આઈટમ સોન્ગ્સના આરંભથી અત્યાર સુધી…
ભારતીય સિનેમાનાં આઈટમ સોન્ગ્સમાં આઈટમ ગર્લથી લઈને સ્ટાર કેમિયો સુધીનો બદલાવ રસપ્રદ છે
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ગયા સપ્તાહે આપણે આઈટમ સોન્ગ્સના ઇતિહાસ વિશે વાત કરી રહ્યા હતા. તેની મસ્તીભરી દુનિયા નહીં, પણ તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તેમાં આવેલા અર્થપૂર્ણ બદલાવો વિશે વાત કરવાનો આપણો આશય હતો. આઈટમ સોન્ગ્સની શરૂઆતના સમયમાં કઈ રીતે તેનો ફિલ્મમાં ઉપયોગ થતો અને તેમાં કોનું કાસ્ટિંગ કરવામાં આવતું તેની આપણે ચર્ચા કરી. એ પછીના સમયગાળામાં તેમાં કેવો ફેરફાર થયો એ વિશેની માહિતીસભર વાતો આજે કરીએ.
એંશી અને નેવુંના દાયકામાં આઈટમ ગર્લનું પાત્ર ધીરે ધીરે વેમ્પમાંથી ફિલ્મ્સની મુખ્ય અભિનેત્રીમાં રૂપાંતરિત થવા લાગ્યું હતું. ઝીનત અમાન ‘કુરબાની’ (૧૯૮૦) અને ‘શાલીમાર’ (૧૯૭૮), ‘પરવીન બાબી શાન’ (૧૯૮૦) અને ‘નમક હલાલ’ (૧૯૮૨) અને માધુરી દીક્ષિત ‘તેઝાબ’ (૧૯૮૮) અને ‘સૈલાબ’ (૧૯૯૦)માં આઈટમ સોન્ગ્સમાં નૃત્ય કરતાં જોવાં મળવા લાગ્યાં હતાં. જે આઈટમ સોન્ગ્સ ત્યાર સુધી ફિલ્મની મુખ્ય વાર્તામાં સામેલ ન હોય તેવી અભિનેત્રી કે ડાન્સર કરતી હતી એ હવે ફિલ્મની મુખ્ય હિરોઈનના હિસ્સે આવી ગયા એટલે જ એ ગીતો ફિલ્મની મુખ્ય વાર્તામાં પણ ઉમેરાતા ગયા. જેમ કે ખલનાયક’ ફિલ્મના માધુરી દીક્ષિતના ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતમાં આઈટમ ગર્લ અને ડાન્સ ઉપરાંત વાર્તા પણ એક મહત્ત્વનો ભાગ છે. તેમાં માધુરીનું પાત્ર એક અંડર કવર પોલીસ અધિકારીનું છે, પણ તે સોન્ગમાં એક ડાન્સર તરીકે આવે છે. એ રીતે આઈટમ સોન્ગનો ઉપયોગ ફિલ્મની વાર્તામાં પણ આ બદલાવથી ગંભીરતાથી લેવાતો થયો.
આઈટમ સોન્ગ્સના ઇતિહાસમાં આવેલો આ મહત્ત્વનો બદલાવ લાંબો સમય ટક્યો. એ પછી સમય આવ્યો વધુ એક નોંધપાત્ર ફેરફારનો. ‘બોમ્બે’ ફિલ્મમાં મણીરત્નમે સોનાલી બેન્દ્રેને ‘એક હો ગયે હમ ઓર તુમ’માં ફક્ત સોન્ગ માટે કાસ્ટ કરી. આ સાથે ફિલ્મમાં ન હોય એવી હીરોઈનને, મતલબ કે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરતી બીજી હીરોઈન્સને ફક્ત ફિલ્મમાં એક આઈટમ સોન્ગમાં કેમિયો કરવા માટે કાસ્ટ કરવાનો રિવાજ શરૂ થયો. બંટી ઓર બબલી’ (૨૦૦૫)ના એશ્ર્ચર્યા રાયના કજરા રે’ સોન્ગ હોય કે પછી ‘ઓમકારા’ (૨૦૦૬) ફિલ્મનું બિપાશા બાસુનું બીડી જલઈ લે’ સોન્ગ હોય કે પછી શાહરુખ ખાન અભિનીત ‘ડોન’ (૨૦૦૬) ફિલ્મનું કરીના કપૂર ખાનનું ‘યે મેરા દિલ’ હોય કે પછી ‘દબંગ’ (૨૦૧૦) ફિલ્મનું મલાઈકા અરોરાનું ‘મુન્ની બદનામ હુઈ’ ગીત હોય આ બધા જ એ ટ્રેન્ડના ઉદાહરણો છે.
ધીમે ધીમે આ ટ્રેન્ડ સાથે ફિલ્મ્સમાં આ ગીતોના મહત્વ ઉપરાંત તેમાં કોણ કાસ્ટ થયું છે અને તે સ્ટારની શું કિંમત છે એનાથી પણ મહત્વ વધતું ચાલ્યું.
જોકે, આઈટમ સોન્ગ્સનો ઇતિહાસ એટલે ફક્ત આઈટમ ગર્લનું પાત્ર કે કાસ્ટિંગ જ નહીં, તેના વિઝ્યુઅલ્સ અને લિરીક્સમાં આવેલો બદલાવ પણ ખરો. દૃશ્યો અને ગીતના શબ્દોમાં પણ ‘સ્ત્રી ઉપભોગની વસ્તુ છે’ એ રીતેની રજૂઆત થતી. જેમ કે ‘મુન્ની બદનામ હુઈ’માં મુન્ની પોતે જ પોતાને આઈટમ કહે છે. કેટરીના કૈફ ‘શીલા કી જવાની’માં એવા જ ટાઇટલ વર્ડ્સ ઉપરાંત ‘તેરે હાથ કભી ના’ જેવા શબ્દો પર ડાન્સ કરે છે. જોકે કેટરીના કૈફને તો આઈટમ સોન્ગ શબ્દ સામે જ વાંધો છે એવું તે ઘણી વખત દર્શાવી ચૂકી છે. એના કહેવા પ્રમાણે શ્રીદેવી કે માધુરી દીક્ષિત જેવી ફિમેલ ડાન્સર સુંદર ને સેક્સી હોય તો એમને ફક્ત એક આઈટમ તરીકે ન જોવી જોઈએઆ શબ્દનો પ્રયોગ ન થવો જોઈએ અને અભિનેત્રીમાંથી જો કોઈને એવું લાગે કે કોરિયોગ્રાફર દ્વારા એને ઉપભોગની દૃષ્ટિએ રજૂ કરવામાં આવી રહી છે તો એમણે એ ગીત ન કરવું જોઈએ.હા, તમે પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે ડાન્સ કરો છો તો એ ખરાબ વસ્તુ નથી, સુંદર વસ્તુ છે!
સ્ટાર હિરોઈન્સના આઈટમ સોન્ગ્સ વિશે એક અન્ય મંતવ્ય પણ છે. ‘દબંગ ૨’ (૨૦૦૨)માં કરીના કપૂર ખાને ‘ફેવિકોલસે’ ગીતમાં ડાન્સ કર્યો ત્યારે શબાના આઝમીએ તેમ કહીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી કે જ્યારે કોઈ ટોપની હિરોઈન આવી રીતે ગીતમાં ‘મૈં તો તંદુરી મુર્ગી હું યાર, ગટકા લે સૈંયા આલ્કોહોલ સે આવા શબ્દો ઉપર ડાન્સ કરે તો એ હસવાની નહીં એક ગંભીર બાબત છે.
અહીં સાથે સાથે નોંધવા જેવી બીજી એક બાબત એ પણ છે કે જે સમંથાએ ‘કોફી વિથ કરણ’માં જે આઈટમ સોન્ગની વાત કરી એ ઊ અંટવા’માં કામ કરવાની તો એણે શરૂઆતમાં ના પાડી હતી, પછી એ જ ગીત માટે એણે પાંચ કરોડ રૂપિયા લીધાં હતાં. શરૂમાં અમુક ડાન્સ સ્ટેપને લઈને પણ એને વાંધો હતો, પરંતુ અલ્લુ અર્જુને એને ખૂબ સમજાવી ત્યારે એણે તૈયારી બતાવી. જે ડાન્સ માટે એને વાંધો હતો એ દર્શાવે છે કે એ ગીતમાં સ્ટેપ્સની ઇન્ટેન્સિટી-તીવ્રતા કેવી હતી અને સ્ત્રીઓને એ કેવી રીતે પડદા ઉપર બતાવવામાં આવે છે. ઓન સ્ક્રીન એવા સ્ટેપ્સ સામેનો વાંધો એ પણ દર્શાવે છે કે સ્ત્રીને ઓફ સ્ક્રીન કઈ રીતે જોવામાં આવે છે. અને એટલે જ આ સમયમાં જયારે ફેમિનિઝમની ચર્ચા એક ઊંચાઈ પર છે ત્યારે આટલાં વર્ષોના ઇતિહાસ પછી આઈટમ સોન્ગને આઈટમ સોન્ગ કહેવામાં આવે કે સ્ત્રીઓને આઈટમ કહેવામાં આવે એ સ્ત્રીને ઊતરતી કક્ષાની ગણાતી હોય તેવું પણ લોકોને લાગવા માંડ્યું છે.
આ સાથે એક રસપ્રદ બીજી બાબત એ પણ ખરી કે ફક્ત હિરોઈન જ નહીં, હીરો લોકોએ પણ આઈટમ સોન્ગ્સમાં ‘આઈટમ બોય’ તરીકે કામ કર્યું છે, જેમ કે ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭) ફિલ્મમાં શાહરુખ ખાને ‘દર્દ-એ-ડિસ્કો’ ગીત કર્યું હતું. ઐયા (૨૦૧૨) ફિલ્મમાં પુથ્વીરાજ સુકુમારને ‘ડ્રીમમ વેકપ્પમ’ ગીતમાં ડાન્સ કર્યો હતો. આ બંને એક્ટર પણ ફિલ્મ્સમાં લીડ રોલમાં કામ કરનાર એક્ટર જ છે.
અત્યારના અને આવનાર સમયના આઈટમ સોન્ગ્સની શક્યતા વિશે વાત કરીએ તો હજુ પણ કમર્શિયલ ઇન્ડિયન સિનેમામાં ગ્લેમર માટે આવાં ગીતો ફિલ્મ્સમાં જોવા મળે જ છે, લિરિક્સમાં વાંધાજનક શબ્દો પણ જોવા મળે જ છે એટલે ભવિષ્યમાં પણ આ ચીજ એક કે બીજા પ્રકારે લોકોનું આકર્ષણ બની જ રહેશે તેવું લાગે છે તો આખી વાતનો સારે એ છે કે આઈટમ સોન્ગ્સ કંઈ એમ તરત ગાયબ નથી થઈ જવાના. ઓડિયન્સને પણ એ જોવા ગમે છે. એવાં ગીતો જોવા સાંભળવા અને તેના શબ્દો પર ડાન્સ શીખવાનું અને કરવાનું ગમે છે. અને આજના ફિલ્મમેકર્સને પણ ખબર છે કે તેના કારણે ટિકિટ્સ વેચાતી હોય તો એ એક કમર્શિયલ સિનેમાનો જ ભાગ છે. લાસ્ટ શોટ કરીના કપૂર ખાનનું‘ યે મેરા દિલ’ ગીત હેલનના જ આઈટમ સોન્ગનું રિમેક વર્ઝન છે.