ગુલઝાર ગીતગાથા પુરુષ્ાની આંખોમાંથી મહેંકતી ખુશ્બુ થોડી અનુભવી શકાય?
ફિલ્મનામા -નરેશ શાહ
તમને સીધા પંચાવન વર્ષ્ા પાછળ લઈ જવા છે. વાત કરવી છે ૧૯૬૯માં આવેલી ‘ખામોશી’ ફિલ્મની. આ ફિલ્મના બધા ગીત સુંદર અને યાદગાર (વો શામ કુછ અજીબ થી, તુમ પુકાર લો, તુમ્હારા ઈન્તઝાર હૈ, દોસ્ત કહાં કોઈ તુમ સા) હતા, પરંતુ એક ગીત તો ખરેખર કલાસિક-શ્રેણીમાં આવે તેવું લાજવાબ અને ચીરકાલીન છે: હમને દેખી હૈ ઉન આંખો કી મહેકતી ખુશ્બુ, હાથ સે છૂ કે ઈસે રિશ્તો કા ઈલ્ઝામ ના દો. સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો…
ગુલઝારસાહેબે લખેલું અને લતાદીદીએ ગાયેલાં આ ગીતમાં વ્યક્ત થતી ફિલસૂફી અને પ્રેમની વિભાવના એટલી મજબૂત છે કે તેની તોલે મૂકી શકાય તેવાં ગીતો હિન્દી ફિલ્મોમાં આંગળીના વેઢે ગણવા પડે. પંચાવન વરસ પહેલાં બનેલું આ ગીત આજે પણ આપણને પરફેકટ લાગે છે. એમ જ લાગે કે લતા મંગેશકર સિવાય આ ગીત બીજા ગાયકો માટે બન્યું જ નથી, પરંતુ હકીક્ત એ છે કે ‘ખામોશી’ ફિલ્મ બની રહી હતી ત્યારે તેની વાર્તા અને વળવળાંકો તેમજ પાત્રોને સમજી લીધા પછી ગુલઝારસાહેબે તેનાં ગીતો લખ્યાં. ફિલ્મમેકિંગથી અજાણ હોય તેમના માટે લખવાનું કે કોઈપણ ફિલ્મ શૂટિંગના ફલોર પર જાય એ પહેલાં તેના ગીત-સંગીત તૈયાર થઈ જતાં હોય છે. એ જ રીતે ખામોશી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, એ પહેલાં તેના ગીત-સંગીત બની રહ્યા હતા. ફિલ્મનું એક ગીત સ્વયં સંગીતકાર હેમંતકુમાર ગાવાના હતા અને એ માટેનું ગીત લખીને ગુલઝારે હેમંતદાને આપ્યું. એ ગીત હતું : હમને દેખી હૈ ઉન આંખો કી મહેંક્તી ખુશ્બુ...
આખું ગીત વાંચીને હેમંતદાએ કહ્યું કે, આ ગીતને તો લતા મંગેશકર જ ન્યાય આપી શકે. એ જ આ ગીત ગાશે.
સાંભળીને ગુલઝાર સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિરોધ કરતાં કહ્યું કે દાદા, આ ગીત તો મેં એક પુરુષ્ાના મનોભાવને ધ્યાનમાં રાખીને લખ્યું છે. એ સ્ત્રી અવાજમાં કેવું લાગે? જો કે હેમંતકુમાર માનવા તૈયાર જ નહોતા એટલે ગુલઝારસાહેબે છણાવટ સાથે દલીલ કરી કે, દાદા, એક પુરુષ્ા જ (સ્ત્રી માટે) કહી શકે કે હમને દેખી હૈ ઉન આંખો કી મહેંકતી ખુશ્બુ… કોઈ પુરુષ્ાની આંખોમાં મહેંકતી ખુશ્બુ થોડી જોવા મળવાની છે? આ શબ્દો તો સ્ત્રીને જ લાગુ પડે એટલે તમારા (પુરુષ્ાના) અવાજમાં જ આ ગીત રેકોર્ડ થવું જોઈએ…
…પણ હેમંતકુમાર માન્યા નહીં. ખામોશી ફિલ્મના સંગીતકાર ઉપરાંત નિર્માતા પણ તેઓ જ હતા એટલે ધાર્યું તો તેમનું જ થયું અને એ સારું જ થયું, કારણકે આજ સુધી એકેય માઈના લાલનું ધ્યાન એ વાત પર ગયું નથી કે આ ગીત પુરુષ્ાના મનોભાવથી લખાયું હતું અને તેને સ્વર એક મહિલાએ આપ્યો છે. હા, ખામોશી રિલીઝ થયા પછી સો-કોલ્ડ સાહિત્યના વિવેચકોએ એવી ટીકા જરૂર કરેલી કે આંખો કી મહેંકતી ખુશ્બુ હોય જ ન શકે. ગમે તેવી ઉપમાને તમે (ગુલઝાર) કવિતામાં ખપાવી દો એ કેમ ચાલે?
બેશક, ગુલઝારસાહેબની કવિતા અને ફિલ્મ ગીતો આવી વેગળી ઉપમાઓના કારણે જ સતત અલગ ફલેવરનો અનુભવ કરાવતાં રહ્યાં છે અને એ જ તેમની યુએસપી (યુનિક સેલિંગ પોઈન્ટ) છે. એમનો ચાંદ ચોરસ હોય શકે છે. તેઓ ચાંદનું ઓશિકું બનાવી શકે છે. તેમની આંખો પર્સનલ સે સવાલ (કજરારે) કરી શકે છે. ગુલઝારસાહેબે જ (પ્રિયતમ માટે) લખી શકે કે મેરા નગ્મા વહીં, મેરા કલમા વહીં અને પાંવ કે નીચે જન્નત હોગી.
ગુલઝારસાહેબનાં ફિલ્મી ગીતો પણ સાહિત્યિક એરણ પર ર૪ કેરેટના પુરવાર થતાં રહ્યા છે એટલે જ તેમના જ સમકાલીન ગીતકાર જાવેદ અખ્તર જાહેરમાં એવો એકરાર કરી ચૂક્યા છે કે, જયારે મેં બીડી જલાઈ લે, જીગર સે પીયા, જીગરમાં બડી આગ હૈ… ગીત સાંભળ્યું ત્યારે મને થયું કે કાશ, આ પંક્તિ મેં લખી હોત બીડીવાળા સોંગની કેફિયત આપતાં ગુલઝારે પણ કહેલું કે ફિલ્મનું બેકડ્રોપ, પાત્રો, તેમની ભાષ્ાા જોઈને જ હું ગીતના શબ્દો પસંદ કરતો હોઉં છું. ઓમકારાનું આ ગીત બિપાશા બાસુ પર ફિલ્માવવાનું હતું અને ફિલ્મમાં એ સતત અવધી ભાષ્ાામાં અપશબ્દો બોલતી રહે છે. એ ધ્યાનમાં રાખીને જ મેં બીડી જલાઈ લે લખ્યું. તમે જ વિચારો કે આ ગીતમાં સિગારેટ શબ્દ હોત તો કેવું લાગત.
ગુલઝારસાહેબની કલમમાંથી આપણને છેલ્લાં સાંઈઠ વરસમાં સેંકડો ઉત્કૃષ્ટ, યાદગાર અને બેજોડ ફિલ્મી ગીતો મળ્યાં છે. ૧૯૬૩માં આવેલી બંદિની ફિલ્મમાં ગીતકાર શૈલેન્દ્રની ભલામણથી પ્રથમ અને (ફિલ્મનું એકમાત્ર) ગીત લખવા મળ્યું હતું: મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે… કહી શકાય કે એ પછી ભારતની ત્રણ-ત્રણ જનરેશન તેમનાં ગીતો પર આફરિન પોકારતી રહી છે. ઈજાજત ફિલ્મનું એક ગીત તો તેમની ઓળખ જેવું બની ગયું છે : મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ… આ ગીત વિશે તો એવું ય કહેવાય છે કે આ ગીત લખીને તેમણે આર. ડી. બર્મનને આપ્યું ત્યારે પંચમદાએ તે વાંચીને પાછું આપી દેતા કહેલું : કાલે તમે ન્યૂઝ (સમાચાર) લાવીને મને સંગીતમાં પરોવી દેવાનું કહેશો, પણ એવું શક્ય નથી…
અલબત્ત, ગુલઝારે ધરાર આ ગીતનો આગ્રહ રાખ્યો. રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જયારે આશા ભોંસલે એ આ ગીતની પ્રથમ પંક્તિ ગાઈ કે તરત પંચમદા આ ગીતના પ્રેમમાં પડી ગયા હતા. જો કે ગુલઝારસાહેબ કહે છે કે, પંચમ આ ગીત માટે કાયમ તુમ્હારા લગેજવાલા સોંગ જ શબ્દપ્રયોગ કરતા હતા.
પંચમદાની જેમ આપણે ય ગુલઝારસાહેબનાં ગીતોના પ્રેમમાં પડેલા છીએ એટલે આપણી ય ગુલઝાર ગીતગાથા હજુ ચાલતી રહેશે.