અભિનયના આખિરી મુગલ દિલીપકુમારનું ગુજરાતી કનેક્શન!

ડ્રેસ-સર્કલ -સંજય છેલ
દિલીપકુમાર વિશે ખૂબ બધું કહી શકાય એમ છે પણ મને પૂછો તો હું એટલું જ કહીશ કે દિલીપકુમારેઆખા ભારતને બોલતા શીખવ્યું! હમણાં ૭ જુલાઇએ એમની વિદાયને ૩ વરસ થયા પણ દિલીપ કુમાર હજુ જીવે છે. મુગલ-એ-આઝમના અભિનેતા, યુસુફ ખાન ઉર્ફ દિલીપસાબ હિંદુસ્તાની અભિનય જગતના એક આખિરી મુગલ હતા. ફિલ્મલાઇનને લીધે મારું સદનસીબ કે કે એમને અલપ ઝલપ મળવાનું થતું રહેતું ને દરેક વખતે સમજાતું કે સોફિસ્ટિકેટેડ ભણેલ અને ગંભીર કલાકારનો ‘ક્લાસ’ શું ચીજ છે! ૧૯૯૦માં ‘દૂસરા આદમી’ – ‘બસેરા’ જેવી ફિલ્મના નિર્દેશક રમેશ તલ્વારને ત્યાં હું ત્રીજો સહાયક નિર્દેશક હતો ત્યારે દિલીપકુમારને બંગલે ફિલ્મ સાહિબાં’ના મુહૂર્તનું કાર્ડ આપવા ગયેલો ત્યારે પહેલીવાર રૂબરૂ દિલીપજીને જોયા, હું પગે લાગ્યો. એમણે કાર્ડ જોઇને સસ્મિત ઇશારા સાથે સસ્મિત જવા કહ્યું.
‘સાહિબાં’ રમેશ તલ્વારની કમબેક ફિલ્મ હતી. છેલ્લે દિલીપસાબ સાથે જ ‘દુનિયા’ (૧૯૮૫) કરેલી. ત્યારે દિલીપકુમારે અભિનંદન આપતાં રમેશજીને ફોન પર કહેલું: ‘મહેરબાં હો કે બૂલા લો મૂઝે ચાહો જિસ વક્ત, મૈં ગયા વક્ત નહીં હૂં કિ લૌટ કે આ ભી ના સકું! ’ આ સાંભળીને રમેશ તલ્વારની આંખો ભીની થઇ ગયેલી, કેરિયરમાં ફરી ઊભા થવા જઇ રહેલ નિર્દેશકનું શેર લોહી ચઢે એવો આ શેર કહેવાનો ક્લાસ દિલીપકુમારમાં જ હોય.
વર્ષો બાદ, જૂહુની સેંટૂર હોટેલમાં (આજની તુલિપ-સ્ટારમાં-હવે તો એ પણ તૂટી રહી છે. ત્યાં બહુમાળી સંકુલ બની રહ્યું છે) ઝી ટીવીની ‘ફિલ્મી ચક્કર’ સિરિયલનાં લેખન માટે મને ‘અપટ્રોન ટીવી એવોર્ડ’ દિલીપસાબના હાથે મળ્યો. ફંક્શન પછી પાર્ટીમાં એમની સાથે વાત થઇ ને તરત પારખી ગયા કે હું ગુજરાતી છું. પછી ૫-૭ મિનિટ શુદ્ધ ગુજરાતીમાં મારી સાથે બોલ્યા જાણે કોઇ ગુજરાતીનો પ્રોફેસર વાત ના કરતો હોય ! એક ગુજરાતી જોડકણું પણ સંભળાવેલું કે- ‘દિવાળીના દિવસોમાં ફટાકડા ફટફટ થાય, નાનાઓ પણ ખુશ થાય ને મોટાઓ પણ હરખાય!’ દિલીપકુમારનું હિંદી-ઉર્દૂ-અંગ્રજી અને ભારતની ભાષાઓ પર અદ્ભૂત પ્રભુત્વ. એ અભિનતા ગોવિંદાને ‘ગોવિંદ’ કહેતા, જે સાચો સંસ્કૃત ઉચ્ચાર છે. ગુજરાતી પુસ્તક ગઝલ-૧૦૧ના વિમોચનમાં એમણે ગુજરાતીમાં વાત શરૂ કરીને હિંદી-ઉર્દૂમાં ગઝલના ઇતિહાસ વિશે ૧ કલાક એવું બોલેલા કે જાણે ગઝલ પર પીએચડી. કરી હોય.
કલાકાર પરેશ રાવલે, કહેલું કે કોલેજકાળમાં એ જ્યારે સ્ટેજ પર એકટિંગ કરતા ત્યારે એક જ દિવસે બે અલગ અલગ પ્રોગ્રામમાં દિલીપકુમાર ચીફ ગેસ્ટ હતા. સવારે એક કાર્યક્રમ હતો ડેંટિસ્ટ એસોસિયેશનનો ને સાંજે બીજો પ્રોગ્રામ હતો વકીલો માટેનો. ત્યાં બેઉ સ્થળે દંત- ચિકિત્સા વિશે અને વકીલાત વિશે દિલીપકુમાર ૧ કલાક સુધી ઊંડાણપૂર્વક અંગ્રજીમાં બોલેલા એવી એમની તૈયારી! એજ રીતે એમ.ડી. કોલેજમાં કબડ્ડીના કાર્યક્રમમાં મહેમાન હતા ત્યારે કબડ્ડીના ઇતિહાસ પર પણ એટલું જ સરસ બોલેલા!
ગુજરાતી નાટકોના સ્ટાર અભિનેતા-નિર્દેશક પ્રવીણ જોષીનાં નાટકો જોવા દિલીપકુમાર ઘણીવાર આવતા અને પ્રવીણ જોષીએ દિલીપસાહેબને લઇને એક ફિલ્મ પણ બનાવવાનું પ્લાન કરેલો પણ પછી એ બન્યું નહીં. આપણા ગુજરાતી હરિભાઇ ઉર્ફ સંજીવકુમારને દિલીપકુમારે સામેથી બોલાવીને ‘સંઘર્ષ’ ફિલ્મ અપાવેલી જેમાં બેઉની ટક્કર હતી. કહેવાય છે કે એ ફિલ્મ પછી જ સંજીવકુમારની ગણતરી એ
ગ્રેડના સ્ટારમાં થવા માંડી. વળી સંજીવકુમારે ‘નયા દિન,નઇ રાત’ ફિલ્મમાં એકસાથે ૯-૯ રોલ કરેલા અને એની શરૂઆતમાં આપેલ કોમેંટ્રીમાં દિલીપકુમારે સંજીવકુમારને ‘આજ કે દૌર કે મહાન કલાકાર’ કહીને બિરદાવેલા. જે એમની મહાનતા કહેવાય. પછી છેક ૨૦૦૦માં મુગલે આઝમ જ્યારે કલર ફિલ્મ તરીકે ફરી રીલિઝ થઇ ત્યારે ગુજરાતી ડાયમંડ વેપારી અને નિર્માતા દિનેશ ગાંધીએ બોની કપૂર સાથે એ રજૂ કરેલી. ત્યારે પ્રીમિયર શોમાં, ઇંટરવલમાં દીપ પ્રાગટય કરીને ફિલ્મના પારસી નિર્માતા શાપરુજી પરિવારના ખૂબ વખાણ કરેલાં કે એમના વિના આવી મહાન ફિલ્મ શક્ય ના હોત! એ પ્રીમિયરમાં કુખ્યાત રાજનેતા અમર સિંહ પણ સ્ટેજ પર હતાં.
એ વખતે દિલીપકુમારે મોકો જોઇને પછી ભારતના ભવ્ય ઇતિહાસની વાત કરી અને અમર સિંહ તરફ નિર્દેશ કરીને કહ્યું કે આજે જુઓ કેવા નેતાઓ અહીં ઊભા છે! એમની આ માર્મિક ટકોર દર્શકો પામી ગયા ને ઓડિયંસમાં જબરું હાસ્ય ફેલાઈ ગયું ને પછી તો દિલીપકુમારે ૧૦ મિનિટ ભારતની મહાનતાની વાતને અલગ અલગ સ્ટાઇલમાં દોહરાવી ને છેલ્લેે દર વખતે અલગ રીતે અમર સિંહ પર ઇશારો કરતા કે- અને આજે જુઓ, કેવા કેલા લોકો રાજકારણમાં છે! છેવટે તો ખાલી અમર સિંહને એવી નજરે જુએ કે લોકો, તાળીને સીટી વગાડે. છેવટે અમર સિંહે સ્ટેજ પરથી ઊતરી જવું પડેલું!
૨૦૦૪માં સુભાષા ઘાઇ નિર્મિત ‘ઇકબાલ’ ફિલ્મના પ્રીમયરમાં દિલીપસાબ આવેલા ને પોતે પણ
હીરો હતા ત્યારે માથા પર કેવા વાળ સરસ હતા એ દેખાડવા હવામાંથી જાદૂગરની જેમ કાંસકો કાઢીને
જાતજાતના કરતબ કરી દેખાડેલા. સહારા ટીવી માટે ‘યે ફિલમોં કે સિતારે’ જેવી ૨-૩ સિરિયલમાં મારા
પિતા(છેલ-પરેશ)કલા નિર્દેશક હતા ત્યારે શૂટિંગ ઘણીવાર એમના બંગલે થતું. મારા પપ્પા જેવા એમના
જૂના ફેનને શૂટિંગ બાદ દિલીપજી પાર્ટી આપે, રજવાડી ડિનર કરાવે અને એમને ટેક્સી મળે ત્યાં સુધી કે
કદીક તો છેક ઘર સુધી એમની કાર મૂકવા આવે એવી એમની ખાનદાની! એકવાર ૨૦૦૫ની આસપાસ ‘નુક્કડ’ સિરિયલ કે ‘યસ બોસ’, ‘ફિરભી દિલ હૈ હિંદુસ્તાની’ જેવી ફિલ્મોના નિર્દેષક અઝીઝ મિર્ઝા એક ટી.વી. સિરિયલ અંગે દિલીપકુમાર પાસે મદદ માગવા અમે ગયા.
ફિલ્મસ્ટારનો પહેલો ‘પ્રેમ’ એ વિષય પર એમનો ઈન્ટરવ્યુ લેવો હતો. સ્ટાર્સના પ્રથમ પ્રેમપ્રકરણની
ઘટનાને નવા કલાકારો પાસે ભજવીને વાર્તા રૂપે દેખાડવાનો એક કંસેપ્ટ હતો જે હું લખતો હતો. અઝીઝ મિર્ઝાના પિતા સ્વ. અખ્તર મિર્ઝાએ દિલીપકુમારની નયા દૌર’ જેવી અનેક ફિલ્મો લખેલી. એટલે અઝીઝને નાનપણથી ઓળખે. આખી વાત સાંભળ્યા પછી દિલીપકુમારે જાહેરમાં પોતાના પ્રથમ પ્રેમનો કિસ્સો કહેવા માટે ના કહી! પછી બંગલાની બહાર ગાડી સુધી ધ્રૂજતા પગે દિલીપકુમાર, અઝીઝને મૂકવા આવ્યા અને કહ્યું, ‘બેટા,ઐસા મત સમઝના કિ મૈં તુમ્હારી સિરિયલ ટાલ રહા હૂં પર મેરા ઈમાન નહીં માનતા ઉસ ઔરત કે બારે મેં સરેઆમ બાત કરને કે લિયે. મૈં તુમ્હેં ફોન પર ભી મના કર સકતા થા લેકિન, મૈંને તુમ્હેં મેરે ઘર પર બુલાયા, સાથ ખાના ખાયા, મેરી બાત સમઝાઈ ક્યૂંકિ અબ મૈં જબ ઝન્નત મેં તેરે અબ્બા(અખ્તર મિર્ઝા) કો મિલૂંગા તો મૈં કમસેકમ ઈત્મિનાન સે યહ તો કહ તો પાઉંગા કિ મૈંને તેરે બેટે કો સૂના ઔર સમઝાને કી કોશિશ તો કી! વર્ના રિશ્તોં કા મતલબ ક્યા? દિલીપ કુમાર, જેવો ક્લાસી ને ક્લાસિક એક્ટર કદાચ ફરી કદી યે નહીં થાય!