હેં? ચાર્લી ચેપ્લિન, ઇશુ ખ્રિસ્તના રોલમાં?!
વાત ચાર્લી ચેપ્લિનની છે. આ શખસ વિશે કોઈ વિશેષ પરિચય આપવાનો હોય જ નહીં. આ વિશ્ર્વ વિખ્યાત બ્રિટિશ હાસ્ય અભિનેતા -નિર્દેશક -નિર્માતાનો આ ૧૬ એપ્રિલે જન્મદિવસ છે. એ અવસરે આપણે એમને યાદ કરવા જોઈએ…
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
ચાર્લી ચેપ્લિન બનવાની સ્પર્ધા
ગુજરાતી ભાષામાં ઈશ્ર્વર એક બ્લેંક ચેક જેવો સુપર હિટ વિષય છે. ઈશ્ર્વર પર લખવું- વાંચવું- વિચારવું ગુજરાતી પ્રજાને ખૂબ ભાવે છે-ગમે છે…. સંતો અને કથાકારોને કવિઓ-લેખકો-વિચારકોથી વધુ આદર મળે છે. ખુદ કવિ-લેખકો-વિચારકો પણ આ સંતો-કથાકારોને સામેથી આદર આપે છે. દરેક સફળ લેખકે ગુજરાતીમાં ઈશ્ર્વર વિશે કે વિરુદ્ધ લખ્યું જ છે, કારણ કે આપણી પ્રજા ધર્મપ્રિય કે ધર્મભીરુ છે. સામાન્ય રીતે વેપારી પ્રજા ગણાતી આપણી ગુર્જર સંસ્કૃતિમાં ઈશ્ર્વરનુ સ્થાન સર્વત્ર છે.
કાર્લ માર્ક્સ કહે છે કે જે સમાજમાં અસમાનતા, શોષણ અને અન્યાય વધુ હોય ત્યાં ઈશ્ર્વર વધુ પ્રભાવી હોય. કાર્લ માર્ક્સની વાતને આપણે કેટલા માર્કસ આપવા જોઈએ એ તો કોઈક સમાજશાસ્ત્રી જાણે બાકી એક ઈન્ટરેસ્ટિંગ વિષય છે ઈશ્ર્વર, જે આપણી દુ:ખતી નસ છે અને સુખની તરસ છે.
આવી બધી કટુ કટુ અને મુંહફટુ-ફટુ વાત એટલા માટે સુઝે છે કે એક કમાલનો કિસ્સો વાંચ્યો.
૧૯૧૭થી ફિલ્મો લખવાની, ડિરેક્ટ કરવાની અને પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરનારો ચેપ્લિન આ પૃથ્વી પરનો સૌથી શ્રેષ્ઠ ફિલ્મકાર હતો અને છે. દુનિયાના કોઈ ખૂણે માત્ર એની લાકડી અને મૂછથી લોકો ઓળખી લેત.
ચેપ્લિન પોતે કહેતો અને માનતો કે દુનિયાના અનેક પ્રદેશોમાં લોકો જિસસ ક્રાઈસ્ટને નથી ઓળખતા, પણ ચેપ્લિનને જાણે છે! એક પણ ડાયલોગ કે એક પણ ગીત વિના માત્ર વાંકુંચૂંકું ચાલીને અને ખભા ઉછાળીને ચેપ્લિને દુનિયા પર રાજ કરેલું. હિટલરની વિરુદ્ધ ફિલ્મ બનાવેલી. ખુલ્લેઆમ સામ્યવાદને સપોર્ટ કરેલો. ખુદને નાસ્તિક ગણાવતો અને ધર્મને નામે પોલિટિક્સ કરનારાઓ પર ચાબખા મારતો.(વેલ, એ જમાનામાં કોમ્યુનિસ્ટ વિચારધારાને ગાળો આપવાની ફેશન નહોતી, એટલે…) પણ પેલો મજેદાર કિસ્સો એ છે કે ૧૯૧૭ સુધી ચેપ્લિનની ફિલ્મોને ‘ફર્સ્ટ નેશનલ’ નામની પ્રોડક્શન કંપની આખા જગતમાં રિલીઝ કરતી. આ કંપની માટે ચેપ્લિન એક મહામૂલી બ્રાન્ડ હતી, પણ પછી ચેપ્લિને, ડી.ડબલ્યુ ગ્રીફીથ, મેરી પીકફોર્ડ, ડગ્લાસ ફેરબેંક જેવા મહારથીઓ સાથે મળીને ‘યુનાઈટેડ આર્ટિસ્ટસ’ નામની કંપની શરૂ કરી અને એમાં ફિલ્મો બનાવી, પણ ૧૯૨૨-૨૩માં ‘ફર્સ્ટ નેશનલ કંપની’ એ જ્યોવાન્તી પાપીનીની બેસ્ટસેલર બુક ‘લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ ના હક ખરીદ્યા અને મોટી ફિલ્મ પ્લાન કરી. દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈશુ ખ્રિસ્તના જીવન પર બનવાની હતી એટલે ચેપ્લિને ‘ફર્સ્ટ નેશનલ’ ના માલિક રોલેંડ અને બે-ત્રણ પાર્ટરોને લંચ પર બોલાવ્યા. એના વિશાળ સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં મિટિંગ થઈ. એ મિટિંગમાં કોલીન મૂર નામની એક અભિનેત્રી પણ હાજર હતી. સૌ ચાર્લી ચેપ્લિનની મહેમાનગતિ માણવા આતુર હતાં. ભવ્ય લંચની શરૂઆત થાય એ માટે ઉતાવળાં હતાં. ચેપ્લિન પણ એની લાક્ષણિક રંગીન સ્ટાઈલથી જોક્સ સંભળાવી રહ્યો હતો અને એવામાં ચાર્લી અચાનક રોલેંડ તરફ ફર્યો અને પૂછ્યું : ‘સાંભળ્યું છે કે તમે ‘લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ ફિલ્મ બનાવી રહ્યા છો ’ રોલેં ડે હા પાડી. ચેપ્લિને એની આગવી અદામાં ઝુકીને કહ્યું : ‘જિસસનો રોલ હું કરવા માગું છું! ’
ચેપ્લિને જો અચાનક પેલા નિર્માતાના માથા પર બેઝબોલ બેટ ફટકારીને ઘાયલ કર્યો હોત તોય એને આટલો શોક ના લાગ્યો હોત. રોલેંડની સાથે આવેલા એના પાર્ટનર્સ સૌ આંચકો ખાઈને અવાક થઈ ગયા. સૌનાં થોબડાં પીળાધબ્બ થઈ ગયાં.
ચાર્લી ચેપ્લિન ઈશુ ખ્રિસ્તના રોલમાં?
એક સુપરસોનિક સન્નાટો ત્યાં છવાઈ ગયો. ચેપ્લિને બધાંને સમજાવવાનું શરૂ કર્યું : મારા સિવાય બીજું કોણ ક્રાઈસ્ટ હોઈ શકે? હું જ લોજીકલ ચોઈસ છું. હું ક્રાઈસ્ટ જેવો દેખાઉં છું. હું યહૂદી છું અને હું તો કોમેડિયન પણ છું…! ’
આ સાંભળીને ત્યાં હાજર રહેલા સૌ ફરીથી ચોંકી ગયાં. પછી ચેપ્લિને સમજાવ્યું કે સારી કોમેડી અને સારી ટ્રેજેડી વચ્ચે એક ઝીણા વાળ જેટલો જ ફરક હોય છે…. સૌએ અહીં હા પાડી. ત્યાં તો ચાર્લીએ બીજો બોમ્બ ફોડ્યો : વળી હું તો નાસ્તિક છું એટલે ક્રાઈસ્ટના રોલને તટસ્થ રીતે ભજવી શકીશ..!
બોલો, મારા સિવાય બીજું કોણ વધારે લાયક છે એ રોલ માટે? ! ’
મહેમાનો પાસે ચેપ્લિનના એ સવાલનો કોઈ જ જવાબ નહોતો, પણ ચેપ્લિન પાસે હજુ એક સવાલ હતો: ‘હા, હું નાસ્તિક છું!’ ચેપ્લિને નાટકીય રીતે બરાડીને, હાથ ફેલાવીને, આકાશ તરફ જોઈને બૂમ પાડી: ‘ભગવાન, ઈશ્ર્વર, સુપ્રીમ પાવર જેવું કશું છે જ નહીં. અને જો હોય તો આવે અને અત્યારે જ મને મારી નાખે…હું એને ચેલેન્જ આપું છું ! ’
જો કે , ત્યાં ના તો ભગવાન આવ્યા, ના તો નાનકડી વીજળી કે વાદળાંનો ગડગડાટ થયો. કંઈ જ ના થયું. કેલિફોર્નિયાનો સુંદર સૂરજ બહાર ચમકતો હતો. સરસ મજાની હવા ચાલતી હતી. પંખીડાઓ કલરવ કરતાં હતાં. કદાચ ઈશ્ર્વર ઉપર સ્વર્ગમાં આરામ ફરમાવતો હશે અને એને ખબર હશે કે દુનિયામાં બધું ઠીકઠાક છે…. સિવાય કે ચાર્લીના પેલા ચાર-પાંચ મહેમાન, જે ચૂપચાપ ડરીને-સ્તબ્ધ થઈને બેઠા હતા.
કોઈ ચેપ્લિન સાથે દલીલ કરવાના મૂડમાં નહોતા, પણ પેલા નિર્માતા રોલેંડ થોડી વાર પછી ચાર્લી ચેપ્લિનને સમજાવ્યું : તમે બેસ્ટ એક્ટર છો, કદાચ જગતના શ્રેષ્ઠ, તમારું પર્ફોર્મન્સ પણ શ્રેષ્ઠ હશે, પણ થિયેટરની બહાર પોસ્ટર પર ચાર્લી ચેપ્લિન ‘ઈન એન્ડ એઝ ક્રાઈસ્ટ’ લખવાની અમારામાંથી કોઈની હિંમત નથી…!’
પછી એ મિટિંગમાં શું થયું એની ખબર નથી. હા, ચાર્લી ચેપ્લિનને ક્રાઈસ્ટનો રોલ ના જ મળ્યો… પણ એક કલાકાર નાસ્તિક હોય એટલે એને ઈશ્ર્વરનો રોલ કરવાનો હક બને છે એવી ચાર્લીની દલીલ જ કેટલી રોચક છે?!
ઈશ્ર્વરને પડકારતા- ઈશ્ર્વરની સલ્તનતને આહવાન દેતા કલાકારો કદાચ આપણી ભૂમિમાં જૂજ છે. બાકી અહીં તો સૌને ઈશ્ર્વરથી વધુ રસ છે ઈશ્ર્વર બ્રાન્ડમાં !
આવા વિચક્ષણ ચાર્લીને બીજો કિસ્સો પણ મમળાવો . એક વાર એ જ ચેપ્લિન મિત્રો સાથે સ્વિમિંગ પૂલ પાસે પાર્ટી કરી રહ્યો હતો. અચાનક ચેપ્લિન પૂલમાં કુદ્યો અને બૂમ પાડી : ‘મને સ્વિમિંગ નથી આવડતું. જો ઈશ્ર્વર હોય
તો એને કહો કે મને અહીં આવીને બચાવે….!’
ચાર્લીના ફ્રેન્ડ ડગ્લાસે પાણીમાં ઝંપલાવ્યું અને ચાર્લીને ડૂબતાં બચાવવા માંડ્યો ત્યારે ત્યાં બેઠેલી ચાર્લીની પાર્ટનર મેરી પીકફોર્ડ બરાડી : ‘મરવા દે એ સાલા…. નાસ્તિકને, ડૂબવા દે…! ’
ચાર્લી એ વખતે ડૂબ્યો નહીં. એ જીવ્યો સમયના પ્રવાહથી પર- ચેલેન્જ આપીને, કાળનાં પાણીને પડકારીને હજી જીવે છે પ્રજાના દિલમાં….!
ઈશ્ર્વરને આહવાન આપીને વિચારતા કરી મૂકનાર કલાકાર સાચો આધ્યાત્મિક નથી? કદાચ છે કે કદાચ નથી, પણ ઈશ્ર્વરને એ પ્રિય છે, કારણ કે એ ઈશ્ર્વરને એ પડકારે છે- પંપાળતો નથી. રિસાઈને વહાલ કરે છે- વેચતો નથી. પરંપરાને તરછોડી વિદ્રોહી થઈને જીવનારા સાચા કલાકારો-લેખકો-વિચારકો એક નાનકડું વમળ કે આંદોલન જન્માવે છે. એમાં જ એ કલાકારની આધ્યાત્મિકતા છે.
- ને નકલી મેદાન મારી ગયો !
-અને છેલ્લે, ચાર્લી ચેપ્લિનનો આ કિસ્સો પણ જાણી લો...કહે છે કે ૧૯૨૧માં સાન ફ્રાન્સિસ્કોમાં ચાર્લી ‘લુક લાઈક’ નામે એક સ્પર્ધા યોજાઈ હતી,જેમાં સ્પર્ધકોએ ચાર્લીના હાવભાવ -અદાની નકલ કરવાની હતી. આ સ્પર્ધામાં ચાર્લીએ પણ ભાગ લીધો હતો અને હેવાલ મુજાબ સાચુકલા ચાર્લીનો એ સ્પર્ધામાં ૨૩મો નંબર આવ્યો હતો...!