જે અમદાવાદમાં સેટિંગ બનાવવાનું જ કામ કરતાં.) મારી તારા માટેની લાગણી એ જ રહેવાની. તને તો લાલુ શાહનાં ઘણાં નાટકોમાં અભિનય કરતાં જોયો છે. એ વખતે આપણે મળેલા પણ હતા, જો કે તને યાદ નહિ હોય. આજે આનંદ એ વાતનો છે કે મારો ગમતો કલાકાર, દિગ્દર્શક બની મારી પાસે સેટ બનાવવા આવ્યો છે.’
અમે ‘એડવાન્સ’ પેમેન્ટ માટે પૂછ્યું તો કહે, જે આપવું હોય તે...બાકી મારે માટે પૈસાનો માત્ર વ્યવહાર હોય છે. ક્યારેય કોઈ જબરજસ્તી નથી હોતી. જો કે મારા આ સ્વભાવે મને નુકસાન પણ કર્યું છે પણ ઉપરવાળાની ખાતાવહી બરાબર ખતવણી કરી દે છે.’
અમે નીકળવાની તૈયારી કરતાં હતા ત્યાં એમણે બીજીવાર ચા મંગાવી, ‘સેટ ક્યારે જોઇશે?’ ક્યારે તૈયાર થઇ જશે?’ એવી બધી ઔપચારિક છતાં જરૂરી વાતો કરી હું અને તુષારભાઈ બંને હોટલ પર જવા નીકળ્યા.
આવતી વખતે ટ્રેનમાં રાત્રે ઊંઘ બરાબર થઇ નહોતી એટલે હોટલ પર પહોંચી પલંગ પર આડા પડ્યા. જમવાની ઇચ્છા નહોતી. બે વાગી ગયા હતા અને ચાર વાગે અભયભાઈ આવવાના હતા. અમારા બંનેની આંખ મળી ગઈ અને નસકોરા બોલવા લાગ્યા.
બરાબર પોણા ચાર વાગે અભયભાઈ આવી ગયા.અમે બંને જાગી ગયા. ‘સોરી, મેં તમારી
ઊંઘ બગાડી’ એમણે કહ્યું. મેં કહ્યું, ‘ના ભાઈ!
આમ પણ હવે થોડીવારમાં રિહર્સલમાં જવાનું જ
છે ને!’
અભયભાઈએ મુંબઈનાં નાટકોની થોડી વાત
કરી. એ સારા નિર્માતા ઉપરાંત અચ્છા અદાકાર
પણ ખરા. કાયમ હસતા ને હસતા જ હોય. વાતોમાં અને લાગણીમાં કોઈ ‘ડિપ્લોમસી’ ની વાત નહિ.
જે મનમાં એ મોઢે. કહે છે કે મીઠાશ વગરની
મોટપ શું કામની, દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી.
કાંતિ મડિયા સાથે અભયભાઈ ‘આતમને ઓઝલમાં રાખમાં’ નાટક સમયે જોડાયેલા એક નિર્માણ-નિયામક તરીકે. નાટક ખૂબ કમાણી કરતું હીટ પુરવાર થયેલું. એ નાટકનો ૫૦ મો શો તેજપાલમાં હતો. ‘હાઉસ ફૂલ’. અભયભાઈએ ત્યારે કાંતિભાઈને કહ્યું, ‘કલાકારોને આજે મીઠું મોઢું કરાવો. ૫૦ મો પ્રયોગ ઉજવીએ. કલાકારોને ‘ગમશે’. કાંતિભાઈ કહે કરાવીશું ક્યારેક. એવા ખોટા ખર્ચા એક નિર્માણ-નિયામક તરીકે તમારે બચાવવા જોઈએ એને બદલે…’ કાંતિભાઈનાં આ કથન સામે અભયભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એમણે કહ્યું, આખી ગંગા નદી વહી રહી છે, ત્યાં એક કળશ્યો (લોટો) પાણી ભરી લઈએ તો નદીને ક્યા ફરક પડવાનો?’.
એમની તો આવી અનેક વાતો છે જે હું સમયાનુસાર લેખમાં ટાંકતો રહીશ.
ભાવ ચાહે ઓછો વત્તો રાખજે, પણ હૃદયમાં સ્હેજ ખટકો રાખજે.
જો લખે તારી કથા કે વારતા, મારો પણ એકાદ ફકરો રાખજે.
પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને જીતીને પાછો ફરતો રાજા, જીતેલા રાજ્યની એકાદ રાણીને સાથે લઇ આવતો, તો’ય પટરાણી
ચુપચાપ સહન કરી લેતી. આજે ઓફિસેથી પાછો ફરતો હસબંડ કોબીને બદલે ફ્લાવર લઈને આવે તો ઘરમાં યુદ્ધ થઇ જાય..