મેટિની

જીડીપીનું જોર અર્થતંત્રનો વિકાસ કરે છે, પેરેલલ સિનેમાના દોરનું સ્મરણ કરાવતી ફિલ્મો ‘એડીપી’ એટલે કે આર્ટિસ્ટિક ડોમેસ્ટિક પ્રોડક્ટ વધારે છે!

સમાંતર સિનેમા આવો, આપણે દેશની એડીપી વધારીએ

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

(ડાબેથી) છાયા કદમ, પાયલ કાપડિયા, દિવ્યપ્રભા ને કનુ કુશ્રુતિ

‘મારું બોલીવૂડ છે રૂડું, હોલીવૂડ નહીં રે આવું’ની ટેપ વગાડતા રહેતા ફિલ્મ કલાકાર – કસબીઓ ખોટા નથી. ઓસ્કર એવૉર્ડ નથી મળ્યો એટલે કંઈ આપણી ફિલ્મો દમદાર નથી અને વિદેશી સર્ટિફિકેટની ઘેલછા ન રાખવી જોઈએ એવી માન્યતા ધરાવતા કલા રસિકોનો મુદ્દો પણ સાચો છે. એ જ રીતે પોતાની ફિલ્મો દ્વારા વિદેશમાં વાહ વાહ મેળવી પારિતોષિક મેળવતા ફિલ્મમેકરો કે કલાકારોનો આગ્રહ પણ યોગ્ય જ છે. ભારતીય સિનેમા વિદેશમાં વખણાય, એને એવૉર્ડ – પ્રસિદ્ધિ મળે એને પગલે આર્થિક લાભ થાય એથી અનેકગણી મહત્ત્વની વાત છે આપણી કલા, આપણી રજૂઆતથી વિદેશીઓ પ્રભાવિત થાય. વિટોરીયો ડી સિકાની ‘બાઇસિકલ થિવ્ઝ’ જોયા પછી આપણને સત્યજિત રાય જેવા મૂઠી ઊંચેરા ફિલ્મમેકર મળી શકે તો આપણી ફિલ્મ અને આપણા ફિલ્મમેકરમાંથી પ્રેરણા મેળવી વિદેશમાં પણ સર્જક તૈયાર થાય તો એ કલાનું શ્રેષ્ઠ આદાન પ્રદાન કહેવાય. આ લેવડદેવડ સાંસ્કૃતિક વિકાસમાં મોટું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે.

તાજેતરમાં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પાયલ કાપડિયાની ફિલ્મ All We Imagine As Light ને મળેલા સન્માનનેઆ પાર્શ્ર્વભૂમિ પર સમજવું જોઈએ. ફિલ્મચાહકો ‘આરઆરઆર’, ‘જવાન’, ‘એનિમલ’ મોટા ઉપાડે જોવા જાય એ એમની મરજીનો સવાલ છે. આમ છતાં, અપેક્ષા જરૂર રાખીએ કે એ જ દર્શકો પાયલ કાપડિયા એન્ડ કંપનીની અલગ કેડી કંડારી બનાવેલી ફિલ્મો પણ જોવા જાય.

આવા પ્રયાસથી પાયલ કાપડિયા કહે છે એમ વિવિધ પ્રકારની- શૈલીની ફિલ્મોના સહ અસ્તિત્વનો સ્વીકાર થશે. એની શરૂઆત નાના પાયે થઈ ગઈ છે. જો આ પ્રયાસનો સરવાળો અને પછી ગુણાકાર થશે તો ૧૯૭૦ના સમાંતર સિનેમાના દોરનો પુનર્જન્મ બહુ દૂરની વાત નથી. લખી રાખો, જો આ પ્રમાણે થયું તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુવર્ણ યુગનો - ગોલ્ડન એરાનો - ભાગ બીજો જોવા મળશે અને ભારતની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ - ચોક્કસ સમયગાળામાં દેશની અંદર તૈયાર કરવામાં આવેલા માલ સામાન અને સેવાનું આર્થિક મૂલ્ય)ના વધારા સાથે આપણા દેશની એડીપી (આર્ટિસ્ટિક ડોમેસ્ટિક પ્રોડક્ટ - સ્વદેશમાં તૈયાર થયેલી કલાકૃતિનું સાંસ્કૃતિક મૂલ્ય) પણ ઘણી વધી જશે. રાજકીય સ્તરની સાથે સાથે સાંસ્કૃતિક સ્તરે પણ બહોળો આવકાર મળશે. એડીપી વધારવાની જવાબદારી લેવા આપણે તૈયાર છીએ કે કેમ એ મૂળભૂત સવાલ છે અને એનો જવાબ તો જનતા જ આપી શકે.

પાયલ કાપડિયા અને એની ફિલ્મ વિશે જાણવાની કલા રસિકોની ફરજ છે. પાયલનાંમાતુશ્રી નલિની મલાનીએ ‘જે જે સ્કૂલ ઓફ આર્ટ્સ’માં અભ્યાસ કર્યો હતો. છેક ૧૯૯૦માં ‘ફિગર્સ ઓફ થોટ’ નામની એક ડોક્યુમેન્ટરી બનેલી, જેની ખાસ્સી પ્રશંસા થઈ હતી. આ ડોક્યુમેન્ટરી ત્રણ આર્ટિસ્ટના પેઈન્ટિંગ્સ વિશે હતી, જેમાં ભૂપેન ખખ્ખર, વિવાન સુંદરમ અને નલિની મલાનીનો સમાવેશ હતો. આ ઉપરાંત નલિનીજીની ગણના દેશના પ્રારંભ કાળના વીડિયોગ્રાફર તરીકે પણ થાય છે. એટલે પાયલને નાનપણમાં જ ફિલ્મમેકિંગ માટે આકર્ષણ થયું એની નવાઈ નથી. પુણેની ‘એફટીઆઈઆઈ’માં પાંચ વર્ષ અભ્યાસ કરી એણે ડિપ્લોમા મેળવ્યો હતો.

નાનકડી કારકિર્દી
પાયલના કામકાજની કારકિર્દી નાનકડી છે.તાજેતરમાં એવૉર્ડ મેળવનારી All We Imagine As Light (2024) પાયલ કાપડિયાની પહેલી ફિચર ફિલ્મ છે. ૧૧૫ મિનિટ લાંબી આ ફિલ્મમાં આજના મુંબઈમાં રહેતી બે નર્સ અને પતિનાઅવસાન પછી કાનૂની કારણસર ઘરમાંથી હાંકી કાઢવામાં આવેલી એક મહિલાનીકથા વણી લેવામાં આવી છે. પ્રભા (કની કુશ્રુતિ), અનુ (દિવ્યપ્રભા) નર્સના રોલમાં છે અને પાર્વતી (છાયા કદમ – ‘લાપતા લેડીઝ’ની મંજુ માઈ) વયસ્ક મહિલાનારોલમાં છે. પાયલ કાપડિયાના કહેવા અનુસાર આ ફિલ્મ મહિલાઓની વિશિષ્ટ મૈત્રી પર પ્રકાશ ફેંકે છે.

મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ઈકોનોમિકસમાં ગ્રેજ્યુએટ થયા પછી પાયલ ફિલ્મ ડિરેક્શનનો અભ્યાસ કરવા પુણેની ફિલ્મ ઈન્ટિટ્યુટ (એફટીઆઈઆઈ’) માં જોડાઈ. ૨૦૧૨માં ડિપ્લોમા મેળવ્યા પછી Watermelon, Fish and Half Ghost (2014) નામની શોર્ટ ફિલ્મ બનાવી, જેમાં જૂના મુંબઈની જીવનશૈલી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એ પછી The Last Mango Before the Monsoon (2015) નામની ૧૯ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી. શહેરની એક મહિલા મૃત પતિ અને વન્ય જીવનનેઝંખે છે એ એનો વિષય હતો. આ ફિલ્મ જર્મન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ, જ્યાંતેને સ્પેશિયલ જ્યૂરીપ્રાઈઝ અને અન્ય એક ઈનામ પણ મળ્યું. ૨૦૧૬માં આયોજિત મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ માં એ શોર્ટ ફિલ્મને ‘બેસ્ટ ફિલ્મ’ અને ‘બેસ્ટ એડિટિંગ’ ના ઈનામ મળ્યા હતા. ત્યારબાદ એની ૧૩ મિનિટની શોર્ટ ફિલ્મ Afternoon Clouds (2017) ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રજૂ થઈ. ફિલ્મને કોઈ પારિતોષિક ન મળ્યું, પણ વિશ્ર્વભરમાંથી આવેલી ૨૬૦૦ ફિલ્મમાંથી વિદ્યાર્થીઓના વિભાગમાં પસંદ થયેલી ૧૬ ફિલ્મમાં એને સ્થાન મળ્યું હતું. ફિલ્મમાં પતિના અવસાન પછી નેપાળી કામવાળી સાથે રહેતી ૭૦ વર્ષની મહિલાની વાત માંડી હતી. એ વર્ષે કાન ફેસ્ટિવલમાં ભાગ લેનારી આ એકમાત્ર ભારતીય ફિલ્મ હતી. A Night of Knowing Nothing (2021) 97 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, જેમાં ભારતની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ચિતાર રજૂ થયો છે.

ફ્રાન્સની એક આગવી પ્રથા કેરળમાં
આર્થિક પીઠબળ ન હોવા છતાં પાયલ કાપડિયા ફિલ્મ કેવી રીતે બનાવી શકી એ જાણવા જેવું છે. પાયલના જ શબ્દો છે:

હું આ ફિલ્મ બનાવી શકી એનું મુખ્ય કારણ છે ‘ફ્રેન્ચ પબ્લિક ફંડિંગ સિસ્ટમ.’ ફ્રાન્સમાં ફિલ્મની પ્રત્યેક ટિકિટ પર નજીવો ટેક્સ લગાડવામાં આવે છે. ઉપરાંત ટીવી ચેનલો પાસેથી સુધ્ધાં કર વસુલ કરવામાં આવે છે. કર પેટે જમા થયેલા પૈસામાંથી એક ભંડોળ તૈયાર કરવામાં આવે છે જે ’સીએનસી ફંડ’ તરીકે ઓળખાય છે. સ્વતંત્રપણે કામ કરતા નિર્માતાઓ અને દિગ્દર્શકો ભંડોળ મેળવવા અરજી કરી શકે છે. ફિલ્મ તૈયાર થઈ ગયા પછી વિતરકો અને પ્રદર્શકો (ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ એક્ઝિબિટર્સ) પણ ભંડોળમાંથી પૈસા મેળવી શકે છે. જોકે, આપણા દેશમાં બ્લોકબસ્ટર ફિલ્મોએ કરેલા નફાની રકમ પર ટેક્સ લગાડવાથીસ્વતંત્ર ફિલ્મ ફંડ જેવી વ્યવસ્થા ઊભી કરી શકાય. સ્વાયત્ત સંસ્થા જો આ પ્રવૃત્તિ કરે તો પ્રોડક્શન હાઉસના સહયોગ વિના સ્વતંત્રપણે ફિલ્મનું નિર્માણ કરવા માગતા વધુ ને વધુ લોકોને ફિલ્મ બનાવવા પ્રોત્સાહન મળી શકે. લોકશાહી ટકાવી રાખવા સ્વતંત્ર વિચારસરણી ધરાવતા કલા રસિકોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય એ જરૂરી છે, કારણ કે મસમોટા નિર્માણ ગૃહો- સ્ટુડિયોનું સંચાલન શ્રીમંત ઉદ્યોગપતિઓના હાથમાં હોય છે, જે ફિલ્મમેકરને પ્રભાવિત કરતા હોય છે. તાજેતરમાં કેરળ સરકારેમહિલા ફિલ્મમેકર તેમજ નજીવું પ્રતિનિધિત્વ ધરાવતી જાતિઓના ફિલ્મમેકરોને મદદરૂપ થવા આ પ્રકારના ભંડોળની શરૂઆત કરી છે. મારું દૃઢ પણે માનવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને પણ ન ઓળખતા હોય એવા ફિલ્મમેકરોને સુધ્ધાં તક આપે એવી સ્વાયત્ત સંસ્થા હોવી જોઈએ. સરકારે ફિલ્મ નિર્માણ ન કરવું જોઈએ, બલકે ભંડોળ ભેગું કરવામાં મદદરૂપ થવું જોઈએ. હું કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ન હોવા છતાં મને ખૂબ સાથ – સહકાર મળ્યા અને એ માટે હું કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આભારી છું. કેરળમાં ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ સુધ્ધાં વેગળા પ્રવાહની વધુ ફિલ્મોના પ્રદર્શન – રજૂઆત માટે તૈયાર હોય છે. દર્શકો પણ વિવિધ પ્રકારની ફિલ્મો જોવા ઉત્સુક હોય છે. આપણે નસીબદાર છીએ કે આપણા દેશમાં વિપુલ સંખ્યામાં થિયેટરો છે. વિવિધ પ્રકારની- શૈલીની ફિલ્મોનું સહ અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો