મેટિની

ગુજરાતી લેખક – દિગ્દર્શકની આ કમાલ જાણવા જેવી છે ગુણવંતરાય આચાર્ય લિખિત અને ચતુર્ભુજ દોશી દિગ્દર્શિત ચિત્રપટ પરથી ‘રાજશ્રી પ્રોડક્શન’ની યાદગાર ફિલ્મ બની હતી


હેન્રી શાસ્ત્રી

ગુણવંતરાય આચાર્ય , ચતુર્ભુજ દોશી ગુણવંતરાય આચાર્ય…. ગુજરાતી સાહિત્ય જગતના મૂઠી ઊંચેરા સર્જક. સાગર સાહસની નવલકથાના નામવંત લેખક ઉપરાંત નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. આ સિવાય એમણે સિને સૃષ્ટિમાં નોંધપાત્ર લેખન કર્યું છે. બીજી તરફ, ચતુર્ભુજ દોશીની ઓળખ હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક તરીકે છે. 1930માં મૂક ચિત્રો માટે પટકથા લેખક તરીકે શરૂઆત કરી. ઘણી ફિલ્મો માટે કથા લખ્યા પછી એમણે ફિલ્મ દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો અને સફળતા મેળવી હતી. બંને સર્જકોએ વૈયક્તિક સફળતા મેળવવા ઉપરાંત આ બંનેએ કેટલાક ચિત્રપટમાં સાથે નોંધપાત્ર કામ કર્યું છે. લેખક-દિગ્દર્શકના સહિયારા સાહસ સાથે જોડાયેલી કેટલીક વાતો જાણવા જેવી છે અને જાણ્યા પછી હરખાવા જેવું પણ છે.

ગુણવંતરાય આચાર્યનું નામ પડે એટલે તરત ‘દરિયાલાલ’ નવલકથા યાદ આવે – ‘સક્કરબાર’નું પણ સ્મરણ થાય. ઐતિહાસિક કથા પણ યાદ આવી જાય. એમણે ફિલ્મો માટે પણ લેખન કર્યું છે, પણ કમનસીબે એમના આ અનોખા કામની વિગતો વ્યવસ્થિત રીતે નથી સચવાઈ. ચંદુલાલ શાહની ‘રણજિત મુવિટોન’ ફિલ્મ કંપનીના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં ગુણવંતરાય આચાર્ય વાર્તાલેખક તરીકે અને ચતુર્ભુજ દોશી સિનારિસ્ટ (પટકથા-સંવાદ લેખક) તરીકે સક્રિય હતા. નવેક વર્ષ લેખનકાર્ય કર્યા પછી ચંદુલાલ શાહે ચતુર્ભુજ દોશીને ફિલ્મ ડિરેક્ટ કરવાનો મોકો આપ્યો. 1938માં રિલીઝ થયેલી ‘ગોરખ આયા’ દોશી સાહેબનું દિગ્દર્શનમાં પદાર્પણ હતું અને આ ફિલ્મના કથાલેખક હતા ગુણવંતરાય આચાર્ય. ફિલ્મના ડાયલોગ પી. એલ. સંતોષી (રાજકુમાર સંતોષીના પિતાશ્રી)એ લખ્યા હતા. આ લેખક-દિગ્દર્શક જોડીની અન્ય બે ફિલ્મ વિશેષ મહત્ત્વ ધરાવે છે, જેની જાણકારી ફિલ્મ રસિકોને હોવી જોઈએ.

એમાં પહેલી ફિલ્મ છે ‘સસુરાલ’. 1941માં આવેલી આ ફિલ્મના મુખ્ય કલાકાર હતા મોતીલાલ (બિમલ રોયની ‘દેવદાસ’ના ચુનીલાલ અને ‘જાગતે રહો’માં ‘ઝિંદગી ખ્વાબ હૈ’માં શરાબીની અદાકારીથી સ્મરણમાં રહી ગયેલા કલાકાર), કાંતિલાલ, માધુરી (જેનું મૂળ નામ હતું બેરિલ ક્લાસેન), નૂરજહાં (હિન્દી ફિલ્મોમાં નામ અને દામ મેળવી પાકિસ્તાન ચાલ્યાં ગયેલાં મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાં નહીં). ફિલ્મની કથા કંઈક આવી હતી: વિનોદ (મોતીલાલ) અને ઉષા (માધુરી)નાં લગ્ન નક્કી થાય છે, પણ ઉષાએ એના ભાવિ પતિનો ચહેરો નથી જોયો. થાય છે એવું કે અન્ય એક વ્યક્તિ (કાંતિલાલ) ઉષાના ભાવિ પતિ તરીકે ગોઠવાઈ જાય છે. વિવિધ વળાંકો લેતી કથા આગળ વધે છે અને ફિલ્મના અંતિમ હિસ્સામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતાં ઉષા-વિનોદનો મેળાપ થાય છે.

‘મિસ્ટેકન આઈડેન્ટિટી’ (મહેશને નરેશ સમજી બેસવું)નો તંતુ ધરાવતી અનેક હિન્દી ફિલ્મો બની છે, પણ ગુણવંતરાય આચાર્યની ‘સસુરાલ’ જેવી જ કથા ધરાવતી રાજશ્રી પ્રોડક્શનની ‘ચિતચોર’ (1976 – અમોલ પાલેકર, ઝરીના વહાબ અને વિજયેન્દ્ર ઘાટગે) યાદ આવી? સેમ ટુ સેમ. આ જ કથા પરથી સૂરજ બડજાત્યાએ રાજશ્રી બેનર હેઠળ ‘મૈં પ્રેમ કી દિવાની હૂં’ (2003 – રિતિક રોશન, કરીના કપૂર અને અભિષેક બચ્ચન) પણ બનાવી હતી એટલે ‘ચિતચોર’ અને ‘મૈં પ્રેમ કી દિવાની હૂં’ એ બંને ફિલ્મ ગુણવંતરાય આચાર્ય – ચતુર્ભુજ દોશીની ‘સસુરાલ’ની રિમેક કહેવાય. જોકે, આવી સત્તાવાર ક્રેડિટ નથી આપવામાં આવી. એ જ રીતે 1943માં આવેલી ‘પનઘટ’ ફિલ્મ (દિગ્દર્શક મહેશચંદ્ર – કે. જે. પરમાર અને કલાકાર ઉમાકાંત, રત્નમાલા અને સુશીલ કુમાર) પણ આવી જ કથા હતી. ટૂંકમાં ગુણવંતરાય આચાર્યની વાર્તાનું જ કથાબીજ ધરાવતી ત્રણ ફિલ્મ 1943, 1976 અને 2003માં બની હતી.

અહીં બીજી એક રસપ્રદ વાત એ પણ છે કે ‘સસુરાલ’ ટાઈટલ ધરાવતી ફિલ્મ 1941 પછી 1961માં અને 1984માં બની હતી. આ ત્રણમાંથી 1961ની ‘સસુરાલ’ વધુ સ્મરણમાં રહી છે. આ ‘સસુરાલ’ની કથાને 20 વર્ષ પહેલાંની ‘સસુરાલ’ સાથે કોઈ નિસબત નહોતી. એ તો તેલુગુ ફિલ્મની રિમેક હતી જેના નિર્માતા, દિગ્દર્શક કથાલેખક અને હીરોઈન (બી. સરોજાદેવી) સાઉથનાં હતાં. હીરો હતા રાજેન્દ્ર કુમાર. 1984માં રિલીઝ થયેલી ‘સસુરાલ’ (અરુણગોવિલ, ભારત ભૂષણ, સાધના સિંહ, દિના પાઠક) આવી અને ચૂપચાપ ગાયબ પણ થઈ ગઈ.

ચતુર્ભુજ દોશી દિગ્દર્શિત ‘ભક્ત સૂરદાસ (1942)’માં પણ કથા ગુણવંતરાય આચાર્યની હતી. આ ફિલ્મની વિશેષતા એ હતી કે કુંદનલાલ સાયગલ કલકત્તા છોડી મુંબઈ આવ્યા પછી એમણે કરેલી પહેલી ફિલ્મ હતી. ખુર્શીદ બેગમ અને મોનિકા દેસાઈ મહત્ત્વનાં પાત્રોમાં હતાં. ફિલ્મનાં બે ગીત ‘મધુકર શામ હમારે ચોર’ અને ‘નૈન હિન કો રાહ દિખા પ્રભુ’ આજે પણ સાયગલ શોખીનોને યાદ હશે.

‘ભક્ત સુરદાસ’ 1942ની સૌથી સફળ ફિલ્મ હતી. 1952માં વિજય શંકર ભટ્ટ પ્રસ્તુત ‘ભક્ત સુરદાસ’ ફિલ્મ ગુજરાતીમાં બની હતી. ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનાં અને સંગીત શંકરરાવ વ્યાસનું હતું. અરવિંદ પંડ્યા મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય પણ કોશિશ કરવામાં આવી છે. આમ છતાં , સર્વ ‘ભક્ત સુરદાસ’માં ગુણવંતરાય આચાર્ય – ચતુર્ભુજ દોશી – કે. એલ. સાયગલની ફિલ્મ સૌથી વધુ પ્રખ્યાત છે એ હકીકત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button