ડોક્યુમેન્ટરીઓના રમૂજી ‘દસ્તાવેજ’
મહેશ નાણાવટી
જેકી શ્રોફ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘સમંદર મેં ક્લોઝ-અપ’ નામનો એક રૂઢિપ્રયોગ છે. એની પાછળની કહાણી બડી દિલચસ્પ છે.
આ એ દિવસોની વાત છે જ્યારે ‘ફિલ્મ ડિવિઝન’ નામના સરકારી તંત્ર દ્વારા સરકારી ડોક્યુમેન્ટ્રીઓ બનતી હતી. એમાં અનેક વાર એવું થતું કે જે તે સરકારી ખાતાના તજજ્ઞ એટલે કે એક્સ્પર્ટ હોય એ જ ડિરેક્ટર હોય! ‘ફિલ્મ ડિવિઝન’ તરફથી તો કેમેરામેન, ગ્રાઉન્ડ રેકોર્ડિસ્ટ, સ્પોટ-બોય વગેરે આપવામાં આવતાં.
આવી જ એક ડોક્યુમેન્ટ્રી સરકારના ‘ફિશરિઝ ડિપાર્ટમેન્ટ’ યાને કે મત્સોદ્યોગ મંત્રાલય દ્વારા બનેલી, પરંતુ એમાં કંઈક વધારાનું શૂટિંગ કરવાની જરૂર જણાઈ એટલે ફિલ્મ ડિવિઝનમાં કેમેરામેન તરીકે નોકરી કરતાં એક ડી. બી. મૂર્તિને મોકલવામાં આવ્યા.
મૂર્તિ પહોંચ્યા ત્યારે એક મોટરબોટ મુંબઈના બંદરગાહ ઉપર તૈયાર હતી. એમાં ડોક્યુમેન્ટ્રીના ડિરેક્ટર ઉપરાંત બે ત્રણ માછીમાર બનેલા એક્ટરો પણ હતા. મોટર બોટ ઉપડી… દરિયામાં આગળ આગળ જવા લાગી.
કેમેરામેન મૂર્તિએ પૂછયું : ‘હજી કેટલા આગળ જવાનું છે?’ ડિરેક્ટર સાહેબ કહે :‘ઔર આગે જાના હૈ… અગાઉ શૂટિંગ થયું હતું ત્યારે થોડા શોટ્સ લેવાના રહી ગયા હતા એટલે એ જ ઠેકાણે જવું પડશે.’
આખરે પૂરા એક કલાકની દરિયાઈ મુસાફરી પછી પેલા સરકારી ડિરેક્ટર બોલ્યા: ‘યહાં રોકો…’ મોટરબોટ થંભી ગઈ. ડિરેક્ટર સાહેબ કહે છે ‘યહાં ઇન દોનો આર્ટિસ્ટોં કા બારી બારી સે ક્લોઝ-અપ લેના હૈ. આ સાંભળીને કેમેરામેન મૂર્તિ પૂછે છે: ‘બેકગ્રાઉન્ડ મેં ક્યા દિખાના હૈ?’
જવાબમાં પેલા ફિશરિઝ ડિપાર્ટમેન્ટના અધિકારી કહે છે ‘બેક ગ્રાઉન્ડ મેં સ્કાય રહેગા!’
મૂર્તિએ આ સાંભળીને પોતાનું કપાળ કૂટ્યું! કેમ કે જો ક્લોઝ-અપ જ લેવાના હતા અને બેકગ્રાઉન્ડમાં આકાશ જ બતાડવાનું હતું તો એ કામ કોઈપણ મકાનના ધાબા ઉપર જઇને થઇ શક્યું હોત!
એટલે જ જ્યારે કોઈ ફિલ્મનું યુનિટ છેક ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ કે પેરિસમાં જઈને આખરે મામૂલી ડ્રોઇંગરૂમનાં જ દૃશ્યો શૂટ કરે છે તો એને કહેવાય છે: ‘સમંદર મેં ક્લોઝ-અપ!’
ફિલ્મ ડિવિઝનની ડોક્યુમેન્ટ્રીનો એક કિસ્સો તો નાનકડી જોક જેવો છે. એમાં મામલો એવો હતો કે પશુપાલન વિશેની ડોક્યુમેન્ટ્રી માટે કોઈ ગાય-ભેંસના તબેલામાં જઈને શૂટિંગ કરવાનું હતું. કેમેરામેને હંમેશની ટેવ મુજબ ડિરેક્ટરને પૂછવાનું હોય છે : ‘સર, કેમેરા કહાં લગાઉ?’
તો આ વખતના સરકારી અધિકારી
કહે છે:
‘કોઈ ભી સાફ-સુથરી જગા દેખકર લગા લો!’ હવે તબેલામાં જ્યાં છાણ-પેશાબ અને ઘાસનો પથારો હોય ત્યાં ‘સાફ-સુથરી’ જગ્યા ક્યાં શોધવી? છેવટે કેમેરામેને વીસ કિલોનો કેમેરો પોતાના ખભે જ ઉપાડી લીધો!
સરકારી એક્સ્પર્ટ અધિકારીઓ કેટલા ડફોળ હોય છે એની સામે શીખાઉ સ્ટુડન્ટો કેટલા ચાલાક હોય છે તેનો એક મજેદાર કિસ્સો છે.
અમદાવાદની એક ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ, જેનાં ફિલ્મ એન્ડ વિડિયો ડિપાર્ટમેન્ટમાં એક ડોક્યુમેન્ટ્રી બનાવવાની વર્કશોપ યોજાઈ હતી. એમાં યુજી અને પીજી એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ હતા. બંને ગ્રૂપો અલગ અલગ હતાં છતાં જોગાનુજોગે એવું બન્યું કે બંને બેચના એક-એક ગ્રૂપે ‘ગુજરાતી દારૂબંધી’ વિશે ડોક્યુમેન્ટ્રી બનાવવાનું નક્કી કર્યું. પીજી બેચના જે સ્ટુડન્ટો હતા એ તો અગાઉ એન્જિનિયરિંગ, આઈટી કે લિટરેચરમાં ડીગ્રી લઈને આવેલા મેચ્યોર સ્ટુડન્ટો હતા. જ્યારે યુજી બેચમાં હજી બારમું ધોરણ પાસ કર્યા પછી માત્ર દોઢ વર્ષ ડિઝાઈનિંગ શીખેલા સ્ટુડન્ટો હતા.
હવે બંને ટાઈપના સ્ટુડન્ટોનો અલગ અલગ એપ્રોચ જુઓ… પીજીવાળાએ આખી સમસ્યાનાં ગંભીર ડિસ્કશનો કરીને, મોટા મોટા ચાર્ટ બનાવીને અમુક સામાજિક અને કાયદાકીય ‘ઈશ્યૂઝ’ તારવીને અલગ કર્યા. આ સ્ટુડન્ટ્સ અમદાવાદમાં દારૂ સપ્લાય કરનારા બૂટલેગરો, ટપોરીઓ ઉપરાંત પોલીસોના ઈન્ટરવ્યૂ કરવા માગતા હતા, પણ સામેવાળાને જેવી ગંધ આવે કે ‘આ તો પોલ-ખોલ ડોક્યુમેન્ટ્રી છે…’ તો એ લોકો કંઇ બોલે જ નહીં!
બીજી બાજુ યુજી બેચના ટીન-એજરોએ શું કર્યું? ચાર પાંચ છોકરા- છોકરીઓએ એક ચોક્કસ વિસ્તારના પોલીસ સ્ટેશને જઇને કહ્યું કે ‘સર, અમે દારૂથી થતા નુકસાન વિશે એક ડોક્યુમેન્ટ્રી બનાવીએ છીએ તો પોલીસ તરફથી શું કાર્યવાહીઓ છે અને સમાજને પોલીસ શું સંદેશો માગે છે એવું શૂટિંગ કરવું છે.’
પોલીસવાળા હોંશે હોંશે તૈયાર થઇ ગયા. એમનાં નિવેદનો વગેરે રેકોર્ડ થઈ ગયા પછી સ્ટુડન્ટો માટે ચા-પાણી મંગાવવામાં આવ્યાં. આ ચા-નાસ્તા દરમિયાન મોટા સાહેબની વિદાય પછી વિદ્યાર્થીઓએ હળવા મિજાજમાં જુનિયર સ્ટાફને પૂછવા માંડ્યું કે ‘સર, ખરેખર પરિસ્થિતિ શું હોય છે? અમે તો ગુજરાત બહારના સ્ટુડન્ટો છીએ…’
અહીં ભજિયાં- દાળવડાંની મહેફિલ માણતા જુનિયર સ્ટાફે વટાણા વેરવા માંડયા. છોકરાઓ પણ ચાલાક, એટલે ‘ક્યા બાત હૈ? સચ મેં? ઔર બતાઓ ના?’ એમ કરી કરીને એમને ચગાવી માર્યા… હકીકતમાં તે વખતે ટ્રાઈપોડ ઉપર મુકી રાખેલો કેમેરો ચાલુ જ હતો!
જો કે શૈક્ષણિક સંસ્થાએ બનાવેલી એ ડોક્યુમેન્ટ્રી માત્ર અને માત્ર શિક્ષણના હેતુથી બની હતી એટલે કદી બહાર ‘લીક’ થઇ નહીં! બાકી જો થઇ હોત તો ખરા અર્થમાં ‘જોવા જેવી’ થઈ હોત!
હવે જો ‘લીક’ થયેલા ફૂટેજની વાત કરીએ તો ૧૯૯૮માં પોલિયોના ડોઝ માટેની એક જાહેર અપીલના શૂટિંગ વખતે જેકી શ્રોફને માંડ ચાર લાઈન બોલવાની હતી, છતાં એના વારંવાર પોતાની ભૂલ થતાંની સાથે તે જે ‘ગાળો’ બોલ્યા, એના એનજી શોટ્સ, (એટલે કે ‘નોટ ગુડ’ શોટ્સ) જેને કાઢીને રદ્દીમાં નાખી દેવાના હોય એને બદલે તેને જોડીને કોઈએ યુ-ટ્યુબ ઉપર ચડાવી દીધા છે! એ સેન્સર કરવાના જેકી શ્રોફના શોટ્સ આજે પણ તમે ત્યાં જોઈ શકો છો… વાયરલ થયેલાં એ શોટસ અત્યાર સુધીમાં ૩૫ લાખ લોકો તો જોઈ જ ચૂક્યા છે!