મેટિની

ઈસ્ટર એગ્સ: સિનેફાઈલ્સ માટેનું એક્સ ફૅક્ટર ફિલ્મ્સમાં છુપાવામાં આવેલાં રેફરન્સીઝ-સંદર્ભનું એક મજેદાર વિશ્ર્વ

‘બ્લેક પેન્થર: વકાન્ડા ફોરએવર’, ‘જવાન’માં શાહરૂખનું દૃશ્ય

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

તમને કોઈ ફિલ્મ જોતી વખતે અચાનક કોઈ વસ્તુ કે શબ્દો પરથી એમ થયું છે કે ‘ઓહ! અહીં તો આ વાત છુપાયેલી છે’ કે ‘આનો અર્થ તો આ છે’? ફિલ્મ સાથે જોડાયેલી વાસ્તવિક જિંદગીની કોઈ વાતને લઈને સંવાદોમાં પરોવેલો કોઈ જોક જડ્યો હોય એવું થયું છે ક્યારેય? કોઈ બીજી ફિલ્મ્સ કે એ જ ફિલ્મને લઈને કોઈ છૂપો રેફરન્સ તમને ફિલ્મ જોતી વખતે દેખાયો હોય એવું બન્યું છે?

આકંઠ સિનેરસિકો જોડે આવું બનતું હોય છે. દૃશ્યના બેકગ્રાઉન્ડમાં કે વાતચીતમાં આ રીતે છુપાયેલી વસ્તુને ‘ઈસ્ટર એગ્સ’ કહે છે.

આવાં ઈસ્ટર એગ્સને ફિલ્મમાં સિક્રેટની જેમ સંતાડી રાખવામાં આવે છે. ઈસ્ટર એગ્સ એટલે દિગ્દર્શક અને દર્શકો વચ્ચે આડકતરી રીતથી થતું પણ સીધું અને અનોખું સંધાન. ફિલ્મ્સમાં કોઈ દૃશ્ય જ્યાં આકાર લેતું હોય છે મતલબ કે ઘર, રસ્તાઓ, ઑફિસ વગેરે જગ્યાઓએ ત્યાં પોસ્ટર્સ, કાર નંબર પ્લેટ, બૅગ્સ, ન્યુઝપેપર, પુસ્તકો, બૉક્સ એમ અનેક ચીજ નજરે પડતી હોય છે.

૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘આયર્ન મેન-૨’માં ‘શીલ્ડ’ એજન્સી ડિરેક્ટર નીક ફ્યૂરી અને ટોની સ્ટાર્ક વચ્ચેના એક દૃશ્યમાં એમની વાતચીત દરમિયાન રૂમમાં એમની પાછળ એક નકશો દેખાય છે. એ મેપમાં આફ્રિકા ખંડનો હિસ્સો દર્શાવ્યો છે, જેમાં અમુક લૉકેશન્સ પિન કરેલાં દેખાય છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આ ફિલ્મ માર્વેલ કૉમિક બુક્સ આધારિત છે એ જાણતા ફેન્સ માટે એ લૉકેશન પિન્સ ઈસ્ટર એગ્સનું કામ કરે છે. તેમાં સુપરહીરો બ્લેક પેન્થરનો હાઈ ટેક દેશ વકાન્ડા અને નેમોરનું એટલાન્ટિસ દેખાય છે. વર્ષો પછી આવેલી ‘કૅપ્ટન અમેરિકા: સિવિલ વૉર’ અને ‘બ્લેક પેન્થર: વકાન્ડા ફોરએવર’ ફિલ્મ્સમાં આ સુપરહીરોઝની એન્ટ્રી થાય છે. આ રીતે જે-તે દૃશ્યમાં સીધું મહત્ત્વ ન ધરાવતી વાતને આવી છૂપી રીતે દર્શકો માટે કોયડારૂપ મનોરંજનનું કામ કરે છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં એ પોતાના ઇન્ટ્રોડક્શનમાં કહે છે: ‘રાઠોર… વિક્રમ રાઠોર. નામ તો સૂના હી હોગા.’ આ રેફરન્સ છે એની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ (૧૯૯૭)ની ફેમસ લાઈન રાહુલ નામ તો સૂના હી હોગા’. આવા સંદર્ભ-ઉલ્લેખ એટલે જ ઈસ્ટર એગ્સ. જે-તે દૃશ્યમાં તો એ અર્થ પૂરો પાડે જ, પણ તેનું અનુસંધાન કોઈ બીજી ચીજ સાથે પણ હોય. ‘જવાન’માં જ સંજય દત્ત એસટીએફ ઑફિસર માધવન નાયકના પાત્રમાં આવે છે ત્યારે આ લાઈન કહે છે, ‘નાયક નહીં, ખલનાયક હું મૈં’… સંજય દત્તની ફિલ્મ ‘ખલનાયક’ (૧૯૯૩)નો આ સીધો રેફરન્સ છે.

વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ ‘સાત ખૂન માફ’ જાણીતા લેખક રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તા ‘સૂઝેનાઝ સેવન હસબન્ડઝ’ પરથી બનાવવામાં આવેલી. ફિલ્મના એક દૃશ્યમાં આપણને ચર્ચના ફાધરના પાત્રમાં રસ્કિન બોન્ડ ખુદ કેમિયો કરતા જોવા મળે છે. ફિલ્મ્સમાં કેમિયો તો ઘણા હોય છે, પણ આ રીતે મૂળ લેખક ખુદ દેખાય એવા મજાના ઈસ્ટર એગ્સ વધુ જોવા મળતા નથી.

(હા, વિખ્યાત હિચકોક્ની જેમ પોતાની કેટલીક ફિલ્મમાં નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ પણ પોતાની ઝલક દેખાડી જતા ખરા!)
માર્વેલ કૉમિક્સના ઘણા સુપરહિરોઝને જન્મ આપનાર લેખક સ્ટેન લીનું નામ ખૂબ જાણીતું છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની અને એ પહેલાં પણ પોતાની હયાતીમાં આવેલી માર્વેલ સ્ટુડિયોઝની લગભગ ૨૦થી ૨૫ જેટલી ‘એક્સ મેન’, ‘સ્પાઈડર મેન’, ‘એવેન્જર્સ’ મૂવીઝમાં સ્ટેન લીનો કેમિયો થોડી સેક્ધડ્સ માટે જોવા મળે છે.

પ્રખ્યાત હોલિવૂડ ડિરેક્ટર કવેન્ટીન ટેરેન્ટિનોની ફિલ્મ્સમાં ઈસ્ટર એગ્સ અલગ રીતે હોય છે. સિનેમેટિક યુનિવર્સના આજકાલનાં ચલણ પહેલાં પણ એમની ફિલ્મ્સ અલગ-અલગ છતાં એક જ યુનિવર્સનો હિસ્સો હોય એવું લાગે. આ વાતની તેમણે કબૂલાત પણ કરી છે. ઉદાહરણ જોઈએ તો એકાધિક કાલ્પનિક બ્રાન્ડ્સ જેમ કે બિગ કહુના બર્ગર્સ અને રેડ એપ્પલ સિગારેટ્સ એમની એકથી વધુ ફિલ્મ્સમાં દેખાય છે. રેડ એપ્પલ સિગારેટ્સ ‘પલ્પ ફિક્શન’ (૧૯૯૪), ‘કિલ બિલ’ (૨૦૦૩) અને તાજેતરની ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ’માં દેખાય છે. આ બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ કે બિલબોર્ડ દર્શકો ફિલ્મ જોતી વખતે શોધી લે તો એમણે ઈસ્ટર એગ્સ પકડી પાડ્યા એમ કહી શકાય.

Also Read – ફોકસઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિનેમામાં લાવશે બદલાવ

ઈસ્ટર એગ્સને શોધી કાઢવાથી દર્શકોના સિનેમેટિક અનુભવની મજા બેવડાતી હોય છે. હોલિવૂડની ફિલ્મ્સમાં ઈસ્ટર એગ્સ મોટા ભાગે એ જ ફિલ્મ કે યુનિવર્સના આગળ-પાછળના રેફરન્સીઝ માટે હોય છે, જ્યારે હિન્દી ફિલ્મ્સમાં ઈસ્ટર એગ્સ મોટા ભાગે રિયલ લાઈફ રેફરન્સ કે મેટા કૉમેડી અને કેમિયોઝ આધારિત હોય છે, પણ દર્શકો તો એ બંનેને સરખા જ પ્રમાણમાં માણતા હોય છે. ફિલ્મ્સમાં ઈસ્ટર એગ્સના હોવાનું કારણ એમ તો છુપા ક્લૂઝ, હિન્ટ્સ અને રિયલ લાઈફ રેફરન્સીઝને કોયડારૂપ મૂકીને તેને શોધી કાઢવાના આનંદ માટે હોય છે. એ સિવાય પણ તેના અનેક ફાયદા ફિલ્મમેકર્સ અને સિનેરસિકો એમ બંને બાજુને મળતા રહેતા હોય છે. આવા ઈસ્ટર એગ્સ વિશે વધુ વાત આપણે કરીશું ફરી ક્યારેક….

લાસ્ટ શોટ
‘ધૂમ’ (૨૦૦૪)માં એક ચિઠ્ઠીમાં આગામી ચોરીની તારીખ હોય છે ૧૭ ડિસેમ્બર. એ તારીખ હકીકતમાં કબીરનું પાત્ર ભજવતા જ્હોન અબ્રાહમની સાચી જન્મતારીખ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button