મેટિની

એફટીઆઈઆઈ રોલ કૅમેરા, સાઉન્ડ, એક્શન!

પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસને પગલે અભિનેતા ઉપરાંત કુશળ ફિલ્મમેકરો પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યા

હેન્રી શાસ્ત્રી

રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણસાલી, શ્રીરામ રાઘવન

‘ઓશો’ શ્રી રજનીશનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. તેઓ એક એવા વ્યક્તિ હતા જેની સાથે તમે સહમત થઈ શકો – અસહમત સુધ્ધાં થવાય પણ તેમની અવગણના ન કરી શકાય. પુણેની એફટીઆઈઆઈના ગ્રેજ્યુએટ્સનું પ્રદાન પણ એવું રહ્યું છે જેની અવગણના ન થઈ શકે – ન કરવી જોઈએ. ગયા હપ્તામાં એફટીઆઈઆઈની તાવડીમાં તૈયાર થઈ બહાર પડેલા નામી અભિનેતા – અભિનેત્રીઓ વિશે જાણ્યું. આ કલાકારોની યાદી લાંબી છે જેમાં રાજકુમાર રાવ, શત્રુઘ્ન સિંહા, ડેની ડેનઝોંગ્પા, અસરાની, મિથુન ચક્રવર્તી ઈત્યાદિનો સમાવેશ છે. હવે એફટીઆઈઆઈની ચાળણીમાં ચળાઈને તૈયાર થયેલા કેટલાક ફિલ્મમેકરોથી પરિચિત થઈએ. આ એવા મેકરો છે જેમના યોગદાનથી જે તે સમયની પેઢી પ્રભાવિત થઈ છે, હવે પછી પણ થતી રહેશે. એમની કળાની પ્રશંસા કરનારા છે – ટીકા કરવાવાળા સુધ્ધાં મળી આવે, પણ તેમની અવગણના નહીં થઈ શકે. એમના યોગદાનને અમરત્વ પ્રાપ્ત થયું છે.

રાજકુમાર હિરાણી: પ્રારંભમાં એડવર્ટાઇઝિંગ ફિલ્મ જગતમાં કાઠું કાઢનારા હિરાણીને એક્ટર બનવું હતું. કોલેજકાળમાં અભિનય માટે પ્રીતિ થઈ હતી. જોકે, એફટીઆઈઆઈમાં એક્ટિંગ કોર્સમાં એડમિશન ન મળ્યું. ડિરેક્શન કોર્સની કોશિશ પણ નિષ્ફળ રહી અને એટલે ભાઈ સાહેબ એડિટિંગ કોર્સમાં જોડાઈ ગયા. ફિલ્મ એડિટિંગમાં ઝળકી ઉઠ્યા પછી વિધુ વિનોદ ચોપડાને કારણે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ (૨૦૦૩) બનાવવાની તક મળી. એક પણ ફ્લોપ ફિલ્મ જેમના નામ સામે નથી બોલતી એવા રાજકુમાર હિરાણી છેલ્લાં ૨૦ વર્ષમાં એફટીઆઈઆઈનું આભૂષણ સાબિત થયા છે.
સંજય લીલા ભણસાલી: સંજય ભણસાલીની ફિલ્મોમાં નાટ્યાત્મકતા ભારોભાર હોય છે અને એફટીઆઈઆઈમાં એમનો પ્રવાસ પણ નાટ્યાત્મક રહ્યો હતો. ડિરેક્શન કોર્સમાં તેમને પ્રવેશ તો મળી ગયો,પણ કોર્સ પૂરો થાય એ પહેલા તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. સહપાઠીઓ સાથે તીવ્ર મતભેદ અને એ સમયના ઈન્સ્ટિટ્યૂટ ડિરેક્ટર સાથે વાંધો પડતા તેમના માટે ‘નો એન્ટ્રી’નું બોર્ડ લાગી ગયું હતું. ‘પરિંદા’ અને ‘૧૯૪૨: અ લવસ્ટોરી’માં વિધુ વિનોદ ચોપડાના સહાયક તરીકે કામ કર્યા પછી ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ ડિરેક્ટ કરી જાણીતા બન્યા. ત્યારબાદ પિરિયડ ફિલ્મોમાં નામ કાઢ્યું અને આજની તારીખમાં આદરણીય ફિલ્મમેકર તરીકે નામના ધરાવે છે.

શ્રીરામ રાઘવન: એફટીઆઈઆઈમાં ગ્રેજ્યુએશન
કર્યા પછી ‘રામન રાઘવ’ નામની ડોક્યુમેન્ટરી બનાવી જેનાથી પ્રભાવિત થઈ રામગોપાલ વર્માએ તેને ‘એક હસીના થી’ ફિલ્મનું ડિરેક્શન સોંપ્યું હતું. સૈફ અલીખાન અને ઉર્મિલા માતોંડકરની આ થ્રિલરની રજૂઆતે શ્રીરામ
રાઘવન જુદી માટીનો દિગ્દર્શક હોવાનું સિદ્ધ કર્યું હતું. ‘જોની ગદ્દાર’, ‘એજન્ટ વિનોદ’, ‘બદલાપુર’ જેવી ફિલ્મોએ નામના વધારી અને ‘અંધાધૂન’થી સિને રસિકોની આંખો અંજાઈ ગઈ.

સાઉથનો સથવારો
અદૂર ગોપાલક્રિષ્ણન: તમિલ અને તેલુગુ ફિલ્મોની સરખામણીએ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વાજાં ઓછા વાગે છે. જોકે, આ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે માનપાન મેળવવામાં સફળ રહી છે. ૧૯૬૦નો દાયકો મલયાલમ ઈન્ડસ્ટ્રીનો સુવર્ણ સમય ગણાયો છે. ૨૦ વર્ષની ઉંમરે ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી અને સરસ મજાની સરકારી નોકરી મળી. જોકે, કંટાળીને કે અન્ય કોઈ કારણસર નોકરી છોડી અને ફિલ્મ લેખન અને દિગ્દર્શન શીખવા ૧૯૬૨માં એફટીઆઈઆઈમાં એડમિશન લીધું. ગોલ્ડ મેડલ સાથે સર્ટિફિકેટ મેળવ્યું અને ફિલ્મ મેકિંગનો સઘન અભ્યાસ કર્યો. ચાર નેશનલ એવૉર્ડ મેળવનાર પહેલી જ ફિલ્મ ‘સ્વયંવરમ’ (૧૯૭૨) મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સીમાચિહ્ન સાબિત થઈ. ઘર આંગણે રસિકોએ પીઠ થાબડી, વિદેશમાં મોસ્કો, મેલબર્ન, લંડન, પેરિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી. ચાલીસેક વર્ષમાં માત્ર ડઝન ફિલ્મ બનાવી અદૂર ગોપાલક્રિષ્ણન સંખ્યા નહીં ગુણવત્તા મહત્ત્વ ધરાવે છે એ માન્યતાને સાર્થક કરે છે. એમની લગભગ બધી ફિલ્મો વેનિસ, કાન અને ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ છે. ૧૬ નેશનલ એવૉર્ડ (માત્ર સત્યજિત રાય તેમના કરતા આગળ છે) અને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સહિત અનેક એવૉર્ડ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા સત્યજિત રાય અને મૃણાલ સેનની પંગતમાં તેઓ બિરાજમાન છે. ધાર્મિક અને રાજકીય કટ્ટરવાદના વિરોધી એવા આ ફિલ્મ મેકરના ચિત્રપટ જોવા – જાણવા જોઈએ.

ગિરીશ કાસરવલી: ક્ધનડ સિનેમાના સરતાજની ઓળખ ધરાવતા ગિરીશ કાસરવલી અદૂર ગોપાલક્રિષ્ણન સાથે સામ્ય ધરાવે છે. શ્રી કાસરવલી ૧૯૭૨માં ફાર્મસીના વ્યવસાય સાથે છેડો ફાડી એફટીઆઈઆઈમાં જોડાઈ ગયા. ઉચ્ચાંક સાથે સર્ટિફિકેટ મેળવી ૧૯૭૭માં પહેલી જ ફિલ્મ ‘ઘટશ્રાદ્ધ’ માટે નેશનલ એવૉર્ડ અને કેટલાક આંતરરાષ્ટ્રીય સન્માન પણ મેળવ્યા. એફટીઆઈઆઈમાં અકિરા કુરોસાવા, સત્યજિત રાય, ફેડરિકો ફેલીની જેવા વિશ્ર્વવિખ્યાત ફિલ્મમેકરોના કામ નજીકથી જોવાનો લ્હાવો મળ્યો અને એના પરિપાકરૂપે ડઝન નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મો આપણને મળી. આજે લોકો ‘કેજીએફ ચેપ્ટર ૧ – ૨’ અને ‘કાંતારા’ ફિલ્મોથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જાણે છે, પણ આ ઈન્ડસ્ટ્રીમાં પાયાનું અને એ પણ સત્વશીલ કામ કરનારા કાસરવલી જેવા મેકરથી મોટેભાગે અજાણ છે એ અફસોસ સાથે સ્વીકારવું રહ્યું. (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button