રોમેન્સની રાણીની હોરર ફિલ્મ
૫૦ વર્ષની ઉંમરે નૂતનની ભાણેજ અને તનુજાની દીકરી કાજોલ પોતાની માસી જેવું અભિનય કૌશલ અને મા જેવા આક્રમક સ્વભાવ સાથે ફિલ્મોમાં આજે પણ વ્યસ્ત છે .
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
૫૦ વર્ષની ઉંમરે કોઈ અભિનેત્રીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું રહે અને એ પણ પોતાની ઈચ્છા મુજબનું એ બહુ મોટી વાત કહેવાય. એટલું જ નહીં, જે ઉંમરે અભિનેત્રીઓને માતાના કે ચરિત્ર અભિનેત્રીઓના ટિપિકલ રોલ ઓફર થતા હોય એ ઉંમરે એક સમયની રોમેન્ટિક ફિલ્મોની સુપરસ્ટાર જેવો દરજ્જો ધરાવતી કાજોલ વૈવિધ્યપૂર્ણ રોલ કરતી જોવા મળી રહી છે.
૧૯૯૨માં ‘બેખુદી’ ફિલ્મથી પદાર્પણ કરનારી કાજોલ પર અભિનયની બાબતમાં માસી નૂતનનો હાથ ફર્યો છે અને સ્વભાવ બાબતે મમ્મી તનુજાનો વારસો મળ્યો છે એ વાત સાથે સહુ કોઈ સહમત થશે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાને ગમતા લોકો સાથે અને ગમતી સ્ક્રિપ્ટ્સ પર જ કામ કરવાની ઈચ્છા છે એમ સાફ સાફ જણાવી કાજોલ કહે છે :
‘મારી સ્ક્રિપ્ટ જ મારો હીરો છે. કયું પાત્ર ભજવી રહી છું અને કોની સાથે કામ કરી રહી છું એ જો પસંદ પડે તો જ મારે કામ કરવું છે. આજની તારીખમાં ગમતી સ્ક્રિપ્ટ મળવી એ રણમાં મીઠી વીરડી શોધવા નીકળવું પડે એવું કપરું કામ છે એ હું જાણું છું. ઝીણવટભરી નજરે શોધતા રહેવું પડે.’
પાંચમી ઓગસ્ટે આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરનાર કાજોલની ચાર ફિલ્મ પ્રોડક્શનના વિવિધ તબક્કે છે. ઓફરો આવતી રહે છે, પણ માફક આવે એવા લોકો અને એવા રોલ જ કરવાની ગાંઠ વાળી હોવાથી હા પાડવા કરતાં ના પાડવાના પ્રસંગો વધુ આવે છે. એટલે જે ફિલ્મની ઓફર સામે કાજોલે હકારમાં ડોકું ધુણાવ્યું છે એનું વૈવિધ્ય જાણવા જેવું છે.
એક ફિલ્મ છે કરણ જોહર નિર્મિત ‘સરઝમીન’. ફિલ્મ મિસ્ટ્રી થ્રિલર હોવાની વાત વહેતી કરવામાં આવી છે. સંબંધોના તાણાવાણા અને પ્રેમના વિવિધ પહેલુ કથાના કેન્દ્રમાં છે. ફિલ્મમાં કોઈ ટિપિકલ હીરોઈન નથી, પણ કાજોલના સાથી કલાકારો છે ૨૪ વર્ષનો ઈબ્રાહિમ ખાન અને ૪૧ વર્ષનો પૃથ્વીરાજ સુકુમારન. મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં અભિનય કરનારા પૃથ્વીરાજે સાઉથની તમિળ અને તેલુગુ ભાષાની ફિલ્મો પણ કરી છે. હિન્દી ફિલ્મો સુધ્ધાં એણે કરી છે, પણ એ ફિલ્મો બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હોવાથી કોઈના સ્મરણમાં એ નથી રહ્યો.
૧૯૯૨માં ‘બેખુદી’ ફિલ્મથી કાજોલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરણ માંડ્યા. જોકે, ફિલ્મ ફ્લોપ થઈ પણ ૧૯૯૩માં શાહરુખ ખાન સાથેની ‘બાઝિગર’માં શિલ્પા શેટ્ટીનું પાત્ર અનુકંપા મેળવી ગયું હોવા છતાં પ્રિયા ચોપડાના પાત્રમાં કાજોલ વાહ વાહ મેળવવામાં સફળ રહી હતી. ૧૯૯૪માં આવેલી ‘યે દિલ્લગી’માં કાજોલ સાથે બે હીરો હતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન. ૩૦ વર્ષ પછી કાજોલ સૈફના પુત્ર સાથે ચમકી રહી છે. ૧૯૯૫ની આદિત્ય ચોપડાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’થી કાજોલ ‘રોમેન્ટિક ફિલ્મોની રાણી’ તરીકે ઓળખાવા લાગી હતી. હવે આ જ રોમેન્સની રાણી હોરર ફિલ્મ કરી રહી છે.
એકંદરે કાજોલની આગામી ફિલ્મો હોરર ઉપરાંત એક્શન, ડ્રામા અને મિસ્ટરીનું પેકેજ જેવી છે. હોરર ફિલ્મો બનાવવામાં વિશેષ રુચિ ધરાવતા વિશાલ ફુરીયા નામના દિગ્દર્શકની ‘મા’ હોરર ફિલ્મ છે. અલબત્ત, ફિલ્મમાં માત્ર ડરાવવામાં નહીં આવે, એમાં થ્રિલર અને સસ્પેન્સ પણ સાંકળી લેવામાં આવ્યા છે. પ્રભુ દેવા સાથે કાજોલ ‘મહારાગ્નિ: ક્વીન ઓફ ક્વીન્સ’ નામની ફિલ્મ કરી રહી છે. મસાલા એક્શન ફિલ્મ તરીકે જેનો પ્રચાર કરવામાં આવ્યો છે એવી આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિળ, તેલુગુ, ક્ધનડ અને મલયાલમ એમ ચારેય ભાષામાં ડબ કરવામાં આવશે. આજકાલ ચાલી રહેલી પેન ઈન્ડિયા ફિલ્મના દોરનું આ વધુ એક ઉદાહરણ છે.
ફિલ્મો ઉપરાંત કાજોલ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ પણ કરી રહી છે. આજકાલ યંગ હીરોઈન ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સાથે નાના પાયે ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાય છે. તાપસી પન્નુ અને ક્રિતી સેનન એના આંખે ઊડીને વળગે એવા ઉદાહરણ છે. ક્રિતીએ પ્રોડ્યુસ કરેલી મિસ્ટ્રી થ્રિલર વેબ સિરીઝ ‘દો પત્તી’માં કાજોલ સાથે ક્રિતી સેનન અને તન્વી આઝમી પણ છે.
આજનો દર્શક સાઉથની તેમજ દુનિયાના વિવિધ દેશોની ફિલ્મો નિયમિતપણે જોતો થયો છે. કાજોલ આ વાતથી સભાન છે અને એટલે જ બીબાંઢાળ ભૂમિકાઓ કરવાને બદલે ચેલેન્જિંગ રોલ કરવાને પ્રાધાન્ય આપી રહી છે. ૫૦ વર્ષની ઉંમરે પણ!
૨૦ વર્ષ પહેલાનો સૈફ…
સ્ટાર કિડની ફિલ્મોમાં એન્ટ્રીમાં વધુ એકનો ઉમેરો થયો છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન હિન્દી ફિલ્મોમાં પગલાં કરી રહ્યો છે. સ્ટાર લોકોના સંતાનોની આંગળી ઝાલવા માટે જાણીતા કરણ જોહર નિર્મિત ‘સરઝમીન’ સાથે ઈબ્રાહિમ ડેબ્યુ કરી રહ્યો છે. ઈબ્રાહિમની અદાકારીનું માપ તો ફિલ્મ જોયા પછી જ નીકળશે, પણ એની વર્તણૂકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. શૂટિંગ યુનિટના સભ્યના કહેવા અનુસાર ‘સ્ટાર કિડ’નું લેબલ લાગ્યું હોવા છતાં એના કોઈ નખરા નથી. ૨૩ વર્ષનો છે પણ ચહેરા પર માસૂમિયત છલકાય છે. કોઈ સ્પેશિયલ ટ્રિટમેન્ટની અપેક્ષા નથી રાખતો. અન્ય કેટલાક સ્ટાર સંતાનોની જેમ ઓવર સ્માર્ટ પણ નથી. કામમાં ચોકસાઈ પર ભાર આપે છે. ‘એ પહેલી વાર સેટ પર આવ્યો ત્યારે જાણે કે ૨૦ વર્ષ પહેલાનો સૈફ અલી આવ્યો હોય એવું સૌને લાગ્યું. હજી એ ૨૪ જ વર્ષનો છે અને દેખાવે અસ્સલ બાપા પર ગયો છે. સૈફની કાર્બન કોપી જ જોઈ લો…’ સૈફની રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘પરંપરા’ (૧૯૯૩) હતી, પણ એ ફિલ્મ રસિકોની નજરમાં વસ્યો ‘યે દિલ્લગી’ (૧૯૯૪)થી અને ત્યારે સૈફ અલી ખાનની ઉંમર પણ ૨૩ વર્ષ હતી. અન્ય એક રસપ્રદ વાત એ છે કે ‘સરઝમીન’નો દિગ્દર્શક કાયોઝ ઇરાની અભિનેતા બમન ઈરાનીનો પુત્ર છે.