હેપ્પી હાઈલાઈટ્સ – ૨૦૨૩
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
વશીકરણ:
કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત અને હિતેન કુમાર, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતુ કનોડિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વશ’ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હિતેન કુમારની સેક્ધડ ઇનિંગની આ થ્રિલર ફિલ્મને ફક્ત ગુજરાતીઓએ જ વખાણી છે એવું નથી. આ ફિલ્મના વશીકરણમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આવી ચૂકી છે. દિગ્દર્શક વિકાસ બહલ ‘વશ’ની હિન્દી રીમેક અજય દેવગણ, આર. માધવન અને જ્યોતિકાને લઈને બનાવવાના છે. હિન્દીમાં પણ જાનકી બોડીવાલાનું કાસ્ટિંગ થયું છે, જે ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની વાત ગણાય!
બાર્બનહાઈમર:
હા, આ શબ્દ ફિલ્મજગતનો જ છે અને તેને બે ફિલ્મ્સના નામની સંધિ કરીને પ્રચલિત કરવામાં આવ્યો છે. આ વર્ષે હોલીવૂડમાં મંદી અને રાઈટર્સ અને એક્ટર્સની સ્ટ્રાઇક્સના તંગભર્યા વાતાવરણમાં બે ફિલ્મ્સે આવીને હોલીવૂડ હીલ્સમાં જરા ખુશનુમા હવા ભરી દીધી હતી. એ ફિલ્મ્સ એટલે ગ્રેટા ગર્વિગ દિગ્દર્શિત ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલન દિગ્દર્શિત ‘ઓપનહાઈમર’. બંને ફિલ્મ્સની નજીકના દિવસોની રિલીઝ અને હોલીવૂડને ઉગારવાની ઈફેક્ટના પરિણામે દર્શકોએ જ એ માટે ‘બાર્બનહાઈમર’ નામ આપીને ખુશી જાહેર કરી હતી!
હોલીવૂડ હન્ડ્રેડ:
હોલીવૂડ માટે ૧૯૧૩નું વર્ષ પણ જાણે ખાસ હતું. કેમ કે ૨૦૨૩નું વર્ષ તેમના માટે ૧૦૦ વર્ષની ઉજવણીનું વર્ષ બન્યું છે. એ પણ એક-બે નહીં, પણ ત્રણ-ત્રણ ૧૦૦ વર્ષની ઉજવણી. વાત જાણે એમ છે કે હોલીવૂડના બે મોટા સ્ટુડિયોઝ ‘વોર્નર બ્રધર્સ’ અને ‘ડિઝની’ની સ્થાપનાને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા છે. એ ઉપરાંત હોલીવૂડની પેલી ટેકરી પર આવેલી ફેમસ સાઈન તો તમને ખબર જ હશે, એના પણ ૧૦૦ વર્ષ ૨૦૨૩માં જ પૂરા થયા છે!
હમ હૈ તો હિટ હૈ:
વર્ષ દરમિયાન અનેક ફિલ્મ્સ હિટ કે બ્લોકબસ્ટર જતી હોય છે તો અમુક ફ્લોપ કે ડિઝાસ્ટર સાબિત થતી હોય છે. પણ એમાં અમુક એક્ટર્સ એવા હોય છે કે જેની સાથે ફિલ્મ્સની સફળતા એકથી વધુ વખત જોડાઈ હોય છે. ચાલુ વર્ષે સાતત્યતાથી કમાણીમાં યોગદાન અપાવનાર સ્ટાર્સના આ રહ્યા નામ: શાહરુખ ખાન (જવાન, પઠાણ અને ડંકી), જોસેફ વિજય (વારિસુ, લિયો) અને રણબીર કપૂર (તૂ જુઠ્ઠી મૈં મક્કાર, એનિમલ).
લાસ્ટ શોટ
અમેરિકાના ૧૯૫૦-૬૦ના દશકાની ફિમેલ સ્ટેન્ડઅપ કોમેડિયનની વાત કરતા ગુણવત્તાસભર અને પ્રચલિત વેબ શો ‘ધ માર્વેલસ મિસિસ મેઝલ’ની પાંચમી અને આખરી સીઝન આ વર્ષે રિલીઝ થઈ.
વર્ષના અંતે મનોરંજનનું મજેદાર મોમેન્ટ્સનું ઍક્સન રિ-પ્લે…
વર્ષ ૨૦૨૩નું બારણું વસાવામાં છે અને વર્ષ ૨૦૨૪નું બારણું ઊઘડવામાં છે…
વર્ષ દરમિયાન ફિલ્મ્સ, શોઝ અને અનેક પ્રકારના એન્ટરટેઇન્મેન્ટ કોન્ટેન્ટ રિલીઝ થતાં રહેતા હોય છે. સિનેરસિકો એની મજા માણે એ સાથે અમુક યાદગાર સમાચાર ને ઘટનાઓ પણ ઘટે કે જેનું વર્ષના અંતે રિવિઝન – ફરી જોઈ જવાનું પણ મન થાય. દર્શકો માટે આ વર્ષે બનેલી એવી જ હેપ્પી મોમેન્ટ્સ પર એક નજર દોડાવીએ- આવી ક્ષણોનું ઍકશન રિ-પ્લે કરીએ…
નાટુ નાટુ દુનિયા:
દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘આર આર આર’ની વિશ્ર્વ ફલક પર પણ ખૂબ ખૂબ વાહવાહી થઈ છે. ઓસ્કર્સ ૨૦૨૩માં ‘બેસ્ટ ફિલ્મ’ તરીકે તો તેને નોમિનેશન ન મળ્યું , પણ ‘બેસ્ટ સોન્ગ’ તરીકે ફિલ્મના ‘નાટુ નાટુ’એ જગતભરમાં લોકોને તેના તાલે નાચતા કરી દીધા એ નક્કી. ફક્ત નોમિનેશન જ નહીં, એમ. એમ. કીરવાણી અને ચંદ્રબોઝે કમ્પોઝ કરેલા આ ગીતે ઓસ્કર સહિત ગોલ્ડન ગ્લોબ અને અનેક વૈશ્ર્વિક એવોર્ડ્ઝ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે!
હેલ્લો હોલીવૂડ:
ભારતીય કલાકારો હોલીવૂડ ફિલ્મ્સમાં કામ કરે એ હવે નવી વાત નથી. પણ નવી વાત એ છે કે હવે એમને પહેલાના પ્રમાણમાં મોટી અને મુખ્ય ભૂમિકાઓ ઉપરાંત નિરંતર કામ મળતા થયા છે. પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર અને અલી ફઝલ જેવા કલાકારોએ તો અનેક વખત અમેરિકન ફિલ્મ્સમાં કામ કર્યું છે તો ચાલુ વર્ષે આલિયા ભટ્ટે દિગ્દર્શક ટોમ હાર્પરની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં ગાલ ગડોટ સાથે અને આદર્શ ગૌરવે સ્કોટ બર્ન્સની ડ્રામા સિરીઝ ‘એક્સ્ટ્રાપોલેશન્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ટેલર કા ટેરર:
૨૦૨૩ની ટાઈમ- ‘પર્સન ઓફ ધ યર’ ટેલર સ્વિફ્ટે સંગીતની દુનિયામાં તરખાટ મચાવી દીધો છે. એની ‘ધ એરાઝ ટૂર’ લાઈવ કોન્સર્ટ થકી એણે અનેક રેકોર્ડ્સ સર્જી દીધા છે. અનેક દેશની ઈકોનોમી સુદ્ધાં ન તારનાર ટેલર સ્વિફ્ટની હજુ ચાલી રહેલી ટૂર ૧ બિલિયન ડૉલર્સથી વધુની કમાણી સાથે હાઈએસ્ટ ગ્રોસિંગ ટૂર તો બની જ ગઈ, પણ એના પરથી બનેલી કોન્સર્ટ ફિલ્મ પણ ૨૫૦ મિલિયન ડૉલર્સ સાથે હાઈએસ્ટ ગ્રોસિંગ કોન્સર્ટ ફિલ્મ બની છે.
વેલકમ બેક ઓસ્કર સ્ટાર્સ:
૨૦૨૩ જેમને સૌથી વધુ ફળ્યું હોય એવા બે કલાકારો એટલે કી હુઈ ક્વાન અને બ્રેન્ડન ફ્રેઝર….
સ્ટીવન સ્પીલબર્ગ જેવા દિગ્દર્શક સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી પણ કામના અભાવમાં વર્ષો ગાળેલા ક્વાને અને ફક્ત મસાલા ફિલ્મ્સ માટે એકસમયે જાણીતા અને ઈન્ડસ્ટ્રીમાં લગભગ ભુલાઈ ગયેલા બ્રેન્ડને આ વર્ષે અનુક્રમે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ એક્ટર’ નો ઓસ્કર જીતીને દેખાડી દીધું છે કે ધીરજ અને મહેનતથી સપનાંઓ પૂરા થઈ શકે છે!
કમબેક સુપરસ્ટાર એસઆરકે:
ચાર વર્ષથી પણ વધુ સમયથી મુખ્ય ભૂમિકામાં મોટા પડદેથી ગાયબ રહેનારા શાહરુખ ખાનની આ વર્ષે એક-બે નહીં, પણ ત્રણ ફિલ્મ્સ રિલીઝ થઈ. રોમેન્ટિક હીરોની ઇમેજથી અલગ રૂપમાં દર્શકો સામે બિગ કમબેક કરતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્સમાં ટોચ પર રહેલી એટલી દિગ્દર્શિત ‘જવાન’ અને સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’ દ્વારા એક્શન ફિલ્મ્સથી એ એક્કો સાબિત થયો છે. હમણાં રિલીઝ થયેલી રાજકુમાર હિરાણી સાથેની ‘ડંકી’ પણ સુપરહિટ સાબિત થઈ છે.
વેબવર્સ:
‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ પછી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ વાયઆરએફ સ્પાય યુનિવર્સ- રોહિત શેટ્ટી કોપ યુનિવર્સ, દિનેશ વિજન હોરર કોમેડી યુનિવર્સ થકી ફિલ્મ ફ્રેન્ચાઈઝને યુનિવર્સમાં ઢાળવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ વર્ષે વેબ સિરીઝની દુનિયામાં પણ આ યુનિવર્સની સ્થાપના થઈ છે ને મજાની વાત એ છે કે દેશને પરમેનેન્ટ ‘રૂમમેટ્સ’ થકી પ્રથમ વેબ સિરીઝ આપનારા ‘ધ વાઇરલ ફીવર પ્રોડક્શન હાઉસે’ જ તેમની એસ્પિરન્ટસ’ની દુનિયાને ‘એસકે સર કી ક્લાસ’, ‘સંદીપ ભૈયા’ અને એસ્પિરન્ટસ’ સીઝન- ટુ થકી વિસ્તારી છે.
કિટ્ટા-બુચ્ચા:
અતિ સફળ સીટકોમ શો ટુ એન્ડ અ હાફ મેન’ની આઠમી સીઝન પછી ૨૦૧૧માં શોના પ્રોડ્યુસર ચક લોર અને એક્ટર ચાર્લી શીન વચ્ચે તડફડ થઈ એમાં ચાર્લીને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, પણ હજુ બે મહિના પહેલાં જ ચકના નવા શો ‘બૂકી’માં એક કેમિયો માટે ચકે સામેથી ચાર્લીને એપ્રોચ કર્યો અને બંને વચ્ચે પેચઅપ થયું. કોમેડિયન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે પણ ૬ વર્ષ જૂની ફ્લાઇટ ફાઇટ પર પૂર્ણવિરામ મુકાયું છે અને બંને ‘નેટફ્લિક્સ’ના એક કોમેડી શો માટે સાથે આવી રહ્યા છે.