અરમાન થોડા ઓછા જોઈએ તો સ્વમાન વેચવાની જરૂર ન પડે…!
અરવિંદ વેકરિયા
ઘરે પહોંચ્યા પછી નાટકના ત્રીજા અંકના વિચારમાં નીંદર વેરણ થઈ ગઈ. થયું, જો કાલે આખો અંક સેટ થઈ જાય તો મજો’ પડી જાય. સંવાદોમાં જયંત ગાંધીનાં ટુચકાઓ સિવાય લખાણમાં કોઈ મોટો બદલાવ નહોતો એટલે થયું કે કલાકારો માટે કામ સરળ થશે અને મારે માટે સેટ કરવું પણ સહેલું થઈ જશે. કિશોર દવે પણ હવે સિરિયસલી બધું મારું સાંભળતા હતાં, સામી કોઈ દલીલ કર્યા સિવાય. મને અંદરખાને એક ડર તો રહ્યાં જ કરતો કે ગમે ત્યારે એ થોડા આડા ન ફાટે. ક્યારેક થતું કે મારું સારું રહેવું-હોવું જ બદનામ કરે છે મને જરાક બગડી જાઉં તો હમણા મશહૂર થઈ જાઉં, પણ પડેલા સંસ્કાર છુટતા નથી, પછી એ મારા હોય કે એમના. હવે ત્રીજો અંક પૂરો થઇ જાય તો પછી રન-થ્રુ રિહર્સલ પણ શરૂ થઈ જાય એટલે નાટકમાં કોઈ બારીકી કરવી હોય તો થઈ શકે, જે નાટકના લાભમાં હોય. હવે માત્ર કામ પૂરતું બોલવાનું મેં નક્કી કરી લીધું હતું. ખબર નહિ કે હું કંટ્રોલ કરી પત્ની ભારતીને રાજી રાખી શકીશ કે નહિ! અપેક્ષાઓ વધે એ પણ ખોટું. કિશોર દવે સામે મારે ખાસ ધ્યાન રાખવાનું હતું. છેલ્લી ઘડીએ જો એમની કમાન છટકે તો મારું નાટક અને બીજા કલાકારોની મહેનત થોડા ટાઈમ માટે મારા હાથમાંથી છટકી જ જાય..
ભલે હું નાટકનો દિગ્દર્શક હતો, પણ એ પહેલા હું એક કલાકાર હતો. બીજા નિર્માતાને કોઈ કલાકાર સાથે કોઈ વાતે વાંકું પડે તો તરત એ કલાકારની ‘જો-હુકમી’ ગણી રાતોરાત કલાકારને રિપ્લેસ કરી દીધાના દાખલા છે. હા, ક્યારેક કલાકારનો પણ વાંક હોતો હશે, મને મારી આખી ટીમ અકબંધ રહે એવી ભારોભાર ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. કદાચ એટલે જ મેં આખી ટીમ જે ‘છાનું છમકલું’મા હતી એ જ રિપીટ કરી. હા, જેમને વ્યક્તિગત પ્રોબ્લેમ હતા એમની વાત જુદી હતી, છતાં એમને પૂછી લેવાની મેં પૂરી કોશિશ કરી હતી. હવે નાટક જ્યારે અંતિમ તબક્કે પહોંચી ગયું, થિયેટર માટે ભટ્ટ સાહેબ જેવાનો સધિયારો મળી ગયો હોય ત્યારે કિનારે પહોંચતી નાવડી ડૂબી ન જાય એ મારે જોવાનું હતું… ‘અરમાન થોડા ઓછા કરીએ તો સ્વમાન વેંચવાની જરૂર ન પડે…’ આ વિચાર મનમાં રાખી મારે બધા પાસેથી કામ મેળવવું રહ્યું. મનમાં નક્કી કરી લીધું કે ખપ પુરતું જ બોલવું. એ પણ હકીકત છે કે બધાને પોતાની એક ક્ષમતા હોય છે. એની ઉપરવટ થઈને બુમબરાડા પાડવાનો કોઈ અર્થ નહોતો અને એનાથી સામે પક્ષે ફરક પડશે એવી આશા રાખવી પણ અસ્થાને હતી. આ સત્ય મને ધીમેધીમે સમજાય રહ્યું હતું. મારી ઇચ્છા તો, બધા ‘મારી રીતે’ મને કામ આપે એ હોય જ, પણ હંમેશાં એ શક્ય ન પણ બને. ઈચ્છાઓનું પ્રમાણ વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સામેની વ્યક્તિના દોષ દેખાવા લાગે છે અને પછી….
સાંજે હું ૫.૩૦ વાગે રિહર્સલમા પહોંચવા ૪ વાગે ઘરેથી નીકળતો જ હતો ત્યાં જ મને ભટ્ટ સાહેબનો ફોન આવ્યો કે આવતા રવિવારે સાંજે ૭.૪૫, આપણે નાટક તેજપાલ ઓડિટોરિયમમા રજૂ કરી દઈએ? ‘રંગફોરમ’ના બેનરને તારીખ મળે છે….
મેં તરત હામી ભણી દીધી. મેં એમને કહ્યું કે તમે કાલે સાંજે આવી આખું નાટક જોઈ લો એટલે જી.આર.નું પણ ફાઈનલ કરી લઈએ. કોસ્ચ્યુમમાં ખાલી સોહિલ વિરાણી માટે ઇન્સ્પેક્ટરનો ડ્રેસ અને કોલગર્લનો એક ડ્રેસ જ લેવાના હતા. બાકી બધા તો એ જ કલાકારો હતા એટલે કોઈ ટેન્સન હતું નહિ.
બરાબર ૫.૨૦ વાગે હું ફાર્બસ હોલ પહોંચી ગયો. મારા આશ્ર્ચર્ય વચ્ચે, કુમુદ બોલે અને કિશોર દવે બંને આવી ગયાં હતાં અને બીજા અંકનાં સંવાદો રટી રહ્યાં હતાં. હું ત્યાં પહોંચ્યો. નાટકમાં બીજા અંક સુધીનું જ કિશોર દવેનું કામ હતું. એમના ‘મર્ડર’ સાથે બીજો અંક પૂરો થતો હતો. દવે મને કહે,‘બીજા અંક સુધી હું તારું નાટક બરાબર સંભાળી લઈશ’ પછી કુમુદ બોલે સામે જોઇને કહે, ‘બાદમે..તુમ્હારે હવાલે વતન સાથીઓ !’ બધા મુક્ત મને હસ્યા.
કિશોર દવે માટે મને ખરેખર બહુ નવાઈ લાગી. સાથે આનંદ પણ થયો કે નાટકની નાવડી મારી હવે હસતા-હસાવતા કિનારે પહોંચી જશે. આ મારી અપેક્ષા હતી. બધું સીધું ઊતરે એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરી સેટ કરેલા બંને અંક બધા આવી જતા મેં શરૂ કરી દીધા. બે અંકના રિહર્સલ પૂરા થતા ભટ્ટ સાહેબે આપેલા ‘તેજપાલ’નાં ખુશખબર બધાને આપ્યા. તુષારભાઈ રિહર્સલ ચાલતા હતા ત્યારે જ આવી ગયેલા. જો કે બધા રાજી થયા. મેં તુષારભાઈ સામે જોયું. મને કહે, મને આ વિશે ભટ્ટ સાહેબનો ફોન આવી ગયો હતો અને મેં ધનવંત શાહને તેજપાલ થિયેટરની ઓફિસમા ભાડાના પૈસા ભરવા મોકલી દીધા છે. રાજેન્દ્ર સાથે પણ મારે વાત થઇ ગઈ છે.
મારી ખુશીમાં થોડો ઓર ઉમેરો થયો કે ચાલો, તેજપાલ હવે એકદમ ફાઈનલ થઈ ગયું.
મેં ત્રીજો અંક સેટ કરવાની શરૂઆત કરી. ત્રીજો અંક પહેલા બે અંકના પ્રમાણમાં નાનો હતો, પણ એમાં સીન્સ બધા ધમાકેદાર હતા એટલે થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી હતું. આમ પણ નાટક માટે કહેવાય છે કે નાટક પૂરું થયા પછી પ્રેક્ષકો સારી અને હકારાત્મક ઇમ્પ્રેશન લઈને નીકળે તો તમારું નાટક ‘હીટ’ થઇ જાય. મારે પણ આ વાત પણ ધ્યાન રાખવાની હતી.એકાદ કલાકમાં મેં ત્રીજો અંક સેટ કરી લીધો પછી બે-વાર એ જ ત્રીજો અંક ફરી-ફરી કર્યો. કલાકારો માટે પણ સહજતા રહે એ વાત ધ્યાનમાં રાખી. વચ્ચે આદત મુજબ કિશોર દવેની દલીલો તો નીકળી, પણ મને પડતું દર્દ મેં છુપાવી લીધું. આપણા દર્દનું કારણ કોઈને સમજાવવું પડે એના કરતાં નાનકડું ‘સ્માઈલ’ આપીને દર્દને છુપાવી લેવું વધુ સારું. મેં પણ એમની દલીલોને હસવામાં કાઢી નાંખી. ગાડી પાછી એવી જ રીતે પાટે ચડી ગઈ જેવી મેં ફાર્બસ હોલમાં આવતા અનુભવી હતી.
બીજા દિવસે ફરી સાંજે મળ્યા. કોસ્ચ્યુમ માટે તુષારભાઈએ જવાબદારી લઇ લીધી. વર્ષોથી ગુજરાતી ફિલ્મો અને નાટકો માટે ડ્રેસ તૈયાર કરતાં ‘કે.કે.ટેલર્સ’ પાસે આજે પણ બધા કલાકારોના માપ છે, ફોન કરી સોહિલ વિરાણી માટે ઇન્સ્પેક્ટરનાં ડ્રેસનું કહી દીધું.
આજે ગુરુવાર હતો. શુક્ર અને શનિવાર જી.આર. કરવાનું નક્કી કર્યું. હિન્દુજામાં જે. અબ્બાસ સાથે બુકિંગ માટે વાત કરી. કાલે સવારે ૯ થી રાત સુધી અને શનિવારે સાંજે ૪ થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો સમય મળી ગયો.
તુષારભાઈએ સેટિંગ્સ માટે ફલી મિસ્ત્રીને કહી દીધું. એમણે સેટને કલર કરાવી લીધો હતો અને પ્રોપર્ટીની બેગ્સ સાથે સેટ હિન્દુજા થિયેટર પર પહોંચી જશે એની બાહેંધરી પણ આપી દીધી. દુ:ખ એક જ થયું કે ભટ્ટ સાહેબ આવી ન શક્યા. એમને ફોન કરી શિડ્યુલ જણાવી દીધો.
‘બધા સવારે ૯ વાગે મળીશું..’ કહી મેં બધાને રજા આપી. હું, તુષારભાઈ,ધનવંત શાહ અને ભ.જો. થોડી ગુફ્તગુ કરવા બેઠા….
જ્યાં જેનું નહિ પારખું, ત્યાં તેનું નહિ કામ,
પતિ-પત્ની બંનેએ સંસ્કૃત શીખી લેવું જોઈએ, જેથી ઝગડો થાય તો આજુબાજુમા એમ લાગે કે પૂજા ચાલી રહી લાગે છે…
ધોબી બિચારો શું કરે? જ્યાં નાગોનું ગામ.