મેટિની

…મનગમતું બોલવાની ટેવ ત્યારે જ રાખવી જ્યારે અણગમતું સાંભળવાની હિંમત હોય…

અરવિંદ વેકરિયા

જયંતિ પટેલ

આજે મારી આ નાટ્યસફર શરૂ કરું એ પહેલા એક એવા મિત્રની વાત કરવી છે કે મારા મુરબ્બી, પણ મને એ મિત્ર કહીને જ બોલાવતાં, કહેતા કે મિત્રતાના ફૂલ ખીલવા માટે બે એવી વ્યક્તિઓ જોઈએ જે નિષ્કપટ હોય, જેમના વચ્ચે કોઈ માયા ન હોય.. આવું કહેનાર મુરબ્બી-કમ-મિત્ર એટલે જયંતિ પટેલ..

માત્ર તખ્તાનાં જ નહિ પણ ભવાઈ-ફોકના પણ અવ્વલ કલાકાર. આ બહુરૂપી પ્રતિભા રંગમંચના કલાકારની સાથે સારા લેખક, દિગ્દર્શક, હાસ્ય અભિનેતા, પત્રકાર અને કાર્ટૂનિસ્ટ પણ. હાલમાં જ તારીખ ૨૪ મે નાં દિવસે એમની જન્મજયંતી ગઈ. અખબારોમાં ખાસ એમનો ઉલ્લેખ થયો નહિ પણ મને સ્મરણપટ પર અચાનક યાદ આવી ગયું, જે તમારી સાથે શેયર કરવાનું મન થઇ ગયું.
આજની શું, અમારી પેઢીમાં પણ એમની જાણ અને નિકટતા ઓછી જ હશે એવું હું દ્રઢપણે માનું છું. તેઓ બોલવામાં સાચા અર્થમાં ‘પટેલ’ હતા. કહેતા કે જે સત્ય હોય એ ન બોલીએ તો પેટમાં અપચો રહે. હા, ખોટા હોઈએ તો ભૂલ કબુલી લેવામાં સલૂકાઇ હોય તો આત્મસંતોષનો ઓડકાર પણ આવે. નામ ભલે મોટું થાય, મોટા બનીએ પણ એની સામે નહીં જેમણે આપણને મોટા કર્યા હોય.
સત્ય, સત્ય જ રહે છે. કોઈ વાતે વિચારીએ કે ભૂલ થઈ છે તો માફી માગવામાં ક્યારેય નાના નથી થઇ જતા. આમ પણ ભગવાને મને પહેલેથી જ ‘લાંબો’ બનાવ્યો છે. (તેઓની ઊંચાઈ ખૂબ હતી.)

મેં તેજપાલ થિયેટરમાં એક નાટક જોયેલું, ‘અસત્ય નારાયણ’. એમાં એક કલાકારનો સાહજિક અભિનય મને બહુ ગમેલો. હું તો ઓળઘોળ થઈ ગયેલો. તેજપાલના મેનેજર એ વખતે એક પારસી હતા જેને અમે ‘લાલાભાઈ’ કહેતા. એમનો શ્ર્વાન પ્રેમ ગજબનો હતો. ક્યારેક સાથે પણ લઇ આવે. મને બહુ બીક લાગતી.હિંમત કરી મેં પારસીબાવાને એ કલાકારની ઓળખ કરાવી આપવા કહ્યું. મને એમણે મેળવ્યો, એ કલાકાર એટલે જયંતિ પટેલ. પછી તો ઓલ ઇન્ડિયા રેડિયો પર એમની સાથે ઘણાં રેડિયો નાટક કર્યા અને એમની અદાકારીના પ્રેમમાં પડ્યો. પછી તો એ પ્રેમ દોસ્તીમાં ક્યારે પરિણમી ગયો એની ખબર જ ન રહી.

જયંતિ પટેલને લોકો ‘રંગલો’ પણ કહેતા. એમનો જન્મ ૧૯૨૪ની ૨૪મી મે નાં દિવસે અમદાવાદમા થયેલો. એ પછી ૧૯૪૭માં એમણે મુંબઈ યુનીવર્સિટીમાંથી બી.એ, કર્યું. આગળ જતા ભારતીય વિદ્યા ભવન-મૂંગાલાલ ગોયેન્કા ઇન્સ્ટિટયૂટ તરફથી પી.એચ.ડી. પણ કર્યું. એટલું જ નહિ, મહાત્મા ગાંધી સાથે ‘કવીટ ઇન્ડિયા મુવમેન્ટ’ મા બ્રિટિશ રુલનો વિરોધ પણ કર્યો. ‘રંગલા’ તરીકે એ ગાજ્યા ૧૯૪૦-૫૦ માં. ઓલ ઇન્ડિયા રેડિયો, સ્ટેજ અને દૂરદર્શન, દરેક માધ્યમમાં એમની નોંધ લેવાય એવી કલાકારી કરી. ૧૯૬૭ માં એમને જ્હોન ઓફ કેનેડી સ્કોલરશીપ પણ મળી. અમેરિકા જઈ એમણે ‘નાટ્ય-યોગા’ નું કાર્ય ચાલુ રાખ્યું. જ્યાં એમનું એસોસિએશન લાંબા વખત સુધી, ખાસ તો ન્યુયોર્ક અને સન- ફ્રાંસિસ્કોનાં આનંદ આશ્રમ સાથે રહ્યું. ૯૧ વર્ષની ઉંમરે, ૨૦૧૫મા એમણે ‘ચેપ્લિન-ગાંધી-એન્ડ મીટુ’ નામની બુકનું પબ્લિકેશન પણ કર્યું. એમના લગ્ન થયા હતા ૧૯૪૪માં શારદાબેન સાથે. એમનાં ત્રણ સંતાનો, નિવેદિતા, વર્ષા અને નીલેશ. અમેરિકાથી વર્ષો પછી ભારત પાછા ફર્યા ત્યારે ભવન્સ અંધેરીના શ્રી લલિત શાહે એમના બહુમાન માટે ખાસ
સમારંભ પણ ગોઠવેલો એવું મારા સ્મરણમાં છે. ૨૦૧૯ની
તારીખ ૨૬ મે ના દિવસે એમનું અવસાન થયું. આજે હું
આપું છું, મારી રીતે ‘સ્મરણાંજલી’. હવે કરું મારી ‘સફર’ ની શરૂઆત….

હું, અભયભાઈ અને તુષારભાઈ તૃપ્તિ ભટ્ટની રાહ જોવા લાગ્યા. અભયભાઈએ કહ્યું હતું કે બાજુમાં જ રહે છે એટલે આવી પણ તરત. તૃપ્તિની સાથે વાત કરતાં એટલી તો ખબર પડી જ ગઈ કે એને મુંબઈના ગ્રુપ સાથે કામ તો કરવું હતું પણ એને ‘કોલગર્લ’ નો નહિ પણ વાઈફ/ નો રોલ કરવામાં વાંધો નહોતો. કોલગર્લનો રોલ કરે તો એને પરિવારમાં પ્રોબ્લેમ થાય એવું હતું. એનો બાંધો જોઈ મને કોઈ વાંધો ન લાગ્યો પાછું હું પણ પાત્રમાં ‘બીજવર’ હતો એટલે ૧૯-૨૦ સચવાય જાય એમ હતું. મેં મારા તરફથી હામી ભણી દીધી, ડિરેક્ટર સામે બાકીનાએ બોલ્યા વગર સ્વીકાર કરી લીધો. બાકીની બધી રૂટિન વાતો કરી તૃપ્તિને ફાયનલ કરી. એ પછી બપોરે નલીન દવેને મળ્યા. એમણે તો ઉમળકાભેર અમારા પ્રસ્તાવને વધાવી લીધો. મારી ‘દારુ’ અંગેની ચોખવટ એમણે સામેથી દૂર કરી દીધી. અભયભાઈને બધા નક્કી થયેલ કલાકારોને સ્ક્રીપ્ટ પહોંચતી કરવાનું કહી અમે હોટલનું બિલ ચૂકવી કાલુપુર સ્ટેશન પહોંચી ગયા,

મને આનંદ હતો કે નલીન દવેએ કામ કરવાની હા પાડી. મારે એમની સાથે શુટિંગ બાબત પણ વાત થઈ. એ વાત નાટક માટે નડતરરૂપ નહિ બને એવી બાહેંધરી પણ આપી અને સમજાવ્યું કે કદાચ ઈમરજન્સી આવી ગઈ તો વડોદરાથી અમદાવાદ આવતા કેટલી વાર? ( જો કે એ સમયે એક્ષ્પ્રેસ-વે બંધાયા જ નહોતા) આવી બધી વાતો હું મનમાં મમળાવતો હતો ત્યાં તુષારભાઈ બોલ્યા, ‘કોલગર્લના રોલ માટે શું કરીશું?’ મેં કહ્યું કે ‘મારા એક દોસ્ત છે, વિજય મહેતા જેમણે ‘મધુડંખ’ નામનું નાટક જયંત વ્યાસ સાથે રજુ કરેલું, એમને પૂછી જોઈશું.’
સવારે મુંબઈ પહોંચી ગયા પણ ‘કોલગર્લ’ મગજમાં ઘુમરાતી રહી…


હજી આપણે પહોંચ્યા નથી કોઈ ઠોસ ઠેકાણે,
તું શોધે છે વિસામો, હું સરનામું શોધું છું..

જજ: હું તમારા પત્નીને ભરણપોષણના મહિને ૧૦ હજાર મંજૂર કરું છું.
ભૂરો: થેંક યુ જજ સાહેબ, એમ તો વચ્ચે-વચ્ચે હું પણ થોડા મોકલતો રહીશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત