મનોરંજનમેટિનીસ્પેશિયલ ફિચર્સ

હોરર ફિલ્મ: ભય શત્રુ નહીં, ભેરુ

પહેલી હિન્દી હોરર ફિલ્મ ૧૯૪૯માં બની હતી અને આજે ૭૫ વર્ષ પછી સુપરનેચરલ ફિલ્મ તરીકે ઓળખાતી ‘સ્ત્રી- ૨’ ધૂમ મચાવી રહી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

મહાત્મા ગાંધી વર્ષો પહેલાં લખી ગયા છે કે માનવીનો બૂરામાં બૂરો શત્રુ `ભય’ છે.

જોકે, ૨૧મી સદીમાં ડર, ભય કે આતંક હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સારામાં સારો મિત્ર સાબિત થઈ રહ્યો છે. ૧૯૩૫થી ૧૯૯૯ દરમિયાન ૬૫ વર્ષમાં ૬૦ – ૭૦ હોરર ફિલ્મોરિલીઝ થઈ હોવાનો ઉલ્લેખ છે, જ્યારે એકવીસમી સદીના પહેલા ૨૪ વર્ષમાં ૧૧૦ હોરર ફિલ્મોએ પ્રેક્ષકોને ડરાવ્યા છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં ૫૦ હોરર ફિલ્મ રજૂ થઈ છે , જેમાં તાજો ઉમેરો ‘સ્ત્રી -૨’ છે.

અંગ્રેજીમાં કહેવત છે કે દરેક સફળ પુરુષમાં એક મહિલા સહભાગી હોય છે અને એ કહેવતમાં ટીખળ કરી ઉમેરવામાં આવ્યું છે કે દરેક નિષ્ફળ પુરૂષ પાછળ બે મહિલાનો હાથ હોય છે. અહીં આડકતરો ઈશારો પરિણીત પુરુષના વિવાહ બાહ્ય સંબંધ પર છે. જોકે, કોમેડી હોરર ફિલ્મ ‘સ્ત્રી-૨’ તો પહેલી ‘સ્ત્રી’ (૨૦૧૮) કરતાં અનેકગણી સફળતા મેળવી રહી છે અને હજુ કેટલી મળશેએ તો દર્શક માઈબાપ જ જાણે.

ટૂંકમાં બીજી સ્ત્રીનો વિજય વાવટો લહેરાઈ રહ્યો છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં ‘શૈતાન’, ‘મુંજ્યા’, ‘કાકુડા’ ‘બ્લડી ઇશ્ક’ અને ‘સ્ત્રી- ૨’ રિલીઝ થઈ ચૂકી છે અને ‘ભૂલભૂલૈયા -૩’ તેમજ ‘છોરી- ૨’ રિલીઝ થશે. અલબત્ત અમુક ફિલ્મ થિયેટરમાં તો કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે કે થવાની છે.

આમ જુઓ તો હિન્દી ફિલ્મ ઈતિહાસની પહેલી વ્યવસ્થિત હોરર ફિલ્મ કમાલ અમરોહી (કથા, પટકથા, સંવાદ અને દિગ્દર્શન)ની ‘મહલ’ (અશોક કુમાર, મધુબાલા) માનવામાં આવે છે. ૧૯૪૯માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૯ લાખ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ હતી અને આધારભૂત માહિતી અનુસાર એનું બોક્સ ઓફિસ કલેક્શન ૧ કરોડ ૪૫ લાખ રૂપિયા હતું. વેપારીની ભાષામાં બે આંખો ડાબલા થઈ જાય એવું અધધ ૧૫૧૧ ટકાનું વળતર. ૭૫ વર્ષ પછીની ‘સ્ત્રી- ૨’ (રાજકુમાર રાવ – શ્રદ્ધા કપૂર, દિગ્દર્શક અમર કૌશિક) ૬૦ કરોડના બજેટમાં બની છે અને મંગળવાર સુધીમાં ફિલ્મ ૪૩૩ કરોડનો વકરો કરવામાં સફળ રહી છે. અસાધારણ કહી શકાય એવું ૬૨૧ ટકાનું વળતર.! આમ ‘સ્ત્રી- ૨’ ૨૦૨૪ની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. હેરત પમાડનારી વાત એ છે કે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ કરતાં ‘સ્ત્રી- ૨’નું વળતર ચાર ગણું વધારે છે. પુરુષ પ્રધાન સમાજની ફરિયાદ કરતી સન્નારીઓ માટે આનંદના સમાચાર એ છે કે ’સ્ત્રી- ૨’ તમિળ અને તેલુગુ ભાષામાં બનાવવા સાઉથના મેકરો ઉત્સુક હોવાની વાત વહેતી થઈ છે. સામાન્યપણે હિન્દી ફિલ્મ સાઉથની રિ-મેક હોય છે પણ ‘સ્ત્રી- ૨’ ઉલટી ગંગા વહેવડાવવામાં નિમિત્ત બની છે. એટલું જ નહીં, નિર્માતા દિનેશ વિજને ‘સ્ત્રી- ૩’ની તૈયારી શરૂ થઈ ગઈ હોવાની અને આવતા વર્ષે રિલીઝ થવાની ઘોષણા પણ કરી દીધી છે.

પહેલી સ્ત્રીથી બીજી સ્ત્રી પર પહોંચતા છ વર્ષ લાગ્યા પણ બીજી પછી ત્રીજી તો એક – દોઢ વર્ષમાં જ આવી જશે એવો દાવો કરવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘સ્પાય યુનિવર્સ’ હેઠળ જાસૂસ પ્રધાનફિલ્મો બનાવવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે એ જ રીતે દિનેશ વિજન ’સુપરનેચરલ યુનિવર્સ’ હેઠળ હોરર ફિલ્મોબનાવે છે. ‘સ્ત્રી- ૨’ની સફળતા પછી ‘સ્ત્રી- ૩’ ઉપરાંત ‘થમા’ નામની હોરર ફિલ્મની પણ ઘોષણા એમણે કરી છે.

પ્રતિભાશાળી હોવા છતાં સફળતામાં થોડી પાછળ રહી ગયેલી શ્રદ્ધા કપૂર માટે ‘સ્ત્રી- ૨’ મોટું ટોનિક સાબિત થઈ શકે એમ છે, કારણ કે અભિનેત્રીની આ અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ છે. આ વર્ષે રણબીર કપૂર સાથેની ‘તૂ જૂઠી મૈં મક્કાર’ને મળેલા સારા આવકાર પછી શ્રદ્ધાના એકાઉન્ટમાં ‘સ્ત્રી- ૨’ની ઝળહળતી સફળતા સાથે વધુ એકનો ઉમેરો થયો છે. રાજકુમાર રાવનો ઘોડોતો આમ પણ વિનમાં છે , જે હવે વધુ ઝડપ પકડશે.

હોરર ફિલ્મોને અન્ય પ્રકારની ફિલ્મોની સરખામણીએ કેમ વધુ સફળતા મળી છે એ વિશે હોલિવૂડમાં પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એનાં તારણ અનુસાર ૧૯૭૧થી અત્યાર સુધી જે વિવિધ જોનર (એડવેન્ચર, સાયન્સ ફિક્શન, એક્શન, રોમેન્સ, વોર ઈત્યાદિ)ની ફિલ્મોનું નિર્માણ થયું છે એમાં સૌથી ઓછું બજેટ હોરર ફિલ્મનુંહોય છે અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં એટલે કે વળતરમાં હોરર ફિલ્મો નંબર વન પર બિરાજમાન છે. વિશ્ર્વ સિનેમાના ઈતિહાસની સૌથી વધુ નફો રળનારી૫૦ ફિલ્મોમાં ૧૬ હોરર ફિલ્મ છે અને બાકીના પ્રકારની ફિલ્મોની સંખ્યા આના કરતાં ઓછી છે.

આંખો પહોલી થઇ જાય એવી વાત તો એ છે કે The Blair Witch Project (૧૯૯૯)માં૮ લાખ ડૉલરના બજેટમાં બની હતી અને એનું કલેક્શન હતું ૨૪ કરોડ ડોલર. એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે બુદ્ધિશાળી અથવા બુદ્ધિથી વિચારતા લોકોને હોરર ફિલ્મો બહુ પસંદ નથી પડતી કે એમને એવી ફિલ્મો માટે આકર્ષણ નથી થતું તો શું એમ સમજવાનું કે હાલ હોરર ફિલ્મોવધુ બની રહી છે અને સફળતા પણ મેળવી રહી છે એટલે સમાજમાં બુદ્ધિ જીવી વર્ગ ઘટી ગયો છે? અલબત્ત, આ એક તર્ક છે જેનો જવાબ આપવો – મેળવવો આસાન નથી.

હોરર ફિલ્મની સફળતાનું અન્ય એક કારણ એ પણ આપવામાં આવે છે કે દર્શકને અગમ્ય બાબતમાં રુચિ પડતી હોય છે અને હોરર ફિલ્મોનીતો રેસિપી જ અગમ્ય હોય છે ને..!

હોલિવૂડમાં હોરરના હાલહવાલ
હોલિવૂડમાં હોરર ફિલ્મોનો પદ્ધતિસરનો પ્રારંભ ’Dracula’ (૧૯૩૧)થી થયો હોવાનું માનવામાં આવે છે. ૩ લાખ ૪૧ હજાર ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મ ૭ લાખ ડોલરનું કલેક્શન મેળવી શકી હતી એવી અધિકૃત માહિતી છે. રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ ૧૦૫ ટકા થયું. ૨૦૨૪માં પહેલા છ મહિના કોરાધાકોર રહ્યા પછી જૂનના અંતમાં જ રિલીઝ થયેલી પેરેમાઉન્ટ પિક્ચર્સનીઅ Quiet Place: Day One હોરર ફિલ્મ ૬૭ મિલિયન ડોલરના બજેટમાં ૨૬૧ મિલિયન ડોલરનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી શકીછે. વળતર ૨૯૦ ટકા. રિલીઝ થયેલી અન્ય હોરર ફિલ્મ Longlegs (બજેટ ૧૦ મિલિયન,કલેક્શન ૧૦૧ મિલિયન), Alien: Romulus (બજેટ ૮૦ મિલિયન,કલેક્શન ૨૨૫ મિલિયન)The Strangers: Chapter ૧(બજેટ ૮.૫ મિલિયન, કલેક્શન ૪૭.૮ મિલિયન) અને Night Swim (બજેટ ૧૫ મિલિયન, કલેક્શન ૫૫ મિલિયન).

પહેલી હોરર ફિલ્મ રિલીઝ થયા પછી હોલીવૂડમાં હોરર ફિલ્મનાપેટા વિભાગ પાડવામાં આવ્યા છે.એમાં Body Horror(માનવશરીરની વિકૃતિથી પેદા થતો ભય), Comedy Horror (રમૂજ મિશ્રિત ભય), Slasher Films (હત્યારો કે કોઈ ટોળકી ધારદાર હથિયારથી ખૂન કરે), Splatter Films (સ્પેશિયલ ઈફેક્ટ્સથી હિંસાનો આતંક), Supernatural Horror (ભૂત – પ્રેત, પિશાચ કે ભટકતી આત્માથી જન્મતો ભય) Psychological Horror (દિમાગ – ચિત્તમાં ભય પેદા કરી ડરાવતી ફિલ્મ).

આ પ્રકારની ફિલ્મોનું નિર્માણ વિશ્ર્વભરમાં થયા કરે છે. અલબત્ત, દેશ-પ્રદેશ અનુસાર કથા અને શૈલીમાં બદલાવ જોવા મળે છે. હોરર ફિલ્મોનું વિશેષ ચલણ જાપાન, કોરિયા, ઈટલી અને થાઈલેન્ડમાં જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button