મેટિની

હિન્દીની હરણફાળ

તિજોરી કેટલી છલકાઈ એ ફિલ્મની સફળતાનો માપદંડ ગણાય છે એવા વાતાવરણમાં આ વર્ષે બોલિવૂડે એકલપંડે સાઉથની ચાર ભાષા કરતાં વધુ વકરો કર્યો છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

સૌપ્રથમ એક ખુલાસો… બોક્સ ઓફિસની સફળતા એ ફિલ્મની ગુણવત્તાનો માપદંડ હોય પણ અને ન પણ હોય. અલબત્ત, ફિલ્મની ગુણવત્તા સાપેક્ષ બાબત છે. ’એનિમલ’ને વિવેચક વખોડી કાઢે તો પ્રેક્ષક પારાવાર પ્રેમ કરે. આમ છતાં, આજની તારીખમાં બોક્સ ઓફિસ કલેક્શન સફળતાનો મુખ્ય અને કદાચ એકમાત્ર માપદંડ ગણાય છે. ફિલ્મ કેવી હતી, એક્ટિંગ અને ગીત – સંગીત અથવા કેમેરાવર્ક જેવી બાબતો કરતાં એના બોક્સ ઓફિસ કલેક્શનની યાને કે એના આર્થિક વળતરની વધુ ચર્ચા થાય છે. એ મુદ્દો ધ્યાનમાં રાખી આ સ્ટોરી લખવામાં આવી છે.

અહીં લેખમાં જે આંકડાકીય માહિતીનો હવાલો આપવામાં આવ્યો છે એ ‘સેકનિલ્ક એન્ટરટેઇનમેન્ટ’ નામની મીડિયા/ન્યૂઝ કંપનીની ભરોસાપાત્ર માનવામાં આવતી સંગ્રહિત માહિતીનો આધાર છે.
હવે મૂળ વાત પર આવીએ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિવેચકના વહેમ અને પ્રેક્ષક માઈબાપના પ્રેમ વચ્ચે લટાર મારતી હોય છે. વિવેચકને ઉતારી પાડવાનો કોઈ આશય નથી, પણ વિવેચકના ચશ્માંના નંબર અને પ્રેક્ષકોના ચશ્માના નંબરનો ભાગ્યે જ મેળ ખાતો હોય છે. ઝાઝા દૂર ન જઈએ અને ૨૦૨૨ની જ વાત કરીએ. ‘આરઆરઆર’ (૧૨૩૦ કરોડ), ‘કેજીએફ ચેપ્ટર -૨’ (૧૨૦૦ કરોડ) અને ‘કાંતારા’, ‘વિક્રમ’ અને ‘પોન્નીયિન સેલ્વન – ૧’ (પ્રત્યેકનું કલેક્શન ૪૦૦ કરોડથી વધારે) વગેરે સાઉથની તેમજ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોની વિરાટ સફળતા સામે ‘બ્રહ્માસ્ત્ર – પાર્ટ વન’, ‘દ્રશ્યમ -૨’, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘ભૂલ ભુલૈયા ૨’ અને ‘જગ જગ જિયો’ જેવી હિન્દી અને જરૂરિયાત અનુસાર સાઉથની ભાષામાં ડબ થયેલી ફિલ્મોની સફળતા (કુલ ૧૪૩૦ કરોડ) અનેક ચશ્મામાંથી વામણી લાગી હતી. સાઉથની ફિલ્મોની વાર્તાની પસંદગી, એની ટ્રીટમેન્ટ, એનું માર્કેટિંગ વગેરે બાબતો સામે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાણી ભરે જેવી પ્રતિક્રિયાઓ ધાણીની જેમ ફૂટવા લાગી હતી. હિન્દીમાં ફિલ્મ બનાવતા મેકરોએ સાઉથ પાસેથી ઘણું શીખવાનું છે જેવી સુફિયાણી સલાહ વિવેચકના વર્ગમાંથી વહેતી થઈ.

 ૨૦૨૩માં શું થયું? ૨૦૨૨માં સાઉથની હિન્દીમાં ડબ કરેલી ફિલ્મો કોલર ટાઈટ કરીને ફરતી હતી અને ૨૦૨૩માં કોલરની સિલાઈ ફાટી ગઈ હોવાથી એને ઢાંકવો પડે એવી હાલત જોવા મળી. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે ૨૦૨૩માં સાઉથની ચાર ભાષા (તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ)ની ફિલ્મોનું કુલ કલેક્શન ૫૦૩૦ કરોડ હતું ,જ્યારે હિન્દી ફિલ્મોનો વકરો ૬૦૧૫ કરોડ રહ્યો હતો. ૨૦૨૩ની બોક્સ ઓફિસ કલેક્શન (આપણે જેને વકરો કહીએ છીએ)ની ટોપ ૧૦ ફિલ્મની યાદીમાં ૯ હિન્દી ફિલ્મ છે. તેલુગુમાં બની હિન્દીમાં ડબ થયેલી સમ ખાવા હાજરી પુરાવતી એકમાત્ર ફિલ્મ છે ૨૨ ડિસેમ્બરે રિલીઝ થયેલી ’સલાર: પાર્ટ વન - સીઝફાયર’ જે એક મહિનામાં વિશ્વભરમાં ૬૦૦ કરોડનો વકરો કરી શકી હતી. અત્યારના આંકડાકીય માપદંડ અનુસાર આ ફિલ્મ સુપરહિટ ગણાઈ છે. એ સિવાય જે નવ હિન્દી ફિલ્મ છે એમાં ૫ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર - અઢળક વકરો (જવાન, પઠાન, ગદર ૨, એનિમલ અને ધ કેરળ સ્ટોરી) કરનારી ફિલ્મ સાબિત થઈ છે. કલેક્શનમાં પહેલે નંબરે છે ‘જવાન’ (૧૧૬૦ કરોડ = ૫૮૨.૩૧ + ૧૭૭.૬૯ + ૪૦૦). કૌંસમાં આપેલા આંકડાનું વધુ પૃથક્કરણ કરીએ તો ‘જવાન’ની ૧૧૬૦ કરોડના કલેક્શનમાં ૫૮૨.૩૧ કરોડ હિન્દીમાં જ્યારે ડબ કરેલી ભાષાના ૧૭૭.૬૯ કરોડ છે અને વિદેશનો વકરો ૪૦૦ કરોડનો છે. એ અનુસાર પછી ‘પઠાન’ (૧૦૫૫ કરોડ = ૫૨૪.૫૩ + ૧૩૨.૯૭ + ૩૯૭.૫), ‘એનિમલ’ (૯૧૩.૨૫  કરોડ = ૫૦૨.૪૫ કરોડ + ૧૫૬.૮૦ + ૨૫૪), ’ગદર ૨’ (૬૮૬ કરોડ = ૫૨૭.૫ + ૯૩ + ૬૫.૫), ‘ટાઈગર ૩’ (૪૬૪ કરોડ = ૨૭૬ + ૬૩.૫ + ૧૨૪.૫), ‘ડન્કી’ (૪૪૬.૧૫ કરોડ = ૨૨૬.૬૭ + ૪૪.૪૮ + ૧૭૫), ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ (૩૫૭.૫ કરોડ = ૧૫૩.૫૫ + ૨૮.૯૫ + ૧૭૦), ‘ધ કેરળ સ્ટોરી’ (૩૦૨ કરોડ = ૨૩૯.૦૫ + ૪૭.૪૫ + ૧૫.૫) અને ‘ઓએમજી ૨’ (૨૨૧.૭૫ કરોડ = ૧૫૧.૧૬ + ૨૭.૫૯ + ૪૩) આવે છે.

ડિસેમ્બર મહિનો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ટંકશાળ સાબિત થયો. આ મહિનામાં ચાર ફિલ્મ ૧૩૦૦ કરોડની ધીકતી કમાણી કરવામાં સફળ રહી, જેને કારણે ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન (દુનિયાભરની કમાણી)નો આંકડો ૧૨૦૦૦ કરોડને આંબી ગયો. અગાઉ વૈશ્ર્વિક વકરામાં આવી તોતિંગ સફળતા ૨૦૧૯ (૧૦,૯૪૮ કરોડ) અને ૨૦૨૨ (૧૦,૬૩૭ કરોડ)માં મળી હતી. ૨૦૨૩માં નવેમ્બર સુધી લગભગ આવી જ અવસ્થા હતી, પણ ૧૨મો મહિનો પાર્ટિંગ કિક નહીં પણ પાર્ટિંગ પ્યાર આપી ગયો.

કલેક્શનમાં બંગાળી કરતાં ગુજરાતી ચડિયાતી!
ગુજરાતી અને બંગાળી ફિલ્મના સ્તરનું યુદ્ધ છેડવાનો કોઈ જ ઈરાદો નથી. વાત માત્ર વળતર કેટલું એના માટે વિશેષ મમત્વ ધરાવતી આપણી પ્રજાનું એક વાત પર ધ્યાન દોરવું છે. કુશળ અભિનેતા અને ગુજરાતી ફિલ્મોના ‘સુવર્ણયુગ’ના સાક્ષીદાર એવા અરવિંદ પંડ્યાની ગુજરાતી ફિલ્મો એટલે ‘ગાડું, ગરબો ને ગોકીરો’ની વ્યાખ્યાને કેટલાક વર્ષથી ગામબહાર કરવામાં આવી છે અને છેલ્લા દસકાની ગુજરાતી ફિલ્મોના અભ્યાસુઓના કહેવા મુજબ ‘ટર્બનમાંથી અર્બન’નો અવતાર ધારણ કરેલી ફિલ્મોના નાનકડા વિશ્ર્વમાં સફળતાનાં સૂરજના કિરણો ધીરે ધીરે અજવાળું પાથરી રહ્યા છે.

૨૦૨૩માં બંગાળી ફિલ્મોના કલેક્શનનો આંકડો (બધા આંકડા રૂપિયામાં છે, વિશ્ર્વભરના કલેક્શનના છે અને ટોપ ૧૦ પૂરતા સીમિત છે) ૨૭.૫૫ કરોડ રહ્યો છે (૨૦૨૨માં ૩૯.૨૦ કરોડ) જ્યારે એકંદરે ગામડું છોડી શહેર દોડી આવેલી ગુજરાતી ફિલ્મોનો વકરો ૬૨.૨૪ કરોડનો (૨૦૨૨માં ૬૧.૬૩ કરોડ) રહ્યો જેમાં સૌથી સફળ ફિલ્મ હતી ૩૪.૨ કરોડના વકરા સાથે ‘૩ એક્કા’.
બંગાળી ચિત્રપટોમાં સત્યજિત રાય- ઋત્વિક ઘટક અને મૃણાલ સેનની ઉજજવળ પરંપરા વિસરાઈ ગઈ છે અને આજના ફિલ્મમેકરો પરંપરા અને આધુનિકતા વચ્ચે ગોથા ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આમ છેલ્લાં બે વર્ષથી ગુજરાતી ફિલ્મમેકરો બંગાળી મેકરો કરતાં બહેતર બોક્સ ઓફિસ સફળતા મેળવી રહ્યા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ૨૦૨૩માં ટોપ ટેન મરાઠી ફિલ્મોનું કલેક્શન ૧૪૨.૯ કરોડ હતું (૨૦૨૨માં ૧૯૬.૪૯ કરોડ) જેમાં કેદાર શિંદેની ‘બાઈપણ ભારી’નો ૯૦.૫ કરોડ સાથે સિંહણફાળો હતો. એમ તો ગયા વર્ષના ૧૯૬.૪૯ કરોડના કલેક્શનમાં ‘વેડ’નો ૭૫ કરોડ સાથે દબદબો હતો. જાણવા જેવી વાત એ છે કે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કદ આજની તારીખમાં ગુજરાતી, મરાઠી અને બંગાળીની સરખામણીમાં ઘણું મોટું છે. ૨૦૨૩માં બલ્લે બલ્લે કરતી ફિલ્મો ૩૨૪.૩૫ કરોડ (૨૦૨૨માં ૧૧૮.૬૯ કરોડ)નું અફલાતૂન કલેક્શન કરવામાં સફળ રહી હતી. મજાની વાત તો એ છે કે ત્રણ ફિલ્મનું યોગદાન ૨૨૨ કરોડ (કેરી ઓન જટ્ટા ૩ – ૧૦૧.૯ કરોડ, મસ્તાને – ૭૪ કરોડ અને જોડી ૪૭.૫ કરોડ)નું હતું. પંજાબી ફિલ્મોની એક રસપ્રદ વાત એ પણ છે કે તેણે ભારત કરતાં (૧૫૭.૮૫ કરોડ) વિદેશમાં વધારે વકરો (૧૬૩.૩૫ કરોડ) કર્યો છે. ગુજરાતી, મરાઠી અને બંગાળી ફિલ્મો સામે પંજાબી ફિલ્મો આ બાબતે મેદાન મારી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button