ગાડી બુલા રહી હૈ… સીટી બજા રહી હૈ…
પૈડાંની શોધ પછી બળદગાડું- બાઈસિકલથી લઈને બાઈક-ટ્રામ-ટ્રેન સુધીનાં આ રોજિંદા વાહનો આપણી ફિલ્મોમાં જીવંત પાત્રો બનીને કેવી અચ્છી ને અવનવી ભૂમિકા
અદા કરી રહ્યાં છે..!
ડ્રેસ-ર્સકલ -ભરત ઘેલાણી
આપણી સંસ્કૃતિની ઉન્નતિ-પ્રગતિ કે આજકાલ વધુ પડતો વખોડાઈ ગયેલો શબ્દ ‘વિકાસ’ વાપરીએ તો એનું શ્રેય પૈડાંની શોધને અને એના સતત અવનવા વપરાશને આપવું પડે. પૈડાની શોધના ઈતિહાસમાં અટવાયા વગર એટલું તો કહેવું પડે કે બળદગાડાનાં પૈડાંથી લઈને સુપર જેટ પ્લેનનાં વ્હિલ્સ સુધીની શોધકથા અજાયબ છે. એ વર્તુળાકાર આવિષ્કારને લીધે આજના યુગનાં વિવિધ અને વિભિન્ન વાહનોનો બહોળો ઉપયોગ્ય શક્ય બન્યો છે. આવાં ઉપયોગી વાહન આપણી કળા-સંસ્કૃતિમાં સહજતાથી ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને, ફિલ્મના માધ્યમમાં.
વિદેશની વાત જવા દઈએ તો આપણી હિન્દી ફિલ્મોમાં બળદગાડું-બાઈસિકલ- બાઈક-કાર-છૂકછૂક ગાડી એટલે કે કાળાધબ્બ ધુમાડાં ઓકતી ટ્રેન, વગેરે અવનવાં પ્રતીક બની ગયાં છે. અનેક પ્રેમકથા-વિપ્લવકથા- અપરાધકથા આ પૈડાંયુકત વાહનોની આસપાસ જ રચાયેલી – વણાયેલી છે.
જૂના જમાનાની ફિલ્મોમાં બળદગાડાની બહુમતી હોય એ સમજી શકાય, પણ પછી ગાડાની સમાંતરે દોડતી ધુમાડા કાઢતી ટ્રેન એવું કાઠું કાઢી ગઈ કે આજે પણ એ અણનમ છે. આપણી ઘણી ફિલ્મોમાં ટ્રેન તો અગત્યનું પાત્ર સુધ્ધાં બની ગયું છે.
જરા ઝડપથી આમાંની કેટલીક લોકપ્રિય ફિલ્મો અને એમાં પેશ થયેલાં યાદગાર ટ્રેન-ગીતોનાં નામ જોઈ જઈએ તો દેવ આનંદ-વહિદા રહેમાનની ફિલ્મ: ‘સોલહવા સાલ’નું
‘હે અપના દિલ તો આવારા’ તમને અચૂક યાદ આવી જશે..એ જ રીતે, જેમાં આગમાં સપડાયેલી ટ્રેન જ હીરો કે વિલન છે એ મલ્ટિકાસ્ટ ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’ને
પણ તમે ભૂલી ન શકો..રાજેશ ખન્ના- નંદાની ‘ધ ટ્રેન’ અને રાજેશ ખન્ના- શર્મિલા ટાગોરની ફિલ્મ : ‘આરાધના’નું સદાબહાર ગીત :
‘મૈરે સપનો કી રાની કબ આયેગી તુ..’ને કોઈ કેમ વિસરી શકે? અહીં ટ્રેનની સમાંતરે દોડતી જીપ અને ગુંજતું ગીત અને એવા જ સિનારિયો વચ્ચે વર્ષો પહેલાં શૂટ થયેલું દેવસાબ- આશા પારેખની ફિલ્મ :‘ જબ પ્યાર કિસી સે હોતા હૈ’નું સુપર હિટ સોંગ : જિયા હો જિયા હો..કુછ બોલ દો.. યાદ આવે છેને ?
આવી તો અનેક ફિલ્મો છે,જેની કથા કે ગીત ટ્રેન સાથે સંકળાયેલાં છે,જેમ કે ધર્મેન્દ્રની ‘બહારે ફિર ભી આયેગી’ – કરિનાની ‘જબ વી મેટ’- શાહરુખની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’- રુશી કપૂરની ‘બડે દિલવાલા’ – અમિતાભની ‘કૂલ્લી’ – સલમાનની બજરંગી ભાઈજાન ’અને છેલ્લે છેલ્લે રજૂ થયેલી પરિણિતા ચોપરાની ‘ગર્લ ઓન ધ ટ્રેન’ ..અને આ બધા વચ્ચે ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ પણ ન ભૂલવી જોઈએ
ગામડાની પ્રશ્ર્ચાદભૂમાં હાલતું-ડોલતું ગાડું હોય અને એમાંથી એકાદ ગીત હવામાં ગૂંજતુ હોય એ દ્રશ્ય આપણા શહેરવાળા પણ ચિરપરિચિત છે. એવા માહોલમાં આપણને એક ગીત સૌથી પહેલાં યાદ આવે. એ છે કવિ શૈલેન્દ્ર-રાજકપૂર-વહિદા રહેમાનનું યાદગાર ગીત : ‘સજન રે જૂઠ મત બોલો..ખુદા કે પાસ જાના હૈ..’
આવાં બીજાં ઘણાં બળદગાડાં ગીત છે, પણ ‘તિસરી કસમ’ નું આ અનેક ભાવાર્થવાળું ગીત બહુ જ સહજતાથી દર્શકોને સ્પર્શી જાય છે એમાં કોઈ બે-મત નથી.
એ જ રીતે , ફટફટિયા -સ્કૂટર કે બાઈકનાં પરાકાષ્ઠાનાં ઘણાં દૃશ્યો અને રોમેન્ટિક ગીતો પણ આપણા દર્શકોને આકર્ષે છે. રીતિક રોશનની ‘ધૂમ’ ફિલ્મમાં શ્ર્વાસ અધ્ધર કરી મૂકે એવાં ખતરનાક બાઈકનાં દ્રશ્યો અને ફિલ્મ ‘અંદાઝ’માં રાજેશ ખન્ના-હેમા માલિનીનું બાઈક પર પેલું રોમેન્ટિક સોંગ :
‘જિંદગી હૈ એક સફર સુહાના’ પણ કેવું રોમાંચક અને રોમેન્ટિક છે?!
એ જ રીતે , બ્રિટિશકાળના જમાનાના એક અગત્યના વાહનને પણ તમે સ્મૃતિમાંથી કેમ કાઢી શકો ?
એ વાહન એટલે ટ્રામ.. સમાંતર પાટા પર આસ્તે આસ્તે સરકતી ટ્રામ એ વખતે હૈદરાબાદ- મુંબઈ અને કોલકોત્તામાં ખાસ જનપ્રિય હતી. એમાંય, એ સમયમાં કોલકોત્તા તો ગોરી બ્રિટિશ સલ્તનતનું પાટનગર એટલે ટ્રામનો અહીં ઠસ્સો ઘણો. કાળક્રમે હૈદરાબાદ- મુંબઈમાંથી ટ્રામે વિદાય લીધી,પણ બાબુમોશાયના મહાનગર કોલકોત્તામાં આજની તારીખે પણ ગોકળગતિ ટ્રામ એક અગત્ત્યનું વાહન વ્યવહારનું સાધન બનીને ટકી ગયું છે. આથી બંગાળી ફિલ્મોમાં એની હાજરી સહજ છે. એટલું જ નહીં, મુબઈની ફિલ્મોમાં પણ અવારનવાર ટ્રામ ડોકિયું કરી જાય છે.
બહુ જૂના ઉદાહરણોને ન વાગોળીએ તો નજીકના ભૂતકાળમાં તમને પણ યાદ જ હશે કે ‘પીક્કુ’ ફિલ્મના ભાસ્કરબાબુ અર્થાત આપણા ‘બાબુમોશય’ અમિતાભ આ શહેરની પોતાની જૂની યાદોને તાજી કરવા સાઈકલ સવારી કરી કોલકોત્તાની ટ્રામની આસપાસ કેવા ફરતા રહે છે.. ?!
એ જ રીતે, વિદ્યા સિન્હા પણ એની બહુચર્ચિત ફિલ્મ ’કહાની માં ટ્રામ-પ્રવાસ કરે છે. અમિતાભ-વિદ્યાનાં દૃશ્યોમાં માત્ર ટ્રામ જ નજરે ચઢી, પણ સૈફાઅલી ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘બુલેટ રાજા’નું ખાસ્સુ શૂટિંગ મમતાદીદીનાં મહાનગરમાં થયું ત્યારે કોલકોત્તાનાં વિશેષ તરી આવે એવાં કેટલાંક વાહનો, જેમકે ઘોડાગાડી- હાથરીક્ષા અને ટ્રામ સુધ્ધાંમાં હીરો-હીરોઈનને ફરતાં દર્શાવ્યાં છે !
અહીં એક આડ, પણ મજાની વાત જાણી લઈએ કે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં ટ્રામનાં શૂટિંગ અહીં ચોરંગી વિસ્તારના ધર્મતલ્લા- ખિદરપુરના ટ્રામ રુટ થર્ટી સિક્સ (૩૬) પર જ થાય છે, કારણ કે ત્યાંના લીલાછમ્મ મેદાન પાસેથી ધીમી ગતિએ પસાર થતી બે ડબ્બાની ટ્રામ એક આહ્લાદક દ્રશ્ય સર્જે છે..બાંગ્લા ટુરિઝમ’ના પ્રચાર માટેની ફિલ્મના બ્રાંડ ઍમ્બેસડર તરીકે શાહરુખ ખાને પણ આ ફેમસ ટ્રામ રુટ -૩૬ પર જ એનાં પરાકાષ્ઠાનાં દૃશ્યો શૂટ કરાવ્યાં છે !
આ તબક્કે વિશ્ર્વવિખ્યાત એવા ફિલ્મસર્જક સત્યજિત રાયને પણ જરા યાદ કરી લઈએ.. એમની અનેક ફિલ્મોમાં કોલકોતાના હાથરિક્ષા અને ટ્રામની આવન-જાવન સહજ રહેતી,પણ એમનો વિશેષ લગાવ ટ્રેન સાથે પણ રહ્યો છે. એમની ‘અપ્પુ’ શૃંખલાની ત્રણ ફિલ્મ: ‘પાથેર પાંચાલી’- ‘અપરાજિતો’- ‘અપુર સંસાર’ ને સાંકળી લેતી એક દોડતી જતી ટ્રેન છે. આ ટ્રેનના પ્રતીકને સત્યજિતબાબુએ બખૂબી વાપરીને કમાલ સર્જી છે.આવો જ ટ્રેનનો ઉપયોગ એમણે ‘સોનાર કિલ્લા’ તથા બંગાળના દાદુ અદાકાર ઉત્તમ કુમાર-શર્મિલા ટાગોરની બહુ ચર્ચાયેલી- વખણાયેલી ફિલ્મ : ‘નાયક’ માં પણ કર્યો છે. દિગ્દર્શિત સત્યજિત રાયની આવી ‘ટ્રેન કળા’ વિશે તો એક અલગ લેખ કરવો પડે !
( સંપૂર્ણ)
ટ્રેન – સ્ટેશનનું અસલી-નકલી..
હવે તો મોટાભાગે ટ્રેન કે રેલવે સ્ટેશનનાં શૂટિંગ મૂળ સ્થળે નથી થતાં. હૈદ્રાબાદના ‘રામોજી સ્ટૂડિયો’ માં તો સાચૂકલાં જેવું જ બધું નકલી છતાં આબેહૂબ તૈયાર મળે છે. રેલવે સ્ટેશનથી લઈને ટ્રેનનાં ડબ્બાં અરે, આધુનિક ઍરપોર્ટ સુધ્ધાં રેડીમેડ મળે છે!
અલબત્ત, આમાં અપવાદરુપ સાચુકલાં બે સ્ટેશનની પણ ખાસ્સી ડિમાંડ છે. એક છે મુંબઈ નજીકનું પનવેલ સ્ટેશન, જ્યાં દોડતી ટ્રેનમાં ‘ઢિશૂમ -ઢિશૂમ’નાં દૃશ્યો ફિલ્મ ‘શોલે’ માટે ઝ્ડપાયાં હતાં. બીજું સ્થળ છે મુંબઈથી બે કલાકના અંતરે આવેલું આપ્ટા સ્ટેશન. આસપાસ કુદરતી માહોલ ધરાવતું ઉપરાંત વધારાના ટ્રેન ડબ્બા અને ભાડૂતી પેસેન્જરોની સગવડ પૂરી પાડતું આ સ્ટેશન ફિલ્મ નિર્માતાઓનું એવું માનીતું છે કે સ્ટેશન આપ્ટા વર્ષે દહાડે આશરે ૫૮-૬૦ લાખની કમાણી કરે છે..અને હાં, કાજોલ -શાહરુખની ફિલ્મ: ‘દિલવાલે દુલ્હનીયા..’નું દોડતી ટ્રેનનું પેલું પરાકાષ્ઠાનું યાદગાર દૃશ્ય આ આપ્ટા સ્ટેશન પર જ ઝડપાયેલું છે!