હીરોઇઝમ: દેખો દેખો વો આ ગયા…! દક્ષિણ ભારતીય ફિલ્મ્સની લોકપ્રિયતાના કારણે બોલીવૂડમાં હીરોઇઝમની રીએન્ટ્રી
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
હમણાં થોડા સમય પહેલં જ એક પ્રતિષ્ઠિત યુટ્યૂબ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીને પૂછવામાં આવ્યું કે ‘દક્ષિણ ભારતીય ફિલ્મ્સની બોલબાલા વધી છે તો શું તમને અસુરક્ષિતતાનો અનુભવ થાય છે?’
રોહિત શેટ્ટીએ જવાબ આપ્યો:
‘ના મને તો નથી લાગતું એવું કશું… સાચું કહું તો ભારતીય સિનેમામાં દક્ષિણની ફિલ્મ્સના કારણે હીરોઇઝમ પાછું આવ્યું છે એ વાતથી હું વ્યક્તિગત રીતે ખૂબ જ ખુશ છું.’
રોહિત શેટ્ટીના આ જવાબનો અર્થ શું થાય?
એ શું કહેવા માંગે છે આ હીરોઇઝમની વાતથી?
હીરોઇઝમ એટલે નાયક કશુંક બહાદુરીનું કામ કરે-અન્યાય સામે લડતનું કામ કરે તે.. એમાંય ખાસ કરીને સિનેમાની દ્રષ્ટિએ નાયકનું ચિત્રણ વધુ શક્તિશાળી અને લાર્જર ધેન લાઈફ સ્ટાઈલમાં હોય. આપણને થાય કે આ હીરોઇઝમ ભારતીય સિનેમામાં પાછું આવ્યું છે એવું કેમ કહ્યું? આ ચીજ તો હતી જ ને?
ના, દક્ષિણ ભારતીય સિનેમામાં હતી, પણ હિન્દી સિનેમામાં ખાસ ફિલ્મ્સ- હીરોની બિગ એક્શન ઈમેજવાળી ફિલ્મ્સની છેલ્લા અમુક વર્ષોમાં ગેરહાજરી હતી.
હા, દરેક પ્રકારની ફિલ્મ્સ બનતી જ હોય છે. વાસ્તવિકતાની વધુ નજીક કે ગંભીર ફિલ્મ્સની સાથે સાથે કોમેડી ફિલ્મ્સ અને એક્શન ફિલ્મ્સ પણ બને,. પણ ધ્યાનથી ફિલ્મ્સની યાદી કે વર્ષોના ટ્રેન્ડ પર નજર કરવાથી અમુક પ્રકારની ફિલ્મ્સની હાજરી કે ગેરહાજરી જોવા મળતી હોય છે, જેમ કે એક-દોઢ દાયકા અગાઉ બાયોપિક અને સિક્વલ્સ એટલી નહોતી બનતી જેટલી આજે બને છે.
ગીતોના રીમિક્સ અને રીમેકની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. આ બદલાવ ફિલ્મમેકર્સની સ્ટ્રેટેજી અને દર્શકોની માગના આધારે આવતો હોય છે. આ જ રીતે, ગઈ સદીના ૭૦-૮૦ કે ૯૦ના દાયકાના હીરોઇઝમ પર મુખ્યત્વે રોમાન્સ અને કોમેડી ફિલ્મ્સના કારણે રોક લાગી. હા, એક્શન ફિલ્મ્સ કે મસાલા ફિલ્મ્સ સમયાંતરે બનતી જ રહી છે, પણ લાર્જર ધેન લાઈફ, અવિશ્ર્વસનીય હીરોઇઝમવાળી હિન્દી ફિલ્મ્સ માંડ ગણીગાંઠી હોવાની.
હીરોઇઝમના આ મુદ્દાને વધુ સરખી રીતે સમજવા આપણે એક મહત્ત્વની ફિલ્મની વાત કરવી પડે. એ ફિલ્મ એટલે દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ‘બાહુબલી’ (૨૦૧૫). ફિલ્મ્સમાં હીરોઇઝમનો ફેલાવો ભલે છેલ્લા ૨-૩ વર્ષમાં જ વધુ થયો હોય, પણ રાષ્ટ્ર સ્તરે તેના કમબેકની શરૂઆતનો શ્રેય ‘બાહુબલી’ને જ જવો જોઈએ. ગઈ સદીની ફિલ્મ્સમાં નાયક એન્ગ્રી યંગમેન બનીને એકલા હાથે વિલન અને તેના કેટલાય માણસોને મારી મારીને લોહીલુહાણ કરી નાખતો તો લોકોને નવાઈ ન લાગતી. દારા સિંહ દોરડાથી હેલિકૉપ્ટર રોકી દે તો પણ લોકો માની લેતા. સામે કેટલાય ગુંડાઓ હોય અને નાયક પર બંદૂકમાંથી ગોળીઓ છોડતા હોય પણ એને કશું ન થાય તો પણ દર્શકો સવાલ ન કરતા, કારણ કે એ મેક-બીલિવ મનોરંજનનો હિસ્સો રહેતો. એવા જ ઓવર ધ ટોપ એક્શનના અનુભવ માટે તો દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા આવતા. આજના સમયમાં દોડધામ ભરી જિંદગીમાં સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ વધ્યું છે એટલે જ કદાચ ફરી દર્શકો આવી હીરોઇઝમથી ભરેલી ફિલ્મ્સમાં ફરી આનંદ મેળવતા થયા છે. ફિલ્મ્સ અને મનોરંજન એક રીતે દર્શકો માટેનો પલાયનવાદ પણ ખરો…
થોડી કલાકોમાં મજા મળે એ સાથે એમને એક એવો પણ અનુભવ કરવા મળે જે એ લોકો વાસ્તવિક જિંદગીમાં ન કરી શકતા હોય. જેમ કે પોતે અન્યાય સામે ન લડી શકે, પોતે બોસને કશો વળતો જવાબ ન આપી શકે, નેતાઓ પર ખૂબ ગુસ્સો આવતો હોય પણ કંઈ ન કરી શકે, ઇચ્છતા હોય તેવો પ્રેમ જિંદગીમાં ન મેળવી શકે ત્યારે ફિલ્મ્સમાં નાયકને આ બધું કરતા જોઈને એક જાતનો સંતોષ એમને મળતો હોય છે. ટૂંકમાં પોતે ન કરી શકે એ સ્ક્રીન પર બીજાના હાથે થતું જોઈને પોરસાવું
એ પણ હીરોઇઝમની પ્રસિદ્ધિ પાછળનું એક જવાબદાર કારણ ખરું અને એમાંથી જ જન્મે હીરોની પણ અવાસ્તવિક એક્શન. ‘બાહુબલી’માં નાળિયેરની ગોફણ બને કે એક જ ધનુષમાંથી અનેક તીર અલગ દિશામાં છૂટે, લોકો તેને આવડત કે હીરોની તાકાત ગણીને ખુશ થયા હતાં. અને આ જ સિલસિલો હજુ સુધી ચાલી રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં જો કે હીરોઇઝમ હતું જ, વધુ લોકપ્રિય હમણાંના વર્ષોમાં થયું. પાન ઇન્ડિયા ફિલ્મ્સ બનવાની શરૂઆત થઈ એ પહેલાં પણ જે લોકો દક્ષિણની ફિલ્મ્સ ડબ વર્ઝનમાં જોતા એમને ખ્યાલ હશે જ કે એમાં હીરોની એન્ટ્રી, ન્યાયપ્રિયતા માટે દુશ્મનો સામે લડવાની અવાસ્તવિક છતાં મનોરંજક રીત અને એને અનુકૂળ ફાસ્ટ પેસવાળું એડિટિંગ હતું ,જે જે સૌને ખૂબ ગમતું.
હીરોઇઝમનો સિનેમામાં એક અર્થ એ પણ ખરો કે ફિલ્મ નાયકની આસપાસ વધુ ફરે અને એની સાથેના બીજાં પાત્રો કે વાર્તા પર ઓછી. અને એમાં પણ ખાસ કરીને હીરો એટલે પુરુષ પાત્ર જ. હીરોને જયારે વધુ કેન્દ્રમાં રાખવામાં આવે ત્યારે એના પાત્રને વધુ મોટું દર્શાવી શકાય અને તેની પાસે લાર્જર ધેન લાઈફ પ્રવૃત્તિઓ કરાવી શકાય. થોડા વર્ષો પહેલા ‘આઓ કભી હવેલી પે’ કે કાલી પહાડી કે પીછે’ જેવા મીમ્સ ફરતા થયા હતા એ પણ ગઈ સદીના એ જ સમયગાળાને દર્શાવે છે કે જયારે ફિલ્મના હીરોલોગ પોતાના પરિવારને કે પછી પ્રેમિકા કે પત્નીને ફિલ્મના અંતમાં આવી કોઈ જગ્યા પરથી એકદમ મુશ્કેલ લાગતી પરિસ્થિતિમાં અવિશ્ર્વસનીય હીરોઇઝમથી ગુંડાઓ સામે લડીને છોડાવી લાવે. એ પછી હીરોઇઝમની વ્યાખ્યા બદલાઈ અને ૨૦૦૦ના દશકામાં નાયકની સાથે વાર્તા પર પણ ધ્યાન અપાયું અને પેલી ‘હીરો ઇઝ એવરીથિંગ’વાળી ચીજ બદલાવાની સાથે ઓવર ધ ટોપ દ્રશ્યોની સંખ્યામાં પણ ઘટાડો થયો.
હવે ફરી પાછો સમય બદલાયો છે. દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં જે હીરોઇઝમ હતું એ હવે વધુ મેઇનસ્ટ્રીમ થયું છે, સીમાડા વટાવીને આખા દેશમાં ફેલાયું છે. ફિલ્મ્સ જે ચાર ફેકટર્સ એટલે કે ગીતોની ભાષા, સંવાદોની ભાષા, કાસ્ટ અને માર્કેટિંગના કારણે પાન ઇન્ડિયા બની છે એ સાથે સાથે હીરોઇઝમને પણ બહોળા દર્શકવર્ગ સામે લાવવામાં સફળ થઈ છે.
ફેશનમાં જેમ કોઈ ચીજ એકવાર આઉટડેટેડ થાય એ વર્ષો પછી પાછી ટ્રેંડમાં આવે તેમ જ હીરોઇઝમ એક વખત લોકોને ક્લીશે-ચીલાચાલુ લાગ્યું, પણ એ
ફરી પાછું આવ્યું છે. ‘કેજીએફ’, ‘પુષ્પા’, ‘સાલાર’, ‘જવાન’, વગેરે ફિલ્મ્સ તેની મોટી સાબિતી છે.
હીરોઇઝમની બોલીવૂડમાં આટલાં વર્ષોની ગેરહાજરી અને હવેની રી-એન્ટ્રી પર એક્ટર્સનું શું કહેવું છે અને હમણાંની
ફિલ્મ્સમાં હીરોઇઝમના રહેલાં ઉદાહરણો પર હજુ ચર્ચા કરવાની બાકી રહી જાય છે. એની વાત આપણે કરીશું આવતા સપ્તાહે.
(ક્રમશ:)
લાસ્ટ શોટ
રોહિત શેટ્ટી: દક્ષિણ ભારતમાં આ પ્રકારની હીરોઇઝમવાળી ફિલ્મ્સ ચાલતી જ હતી, બસ હવે આખો દેશ જોતો થયો છે.
આશરે ૯૦૧ શબ્દો..
હીરોગીરીવાળી એકાદ દક્ષિણ અને એકાદ હિન્દી ફિલ્મનું પોસ્ટર- ફોટા મુકી શકાય…