ગૃહપ્રવેશ

ટૂંકી વાર્તા -નિરંજન મહેતા
નિત્યક્રમ પ્રમાણે પ્રભુસ્મરણ કરતાં કરતાં મહેશભાઈની નજર કેલેન્ડર પર પડી. જોયું તો આજે પહેલી એપ્રિલ હતી. તે સાથે યાદ આવ્યું કે આજે આ ઘરમાં પગ મૂક્યાને ત્રીસ વરસ થઈ ગયા. આ યાદ આવતા માળાના મણકા ફરતાં અટકી ગયા અને તે અતિતમાં ખોવાઈ ગયા.
બાપા સાથે નજીવી બાબતોમાં થતો વાદવિવાદ એક દિવસ હદ વટાવી ગયો અને ખુમારીમાં પહેરેલે કપડે ઘર છોડી દીધું હતું. આગળ શું થશે તેની ચિંતા કર્યા વગર. શરૂઆતમાં લોન અને આર્થિક સંકડાશને કારણે મુસીબતો તો હતી પણ સુજાતાની સૂઝબૂઝને કારણે તેમનો સંસાર ધીરે ધીરે પાટે પડી ગયો હતો.
જોકે સુજાતાએ વેઠેલી તકલીફો તેમની નજર બહાર ન હતી. પણ સંજોગાનુસાર તેને નજરઅંદાઝ કરવી પડી હતી. નોકરીને કારણે વ્યસ્ત હોય ઘર પ્રત્યે જોઈતો સમય ન અપાય અને તેમાંય એક પુત્રીનો ઉછેર પણ સુજાતાના માથે. પણ આ બધું તેણે હસતે મોઢે પાર પાડ્યું હતું.
ઘર માંડ્યા પછીના દૃશ્યો એક ફિલ્મની જેમ પાંપણના પડદે ફરવા માંડ્યા. નોકરીમાં સમયે સમયે બઢતી, આર્થિક છૂટ, દીકરીના લગ્ન, દોહીત્રનો જન્મ, તેનું બાળપણ, ઓહોહો, કેટલી બધી સુખદ ઘટનાઓ… પણ જેમ ગુલાબને કાંટા હોય અને ચૂભે તેમ ત્રીસ વરસમાં બનેલી દુ:ખદ ઘટનાઓ પણ યાદ આવવા લાગી જેમાં આજથી ત્રણ મહિના પહેલાની એક ઘટના તેમના માનસપટ પર ઊભરાઈ આવી. જેને કારણે પોતાની ગૃહસ્થિમાં તડ પડેલી તે યાદ આવતા તેઓ સોફા પરથી ઊભા થઈ ગયા અને અસમંજસમાં આંટા મારવા લાગ્યા. એક નાની ગેરસમજે કેવું સ્વરૂપ લીધું તેનો વિચાર કરતા તેઓ હચમચી ગયા.
આજ સુધી તે ગેરસમજ કેમ દૂર કરવી તેની તેમને સમજ પડતી ન હતી. સુજાતાના મનમાં ઘર કરી ગયેલો વહેમ દૂર કરવામાં હજી સુધી તેઓ અસફળ રહ્યા હતાં.
અતિતમાં આમ ખોવાયેલા મહેશભાઈને કાને કાકાના શબ્દ પડતા તેઓ વર્તમાન સમયમાં આવી ગયા. જોયું તો પાડોશી અવિનાશભાઈની દીકરી નિહારિકા દરવાજે ઊભી હતી.
વર્ષોથી એકબીજાના પાડોશી રહ્યા હોય મહેશભાઈ અને અવિનાશભાઈને ઘર જેવો સંબંધ. નાની હતી ત્યારથી નિહારિકા તેમની આંખ સમક્ષ ઉછરી હતી. જાણે આ પોતાનું ઘર હોય તેમ તે વિના રોકટોક આવતી જતી. દેખાવે સુંદર, યોગ્ય બાંધો અને તેના અલ્લડપણાને કારણે આગળ જતાં કોલેજમાં પણ તે હંમેશાં ચર્ચામાં રહેતી, પણ કોઈ લફરામાં પડી ન હતી કારણ તેના સંસ્કાર.
તેમ છતાં તેની એક નબળાઈ હતી અને તે હતી મહેશકાકા પ્રત્યે કોઈ અગમ્ય ખેંચાણ. નાનપણમાં તો નિર્દોષ મસ્તી થતી પણ સમજણ આવતા તે લાગણી ક્યારે ખેંચાણમાં પરિવર્તિત થઈ ગઈ તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો. નાના અમથા કારણને બહાને તે દિવસમાં એક વાર તો કાકાને જોવા આવી જતી.
જોકે તે તકેદારી રાખતી કે તેની આ અગમ્ય લાગણીનો અણસાર કાકા કે કાકીને ન આવે. તેને સમજ તો હતી કે કાકા તેની પિતા સમાન છે અને આવી લાગણી યોગ્ય નથી પણ ૬૦ની ઉંમરે પણ ૪૫ના લાગતા કાકાનું વ્યક્તિત્વ જ એવું હતું કે તે આ સમજને ઘોળીને પી ગઈ હતી, એમ કહેવું ખોટું નથી.
આજે અચાનક તેને જોઈ મહેશભાઈ થોડા સંકોચમાં પડી ગયા. આ એ જ નિહારિકા હતી જેને કારણે પોતાનો ઘરસંસાર ભાંગી ગયો હતો અને છતાં ફિક્કું હસતા આવકાર અપાઈ ગયો. એ સાથે ત્રણ મહિના પહેલાનો પ્રસંગ પણ માનસપટ પર છવાઈ ગયો.
તે સમયે નિહારિકાના લગ્ને લેવાના હતાં. હંમેશની મુજબ મહેશભાઈના ઘરનો દરવાજો ખુલ્લો હતો. કોઈક પ્રસંગને અનુરૂપ તે કાકી પાસે સારી સાડી લેવા આવી હતી પણ સુજાતા બહાર ગઈ હતી, એમ મહેશભાઈએ કહ્યું તો વાંધો નહીં અને તેમનો કબાટ ખોલવાની છૂટ છે એમ સહજતાથી બોલી તે અંદર બેડરૂમમાં ગઈ. કબાટ બંધ હોય કાકાને બૂમ મારી. કબાટ ખોલતી વખતે અનાયાસ મહેશભાઈનો હાથ નિહારિકાને અડી ગયો. મહેશભાઈને તો તેનો ખ્યાલ પણ ન હતો પણ તેમના હાથના સ્પર્શની નિહારિકા પર ન ધારેલી અસર થઈ અને મહેશભાઈ હજી કાંઈ સમજે વિચારે તે પહેલા નિહારિકા પોતાની દબાયેલી મનસાને અટકાવી ન શકી અને તે મહેશભાઈને વળગી પડી, પરંતુ મહેશભાઈએ પોતાની સમજ અને સ્વસ્થતા ગુમાવી ન હતી. આ શું કરે છે કહેતાં તેઓ નિહારિકાને પોતાનાથી દૂર કરવા લાગ્યા.
સુજાતા તે જ વખતે ઘરમાં દાખલ થઈ. મહેશભાઈને દીવાનખાનામાં ન જોતાં તે બેડરૂમ તરફ આવી અને તેની નજર સમક્ષ જે દૃશ્ય હતું તેનાથી તે હબક ખાઈ ગઈ. મહેશને આવા નહોતા ધાર્યા. આજકાલ ઘણું બધું સાંભળીએ છીએ અને વાંચીએ છીએ કે એકાંતનો લાભ લઈ પુરુષો અજુગતું કરે છે પણ પોતાના જ ઘરમાં આમ થશે અને પોતાને તે નજરોનજર જોવાનો દિવસ આવશે એમ તો સુજાતાએ કદીએ નહોતું ધાર્યું.
મહેશ, મેં તમને આવા નહોતા ધાર્યા બોલતા તે અંદર દાખલ થઈ. આ સાંભળતા જ નિહારિકા ચમકી અને પરિસ્થિતિનો ખ્યાલ આવતા વીલે મોઢે ત્યાંથી ભાગી છૂટી.
તું ધારે છે એવું કંઈ નથી એમ મહેશભાઈ બોલ્યા પણ સુજાતા એમ કાંઈ માને? મેં જોયું તે ખોટું? કહેતા તે બેગ ભરવા લાગી. આ શું કરે છેના જવાબમાં તે બેગ લઈ બહાર આવી. મહેશભાઈ ચમક્યા અને પૂછયું કે બેગ લઈ ક્યાં જાય છે?
‘ બસ, હવે બહું થયું. હું અંજનીને ઘરે જાઉં છું. હવે તમારી સાથે નહીં રહેવાય.’
આ વાતને ત્રણ મહિના થયા પણ ન તો સુજાતા પાછી આવી ન કોઈ કહેણ.
એક પળમાં આ બધું યાદ આવ્યું પણ બીજી ક્ષણે તે સ્વસ્થ થઈ ગયા અને નિહારિકાને આવકારતા કહ્યું કે પહેલી વાર પિયર આવી છેને? પણ તારી કાકી તેની દીકરીને ત્યાં થોડા દિવસ રહેવા ગઈ છે એટલે તે તને નહીં મળે.
‘કાકા, તમે એમ ધારો છો કે મને કાંઈ ખબર નથી એમં તમે માનતા હો તો તેમ નથી. માએ મને વાત તો કરી પણ ખરી હકીકત ફક્ત હું અને તમે જ જાણો છો. મારા કારણે તમારે આ દિવસો જોવાના આવ્યા તેથી ક્યા શબ્દોમાં માફી માંગુ તે નથી સમજાતું. પણ જો હું કાકીને પાછા લાવી શકું તો તે જ મારા માટે સાચું પ્રાયશ્ર્ચિત રહેશે. તે દિવસે એક નબળી ક્ષણે હું ભાન ગુમાવી બેસી. તે જ દિવસે જો મેં ચોખવટ કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત, પણ સંકોચને લઈને હું ત્યારે તેમ ન કરી શકી તેનો અફસોસ તો છે પણ મને ખાતરી છે કે તમે મને જરૂર માફ કરશો.’
બેટા, મને નથી લાગતું કે હવે પરિસ્થિતિ સુધરે, કારણ મેં ઘણા પ્રયત્નો કર્યા છે પણ કોઈ પરિણામ વગરના. છતાં તેને લાગતું હોય કે તારે પ્રયત્ન કરવો જોઈએ તો મને વાંધો નથી પણ જો સફળતા ન મળે તો તેનું દુ:ખ ન લગાડતી કારણ જે થયું તેમાં મારો કોઈ દોષ નથી તે હું જાણું છું એટલે તેને ભૂલીને હું જીવતા શીખી ગયો છું.’
રાત્રે લોજમાંથી આવેલ ભોજનને ન્યાય આપવા મહેશભાઈ તૈયારી કરતા હતા ત્યાં જ બારણેથી અવાજ આવ્યો કે હવે તમારે આ બધું કરવાની જરૂર નથી.
દરવાજા તરફ નજર નાંખી તો નિહારિકા ઊભી હતી. તેનો કહેવાનો મતલબ શું છે તે ન સમજાયું એટલે તે વિષે મહેશભાઈ કાંઈ પૂછે તે પહેલા નિહારિકાએ ‘શરમાવાની જરૂર નથી’ કહી હાથ પકડી પોતાની પાછળ ઊભેલા સુજાતાકાકીને આગળ કર્યાં.
સારી રીતે તૈયાર થયેલ સુજાતાને જોઈ મહેશભાઈ ચમક્યા. એક મિનિટ તો તે માની ન શક્યા કે ખરેખર સુજાતા સામે ઊભી છે. પછી સમજાયું કે ના આ હકીકત છે એટલે નિહારિકાને આ કેમ થયું એમ પૂછે તે પહેલા નિહારિકા જ બોલી કે કાકા આ સ્વપ્ન નથી હકીકત છે.
‘જે આટલા વખતથી હું ન કરી શક્યો તે કામ તે કઈ રીતે કર્યું?’
‘કાકા, તે ભૂલી જાઓ અને આગળનું વિચારો.’
‘એમ કેમ ભૂલી જાઉં? જાણવાની ઈન્તેજારી તો હોય ને ?’
‘હું કહું તેને બદલે કાકીના મોઢે સાંભળવું વધુ ગમશે, કેમ કાકી?’ કહેતા તેણે ત્યાંથી વિદાય લીધી.
જમવાને ન્યાય આપી આ કેમનું થયું હશે તેની અટકળો અને થોડા રોમાંચ સાથે મહેશભાઈ બેડરૂમમાં ગયા. કામ આટોપી સુજાતા થોડાક ખચકાટ સાથે અંદર પ્રવેશી અને થોડા અંતરે ઊભી રહી. રૂમમાં બોજારૂપ શાંતિ છવાઈ હતી કારણ એકને પૂછવાની હિમ્મત ન હતી તો બીજાને કાંઈ કહેવા શબ્દો ન હતાં.
એક યુગ જેટલો સમય વીતી ગયા પછી છેવટે સુજાતાએ જ બોલવું પડ્યું કે કયા કારણસર તે પાછી આવી. ‘નિહારિકાએ ખુલ્લા દિલે તે દિવસના બનાવની બધી હકીકત કહી હતી અને કહ્યું હતું કે બધો વાંક તેનો છે.
મહેશકાકાએ ન તો તેનો ગેરલાભ લીધો હતો ન કોઈ દિવસ બૂરી નજરે તેની તરફ જોયું હતું. આટલી નિખાલસ ચોખવટ પછી સુજાતાને સમજાયું કે તેની વાત સાચી હશે નહીં તો તે આમ સહજ રીતે પોતાની જાતને નીચી ન દેખાડે. જો તેમ હોય તો મહેશને મેં અકારણ દોષ આપ્યો અને તે માટે હું ગુનેગાર છું અને મારે સ્વગૃહે પાછા જવું જોઈએ, પરંતુ આવતા સંકોચ થતો હતો. ત્યારે નિહારિકાએ જ ભાર દઈને કહ્યું કે કાકા તમને આવકારશે એટલે નચિંત રહેવા અને તેની સાથે ચાલવા કહ્યું. માફી માગવાને લાયક નથી પણ તેમ છતાં તેમ કહું તો માફ કરશોને?’
‘આજે કયો દિવસ છે તે યાદ છે? આજથી બરાબર ત્રીસ વરસ પહેલા આપણે આ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આજે ત્રીસ વરસે તારા પુનરાગમનથી થયેલ અનુભૂતિ અવર્ણનીય છે તો શબ્દો કહી માફ કરવાને બદલે અન્ય રીતે પણ માફ કરી શકાય છે.’ કહેતા તેમણે સુજાતાને પાસે ખેંચી.