મેટિની

મોટા પડદે શોભે તેવા કોન્ટેનની ઓટીટી પર જગ્યા કેટલી?

ચર્ચા ‘હીરામંડી’ જેવા જોનર- શોઝની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એન્ટ્રીની

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

સિનેમા ક્ષેત્રે મનોરંજનના અલગ-અલગ સાધન, માધ્યમ અને પ્રકારના આવવાથી સમય સાથે અમુક મોટા ફેરફારો જોવા મળે છે. હમણાં ‘હીરામંડી’ જેવો મોટા સ્કેલનો શો ભારતમાં પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયો. આ ઘટનાનો મતલબ શું થાય? કે પછી આ મોટો ફેરફાર કઈ રીતે થયો ? એક તો એ કે સંજય લીલા ભણસાલી કે જે બિગ બજેટ, મોટા સેટ્સ, વિઝ્યુઅલી વિશાળ ફ્રેમ્સ, ઐતિહાસિક વાર્તાઓ, ખૂબસૂરત કોચ્યુમ્સ સાથે ફિલ્મ્સ બનાવવા માટે જાણીતા છે, એમણે પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ માટે કશુંક બનાવ્યું. અને એ પણ ફિલ્મ નહીં, એક એપિસોડીક શો. શો આ ૧ મેથી રિલીઝ થઈ ચૂક્યો છે અને તેને દર્શકો તરફથી એકંદરે સારો પ્રતિસાદ મળ્યો છે, પણ ‘હીરામંડી’ રિલીઝની ઘટના અમુક સિનેમેટિક સમીકરણો તોડે છે.

સૌપ્રથમ તો એ કે આ શોની જાહેરાતથી લઈને તેના ટ્રેલર રિલીઝ સુધી દર્શકોએ સાતત્યતાપૂર્વક સવાલ કર્યો છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ્સનું મેજીક તો મોટી સ્ક્રીન પર જ માણવા માટે સર્જાયું હોય છે, તેને નાની સ્ક્રીન પર જોવામાં કેમ મજા આવશે? થિયેટરના મોટા પડદે અફલાતૂન વિઝ્યુઅલ્સ અને ક્વાલિટી સાઉન્ડ સિસ્ટમમાં કર્ણપ્રિય મ્યુઝિકની મજા ફોનમાં એરપોડ્સ સાથે તો કેમ આવી શકે? સવાલ છે તો એકદમ વાજબી. ફોન તો ઠીક, ગમે તેવા મોટા ટીવી અને સાઉન્ડ સિસ્ટમ પણ એ થિયેટર એક્સપિરિયન્સની બરાબરી તો ન જ કરી શકે. અને ફોન કે થિયેટર જેમ એ ઉપલબ્ધ પણ તો ન હોય સૌ પાસે. બીજો એ પણ મુદ્દો ખરો કે જયારે ઓટીટીના આગમન પછી અને કોવિડની અસરને લઈને બદલાયેલી આદતો વચ્ચે દર્શકોએ બિગ બજેટ, ઉત્તમ વિઝ્યુઅલ્સવાળી ઇવેન્ટ ફિલ્મ્સ જ થિયેટરમાં જઈને જોવાનું નક્કી કર્યું છે ત્યારે એવી ફિલ્મ્સ પણ ઓટીટી પ્લેટફોર્મ પર કેમ? શોને લઈને આ સવાલો પર સંજય લીલા ભણસાલીના ઇન્ટરવ્યુઝમાંથી જવાબ મળે છે કે અમે નેટફ્લિક્સને જયારે વાર્તા સંભળાવી ત્યારે નેટફ્લિક્સને લાગ્યું કે આના પરથી તો મેગા સિરીઝ બની શકે.

આ સિરીઝ મારી છે એટલે હું તો એ વિશે સારી જ વાત કરું, પણ મને આશા છે કે એ લોકોને પણ સારી લાગે અને સ્ક્રીન પર મારું વિઝન ઊતરી આવે. એક ફિલ્મમેકર હંમેશાં એના કામ પ્રત્યે અસુરક્ષિત જ હોવાનો. મને પણ થાય કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ તો હું સારી બનાવી શક્યો, શું ‘હીરામંડી’ પણ એટલી જ સારી બની છે? મેં મારી પહેલી ફિલ્મ કરતાં દસગણી મહેનત આમાં કરી છે. હું ખરેખર તો ઓટીટી પર ‘હીરામંડી’ બનાવીને મને ગમતી ‘મુગલ-એ-આઝમ’ અને ‘પાકિઝા’ જેવી ફિલ્મ્સને થિયેટર પછી ઓટીટી પ્લેટફોર્મ પર ટ્રિબ્યુટ આપવા માગું છું.’

-તો સંજય લીલા ભણસાલી તો આ ફેરફારને એક નવીનતાની રીતે અને ટ્રિબ્યુટની રીતે જુએ છે. સ્ક્રીન ભલે નાની હોય પણ દરેક વખતની જેમ જ તેમાં દેખાતી દુનિયા ઊભી કરવા માટે એમણે કાર્ય નિષ્ઠાથી જ કર્યું છે એવું એમનું કહેવું છે.

આ શોની કો-ડિરેક્ટર મિતાક્ષરા કુમારનું પણ કહેવું છે કે ‘મનોરંજન ક્ષેત્રે કોઈ પણ સર્જનમાં મહત્ત્વની છે તેની વાર્તા, માધ્યમ નહીં. હું ખુદ પણ ક્યાંક ટ્રાવેલ કરતી હોઉં ત્યારે ફોનમાં ફિલ્મ્સ કે સિરીઝ જોઉં કે જેનો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ મોટી સ્ક્રીનમાં વધુ મજેદાર લાગે. હા, શરૂઆતમાં એવું લાગે, પછી ફિલ્મ કે શોની વાર્તા સારી હોય અને તેને પ્રભાવી રીતે કહેવામાં આવી હોય તો હું એ ભૂલી જાઉં કે હું કઈ જગ્યા પર કે શામાં એ જોઈ રહી છું. અને હીરામંડી’ જ નહીં, ઘણા આ સ્કેલના ભારતીય અને વૈશ્ર્વિક શોઝ કે ફિલ્મ્સ ઓટીટી કે ટીવી પર રિલીઝ થયા છે.’

વાત તો મિતાક્ષરા કુમારની સાચી છે. તેના પુરાવા માટે અતિ લોકપ્રિય અમેરિકન ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ જ કાફી છે. અને ભારતમાં પણ તો ‘જ્યુબિલિ’, ‘તાજ’, ‘પૌરુષપુર’, ધ એમ્પાયર’ વગેરે ઘણા હિસ્ટોરિકલ અને પિરિયડ શોઝ અત્યાર સુધી રિલીઝ થઈ ચૂક્યા છે.

જો કે વાત સંજય લીલા ભણસાલી જેટલો દર્શકોનો મોહ અને સફળતા કોઈને નથી મળ્યા. વિઝ્યુઅલ એક્સપિરિયન્સ ઉપરાંત પણ આ પ્રકારના શોની થિયેટરમાં ફિલ્મના બદલે ઓટીટી પર લોન્ગ એપિસોડીક રજૂઆત પર મુદ્દાઓ ચર્ચામાં છે.

એક તો એ કે જે ચીજનો જાદુ થિયેટરમાં બે-અઢી કલાકમાં અનુભવાય એ જ જાદુ શું લાંબા આઠેક એપિસોડ સુધી પણ અનુભવાય ખરો? દર્શકોનો રસ ઓછો ન થઈ જાય? કેમ કે ઓટીટી પર જોતી વખતે દર્શક પાસે પોતાના સમયની અનુકૂળતા અને મરજી હોય છે. એમાં એવું બનવાની શક્યતા પણ રહે કે એકવાર કોઈ કારણસર કશુંક જોવાનું અધૂરું રહી જાય તો એટલું લાંબું ફરી જોવાનું મન જ ન થાય.

બીજો એક મુદ્દો વિષયને લઈને પણ છે. આજે જયારે દરેક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર મોટાભાગે ‘મિર્ઝાપુર’, ‘આર્યા’, ‘ખાકી’, ‘સ્પેશ્યલ ઓપ્સ’ જેવા ક્રાઇમ મસાલા શોઝને લોકો વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે ‘હીરામંડી’ જેવા પિરિયડ સબ્જેક્ટને ઓટીટી પર રજૂ કરવો એ જોખમ ન કહેવાય? મિતાક્ષરા કુમારનું કહેવું છે કે ઓટીટીની ઓડિયન્સ બહુ જ સ્માર્ટ છે.એમના માટે જોનર, વિષય, લંબાઈ કે માધ્યમ નહીં, વાર્તાની ગુણવત્તાની કિંમત વધુ છે. જો કે એ છતાં અમને ખુદને પણ એવું ઘણીવાર લાગે કે સંજયસરનું કામ મોટા પડદા પર જોવાની વધુ મજા આવે, આ વિષય ત્યાં જ શોભે. હું પણ ડિરેક્શન વખતે ફ્રેમમાં રહેલા નાના ફૂલના કુંડામાં રહેલા તેના રંગ પર પણ ધ્યાન આપું. અને અમુક પોતાના જ મસ્ત ફેવરિટ દ્રશ્યો મોનિટર પર જોઈને એમ તો લાગે કે મોટી સ્ક્રીન પર આ વધુ અસરકારક લાગે, પણ આખરે તો વાત વાર્તાની જ આવે. એ જો તમને સ્પર્શે તો સ્ક્રીનની સાઈઝથી તેમાં ફરક નથી પડતો.’ આનો અર્થ એ થયો કે આવા પ્રયોગો કે મોટા ફેરફારોમાં આખરે તો દર્શકોને ફિલ્મ કે શોની વાર્તા અને માવજત ગમે તો બાકીની ચીજો એટલી મહત્ત્વની નથી રહેતી. એ છતાં જો થિયેટરના લાર્જ સ્કેલ વિઝ્યુઅલ એક્સપિરિયન્સની ભૂખ રહી જાય તો એ માટે જો ભવિષ્યમાં એવી કોઈ વ્યવસ્થા ગોઠવાય કે એપિસોડીક શો પણ થિયેટરમાં રિલીઝ કરવામાં આવે તો દર્શકોને એકદમ સંપૂર્ણ પેકેજ મળી રહે! પણ ત્રણ કલાકની થિયેટર ફિલ્મ્સ બે કલાકથી પણ નાની બનતી જાય છે ત્યારે અવળી દિશામાં ગાડી ચાલે એ તો અશક્ય જ લાગે છે!

લાસ્ટ શોટ
સંજય લીલા ભણસાલીના મિત્ર મોઇન બેગની આઝાદી પૂર્વેના ભારતના લાહોરના હીરામંડી વિશેની ટૂંકી વાર્તા પરથી ‘હીરામંડી’ શો બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button