ગ્લેમર લુક મેળવવા કેટલી હદ સુધી જવું?
પ્લાસ્ટિક સર્જરી, લિપોસક્શન અને અન્ય સૌંદર્ય વર્ધક સારવારનું ચલણ આજકાલ ખુબ વધ્યું છે. આ ઘટના આવી ઘેલછા સામે લાલ બત્તી ધરે છે.
વિશેષ -રાજેશ યાજ્ઞિક
સુંદર દેખાવું એ મનોરંજન ઉદ્યોગની કાયમી માંગ છે. પણ સુંદર દેખાવા કઈ હદ સુધી જવું એ કોણ નક્કી કરે? વ્યક્તિ પોતે જ! ખાસ કરીને મનોરંજન ઉદ્યોગમાં કામ કરતી મશહૂર મહિલાઓએ પોતાના દેખાવને જાળવી રાખવા લાખો ખર્ચવા પડે છે. પણ આ બધાની આડઅસરો ક્યારેક જીવલેણ સાબિત થાય છે.
બ્રાઝિલિયન મશહૂર પોપ સ્ટાર દાની લી, જે ડેનિયલ ફોન્સેકા મચાડો તરીકે પણ જાણીતી હતી, તેમનું લિપોસક્શન સર્જરી પછી આવેલી સમસ્યાઓને કારણે ૪૨ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. ધ સન દ્વારા અપાયેલ અહેવાલ મુજબ ગાયક પર ગયા શુક્રવારે તેના પેટ અને પીઠ પર લિપોસક્શન ઓપરેશન તેમજ સ્તન ઘટાડવાની સર્જરી કરવામાં આવી હતી. જો કે, તેને એવી ગૂંચવણોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જ્યાં તેનું નિધન થયું હતું. તેના પતિ, માર્સેલો મીરાએ ગુરુવારે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આ સમાચારથી પરિવાર ભાંગી પડ્યો હતો, તેણે કહ્યું, “અમે આ બધાથી ખૂબ જ હચમચી ગયા છીએ.”
સર્જિકલ નિષ્ફળતાનું ચોક્કસ કારણ હજુ પણ અજ્ઞાત છે, અને તપાસ ચાલુ છે. કેટલાક સ્ત્રોતો દાવો કરે છે કે દાની લિએ લિપોસક્શન સર્જરી માટે લગભગ ૪ લાખ રૂપિયા ખર્ચ્યા હતા પણ તેમ તેનો જીવ ગયો હતો. કહેવાય છે કે માત્ર પાંચ વર્ષની ઉંમરથી દાનીએ ગાવાનું શરુ કર્યું હતું. બ્રાઝિલમાં તેના ગીત ’યુ સોઉ દ અમેઝોનિયા’ (હું એમેઝોનથી છું) ને ખુબ ખ્યાતિ મળી, આ ગીતમાં તેને લાખો બ્રાઝીલિયનોની જેમ પોતાના મૂળની ઉજવણી કરી હતી. તેનો જન્મ એમેઝોન રેઈનફોરેસ્ટના નગર અફુઆમાં થયો હતો અને તેણે પાંચ વર્ષની ઉંમરે તેની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. તે કિશોરાવસ્થામાં મકાપામાં રહેવા ગઈ હતી અને જૂથ બંદા સેન્સાકાઓ’માં જોડાઈ હતી. તેના પરિવારમાં તેના પતિ માર્સેલો મીરા અને તેમની સાત વર્ષની પુત્રી છે.
પ્લાસ્ટિક સર્જરી, લિપોસક્શન અને અન્ય સૌંદર્ય વર્ધક સારવારનું ચલણ આજકાલ ખુબ વધ્યું છે. આ ઘટના આવી ઘેલછા સામે લાલ બત્તી ધરે છે. કરોડોના પ્રિય માઈકલ જેક્સન વિશે પણ કહેવાય છે કે તેણે પોતાની ચામડીનો રંગ બદલવાથી લઈને અંગઉપાંગોને મનગમતો આકાર આપવા અનેક પ્રક્રિયાઓ કરાવી હતી, જેને પરિણામે જીવનના અંતિમ સમયે પોતાનું મોઢું પણ લોકોને બતાવી ન શકે તેવી ગૂંચવણો શરીર પર ઉભી થઇ હતી. ખેર, શરીરના રીમોડેલિંગની ઘેલછાએ વધુ એક પ્રતિભાશાળી કલાકારનો ભોગ લીધો.
રોબોટ બનનાર પહેલી બોલીવુડ અભિનેત્રી બનશે કૃતિ સેનન
બોલીવુડ ફિલ્મોની અગ્રણી અભિનેત્રી કૃતિ સેનને અનેક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દર્શકોના દિલ જીત્યા છે. મીમી ફિલ્મ માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. હવે કૃતિ સેનન ફરી એક વાર અજાણ્યા પ્રદેશમાં પગ મૂકીને તેની કુશળતા સાબિત કરી રહી છે. તેની આગામી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં પ્રતિભાશાળી અભિનેત્રી ગ્રાઉન્ડબ્રેકિંગ ભૂમિકા ભજવતા જોવા મળશે, જેમાં તે સિફ્રા નામના રોબોટની ભૂમિકા ભજવવાની છે. આમ કરવાથી, કૃતિ માત્ર એક અનોખા પાત્રની જ નહીં પરંતુ સિલ્વર સ્ક્રીન પર રોબોટનું પાત્ર ભજવનારી બોલિવૂડની પ્રથમ મહિલા અભિનેતા પણ બની છે.
એમાં કોઈ શક નથી કે કૃતિ સેનન તેના પાત્રની ગૂંચવણોને સહેલાઈથી મૂર્તિમંત કરે છે. રોબોટ બનવું એ ખાવાના ખેલ નથી, ખાસ કરીને યાંત્રિક વર્તન દ્વારા લાગણીઓ દર્શકો સુધી પહોંચાડવાના પડકારોને ધ્યાનમાં લેતા. જો કે, કૃતિએ પડકારજનક કળામાં નિપુણતા મેળવી હોય તેવું લાગે છે, જેમાં તેની અભિનય ક્ષમતાના ઊંડાણ રજૂ કરવાનો તેને મોકો મળશે.
કૃતિના અભિનયનું એક નોંધપાત્ર પાસું એ બની રહેશે કે રોબોટિક વ્યક્તિત્વની બારીકીઓને આબાદ ઝીલીને પડદા પર પ્રદર્શિત કરવું. જેમાં, બે હાથ વડે સહેલાઈથી રસોઈ કરીને, નિર્જીવ વર્તન કરીને, સીધા યાંત્રિક ચહેરા સાથે લાગણીશીલ થઈને,
પાછળની તરફ વાળીને અને રોબોટની પ્રામાણિકતા જાળવી રાખતી અન્ય ઘણી ક્ષણો દ્વારા તેની કુશળતા દર્શાવે. આ બધું કૃતિની પોતાની અભિનય સીમાઓનો વિસ્તાર કરવા અને રોબોટ જેવા અનોખા પાત્રને દર્શાવવા સાથે આવતા પડકારોને સ્વીકારવા માટેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
એક ઉદ્યોગમાં જ્યાં સ્ત્રી કલાકારો ઘણીવાર પોતાને સ્ટીરિયોટાઇપિકલ ભૂમિકાઓ સુધી સીમિત રાખે છે, કૃતિ સેનનની રોબોટની ભૂમિકા તેની વૈવિધ્યતા વિશે ઘણું કહી જાય છે. એક ભારતીય અભિનેત્રીને પરંપરાગત કથાઓથી અલગ પડેલા પાત્રને નિભાવતા જોવું તાજગીભર્યું છે, અને સિફ્રાનું કૃતિનું ચિત્રણ તેના અભિનય ભંડારને વૈવિધ્યસભર બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે તેણે આ પહેલા મીમીમાં સરોગેટ માતાની ભૂમિકા ભજવવાનું પસંદ કર્યું ત્યારે પણ સ્પષ્ટ થયું હતું.