..અહીં લોકો ભૂલ પોતાની નથી માનતા તો લોકોને પોતાના ક્યાંથી માને…?

અરવિંદ વેકરિયા
રાજેન્દ્ર શુકલનાં ધર્મપત્ની જયશ્રી
અત્યારે વાત ચાલી રહી છે, મારાં નાટક ‘વાત મધરાત પછીની’, જેના લેખક હતા રાજેન્દ્ર શુકલ. અમારી કોલેજકાળની દોસ્તી જે છેલ્લે સુધી અણનમ રહી. શરૂઆતમાં થોડી એકાંકીમાં અભિનય કર્યો, ઇનામો પણ મેળવ્યા. એની અદાકારી કરતાં એનું લેખનનું પલ્લું વધારે ભારે નીકળ્યું અને એ રંગભૂમિનો જાણીતો લેખક બની ગયો. ઘણી સંસ્થા માટે એણે અનેક નાટક લખ્યાં.
મારી સાથે એના પ્રથમ નાટક ‘તિરાડ’થી એની લેખક તરીકેની યાત્રા એણે શરૂ કરી એનો મને ગર્વ કાયમ રહેવાનો. મારા આ પ્રિય
દોસ્તને મેં ૨૯ મેં,૨૦૧૫ મા ગુમાવ્યો. આજે એટલે કે તા: ૦૬.૦૪.૨૪નાં પૂજ્ય જયશ્રીભાભી (રાજેન્દ્ર શુકલનાં ધર્મપત્ની.) ને ગુમાવ્યા. પ્રભુ, આ યુગલને ચીર:શાંતિ આપે અને ફરી પ્રભુનું નાટક લખવા જયશ્રીભાભી એની પ્રેરણા બની રહે એવી પ્રાર્થના અને એમની એક માત્ર દીકરી ઉષ્માને આ ખાલીપો સહન કરવાની શક્તિ આપે, ઓમ શાંતિ.! તો, હવે મારી વાત આગળ…
બીજો અંક પણ જડબેસલાક ગયો. ત્રીજો અંક નાનો હતો પણ જે ભૂલો , રહસ્યની કડીઓ મેળવવાની કિશોર ભટ્ટ ‘છાનું છમકલું’ મા કરતાં હતા એ ભગવાનની મહેરબાનીથી ‘વાત મધરાત પછીની’ મા મારાથી ન થઈ.લોકોને રહસ્યની ખુલતી બધી કડીઓ શીરાની જેમ ગળે ઊતરી ગઈ. અમારું નાટક- નાટકની ભાષામાં ‘ચીટકી’ ગયું. બધા ખુશ હતા. એકબીજા સાથે હસી-મજાક સાથે સફળતાનો સ્વાદ લઈ રહ્યાં હતા. હું, રીવાઈવલની સફળતાને ખૂણામાં બેસી બધાને જોઈ-માણી રહ્યો હતો એકલો! બધાને આશ્ર્વાસન આપવાવાળી વ્યક્તિ પોતાનાં દુ:ખોમાં હંમેશાં એકલી જ હોય છે એ સાંભળેલું , પણ આ તો સફળતાના સુખમાં પણ હું એકલો? કહે છે કે પહેલા લેખકનું લખાણ ભાગ ભજવે, પછી દિગ્દર્શકની કુનેહ એની પોતાની આવડત પ્રમાણે સજાવે, પણ છેલ્લે તો તખ્તા ઉપર કલાકારો જ સર્વસ્વ. મારા બધા કલાકારો આનંદ લૂંટી રહ્યાં હતાં. આજે કલાકારો દિલથી મળી રહ્યાં હતાં. કારણ કે ‘છાને ખૂણે મનમાં નાટક ખૂબ ચાલશે’ નો ભાવ દેખાતો નહોતો, પણ છલકાતો જરૂર હતો. મળી જાય તો વાત લાંબી ને વિખૂટા પડે તો યાદ લાંબી. કંઈક એવું જ વાતાવરણ બેકસ્ટેજમાં પ્રસરી ગયું હતું. તુષારભાઈની નાટક રીવાઈવ કરવાની જીદે આજે રોનક કરી દીધી. ત્યારે તુષારભાઈની વાત સાચી લાગે કે જિંદગી આપણા હિસાબે જ જીવવી જોઈએ.લોકોને ખુશ રાખવાનાં ચક્કરમાં તો સિંહને પણ સર્કસમા નાચવું પડે છે.
ભટ્ટ સાહેબ અને રાજેન્દ્ર પણ એકદમ ખુશ હતા, અને હોય જ ને! ભટ્ટ સાહેબ તો કથાવસ્તુ જાણ્યા વગર સીધા ભાગીદાર બનેલા હવે તો એ કદાચ ભાગ્યરેખા’ નો ફ્લોપ શો પણ ભૂલી ગયા હશે.રાજેન્દ્રના થોડા ફેરફાર અને જયંત ગાંધીની મદદથી નાટકને લોકોએ ‘મનોરંજન’ નાં નામે સ્વીકારી પણ લીધું, આ આનંદ અનેરો હતો. જે ‘બોલ્ડનેસ’ લોકો અવગણશે એ ડર લોકોનો પ્રતિસાદ જોઇને દૂર થઈ ગયો. કિશોર દવેના જમા પક્ષે, એમણે આપેલું ટાઈટલ ‘વાત મધરાત પછીની’ જે માટે મેં ભેટીને એમનો આભાર માન્યો… પણ અહીં લોકો ભૂલ પોતાની નથી માનતા તો લોકોને પોતાના ક્યાંથી માને? કઈક આવું જ એમને ભેટતા મને લાગ્યું. મારો ઉમળકાભેર આભાર માનવો, જેનો પ્રતિસાદ એમના તરફથી ઠંડોગાર!
ચંદ્રવદન ભટ્ટ અને ‘રંગફોરમ’ બેનર, એટલે થિયેટર માટે કોઈ ચિંતા જ નહોતી. મને એકલો ખૂણામાં બેઠેલો જોઈ હસતા હસતા મારી પાસે આવીને કહે, :
‘કેમ એકલો એકલો હરખાય છે?’ પછી મને લઇ બધાના ગુંજતા હાસ્યનાદ વચ્ચે લઇ આવ્યા. અને રમૂજી શૈલી મા બોલ્યા, ‘નાવડી કિનારે આવી ગઈ તો મૂળ નાવિકને જ ભૂલી ગયા?’ બધા મારી નજીક ફંટાયા. રાજેશ મહેતા અને સોહિલ વિરાણીએ તો ભેગા મળી મને તેડી પણ લીધો. સાચો આનંદ મને ત્યારે મળ્યો એવું લાગ્યું. ભટ્ટ સાહેબ કહે, ‘તમારો દિગ્દર્શક અને પાછો નાટકનો મુખ્ય અદાકાર આમ ખૂણામાં બેસી રહે અને તમે એકલા એકલા સફળતાનો આનંદ ઉઠાવો છો? દાદુ હજી ઘડાયો નથી. દાદુ, લોકો તમારી કદર એ સમયે નહિ કરે જયારે તમે એકલા હશો, પરંતુ તમારી કદર એ સમયે કરશે જ્યારે એ એકલા હશે. જોજે, આ નાટક જેટલું પણ ચાલે, ત્યાં સુધી એ લોકો ટટ્ટાર ચાલતા રહેશે અને જેવું આ નાટક પત્યું અને કામ નહિ હોય તો તારી પાસે જ કામની ટહેલ નાખશે. આ નિયમ છે, જે તારે આગળ જતા
શીખવાનો છે.’
આ સાંભળીને કલાકારોમાં અમુક છોભીલા પડી ગયા. રજની આવીને મને પગે લાગી. ‘સોરી દાદુ. મારા પહેલા નાટક માટે હું જરા બધા વચ્ચે ઘેરાઈ ગઈ હતી. મને હિંમતભેર પહેલીવાર તખ્તા પર રજૂ કરવા માટે તમારો દિલથી આભાર માનું છું.’
મેં કહ્યું, તો મારે હવે ધનવંત શાહને પગે લાગવું પડશે, કારણકે આ નાટક માટે એમણે મને યોગ્ય કલાકારો આપ્યા….’ ધનવંતશાહે મને ખભે ધબ્બો મારતા ‘શું દાદુ, તમે પણ…’ કહી પ્રતિભાવ આપ્યો. એ પછી તો કુમુદ બોલે પણ બોલ્યાં બધાના અભિનંદનો ભેગા કરી હું એ તમને ધરી તમારો આભાર માનવાની જ હતી.’
મેં વચ્ચેથી રોકતા કહ્યું :
‘નો પ્રોબ્લેમ. એન્જોય યોર સકસેસ… પણ પહેલા શોમાં થોડા આપણા હિતેચ્છુ પણ હશે. એ તો ખરાબ નહિ જ બોલે, પણ આવનારા શોમાં આપણને સાચી ખબર પડશે , જયારે ટિકીટબારી બોલશે અને પ્રેક્ષકો ખડખડાટ હસશે. એટલે પહેલો શો ભલે પત્યો , પણ હવે દરેક શો આપણે પહેલા શોની જેમ જ ભજવીશું તો સફળતા તમારાં ચરણોમાં હશે એ નક્કી,’ બધાએ તાળીઓ પાડીને મારા એ મિની ભાષણને મોટેથી વધાવી લીધું. ચંદ્રવદન ભટ્ટની રમૂજ રાતના સમયે પણ એટલી જ સતેજ હતી. મને કહે,‘ચાલ, બધા માટે ભજીયા મંગાવ.’ તુષારભાઈ તરત બોલ્યા, બધા બેસતા હોય તો હું હમણા ગુલાલવાડીમાંથી લઇ આવું’ એ વાત પર બધા ફરી ખડખડાટ હસ્યા.
છૂટા પડતા પહેલાં ભટ્ટ સાહેબે કહ્યું,‘બુધ-ગુરુ પાછા એક રિહર્સલ રાખીએ, જો કોઈને વાંધો ન હોય તો!.’ બધાએ વાત સ્વીકારી લીધી,સિવાય કિશોર દવે. એ કહે
‘હું આવી જ જઈશ પણ મારે એક-બે કામ છે એટલે થોડું મોડું થશે. પણ સ્યોર આવી જઈશ. વાંધો નથી ને, દાદુ?’
હું શું બોલું?. ખોટા પ્રશ્ર્નનો શ્રેષ્ઠ ઉત્તર એટલે, મૌન. અને કપરા સમયની પ્રતિક્રિયા એટલે
સ્મિત. મેં મોઢું મલકાવી સોલ્યુશન પણ આપી
દીધું કે, ‘પહેલા અમે ત્રીજો અંક શરૂ કરીશું. જેમાં તમે નથી. એ પૂરો થાય ત્યાં સુધીમાં તો તમે પહોંચી
જશો ને?’
સ્યોર દાદુ… કહી એમણે હાથ મિલાવ્યા અને પહેલીવાર મેં એમના મોઢે સાંભળ્યું, ‘થેંક યુ.’
બધા છૂટા પડ્યા. આ બધા દરમિયાન મારી પત્ની ભારતી ખબર નહિ શું વાતો કરતી હતી નિહારિકા બેન સાથે…..તન્મય અને નાનો સન મનવિત હવે સૂવાની તૈયારીમાં હતા. ભટ્ટ સાહેબે પોતાની કારમાં અમને નાના ચોક છોડ્યા. ત્યાંથી ગ્રાન્ટ રોડ જઈ હરખના હારડા પહેરી ટ્રેન
પકડી.
એ પછી બુધ-ગુરુ રિહર્સલ કરવાના હતા. મને તો બધું પરફેક્ટ લાગતું હતું. ભટ્ટ સાહેબે સોમવારે સાંજે ફોન કરી અમુક સંવાદ ‘કટ’ કરવાનું કહ્યું. ‘એ કટ’ સાથે અમે બુધ-ગુરુ રિહર્સલ કર્યા.
રવિવારે સાંજે બિરલા ક્રિડા કેન્દ્રમાં શો હતો. બુધવારના પહેલા દિવસે જ બુકિંગ જોરદાર રહ્યું. શનિવારે સાંજે તો જુજ ટિકિટો જ બાકી રહી.
પ્રભુ, રવિવારે પણ ફરી ‘હાઉસ ફૂલ’ નું બોર્ડ ઝૂલે તો જલસો પડી જાય….
સવાલો કદી મરતા નથી,
જવાબો કોઈને ગમતા નથી,
ખુશીથી જીવન જીવી લો ,
સાહેબ!, ‘આંસુ આંખોને’ય ગમતા નથી.
એક દારૂડિયો મર્યા પછી સ્વર્ગમાં ગયો. એને આખું સ્વર્ગ બતાવવામાં આવ્યું. એને બિચારાને વિશ્વાસ જ બેસતો નહોતો. એણે
યમરાજને પૂછ્યું કે હું આટલો બધો દારૂ પીતો હતો, દારૂડિયો જ હતો તો પણ મને સ્વર્ગમાં કેમ લાવ્યા?’
યમરાજ : ‘તું
દારૂ પીતા-પીતા જેટલા દિવસ માત્ર સીંગદાણા ખાઈને સૂઈ જતો તે બધા દિવસ તારા ઉપવાસમાં કાઉન્ટ થયા છે એટલે ! ’